પતિ આમ તો પ્રેમાળ છે, પણ અહમની વાત આવે છે ત્યારે કોઈનું સાંભળતા નથી

સેજલ પટેલ - સેજલને સવાલ | May 13, 2019, 15:02 IST

જ્યારે મારી ફ્રેન્ડ વગરકારણે અકળાયેલી હોય તોય એ વખતે વાત સંભાળી લે. કદાચ મારી ફ્રેન્ડ્સ તેમના પતિ પર ડોમિનન્ટ હશે, મારે એવું નથી કરવું પણ મને તેઓ સાવ નજીવી બાબતે ગુસ્સો કરીને દબાવે એવું તો ન જ થવું જોઈએને?

પતિ આમ તો પ્રેમાળ છે, પણ અહમની વાત આવે છે ત્યારે કોઈનું સાંભળતા નથી
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. આમ તો લવ-મૅરેજ કહેવાય, કેમ કે અમે પહેલેથી જ એકબીજાને પસંદ કરતાં હતાં અને જ્ઞાતિ-સમાજ એક હોવાથી પરિવારે જ અમારું ચોકઠું ગોઠવી આપેલું. આમ તો પતિ બહુ પ્રેમાળ અને કાળજી રાખે છે, પરંતુ નાની-નાની વાતે ઝઘડા થાય છે જેને કારણે ક્યારેક અત્યંત તનાવભરી સ્થિતિ ઊભી થઈ જાય છે. મારા પતિને જ્યારે એમ લાગતું હોય કે તેઓ સાચા છે ત્યારે તેઓ બહુ આકરા થઈ જાય છે. મને લાગે છે કે તેમને મારા કરતાં તેમનો અહમ વધુ વહાલો છે. જો કોઈ વાતે હું સાચી હોઉં તો પણ જ્યારે તેઓ ગુસ્સામાં હોય ત્યારે મારે ચૂપ જ રહેવાનું. મારી ફ્રેન્ડ્સની સાથે જ્યારે આ બાબતે વાત કરતી હતી તો ખબર પડી કે તેમના પતિ કદી આવું નથી કરતા, ઊલટાનું, જ્યારે મારી ફ્રેન્ડ વગરકારણે અકળાયેલી હોય તોય એ વખતે વાત સંભાળી લે. કદાચ મારી ફ્રેન્ડ્સ તેમના પતિ પર ડોમિનન્ટ હશે, મારે એવું નથી કરવું પણ મને તેઓ સાવ નજીવી બાબતે ગુસ્સો કરીને દબાવે એવું તો ન જ થવું જોઈએને? એક-બે વાર અમારી વચ્ચે તકરાર થઈ ત્યારે મેં પણ નક્કી કર્યું કે હું સાચી છું અને હું એમ જ કરીશ. તો વાત એટલી વણસી કે બે દિવસ સુધી અબોલા ચાલ્યા. આમ તો બહુ મૉડર્ન કહેવડાવે છે, પણ જ્યારે વાત તેમના અહમ પર આવે ત્યારે તેમનાથી ખમાતું નથી.

જવાબ : સૌથી પહેલાં તો એક વાત કહીશ કે કદી તમારા લગ્નજીવનને બીજાના જીવન સાથે સરખાવો નહીં. લોકોના ઘરમાં કે બીજાં યુગલોમાં કોણ વધુ ડોમિનન્ટ છે કે કોણ વધુ કહ્યાગરું છે એની સરખામણી કરવાથી તમારા ઘરમાં કશું સારું નથી થવાનું. એક વાત યાદ રાખો કે ઘેર-ઘેર માટીના ચૂલા હોય છે. કોઈનાય ઘરમાં આદર્શ જીવન જીવાય છે એવું નથી હોતું, ધારો કે જીવાતું હોય તોય લગ્નજીવન એવી બાબત છે જેમાં આદર્શની સરખામણી પણ યોગ્ય નથી.

હવે વાત આવી પતિના અહમની. અમુક જ મુદ્દે તેમને અચાનક જ સાચા પુરવાર થવાની ઇચ્છા થઈ આવે છે અને તેઓ તમને સાંભળતા પણ નથી અને આમ જ થશે અથવા તો આમ જ કરવાનું છે એવું ફરમાન છોડી દે છે, બરાબર? હું માનું છું કે સંબંધોમાં સાચા હોવાની હોડમાં ઊતરવું એટલે સંબંધને દાવ પર લગાવવો. તમારા માટે પતિ સાથેનો સંબંધ વધુ મહત્વનો છે કે જે-તે ક્ષણે તેમના ઊંચા થયેલા અહમને ડામીને તમે સાચા છો એવું પુરવાર કરવાનું મહત્વનું છે? માની લીધું કે તેમને અમુક વાતોનો સ્વીકાર કરવામાં પોતાનો અહંકાર નડે છે, પણ જો અહંકારની સામે તમે પણ તમારો અહમ વચ્ચે લાવશો તો બે લોઢાના ગોળા અથડાશે અને પછી જે વીજળી ત્રાટકશે એમાં સંબંધને નુકસાન થશે. વાતને જરા શાણપણથી હૅન્ડલ કરવી જોઈએ.

આ પણ વાંચો : ભણવાના દબાણમાં વ્યસનનો શિકાર બનેલા દીકરાનું વર્તન બગડ્યું, શું કરવું?

આપણે સાચા હોઈએ એ મહત્વનું છે, પણ જ્યારે આપણે બીજાને ખોટા પુરવાર કરવા દોડીએ છીએ ત્યારે વાત આડા પાટે ચડી જાય છે. હવે પછી જ્યારે તેઓ ખોટી વાતે ગુસ્સો કરીને પોતાનો અહમ સંતોષી રહ્યા છે એવું લાગે ત્યારે કોઈ પ્રતિક્રિયા ન આપો. સાચી વાત સમજાવવાનો પણ એક ચોક્કસ સમય હોય છે. જ્યારે તે શાંત, હળવાશભર્યા મૂડમાં હોય ત્યારે જરાય ટોણો માર્યા વિના તેમણે પેલા દિવસે કેટલું ખોટું કરેલું એની મીઠી ફરિયાદ કરો. કોઈ ચર્ચા વિના તમારી વાત તેમના દિલ સુધી પહોંચી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK