બૉયફ્રેન્ડે મંદિરમાં મારી સાથે લગ્ન કર્યાં પછી ખબર પડી કે તે પરણેલો છે

16 April, 2019 12:29 PM IST  |  | સેજલ પટેલ

બૉયફ્રેન્ડે મંદિરમાં મારી સાથે લગ્ન કર્યાં પછી ખબર પડી કે તે પરણેલો છે

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું બહુ વિચિત્ર અવઢવમાં ફસાઈ છું. મારી ઑફિસમાં કામ કરતા એક યુવક સાથે મારા ચાર વર્ષ સુધી સંબંધ હતા. મને એ દરમ્યાન ખબર જ નહોતી કે તે પરણેલો છે. તેનો પરિવાર મધ્ય પ્રદેશમાં આવેલા તેના વતનના ગામમાં છે. તે ક્યારેક પેરન્ટ્સને મળવા જાઉં છું કહીને મહિનામાં ચાર-પાંચ દિવસની રજા લઈને જતો હતો, પણ એ વખતે તેને પત્ની અને બાળક પણ છે એવી મને ખબર નહોતી. સંબંધો ફિઝિકલી આગળ વધી ચૂક્યા હતા અને લગ્ન માટે તે હંમેશાં બહાનું કાઢતો હતો કે તેના મોટા ભાઈનાં હજી લગ્ન ન થતાં હોવાથી પોતાનાં લગ્નની વાત ઘરમાં થઈ શકે એમ નથી. છ મહિના પહેલાં જ્યારે મેં લગ્ન માટે બહુ માથું ખાધું ત્યારે તેણે કહેલું કે ચાલ, આપણે ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લઈએ. મને પણ લાગ્યું કે જો તેના મનમાં ખોટ હોત તો તે લગ્ન માટે તૈયાર ન જ થયો હોત. અમે એક મંદિરમાં જઈને છાનામાનાં લગ્નની વિધિ કરી લીધી. આ વાત ન તો મારા ઘરનાને ખબર છે કે ન તો મારી ઑફિસવાળાને. મારી હાલત એવી હતી કે લગ્ન થઈ ગયાં હોવા છતાં અમે કોઈનેય એ વાત જાહેર નહોતાં કરતાં. મને હતું કે આ વાત મારા પેરન્ટ્સને તો કહેવી જ જોઈએ તો તેનું કહેવું હતું કે આપણે રજિસ્ટર્ડ લગ્ન કરીશું ત્યારે તેમને જણાવીશું. થોડા દિવસ પહેલાં તેણે વધુ સારા પૈસા કમાવાની તક મળતી હોવાનું કહીને તેણે જૉબ ચેન્જ કરી. એ પછીથી અમારું મળવાનું પણ ઘટવા લાગ્યું. જ્યારે મેં તેની નવી ઑફિસે તપાસ કરી ત્યારે ખબર પડી કે તે તો પરણેલો છે અને તેને બાળક પણ છે. તેને મળીને બહુ ઝઘડો કર્યો ત્યારે પણ તે કહે છે કે તે મને દિલથી ચાહે છે. ગામમાં તેનાં બાળલગ્ન થઈ ચૂક્યાં હતાં અને જુનવાણી પત્ની સાથે તેને જરાય નથી બનતું. બાળલગ્ન ગેરકાનૂની કહેવાય છે અને અગ્નિની સાક્ષીએ મેં પણ ફેરા લીધા છે તો આ પરિસ્થિતિમાં મારાં લગ્ન કાનૂની કહેવાય કે નહીં?

જવાબ : કોઈ તમારી સાથે જૂઠું બોલે છે એની ખબર ન હોય અને તમે ભરોસો કરી લો તો એ તમારો આંધળો પ્રેમ કહેવાય, પણ જ્યારે ખબર હોય કે જે માણસની ફિતરત જ જુઠ્ઠાણાં રચવાની છે તો તેના પર વિશ્વાસ મૂકવો એ સરાસર મૂર્ખામી છે. પહેલી પત્ની કાનૂની હોય કે ગેરકાનૂની, તેણે તમારી સાથે જે છળ કર્યું છે એનું શું કરવાનું? માની લીધું કે તેનાં બાળલગ્ન જ થયાં હશે અને તેને પત્ની સાથે જરાય બનતું નથી. તો છેલ્લાં ચાર વર્ષથી તે પરિવારને મળવાના નામે વતનમાં પત્ની પાસે જતો હતો એનું શું? ધારો કે તેને પત્ની નહોતી ગમતી તો પછી બાળક ક્યાંથી આવ્યું? તમારા જેવી ભોળી છોકરી તો હજીયે એમ જ વિચારશે કે એ તો આવેશમાં ભૂલ થઈ ગઈ હશે, બાકી તે પ્રેમ તો મને જ કરે છે.

આ પણ વાંચો : પેરન્ટ્સને મારી પસંદ સ્વીકાર્ય ન હોવાથી દિનપ્રતિદિન વધુ ને વધુ પાબંદીઓ મૂકે છે

બહેન, દરેક ડગલે જે વ્યક્તિએ તમારાથી સાચું છુપાવ્યું છે તે આજે સાચું બોલે છે એવું માની લેશો તો પેલો તમને હજી વધુ મૂરખ બનાવી જશે. જે માણસ અગ્નિની સાક્ષીના નામે ભગવાન સામે પણ તમારી સાથે ખોટાં લગ્ન કરી લેતો હોય તેને ભગવાનનો ડર કેટલો? એક વાત સમજી લો કે તમે તેની પહેલી કે બીજી પત્ની કશું જ નથી. જે વ્યક્તિ ખરેખર પ્રેમ કરતી હોય તે કદી પોતાના પ્રિયજનથી આટલું હળહળતું જુઠ્ઠાણું ન ચલાવે.

sex and relationships life and style columnists