સાળાનો બંધ ધંધો શરૂ કર્યો સેટ થયા પછી, ખોટી આળ લગાવીને મને બદનામ કરે છે

31 May, 2019 09:56 AM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

સાળાનો બંધ ધંધો શરૂ કર્યો સેટ થયા પછી, ખોટી આળ લગાવીને મને બદનામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ: મારી ઉંમર ૪૩ વર્ષ છે. પરણીને બે સંતાનોનો સુખી પરિવાર હતો. અત્યાર સુધી જીવનમાં મેં જે ધારેલું એ હું મેળવી શક્યો છું, પરંતુ ખબર નહીં, મારા ધંધાકીય પાર્ટનરે મને દગો દેતાં મારું ઘર-ધંધો અને સંબંધો બધું જ ઠેબે ચડી ગયું છે. મારો પાર્ટનર મારો સાળો છે. પાંચ વર્ષ પહેલાં મેં તેની બંધ પડેલી ફૅક્ટરીમાં પાર્ટનરશિપ કરેલી અને કામને એટલું ઊંચાઈએ પહોંચાડ્યું કે અત્યારે અમારા ત્રણેયના પરિવારો બેપાંદડે થયા છે અમે કહેવાય. એ માટે હું બૅન્ગલોરમાં મલ્ટિનૅશનલ કંપનીની નોકરી છોડીને આવ્યો હતો. હવે ધંધો જામી ગયો છે અને મોટા ભાગના ક્લાયન્ટ્સ મને ઓળખીને મારા કારણે ધંધો આપતા થયા છે ત્યારે મારા સાળાને શૂરાતન ઊપડ્યું છે કે હવે છૂટાં થવું છે. મેં ના પાડી તો તેણે એવો કારસો રચ્યો કે જેમાં હું ખરાબ ચિતરાઉં. હું ધંધામાંથી ખોટા પૈસા ચોરીને ઘરભેગા કરું છું એવું આળ લગાવીને બેઠો છે. મારી વાઇફે તેના ભાઈની સાથે ઝઘડીને અને વચ્ચે પડીને પરાણે ૪૦ ટકા જેટલો હિસ્સો મેળવ્યો છે. જોકે છેલ્લા છ મહિનામાં જે કંઈ પણ થયું એ પછી મન બહુ વિક્ષુબ્ધ છે. કંઈ કામ કરવાની ઇચ્છા નથી થતી. મારી વાઇફ કહે છે કે આવેલા પૈસામાંથી આપણે ધંધો શરૂ કરીએ, પણ મારામાં હિંમત જ નથી આવતી. તેણે ધંધાકીય લોકોમાં પણ મારા વિશે જે વાતો ફેલાવી છે એને કારણે મારી ઇમેજ બહુ ખરાબ થઈ છે. પોતાના જ ભાઈ સામે લડવું પડે છે એ મારી વાઇફ માટે પણ બહુ કપરું છે. વર્ષોની મહેનત ધૂળધાણી થઈ ગયા પછી હવે નવેસરથી એકડો ઘૂંટવો પડશે. સાત-આઠ વર્ષ પછી સંતાનોને ભણવા વિદેશ મોકલવાની ઇચ્છા હતી, પણ હવે કશું નહીં થઈ શકે.

જવાબ : નાની હતી ત્યારે એક વાર્તા સાંભળેલી જેમાં ઝેન સાધુને કોઈએ પૂછ્યું કે આજની સ્થિતિને જેવી છે એવી સ્વીકારવા માટે શું કરવું? ત્યારે તેમણે કહેલું, ‘યે દિન ભી ચલે જાયેંગે’. જ્યારે પણ પરિસ્થિતિ પ્રતિકૂળ લાગે, ચોમેર અંધકાર વર્તાય અને આશાનું કિરણ શોધ્યે ન જડતું હોય ત્યારે આ સદાકાળ સનાતન સત્ય વાક્ય યાદ કરી લેવું - આ સમય પણ જતો રહેશે. જ્યારે જીવનમાં અત્યંત ખુશી અને સુખ હોય છે ત્યારે પણ આ જ વાત યાદ રાખવાની છે અને જ્યારે હવે નેક્સ્ટ પગલું ક્યાં મૂકવું એ પણ ન સમજાય એવી દ્વિધા, પીડા, ગુસ્સો, ધિક્કાર અને નકારાત્મક લાગણીઓનો ઊભરો આવી રહ્યો હોય ત્યારે પણ આ જ વાત યાદ રાખવાની કે આ સમય પણ જતો રહેશે.

તમે બહુ જ ભાગ્યશાળી છો કે જીવનના તડકા જેવા કઠોર સમયમાં ઢાલ બનીને ઊભી રહે અને ભરપૂર હિંમત આપીને તમને કદી હાર ન માનવા દે એવી પત્ની મળી છે. સ્ત્રી અને પુરુષમાં આ જ ફરક છે. સફળતા મળતી હોય ત્યારે તો વિશ્વાસ અને ઉત્સાહ બધા જાળવી શકે, પણ જ્યારે નિષ્ફળતા સામે ઊભી હોય ત્યારે પણ પોતાની જાત પરનો વિશ્વાસ ન ગુમાવે તે જ ખરા અર્થમાં કંઈક ડિફરન્સ પેદા કરી શકે છે. ધારો કે તમારો ખુદનો પોતાના પરનો વિશ્વાસ ડગુમગુ થયો હોય તો જરાક તમારી પત્ની તરફ જુઓ. તમારે તેના ભરોસાને તો નથી જ તૂટવા દેવાનો એટલું નક્કી કરશો તો પણ નવેસરથી શરૂઆત કરવાનું બળ મળી જશે.

આ પણ વાંચો : પિતાની દુકાન લઈ લીધા બાદ મોટાભાઈ મારા ભાગના ઘરમાંથી પણ માંગે છે હિસ્સો

એટલું યાદ રાખજો, કપરા સંજોગોમાં તમે કેટલા સ્વસ્થ રહીને આગળ વધી શકો છો એ જ નક્કી કરે છે કે તમે ખરેખર કેટલા સફળ થઈ શકો એમ છો.

columnists sex and relationships life and style