છોકરી લગ્નની ઉતાવળ કરે છે, મારી ઉંમર ન હોવાથી ઘરમાં વાત નહિ થઈ શકે

21 October, 2019 04:26 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ

છોકરી લગ્નની ઉતાવળ કરે છે, મારી ઉંમર ન હોવાથી ઘરમાં વાત નહિ થઈ શકે

સેજલને સવાલ

સવાલ : હું બાવીસ વર્ષનો છું. પેરન્ટ્સ ડિવૉર્સી છે. છેલ્લાં છ-સાત વર્ષથી હું પપ્પા સાથે રહું છું. જોકે ફ્લૅટને ઘર બનાવે એવી કોઈ લેડીઝ ન હોવાથી જીવનમાં કંઈક મિસ કર્યા કરું છું. ભણવામાં ઠીકઠાક છું અને પપ્પાની ઇચ્છા છે કે હું ભણીને ખૂબ આગળ વધું. હાલમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન ચાલી રહ્યું છે. વાત એમ છે કે મારા બાજુના બિલ્ડિંગમાં રહેતો એક મારવાડી પરિવાર અમારા ફૅમિલી ફ્રેન્ડ જેવો છે. આમ તો કામકાજ માટે અમે રસોઈવાળાં અને કામવાળાં બહેન રાખ્યાં છે, છતાં આ મારવાડી આન્ટી અને તેમની દીકરી અવારનવાર ઘરના જ મેમ્બરની જેમ અમારી કાળજી રાખે છે. એને કારણે મારી તેમની દીકરી સાથે સારી દોસ્તી થઈ ગઈ છે. તેને રોજ મળવાનું અને રોજ કંઈક વાત કરવાનું બને જ. જો હું ક્યારેક ન મળું કે વાતચીત ન થાય તો તે ઝઘડો કરી બેસે એટલી પઝેસિવ છે. તે મારાથી જસ્ટ ૬ મહિના જ મોટી છે, પણ તે મને ખૂબ પ્રેમ કરે છે અને એવો તેણે એકરાર પણ કર્યો છે. જોકે મારે હજી ભણવાનું અને કરીઅર બનાવવાની છે એટલે મારે એ દિશામાં આગળ વિચારવું નથી. હમણાં તેને માટે માગાં આવવા લાગ્યાં છે એટલે તે બેબાકળી બની ગઈ છે. તેને લાગે છે કે તેના પેરન્ટ્સ તેને જલદી બીજા કોઈક સાથે પરણાવી દેશે એટલે મારે બન્નેના પરિવારમાં વાત કરીને અમારા પ્રેમની વાત જાહેર કરવી છે. તેના તરફથી ખૂબ પ્રેશર આવી રહ્યું છે, જ્યારે પપ્પા પાસે તો અત્યારે લગ્નની વાત બોલાય એમ જ નથી. મારવાડી સમાજમાં છોકરીને વહેલી પરણાવી દેવાતી હોય એ સ્વાભાવિક છે, પણ મારા પપ્પા હાલમાં ત્રણ-ચાર વર્ષ એ દિશામાં નથી જ વિચારવાના. આ વાત તે સમજતી જ નથી અને ઝઘડા ખૂબ વધી ગયા છે.

જવાબ : તમારા સવાલમાં જે રીતે વર્ણન છે એમાં તે તમને પ્રેમ કરે છે એવું તમે લખ્યું છે, પણ તમારું મન શું છે એ નથી કહ્યું. શું માત્ર પપ્પા નહીં માને એ જ કારણસર તમે અત્યારે ના પાડી રહ્યા છો કે પછી કારણ કંઈક જુદું છે? શું તમે વયભેદ અને જ્ઞાતિભેદ છતાં તેની સાથે જિંદગી જીવવા માગો છો, પણ સમાજના નિયમોને કારણે અચકાઓ છો?
પેલી છોકરી તમને પ્રેમ કરે છે એવું તમે લખ્યું છે, પણ શું તમે પણ તેને પ્રેમ કરો છો કે પછી તેના તરફથી વનસાઇડેડ લાગણી છે? જ્યાં સુધી તમારા દિલની વાત ન જાણું ત્યાં સુધી કોઈ પણ સલાહ આપવી ઠીક નહીં કહેવાય. વનસાઇડેડ પ્રેમ હોય તો-તો ચોખ્ખી ના પાડીને સંબંધો કટ-ઑફ કરી નાખવા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી.
બાકી જો તમે તેને પ્રેમ કરતા હો અને તેની સાથે લગ્ન કરવાની દિલથી ઇચ્છા ધરાવતા હો તો તમારે બન્નેએ બાળકપણું છોડવું પડશે. તમારી ફ્રેન્ડ તમને પ્રેશર કરે છે એને બદલે તેણે પોતાના ઘરનાઓને સમજાવીને લગ્નની વાતને પાછી ઠેલવી જોઈએ. તેણે પણ કરીઅર બનાવવા પર ફોકસ કરવું તેમ જ આર્થિક પગભર થયા પછી જ લગ્ન કરવાનું નક્કી કરવું જોઈએ. કેમ કે બાવીસ વર્ષ એ કંઈ લગ્ન કરી લેવા માટે ઉતાવળ કરવી પડે એવી ઉંમર નથી.
બીજું, તમારા પપ્પાની વાત એકદમ વાજબી છે. ભણતર પૂરું થાય અને આર્થિક રીતે પગભર ન થાઓ ત્યાં સુકધી લગ્નજીવનની જવાબદારી ઉઠાવી લેવાની વાત યોગ્ય નથી. તમારા પપ્પા તમને વધુ ભણાવવા માગે છે એ સારું છે. તમારી આર્થિક પગભરતા માટે એ બહુ મહત્ત્વનું છે. સમાજ સામે જંગ છેડવો હોય તો પણ પહેલાં તમારી સ્થિતિ મજબૂત કરવી જરૂરી બની રહેશે.

columnists sex and relationships life and style