ફૅશન માટે નહીં, હેલ્થ માટે જરૂરી છે કાન વીંધવા

06 May, 2019 12:47 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

ફૅશન માટે નહીં, હેલ્થ માટે જરૂરી છે કાન વીંધવા

બાળપણમાં કાન વીંધવાના ફાયદા

કાનમાં બુટ્ટી પહેરવી એ સ્ત્રી શૃંગારમાં ઘણું મહત્વ ધરાવે છે. હવે તો છોકરાઓ પણ કાનમાં નંગ પહેરતા થઈ ગયા છે. યુવાનોમાં એક કાન વીંધાવવાનું ચલણ વધ્યું છે કેમ કે એ લૅટેસ્ટ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ગણાય છે. જો તમને કાન વીંધાવનારા છોકરાઓ બહુ વરણાગી લાગતા હોય તો તમને જાણીને નવાઈ લાગશે કે આપણાં પૌરાણિક શાસ્ત્રો અને વિજ્ઞાન એક કાન નહીં બન્ને કાન વીંધવાની સલાહ આપે છે. હા, છોકરા અને છોકરી બન્ને માટે કાન વીંધાવવાની પ્રક્રિયા બહુ જ મહત્વની છે કેમ કે એ માત્ર સુંદરતા અને સજાવટને લગતી વાત નથી, પરંતુ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાત છે. છઠ્ઠી સદીમાં આયુર્વેદના પ્રખર સંશોધક અને શસ્ત્રક્રિયા શાસ્ત્રના રચયિતા આચાર્ય સુશ્રુતે ‘સુશ્રુત સંહિતા’માં પણ લખ્યું છે કે બાળકના કાન માત્ર ડેકોરેશન માટે નહીં, પણ તેમને ડિસીઝથી બચાવવા માટે પણ વીંધવા જોઈએ. સુશ્રુ‌તે આ પ્રક્રિયા બહુ જ કાળજીપૂર્વક કરવી જોઈએ એવું કહ્યું છે. સામાન્ય રીતે બાળક છ કે સાત મહિનાનું હોય ત્યારે કાન વીંધવાની પ્રક્રિયા થવી જોઈએ. માણસ જન્મે અને મૃત્યુ પામે એ વચ્ચેના ગાળામાં ૧૬ મુખ્ય સંસ્કારવિધિ કરવાનું કહેવાયું છે. એમાંની એક છે કાન વીંધવાની પ્રક્રિયા. આયુર્વેદમાં એને કર્ણવેધ કહેવાય છે. પૌ‌રાણિક કાળમાં મનાતું હતું કે બાળકમાં આસપાસના પવિત્ર અવાજનાં  સ્પંદનો સાંભળવાની શક્તિ ખીલે એ માટે આ પ્રક્રિયા જરૂરી છે.

સંસ્કારરૂપી પ્રિવેન્ટિવ પગલાં

આયુર્વેદમાં કર્ણવેધ સહિત કુલ ૧૬ સંસ્કારો આપવાની વાત કહેવાઈ છે. આ કોઈ માત્ર ઠાલી પરંપરાઓ કે શોખ ખાતર કરવાની વિધિઓ નથી. બોરીવલીના આયુર્વેદાચાર્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સુશ્રુત સંહિતામાં એવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે થયા પછી શું કરવું એ તો બતાવે જ છે, પણ ન થાય એ માટે શું કરવું એ પણ જણાવે છે. આમેય આયુર્વેદશાસ્ત્ર આખું પ્રિવેન્ટિવ સાયન્સ છે. કાનના ચોક્કસ પૉઇન્ટ્સને વીંધવાથી આંખો, અસ્થમા અને બહેનોની માસિકને લગતી સમસ્યાઓનું આગોતરું નિવારણ થઈ શકે છે.’

