સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, સાથે શંખેશ્વર લઈએ

05 October, 2020 02:59 PM IST  |  Mumbai | Ruchita Shah

સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, સાથે શંખેશ્વર લઈએ

શ્રી શત્રુંજય ગિરિરાજનાં મુખ્ય દેરાસરોનો ઓવરઑલ વ્યુ

અત્યારના સમયમાં જૈનોનાં પવિત્ર તીર્થ પાલિતાણા અને શંખેશ્વરમાં તમે જશો તો સૌથી વધુ શું આંખે વળગશે ખબર છે? ખાલીપો. આ બન્ને તીર્થમાં તાજેતરમાં લીધેલી મુલાકાતનો સ્વાનુભવ આપની સમક્ષ પ્રસ્તુત છે...

પાલિતાણા અને શંખેશ્વર જૈનોનાં પ્રાચીન અને ખૂબ મહિમા ધરાવતાં તીર્થો છે. કહેવાય છે કે અનંતા આત્માઓ લગભગ સાડાત્રણ હજાર પગથિયાં ધરાવતા શત્રુંજય ગિરિરાજની પાવન ભૂમિ પર મોક્ષગતિને વર્યા છે. બીજી બાજુ હજારો વર્ષથી ત્રણેય લોક પર પૂજાયેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન સાથે પણ પાર વગરના ચમત્કાર જોડાયેલા છે. દર વર્ષે ઍવરેજ લગભગ ૬ લાખની આસપાસ યાત્રાળુઓ પાલિતાણા અને ચારથી પાંચ લાખ યાત્રાળુઓ શંખેશ્વરની મુલાકાત લે છે. અનંત પવિત્ર ઊર્જાપૂંજથી સભર આ બન્ને તીર્થોમાં તમે અત્યારે જાઓ તો શું જોવા મળે? લગભગ એકાદ મહિનાથી આ બન્ને દેરાસરો રાજ્ય બહારના યાત્રાળુઓ માટે શરૂ થઈ ગયાં છે. તાજેતરમાં અમે આ તીર્થોની મુલાકાત લીધી અને ત્યાંની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો. પાર્શિયલ લૉકડાઉન અને કોરોનાના પ્રસાર વખતે અહીં અમને કેવા નજારા જોવા મળ્યા એનો ફર્સ્ટહૅન્ડ અનુભવ હવે વાંચો આગળ.
લૉકડાઉન પછી ટ્રેનોના શું હાલચાલ છે એ જાણવું પણ જરૂરી હતું, કારણ કે મોટા ભાગના લોકો આ તીર્થોની યાત્રા માટે રેલવેને ફર્સ્ટ પ્રેફરન્સ આપે છે સૌથી પહેલાં મુંબઈથી બપોરની ટ્રેનમાં બેસીને રાતના સમયે અમદાવાદ પહોંચ્યા. ટ્રેનમાં પ્રવાસ કરવો એકંદરે સુરક્ષિત લાગ્યો. બીજે દિવસે સવારે ૭ વાગ્યે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન (GSRTC)ની બસમાં બેઠા. અમદાવાદથી શંખેશ્વર લગભગ સવાસો કિલોમીટરનું ડિસ્ટન્સ છે. બધી જ કાળજી તેમ જ સાવધાની રાખીને અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ જ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. અમદાવાદથી ડાયરેક્ટ શંખેશ્વરની બસ છે. ધારો કે એ બસ ચૂકી જાઓ તો વિરમગામની બસ તો દર કલાકે મળી રહેશે. ઑનલાઇન ટિકિટ્સ બુક થાય છે અને ડાયરેક્ટ બસમાં બેસીને પણ આરામથી ટિકિટ્સ મળી શકશે. જોકે બસ સૅનિટાઇઝ થાય છે, માસ્ક કમ્પલ્સરી છે જેવી વાતો ઑનલાઇન બુકિંગ વખતે વાંચવા મળી જે હકીકતમાં જોવા ન મળી. લોકો બેપરવાહ હતા. ઇન ફૅક્ટ તેમને જોઈને લાગતું પણ નહોતું કે કોરોના જેવો કોઈ વાઇરસ આપણે ત્યાં છે. નિયમ પ્રમાણે બે જણની સીટ પર એક વ્યક્તિ અને ત્રણ જણની સીટ પર બે વ્યક્તિ બેસી શકે, પણ એવું હતું નહીં. સામાન્ય કરતાં લોકો ઓછા હતા, પરંતુ નિયમાધીન તો નહોતા જ. અમે એક મિનિટ માટે પણ માસ્ક કાઢી ન શક્યા, કારણ કે કોરોનાને ઘરે લઈ આવવાની અમારી તૈયારી નહોતી. લગભગ દસેક વાગ્યે અમે પરિચિત નીતા દોશીની સહાયથી શંખેશ્વરની રાધનપુરની યાત્રિક ભવન ધર્મશાળા પહોંચ્યા. શંખેશ્વરમાં ખૂબ ઓછી ધર્મશાળાઓ યાત્રીઓને રોકાણ માટે અત્યારે રૂમ આપી રહી છે. રૂમ અલૉટ કરવાના પણ કેટલાક નિયમો છે, જેમ કે બેથી વધુ સભ્યો એક રૂમમાં નહીં. આ એ શંખેશ્વર જ્યાં વર્ષના કોઈ પણ દિવસે જાઓ તો સો-સવાસો લોકો તો તમને બહાર લાઇનબદ્ધ મસાલાની અને મુખવાસની દુકાનોમાં શૉપિંગ કરતા દેખાય. પૂજાનાં વસ્ત્રોમાં લોકોની અવરજવર સતત ચાલુ હોય. સરેરાશ રોજના ૫૦૦થી વધુ યાત્રાળુઓ અને પૂનમના દિવસે તો લગભગ ૧૦,૦૦૦ લોકો તો અમસ્તા આ નાનકડી નગરીમાં પહોંચી જતા હોય. એની જગ્યાએ આ વખતે અમે જોયો એકલો સુનકાર. ફ્રેશ થઈને અમારું પહેલું ધ્યેય હતું મુખ્ય દેરાસરનાં દર્શને જવાનું. મુખ્ય મંદિરના પ્રવેશદ્વારમાં લગભગ પાંચેક સિક્યૉરિટી ગાર્ડ હતા. જેઓ યાત્રાળુઓનાં નામ, સ્થાન અને ફોન-નંબર નોંધી રહ્યા હતા. અનાયાસ કોઈ સંક્રમણનો કેસ મળે તો ટ્રેસિંગ સરળ બને એ આશયથી આ નિયમ પેઢી દ્વારા બનાવવામાં આવ્યો છે. એ પછી દ્વાર પર પડેલો બિલ્લો લેવાનો જે મુખ્ય મંદિરમાં પ્રવેશતી વખતે તમારે મૂકી દેવાનો, જેથી કેટલા લોકો દર્શનાર્થે આવ્યા એની નોંધ રહી શકે. ફાઇનલી તમે દેરાસરમાં પ્રવેશ કરો ત્યારે ફરી એક વાર લગભગ પાંચેક સિક્યૉરિટી ગાર્ડ અને પૂજારીઓ હોય જે તમને દિશા દેખાડે કે કઈ બાજુથી તમારે મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચવાનું છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સન્મુખે આવો ત્યારે તેમનાં દર્શન કરતાં ભલભલા કોરોનાને ભૂલી જવાય એટલી તેજસ્વી નયમરમ્ય તેમની આભા છે. જોકે આ દર્શન પાંચ-સાત મિનિટથી લાંબાં ન ચાલી શકે, કારણ કે ગર્ભગૃહમાં પણ ત્રણેક દેરાસરના કર્મચારીઓ વ્યવસ્થાપન માટે બેઠા હોય. એ જ મુખદર્શનને આંખમાં સમાવીને તમારે સડસડાટ ગેટની બહાર નીકળી જવાનું. ભંડારમાં પૈસા પૂરવા સિવાય અત્યારે કોઈ વસ્તુ ભગવાનને ચડાવવાની અનુમતિ નથી, કોઈ વિધિ-વિધાનો માટે પરવાનગી નથી. ઊભાં-ઊભાં દર્શન કરો ધેટ્સ ઑલ. જોકે ગર્ભગૃહની બહારના પ્રાંગણમાં સાધુ-સાધ્વીઓને બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શંખેશ્વરમાં લગભગ સોએક ઘર જૈનોનાં છે. અત્યારે રોજના દર્શનાર્થીઓમાં લગભગ દોઢસોથી બસો આવતા હોય તો એમાંથી ૫૦ ટકા સ્થાનિક લોકો હોય છે. યાત્રાળુઓની પાંખી સંખ્યાએ ત્યાંના દુકાનદારોના હાલ બેહાલ કર્યા છે. છેલ્લાં ૪૫ વર્ષથી શંખેશ્વરમાં રહેતા ભરત શાહ અને તેમની દીકરી જિજ્ઞાબહેનને મળવાનું થયું. શંખેશ્વરમાં કમ્પ્યુટર-ક્રાન્તિ લાવનારાં જિજ્ઞાબહેન કહે છે, ‘અમે પ્રેમ રત્ન પરિવારની સહાયથી નજીકનાં ગામોના લગભગ ૫૦૦ જેટલા લોકોને ૪૫ દિવસ સુધી સવાર-સાંજ ભોજન આપી શક્યા. લગભગ ૧૫,૦૦૦ લોકોને હોમિયોપથીની દવાનું વિતરણ કર્યું છે. શંખેશ્વરની આજુબાજુમાં પછાત વિસ્તાર છે જ્યાં ગામડામાં રહેતા લોકોની સ્થિતિ આર્થિક મંદીને કારણે નાજુક છે.’
