દીકરાને એવી છોકરી ગમી જે મને બ્યુટિ વિધાઉટ બ્રેન લાગે છે શું કરવું?

14 May, 2019 12:41 PM IST  |  | સેજલ પટેલ - સેજલને સવાલ

દીકરાને એવી છોકરી ગમી જે મને બ્યુટિ વિધાઉટ બ્રેન લાગે છે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : દરેક ઉંમરનાં બાળકોની બહુ યુનિક સમસ્યાઓ હોય છે. જ્યારે મારો દીકરો નાનો હતો ત્યારે તો મને કોઈ વાંધો ન આવ્યો. તે મારી સાથે બહુ જ ફ્રેન્ડ્લી છે. તે તો પોતાના દોસ્તોને પણ કહે છે કે મમ્મી મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. તે સ્કૂલ અને કૉલેજની બધી જ વાતો મને છૂટથી કરે છે. એટલે સુધી કે એક વાર કોઈ ક્લાસમેટના કમ્પાસ-બૉક્સમાંથી પેન ચોરી લીધી હતી એ પણ તેણે મને કહી દીધેલું. તેણે કરેલાં તોફાન-મસ્તીની વાત પણ તે બહુ સહજતાથી કહી દે છે. જો તેણે કંઈક ખોટું કર્યું હોય તો એ વખતે ન ટોકું, પણ જ્યારે તે બીજું કંઈક કરતો હોય ત્યારે અલગ રીતે સમજાવું કે તેણે કોઈકની મસ્તી કરી એ કેટલું ખોટું હતું. હજી થોડા મહિના પહેલાં જ તે ૧૮ વર્ષનો થયો. તેના દોસ્તોમાં એક નવી છોકરીનો ઉમેરો થયો છે. આમ તો તેના ફ્રેન્ડસર્કલમાં ઘણી છોકરીઓ છે, પણ આ છોકરી તેને ગમતી હોય એવું લાગે છે. દેખાવમાં ફૂલફટાક છે. વેસ્ટર્ન સ્ટાઇલનાં શૉર્ટ કપડાં, ફુલ મેકઅપ અને મૉડલ જેવી અદાઓ. પ્રામાણિકતાથી કહું તો બ્યુટી વિધાઉટ બ્રેઇન શબ્દ તેના માટે યોગ્ય ઠરે. તેના અન્ય દોસ્તોની જેમ આ છોકરી પણ ક્યારેક ઘરે આવે છે, પણ તેના આગમન વખતે મારો દીકરો સુપર-એક્સાઇટેડ હોય છે. મેં તેને પૂછી લીધું કે શું આ તને બહુ ગમે છે? તો કહે હા. તેણે મને પણ પૂછ્યું કે તને ન ગમી? મેં કંઈ જવાબ ન આપ્યો. જો હું ના પાડીશ તો તે મારાથી છુપાવવાનું ચાલુ કરશે અને જો હા પાડીશ તો તેને હવા મળશે. આ છોકરી તારે લાયક નથી એવું મોઢે તો કહી શકાય એમ નથી ત્યારે તેની સાથે દોસ્તીદાવે શું કરવું જોઈએ?

જવાબ : તમે ખરેખર દીકરા સાથે મજાની દોસ્તી ધરાવો છો. જે ઘરમાં સંતાનોને માબાપથી કશું છુપાવવાની જરૂર ન હોય એ બહુ હેલ્ધી સિચુએશન કહેવાય. તમે એવું કરી શક્યાં છો એ માટે તમારી તારીફ કરીએ એટલી ઓછી છે.

આ પણ વાંચો : પતિ આમ તો પ્રેમાળ છે, પણ અહમની વાત આવે છે ત્યારે કોઈનું સાંભળતા નથી

જ્યાં સુધી દીકરાની આ નવી મૉડર્ન પસંદગીની વાત છે ત્યારે તમને ટિપિકલ મમ્મી થઈ જવાની ઇચ્છા થતી હોઈ શકે છે. ચિંતા પણ થાય કે દીકરો આવી કોઈક વરણાગી કન્યા ઉપાડી લાવશે તો શું થશે? પણ ના, ફિકર કર્યા વિના તમે દોસ્તીનો રવૈયો જ ચાલુ રાખો. તેણે તમને પેલી છોકરી વિશે ઓપિનિયન પૂછ્યો છે તો એમાં કશું છુપાવવાની જરૂર નથી. તમારે કોઈ શબ્દો ચોર્યા વિના કહી દેવું જોઈએ કે છોકરી દેખાવડી છે પણ મને એ બ્યુટી વિધાઉટ બ્રેઇન લાગે છે એટલે તમારું ચોકઠું કંઈ બંધબેસે એવું લાગતું નથી. અલબત્ત, આટલું કહ્યા પછી તારે તેની સાથે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ઘરે નહીં બોલાવવાની જેવાં રિસ્ટ્રિક્શન્સ કદાપિ નહીં મૂકવાનાં. ઊલટાનું દીકરાને કહેવાનું કે તારી દોસ્ત છે તો ભલે રહી, હમણાં કંઈ લગ્ન થવાનાં નથી. સાથે ભણો, સમય ગાળો અને એકબીજાને સમજો. દીકરો છાનેછપને તેની સાથે દોસ્તી આગળ વધારે એના કરતાં તેને દોસ્તીની છૂટ હોય એ જરૂરી છે. સાથે જ તમારો ઓપિનિયન પણ તેના મગજમાં હશે તો તે પોતે પણ એ રીતે સંબંધને પરખવા પ્રેરાશે. દીકરાના ભાવિ સંબંધોમાં તમે ડ્રાઇવિંગ સીટ પર ન બેસી શકો, પણ તેના વિચારોને કઈ રીતે દોરવા એનું ડ્રાઇવિંગ જરૂર થઈ શકે.

આ તબક્કે કડક વિરોધ કોઈ કામનો નથી એટલે તમારે ધીરજ રાખીને દીકરાના મનની વાતો જાણ્યા કરવાની છે.

sex and relationships life and style columnists