વિવિધ પૌરાણિક ચિકિત્સા પદ્ધતિઓના જાણકાર અને ઍક્યુપંક્ચરિસ્ટ ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આપણી જૂની ચિકિત્સાપદ્ધતિઓ પ્રિવેન્ટિવ સાયન્સ પર આધારિત હતી. એમાં ક્યૉરેટિવ સાયન્સ કરતાં પ્રિવેન્ટિવ પગલાને વધુ મહત્વ અપાતું. જન્મ પછી જીવનના વિવિધ તબક્કે શું તકલીફો આવી શકે એમ છે એનો વિચાર કરીને આગોતરા નિવારણ માટે ચોક્કસ વિધિ, પરંપરા, પ્રક્રિયાઓ નિર્માણ થયેલી. કાન વીંધવાની પ્રક્રિયા પણ એમાંની એક છે. જરા સાદી ભાષામાં સમજીએ તો આપણું શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એમ પાંચ મહાભૂતોનું બનેલું છે. આ પાંચ મહાભૂતોને જીવંત બનાવતી એનર્જી એટલે યિન અને યૅન્ગ. આ બે ઑપોઝિટ એનર્જી છે જેનું બૉડીમાં હંમેશાં સંતુલન રહેવું જોઈએ. જ્યારે આ એનર્જીમાં ગરબડ થાય છે ત્યારે ઇમોશનલ, ફિઝિકલ, મેન્ટલ સમસ્યાઓ પેદા થાય છે. યિન એટલે ફીમેલ અને યૅન્ગ એટલે મેલ. સ્ત્રી-પુરુષ બન્નેમાં આ એનર્જીનું સંતુલન હોવું અતિઆવશ્યક છે. ઍક્યુપંક્ચરનું શાસ્ત્ર આ એનર્જી સંતુલન પર બનેલું છે. કાન વીંધવાની પ્રક્રિયા અત્યંત કોમળ વયે શરીરમાં યિન અને યૅન્ગને બૅલૅન્સ કરવા માટે છે. તમે કાન ન વીંધાવો તો કદાચ તરત તો કોઈ તકલીફ નહીં જણાય, પરંતુ છોકરું મોટું થાય ત્યારે કે ઈવન પુખ્ત વયે એનર્જી બૅલૅન્સની સમસ્યા વર્તાવા લાગે એવું બને. ઘણી વાર મમ્મી ફરિયાદ કરતી હોય છે કે મારો દીકરો બહુ જિદ્દી થઈ ગયો છે. તો બની શકે કે એ વખતે તેના બૉડીમાં યૅન્ગ એનર્જી વધી હોય અથવા તો યિન નબળી હોય.’

કાન જ શા માટે વીંધવાના?

યિન અને યૅન્ગ એનર્જીની જ વાત કરીએ તો એ આપણા આખા શરીરમાં ફેલાયેલી છે. એમ છતાં માત્ર કાન વીંધવાથી જ એ કઈ રીતે સંતુલનમાં આવી શકે? એ વિશે સમજાવતાં ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘યિન અને યૅન્ગ એ એનર્જી ફ્લો છે. આખા શરીરમાં ચોક્કસ પૉઇન્ટ્સ પર દબાવવાથી એ યિન એનર્જી વધારે છે તો અમુક પૉઇન્ટ્સ દબાવવાથી યૅન્ગ એનર્જી વધે છે. આ માટે દરેક વખતે તમારે શરીરમાં કઈ એનર્જીનું અસંતુલન થયું છે એ સમજીને એ મુજબના પ્રેશર પૉઇન્ટ્સને સ્ટિમ્યુલેટ કરવા પડે. જોકે કાન એક હોમોસ્ટેટિક પૉઇન્ટ કહેવાય છે. મતલબ કે એવા પૉઇન્ટ્સ જેને સ્ટિમ્યુલેટ કરવાથી આપમેળે શરીરમાં કઈ એનર્જીનું અસંતુલન છે એ નાણીને એ મુજબ ફ્લોમાં વધ-ઘટ કરે છે. શરીરનો ડાબો ભાગ ફેમિનાઇન અને જમણો ભાગ મસ્ક્યુલાઇન ગણાય છે એટલે ફેમિનાઇન યિન અંગોની સારવાર માટે ડાબી બાજુના પૉઇન્ટ્સને સ્ટિમ્યુલેશન અપાય છે અને મેલ યૅન્ગ અંગોની તકલીફ માટે જમણી બાજુના કાનના પૉઇન્ટ્સને સ્ટિમ્યુલેશન અપાય છે.’

બાળપણમાં જ કાન વીંધવાનું સારું છે, કેમ કે ચાઇનીઝ શાસ્ત્રમુજબ નાની વયે એમાં કુદરતી રીતે જ એક કાણું હોય છે જેને અનુભવી લોકો સૂર્યના પ્રકાશમાં જોઈ શકતા હોય છે. જો એ કાણાને શોધીને વીંધવામાં આવે તો વીંધ્યા પછી એમાં  ચણો પાકવાની કે ઇન્ફેક્શન થવાની સંભાવના નથી રહેતી. બાળપણમાં કાન વીંધી લેવાના ફાયદા વિશે ડૉ. જાસ્મિન કહે છે, ‘બાળક નાનું હોય ત્યારે એની  કાનના બૂટના કાર્ટિલેજ બહુ જ સૉફ્ટ હોય છે. અને હવે તો એટલાં  સૉ‌ફેસ્ટિકેટેડ સાધનો અને હાઇજિનના સ્ટાન્ડર્ડ્સ આવી ગયા છે કે એ પછી ઇન્ફેક્શન થવાની સંભાવના બહુ ઓછી થઈ ગઈ છે. બીજું, બાળક જેટલું

