આજની પેઢીમાં દંભ વધ્યો હોવાને કારણે કૉલેજમાં ગુંગણામણ થાય છે શું કરું ?

11 February, 2019 01:03 PM IST  |  | સેજલ પટેલ

આજની પેઢીમાં દંભ વધ્યો હોવાને કારણે કૉલેજમાં ગુંગણામણ થાય છે શું કરું ?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : આજની જનરેશન પ્રેમમાં પડે ત્યારે એકબીજાનું બૅકગ્રાઉન્ડ તેમના માટે બહુ મહત્વનું હોય છે. કૉલેજમાં પણ મેં જોયું છે કે મોટા ભાગે ફાઇનૅન્શ્યલ બૅકગ્રાઉન્ડમાં સામ્ય ધરાવતા લોકો વચ્ચે જ દોસ્તી અને પ્રેમ થતાં હોય છે. એક સમય હતો જ્યારે કોઈ છોકરા કે છોકરીને પોતાનાથી નબળું આર્થિક સ્તર ધરાવનારા પ્રત્યે પ્રેમ થતો ત્યારે તેમને બહુ જ સંઘર્ષનો સામનો કરવો પડતો. જોકે હવે તો પ્રેમ પણ પહેલેથી બધું માપી-તોલીને જ થાય છે. મારી કૉલેજમાં એવાં અનેક ઉદાહરણો હું નજરે જોઈ રહ્યો છું જેમાં છોકરીઓને હંમેશાં પોતાનાથી વધુ સધ્ધર કુટુંબવાળો નબીરો જ જોઈતો હોય છે. શું આ ઘટના સમાજમાંથી પ્રેમની બાદબાકી અને દંભનો બેફામ વધારો થઈ રહ્યો છે એવું નથી સૂચવી રહી? તમે કદાચ કહી શકો કે હું આ જ બાબતે હર્ટ થયેલો છું એટલે મને એ ખૂંચી રહ્યું છે, પણ ન કેમ ખૂંચે? મારી સમસ્યા એ છે કે મારો પરિવાર મધ્યમ વર્ગનો છે અને હું ભણવામાં હોશિયાર હોવાથી મોટી કૉલેજમાં ભણી રહ્યો છું. મારી આજુબાજુ બધા જ લોકો મહિને છ-સાત હજારની પૉકેટમની વાપરવાવાળા છે. મારી એ હેસિયત નથી. મારા એક-બે દોસ્તો જે મારા જેવી જ સ્થિતિ ધરાવે છે તેમણે પૉકેટમનીના પૈસા એકઠા કરવા ખોટા જુગાડ કરવા શીખી લીધા છે. મને એ ઠીક નથી લાગતું. મને કૉલેજના વાતાવરણમાં ક્યારેક તો ગૂંગળામણ થઈ જાય છે. મારે શું કરવું?

જવાબ : તમારા મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું છે અને જે થઈ રહ્યું છે એની સામે ખૂબ જ બળવો કરવાનું મન થતું હોવા છતાં તમે તમારા અંતરાત્માને સાંભળવાની કોશિશ કરી રહ્યા છો એ બહુ જ સારી વાત છે. કીપ ઇટ અપ! બીજાઓની ખોટી બાબતો જોઈને એને અનુસરવા લાગવું સહેલું છે, પણ સારા-ખોટાનો ભેદ કરતાં શીખવું અને એ ભેદ મુજબ કઠિન પગદંડીએ ચાલવાનું પસંદ કરવું એ ભડવીરોનું જ કામ છે.

તમારી ઉંમર કે કૉલેજ કશું જ તમે જણાવ્યું નથી, પણ તમે જે કશમકશમાં છો એનાથી એમ ધારી લઉં છું કે તમે કદાજ જુનિયર કૉલેજમાં હશો. કૉલેજનું વિશ્વ તમારા માટે નવું છે. કદાચ ઘણી કઠણાઈઓમાંથી તમે તવાઈને નીકળ્યા છો એટલે ટૂંકા રસ્તાઓ લલચામણા હોવા છતાં તમે એ તરફ જાતને સરકતી રોકી શક્યા છો. ભગવાને તમને આસપાસના લોકોની બિહેવિયરને ઑબ્ઝર્વ કરવાની વિશેષ દૃષ્ટિ આપી છે એ ક્ષમતાનો તમારે ઉપયોગ કરવો જોઈએ. આ ઉંમરે તમને ભાઈબંધ અને દોસ્તારોનું ગ્રુપ હોય એવી ઝંખના હોય એ સ્વાભાવિક છે. બીજાનું જોઈને ક્યાંક કોઈ ‘ખાસ’ કહેવાય એવી ફીમેલ ફ્રેન્ડની ઝંખના પણ હશે. આ ઝંખનાઓ ખોટી નથી, પણ એ પામવા માટે પોતાની સમજણ અને અંતરાત્માના અવાજને કોરાણે મૂકવાનું ઠીક નથી.

આ પણ વાંચો : પત્ની ઝઘડો કરીને પિયર ચાલી ગઈ, છ વર્ષ થઈ ગયાં હોવા છતાં નથી માનતી

કૉલેજમાં તમારે તમારી પ્રાયોરિટી બદલી નાખવી જરૂરી છે. અહીં નવા મિત્રો બનાવવાથી જ સારું ફીલ થશે એવું માનવાની જરૂર નથી. એને બદલે તમે ભણવામાં અગ્રેસર રહો. મન દઈને ભણો. ટૅલન્ટ એવી ચીજ છે જેની કદર ઝવેરી જ કરી શકે છે. થોડીક ધીરજ રાખો. લક્ષ્મીના પૂજકોએ પણ આખરે તો સરસ્વતીને જ નમવું પડે છે. ધીરજ રાખો કે તમને તમારા આર્થિક બૅકગ્રાઉન્ડ સહિત લોકો સ્વીકારે એવો સમય જરૂર આવશે. બીજા લોકોનું વર્તન તમારા કન્ટ્રોલમાં નથી, પરંતુ તમારે શું કરવું એ તમારા કન્ટ્રોલમાં છે. તમે કદાચ દુનિયાના દેખાડાના અભિગમને નહીં બદલી શકો, પણ તમારું વર્તન સ્વસ્થ હશે તો દેખાડો કરનારા તમારી આગળ જરૂર નમશે.

sex and relationships columnists