પિતાની દુકાન લઈ લીધા બાદ મોટાભાઈ મારા ભાગના ઘરમાંથી પણ માંગે છે હિસ્સો

30 May, 2019 12:34 PM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

પિતાની દુકાન લઈ લીધા બાદ મોટાભાઈ મારા ભાગના ઘરમાંથી પણ માંગે છે હિસ્સો

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ: સાઉથ મુંબઈની ચાલીમાં મારો ઉછેર થયો હતો. માતાપિતા તો મર્યા ત્યાં સુધી ત્યાં જ રહ્યાં, પણ અમે બે ભાઈઓ છૂટાં પડીને પશ્ચિમનાં પરાંઓમાં રહેવા આવી ગયા હતા. પોતપોતાનાં ઘરો માટે અમારે લોન લેવી પડેલી અને થોડાક પૈસાની મદદ અમને બન્નેને બાપાએ કરેલી. હાલમાં પિતાની મિલકત માટે અમારી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મારા પિતાના નામે ઘર અને દુકાનનો ગાળો બન્ને છે. તેમણે મૌખિક રીતે કહેલું કે ઘર નાના દીકરાને એટલે મને મળશે અને દુકાનનો ગાળો મોટા ભાઈને. આમેય એ ગાળામાં મોટા ભાઈનું કામકાજ પહેલેથી જ ચાલી રહ્યું હતું એટલે મને કોઈ વાંધો પણ નહોતો. જોકે હવે બાપાના ગયા પછી નવી વાત નીકળી છે. જ્યારે પચીસેક વર્ષ પહેલાં બાપાને ધંધામાં તકલીફ આવેલી અને ઘર ગીરવી મૂકવું પડેલું. એ ગીરવી ઘર અમે કમાતા થયા પછી બન્ને ભાઈઓએ થોડીક-થોડીક રકમ એકઠી કરીને છૂટું કરાવેલું. આ જ કારણસર હવે મારો ભાઈ કહે છે કે ઘરને છૂટું કરવામાં મારો પણ ભાગ છે એટલે એમાંથી પણ મને પચાસ ટકાનો હિસ્સો આપ. હવે એ જૂનું ઘર રીડેવલપમેન્ટમાં જવાનું હોવાથી ઘરની કિંમત વધુ આવે એમ છે એટલે તેની નિયત ખરાબ થઈ છે. મેં તેને કહેલું કે તે ગીરવી મૂકેલા ઘરને છૂટું કરવા માટે જેટલી રકમ આપેલી એ હું તને આપી દઉં પણ તેને એ મંજૂર નથી. તે મને સમાજમાં બદનામ કરવાનો ડર બતાડે છે. મારે બે દીકરીઓ છે એટલે ચિંતા થાય છે. તેની આમેય સમાજમાં કોઈ શાખ નથી. તે પોતે બેપાંદડે ન થઈ શક્યો હોવાથી હવે મારા ભાગે આવેલી મિલકતમાં પણ તેને ભાગ જોઈએ છે. મારે શું કરવું જોઈએ?

જવાબ: બને ત્યાં સુધી આવા મિલકતના ઝઘડાનો ઉકેલ કોઈ પણ એક પક્ષની વાત સાંભળીને ન આપી શકાય. તમે માત્ર તમારા જ દૃષ્ટિકોણને રજૂ કર્યો છે. જોકે હું માનું છું કે આવા કૌટુંબિક વિખવાદોમાં માત્ર એક જ હાથે તાળી નથી પડતી. આખાય કેસમાં કોઈક એવી બાબત છે જેનો ઉલ્લેખ કે ચર્ચા તમારા પત્રમાં નથી થઈ.

કાયદાકીય રીતે જોઈએ તો પપ્પાની ઇચ્છા મુજબ ભાઈને દુકાનનો ગાળો મળે અને તમને ઘર એ વાત સ્પષ્ટ છે, પરંતુ એ મૌખિક વિલ હતું, લેખિત નહીં. મૌખિક વિલનું કેટલું મહત્વ હોય એ સમજવા તમારે પ્રૉપર્ટીના નિષ્ણાત વકીલને જ કન્સલ્ટ કરવા જોઈએ.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડની સુંદરતા અટ્રેક્ટ કરે છે પણ વર્તન અકળાવે છે શું કરું?

હું અહીં જે વાત કરી શકું એ કાયદાકીય નહીં, પણ નૈતિક ધોરણની હોઈ શકે. કાયદો ભલે કહેતો હોય કે તમામ સંતાનોને એકસરખો મિલકતમાં હક મળવો જોઈએ, પણ મને હંમેશાં લાગ્યું છે કે માતાપિતાની સંપત્તિ હંમેશાં સંતાનોની જરૂરિયાતના આધારે વહેંચાવી જોઈએ. જેની જેવી જરૂરિયાત હોય એ મુજબ તેને બાપીકી મિલકત મળે. વારસા માટે વિવાદ કરવાથી બન્ને પક્ષોને નુકસાન થાય છે. એમાં તમે નજીકના અને લોહીના સંબંધોને પણ ખોઈ બેસો છો અને સંપત્તિ પણ. આવી બાબતે કોર્ટે ચડવાથી વકીલોને જ ફાયદો થાય છે, સામાન્ય નાગરિકોને નહીં. બીજું, કજિયા કરીને મેળવેલી સંપત્તિ કદી સુખ નથી આપી શકતી. માફ કરજો, કદાચ કડવું લાગશે પણ તમારા પિતા જેમ સંપત્તિ અહીં મૂકીને જતા રહ્યા છે એમ તમે પણ એક દિવસ જતા રહેવાના છો એ યાદ રાખવું જરૂરી છે. બને તો સમાજના કોઈ ડાહ્યા માણસની હાજરીમાં બન્ને ભાઈઓની જરૂરિયાત મુજબ વહેંચણી કરી લેવી જોઈએ.

columnists sex and relationships life and style