બીજી બાજુ રાધનપુર ધર્મશાળાના શ્રીપાળ શાહ કહે છે, ‘ઘણી વાર યાત્રાળુઓ રાત્રે આવી જાય ત્યારે તેમનામાં જોરદાર મૂંઝવણ હોય છે. એકાદ રાત માટે તેમની પ્રાથમિક તપાસ કરીને અમે સરકારના નિયમો મુજબ ઉતારો આપીએ છીએ. જોકે લાંબા દિવસો રહેવું હોય તેમને અત્યારની સ્થિતિ જોતાં અનુમતિ નથી આપી શકતા. છેલ્લા છ મહિનાથી બધી જ ધર્મશાળાઓ ઑલમોસ્ટ બંધ છે. નુકસાની વેઠી રહી છે.’
અત્યાર સુધીમાં દેરાસર સાથે સંકળાયેલા સ્ટાફમાંથી કે અહીં આવતા દર્શનાર્થીઓમાં કોઈને કોરોના-પૉઝિટિવ આવ્યું નથી. એમ જણાવીને શંખેશ્વર જૈન દેરાસરના ટ્રસ્ટી દેવલ શાહ અને મૅનેજર જગદીશ શાહ કહે છે, ‘આ વખતે પૂનમના દિવસે લગભગ ૩૫૦૦ લોકોએ દર્શનનો લાભ લીધો છે. આટલા લોકો આવ્યા છતાં ક્યાંય ભીડ નથી થવા દીધી. ભગવાનની પૂજા ક્યારથી શરૂ થશે એ કહેવું હજી મુશ્કેલ છે. કોરોનાના કેસ અને આગામી સરકારી નિયમો પર જ એનો આધાર રહેલો છે.’
અનાયાસ અમારી મુલાકાત શંખેશ્વરના મામલતદાર સાથે પણ થઈ. તેઓ ચેકિંગ માટે બહાર નીકળ્યા હતા. એ સમયે લગભગ પચીસ ઍક્ટિવ કોરોનાના કેસ હતા. પોલીસ કોશિશ કરી રહી હતી લોકો પાસે કાયદાનું પાલન કરાવવાની. માસ્ક વિનાની વ્યક્તિ પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ ઉઘરાવવામાં આવે છે.
હંમેશાં ઢોલનગારાં અને યાત્રાળુઓના ધમધમાટને બદલે અત્યારે નીરવ શાંતિમાં ગરકાવ થયેલા શંખેશ્વરથી હવે અમારી સવારી પાલિતાણા તરફ કૂચ કરી રહી હતી.