નાનું હોય એટલું એને કાનમાં કાણું પડાવવાનો ડર ઓછો લાગે. સૌથી અગત્યનું ફૅક્ટર મેં આગળ કહ્યું એમ યિન અને યૅન્ગ એનર્જીનું સંતુલન છે. છોકરાઓમાં કર્ણવેધની ક્રિયાકરવાની હોય તો પહેલાં જમણો કાન વીંધવો અને પછી ડાબો. એ જ રીતે છોકરીઓમાં કર્ણવેધની ક્રિયા પહેલાં ડાબા કાને થાય અને પછી જમણા કાને. મેલ-ફીમેલ એનર્જીનું સંતુલન બાળકનો ગ્રોથ થતો હોય ત્યારે જ મેઇન્ટેનકરવામાં આવે તો એનાથી બાળક શારીરિક, માનસિક અને ઇમોશનલ ત્રણેય  રીતે સ્વસ્થસ્વસ્થરહે છે.’

કાનમાં છે આખું શરીર

ઑરિક્યુલર ઍક્યુપંક્ચરમાં  આખેઆખા કાનને આપણા શરીરનો આઇનો માનવામાં આવ્યો છે. એ વિશે સમજાવતાં ડૉ જાસ્મિન મોદી કહે છે, ‘ઑરિક્યુલર ઍક્યુપંક્ચર  માત્ર કાનમાં જ આખા શરીરના તમામ અવયવોના પૉઇન્ટ્સને આવરતું શાસ્ત્ર છે. ગર્ભમાં બાળક જેમ ટૂંટિયું વાળીને ઊંધું સૂતું હોય એ પોઝિશનમાં શરીરના તમામ અવયવોના પ્રેશર પૉઇન્ટ્સ કાનમાં સમાયેલા હોય છે. મતલબ કે કાનની બૂટ પાસે માથું હોય અને કોકડું વળીને સૂતેલા બાળકને ઇમેજિન કરો તો એ મુજબ તમામ અવયવોના પૉઇન્ટ્સ એમાં  સમાય. જ્યારે કોઈ વ્યક્તિને હાથ ન હોય ત્યારે અમે કાનના પ્રેશર પૉઇન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ.’

કઈ સમસ્યાઓમાં કાનથી સારવાર થાય?

કન્જક્ટિવાઇટિસ, માઇગ્રેન, ક્લસ્ટર હેડેક જેવી સમસ્યાનો જ્યારે કોઈ દવાથી ઉકેલ નથી આવતો ત્યારે કાનના પૉઇન્ટ્સ એમાં  અક્સીર બને છે.

સ્ત્રીઓમાં ગાયનેકોલૉ‌જિકલ પ્રૉબ્લેમ્સ જેમ કે માસિકની તકલીફ, ઓવરીની સમસ્યા, ઇન્ફર્ટિલિટી જેવી તકલીફોમાં કાનના પૉઇન્ટ્સ ઇન્સ્ટન્ટ અસરકર્તા હોય છે. પુરુષોમાં સીમેનને લગતી સમસ્યાઓમાં પણ એ વપરાય.

ઍડિક્શન છોડવું હોય ત્યારે કાનના પૉઇન્ટ્સ બહુ જ મદદ કરે.

આંખની કોઈ પણ પ્રકારની સમસ્યામાં કાનની બૂટ સ્ટિમ્યુલેશનકામનું છે.

ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી જેવા સાયકોસૉમેટિક ડિસઑર્ડર્સમાં પણ કાનના પૉઇન્ટ્સ વપરાય છે.

બાળપણમાં કાન વીંધવાના ફાયદા

બાળકની રીપ્રોડક્ટિવ હેલ્થ સારી થાય છે

જન્મ પછીના પહેલા આઠ મહિનામાં જ કાન વીંધી લેવામાં આવે તો એનાથી મગજના વિકાસમાં પણ મદદ થાય છે અને જમણા-ડાબા મગજ વચ્ચેનું કમ્યુનિકેશન સારું થાય છે.

આ પણ વાંચો : સંગીતના સૂર, રોગને કરે દૂર

બાળકના કાન વીંધવાથી બ્રેઇનની કામગીરીમાં અતિસૂક્ષ્મ ફેરફારો થાય છે જેને કારણે બાળકને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર, નર્વસનેસ, ઍન્ગ્ઝાયટી થવાની સંભાવના ઘટે છે.

columnists