પાલિતાણામાં પ્રવેશ
શંખેશ્વરથી પાલિતાણા જવા માટે શ્રેષ્ઠ પર્યાય એટલે પોતાની ગાડી અથવા ત્યાંથી રેન્ટલ કાર કરવી. લગભગ પાંચેક હજાર રેન્ટ લાગે. કોરોનાના સમયે બહાર નીકળવા માટે ઉચિત પર્યાય પણ ગણાય. જોકે અમે તો મનમાં ઠાની જ લીધું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. તપાસ કરતાં ખબર પડી કે વિરમગામથી બપોરે એક વાગ્યાની વિરમગામ-પાલિતાણા વચ્ચેની ડાયરેક્ટ બસ છે, જે લગભગ સાંજે ૭ વાગ્યે પહોંચાડે. અમે ઊપડ્યા સરસામાન સાથે વિરમગામ જવા. શંખેશ્વરથી વિરમગામ જવા માટે જો પબ્લિક ટ્રાન્સપોર્ટ લો તો લગભગ દોઢ કલાકનો સમય લાગે. લગભગ સાડાઅગિયાર વાગ્યે વિરમગામ પહોંચીને ત્યાં ગામમાં આવેલી ભોજનશાળામાં બપોરનું ભોજન કરીને સીધા GSRTCના બસ-સ્ટૉપ પર પહોંચ્યા. બસ તૈયાર હતી અને સહેજ ખાલી પણ હતી. ઘણાં નાનાં બાળકો સાથે મમ્મીઓ, સિનિયર સિટિઝનો એમ દરેક એજ-ગ્રુપના લોકો જોયા, કેટલાકે માસ્ક પહેરેલા અને કેટલાક માસ્ક વિનાના. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, કોઈ જાતનો ડર આંખમાં નહીં. સુરેન્દ્રનગર, વલ્લભીપુર, સિહોર જેવા ઠેકઠેકાણે બસ ઊભી રહેતાં લોકોની ચડ-ઊતર ચાલુ હતી. કંડક્ટરના મતે આ ૫૦ ટકા જ પબ્લિક બહાર નીકળી છે એટલે બસ ખાલી છે, બાકી લોકો ઊભા-ઊભા પ્રવાસ કરે. વિરમગામનાં એક બહેન પોતાની દીકરીના ઘરે સુરેન્દ્રનગર જઈ રહ્યાં હતાં. પોતાનાં સગાં જેઠાણીને વીસેક દિવસ પહેલાં તેમણે કોરોનામાં ખોઈ દીધાં હતાં. સિનિયર સિટિઝન આ દંપતિ સાથે તેમની લગભગ દસેક વર્ષની પૌત્રીએ માસ્ક પહેર્યો હતો, કારણ કે તેમણે પોતાની નજરથી કોરોનાનું કાતિલ સ્વરૂપ જોઈ લીધું હતું. બીજી બાજુ એક ત્રીસેક વર્ષનાં બહેન પોતાના અઢી વર્ષના બાળક સાથે હતાં. તેમણે માસ્ક મોઢાને બદલે ગળા પર લટકાવેલું. સિહોર જઈ રહ્યાં હતાં અને તેમને કોરોનાનો કોઈ ડર નહોતો. માસ્ક કેમ નથી પહેર્યો તો કહે, ‘અમારે ત્યાં જરૂર નથી. એકેય કેસ નથી. આદત નથી અત્યારે પહેરવાની.’ આ રીતે લોકલ પ્રવાસીઓ સાથે વાતોનાં વડાં કરતાં અમે પહોંચ્યા પાલિતાણા. તળેટીની નજીક ઊતરવું હતું એટલે જડાવીબહેન ધર્મશાળા પર પસંદગી ઉતારી. બસ-ડેપોથી તળેટી રોડ પર આવતાં વચ્ચે આવતી દુકાનોનાં શટર ખુલ્લાં હતાં અને માત્ર દુકાનદારો બેઠા હતા. પાલિતાણાની ગલીઓમાં જે શાંતિ હતી એ શરીરમાં સહેજ ધ્રુજારી આવી જાય એવી હતી. સાવ ખાલીખમ રસ્તાઓ. લોકો નવરાધૂપ. ન રિક્ષા, ન યાત્રાળુઓ, ન અન્ય કોઈ સ્થાનિક મજૂરો. માત્ર અગમ્ય એવો સુનકાર. એકલા હોવાને નાતે અમારા મનમાં પણ અજંપો હતો જ. જોકે આદેશ્વર દાદાનું નામ લઈને હિંમત રાખીને સાવચેતીથી રહીશું એમ વિચારીને એ રાતે આરામ કર્યો. બીજા દિવસે સવારે લગભગ સાડાછ વાગ્યાની આસપાસ તળેટી જવા નીકળ્યા. એઝયુઝ્‍વલ રસ્તામાં કોઈ ખાસ શોરબકોર કે લોકોની હિલચાલ ન મળી. ડોલીવાળા એક ભાઈને કહેતા સાંભળ્યા, ‘બહેન, ડોલી લઈ લોને, ઘરમાં પાંચ કિલો બાજરી આવશે.’ તળેટીની નજીક ખાલી ડોલીઓ ગોઠવાયેલી હતી. મુખ્ય ગેટ પાસે તમારું નામ, સ્થાન અને નંબર લખીને તમને પ્રવેશ આપે. પ્રવેશ પહેલાં ટેમ્પરેચર ચેક કરવામાં આવે. કોઈ પણ જાતની ભગવાનને ચડાવવાની વસ્તુઓ અંદર લઈ જવાની અનુમતિ નથી. અત્યારે લગભગ ૭૦૦થી વધુ જૈન સાધુ-સાધ્વીજીઓ પાલિતાણામાં છે. તળેટીમાં તેમનાં દર્શન તમને વિશેષ થશે. જોકે અહીં પણ યાત્રાળુઓ ના બરાબર હતા. ગિરિરાજ પર ચડવામાં પણ કોઈ સાથે નહીં. ભરતભાઈ કરીના એક ભાઈ સાથે પરિચય થયો જેઓ ૩૬૫ દિવસ રોજ ગિરિરાજની એક જાત્રા કરે. એ સિવાય પૂજારીઓ અને અન્ય કર્મચારીઓ હતાં. અમે પણ તેમનો સથવારો પકડી લીધો. પ્રત્યેક પગથિયા સાથે મનમાં નમો સિદ્ધાણંનો જાપ ચાલુ હતો. અત્યારે ગિરિરાજ પર હરિયાળી સોળે કળાએ ખીલી છે. થાક લાગી રહ્યો હતો. જોકે પૂજારીઓ પાસેથી નિતનવી વાતો સાંભળવા મળી. ચાતુર્માસ અને લૉકડાઉનને કારણે યાત્રાળુઓની સંખ્યા ઘટી હોવાથી જંગલના રાજા સિંહ અને દીપડાઓ હવે દેખા દેવા માંડ્યા છે. જોકે માનવો પર કોઈ હુમલો નથી થયો આજ સુધી, પરંતુ અઠવાડિયે એકાદ-બે વાર ગાય-ભેંસ જેવા પશુઓને તેઓ ઉપાડી જાય છે. આ વાત સાંભળ્યા પછી અમારા કાન સરવા થઈ ગયા હતા અને આંખો ચકોર થઈ ગઈ હતી. રખેને, ક્યાંક જંગલના રાજાનાં દર્શન થઈ જાય. લગભગ બે કલાકે થાકેલા-પાકેલા રામપોળ પર પહોંચ્યા ત્યાં મૂળ એમપીના અને આર્મીમાં કામ કરી ચૂકેલા રાઇફલધારી સિક્યૉરિટી ગાર્ડ સાથે ‘જય આદિનાથ’થી વાતની શરૂઆત કરી. તેમનો સવાલ હતો, ‘અકેલે આયે હો?’ અમે બે જણ હતા અને છતાં હા જ પાડી, કારણ કે અત્યારના સમયે બે જણ પણ એકલા જેવી જ બાબત હતી. રામપોળથી વાઘણપોળ વટાવીને શાંતિનાથ ભગવાનનાં દર્શન કરીને વચ્ચે કવડયક્ષરાજનાં દર્શન કરીને ઝડપથી હાથીપોળ તરફ પહોંચ્યાં. હવે મુખ્ય ગર્ભગૃહ તરફ જવાની આતુરતા હતી. અહીં પહોંચ્યાં તો જોયું કે ગર્ભગૃહમાં ત્રણ પૂજારીઓ, બે સિક્યૉરિટી ગાર્ડ અને હવે અમે બે. આટલું એકાંત આ તીર્થમાં પોતાના માનીતા ભગવાન સાથે મળી શકે એ વાત માનવામાં નહોતી આવતી. સવારે સાત વાગ્યે દાદાનો મુખ્ય દ્વાર ખૂલે એ બપોરે લગભગ ૧૨ વાગ્યા સુધી. આટલો સમય તમે ઉપર રહી શકો. આ અવસરનો અમે લાભ લીધો, પૂજારીઓને દાદાની ભક્તિ કરતા જોયા, સિક્યૉરિટી ગાર્ડને નિરાંતે ભગવાન તરફ ધ્યાન ધરતા જોયા. ચાતુર્માસમાં ચારેય મહિના ગિરિરાજ પર રહેતા સિક્યૉરિટી ગાર્ડ સાથે વાતો થઈ. ભરજંગલને કારણે સિંહો અને નાગદેવતાઓનાં નિયમિત દર્શન થતાં હોવા છતાં તેમને આ ઈશ્વરની શ્રદ્ધાને કારણે ડર નથી લાગતો અને આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ એવો બનાવ પણ બન્યો નથી, કારણ કે દાદાનું રક્ષાકવચ છે અમારી સાથે. યુપીના સિક્યોરિટી ગાર્ડની આ શ્રદ્ધા અચંબિત કરી ગઈ. મોટા ભાગે રવિવારે શત્રુંજય ગિરિરાજ પર ભક્તોની ભીડ હોય એની સામે આ વખતે ગણીને પાંચ ભક્તો દાદાના દરબારમાં જોવા મળ્યા હતા. ‘હો સકે તો આપ ભી પૂજારીજી કે સાથ હી ઊતર જાના.’ સિક્યૉરિટી ગાર્ડની આ વાત અમે કાને ધરીને કેટલાક પૂજારીઓના ટોળાની પાછળ-પાછળ ઊતરી ગયાં. યાત્રાળુઓ વિનાનો ગિરિરાજ સૂનો લાગતો હતો. તળેટીમાં સાધુ-સાધ્વીજીને કારણે સહેજ વસ્તી હતી. બાકી આખા પાલિતાણામાં અત્યારે યાત્રાળુઓ રોજના ૧૦થી ૧૨ માંડ આવતા હશે. એમાં પણ ૫૦ ટકા જ યાત્રા કરતા હશે. ભોજન માટે અમે બનાસકાંઠાની ભોજનશાળાને આશ્રયસ્થાન બનાવ્યું હતું. દુકાનો, રિક્ષાવાળાઓ, મજૂરો, ડોલીવાળાઓ એમ પાલિતાણામાં યાત્રાળુઓ પર નભતો તમામ વર્ગ આતુરતાપૂર્વક યાત્રાળુઓની રાહ જોઈ રહ્યો છે.
પાલિતાણામાં જોકે કારતક સુદ પૂનમથી યાત્રાળુઓની અવરજવર વધશે એવી ગણતરી સાથે આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી શ્રીપાળ રસિકલાલ શાહ કહે છે, ‘ચાતુર્માસમાં યાત્રા ન થાય એવું ૯૦ ટકા જૈનો માને છે એટલે જ અત્યારે લોકો તળેટીનાં દર્શન કરીને તાત્કાલિક નીકળી જાય છે, જેથી ભીડનો પ્રશ્ન જ નથી આવ્યો. હજી બે મહિના પછી ચાતુર્માસ પૂરો થશે. મને લાગે છે કે દિવાળી સુધી સેવાપૂજાની પરવાનગી મળી શકશે, જો કોરોના પર કાબૂ આવી જાય તો. પેઢી વતી અમે ડોલીવાળોઓમાં અને આસપાસનાં ગામમાં બે વાર અનાજનું વિતરણ કર્યું હતું. દાદાની કૃપાથી અત્યાર સુધીમાં ગઢ ઉપર કે દેરાસર સાથે સંકળાયેલી એક પણ વ્યક્તિને કોરોના-પૉઝિટિવ આવ્યો નથી.’
પાલિતાણામાં લગભગ ૨૩૦ સક્રિય ધર્મશાળાઓ છે, જેમાંથી મોટા ભાગની ધર્મશાળાઓ છેલ્લા ૬ મહિનાથી બંધ જેવી સ્થિતિમાં જ છે. પાલિતાણા ગામના પોલીસ-ઇન્સ્પેક્ટર એન. એમ. ચૌધરી સ્વીકારે છે અને કહે છે, ‘પાલિતાણામાં તળેટી રોડ પર વધુ બહારના લોકોની અવરજવર હોય છે. જોકે અત્યાર સુધીમાં બહારથી કોઈ કોરોનાનો કેસ આવ્યો હોય અને અહીં સંક્રમણ થયું હોય એવું નોંધાયું નથી. જે થોડા કેસ આવ્યા એ પાલિતાણા ગામમાં અમદાવાદ અને ભાવનગર ગયેલા લોકલ લોકો દ્વારા આવ્યા છે.’

ruchita shah columnists