અથાણા-મસાલાની મોસમ આવી તો ખરી, પણ...ગૃહિણીઓની ધીરજની કસોટી થઈ ગઈ

19 May, 2020 10:17 PM IST  |  Mumbai | Varsha Chitaliya

અથાણા-મસાલાની મોસમ આવી તો ખરી, પણ...ગૃહિણીઓની ધીરજની કસોટી થઈ ગઈ

1. અથાણા વગર ચલાવી લઈશું - મનીષા ઠાઠાગર

મરી-મસાલાની સીઝન આવે એટલે રાજકોટમાં શમિયાણા (માંડવો) બંધાઈ જાય. તમામ પ્રકારના આખા મસાલા અહીંથી ખરીદીને ગૃહિણીઓ માથે રહીને નજર સામે એને પિસાવે. આવા ચોખ્ખા, સુગંધિત મસાલા જોઈએ મનીષા ઠાઠાગરને. અથાણાં પણ એમાંથી જ બને. આ વર્ષે તેઓ રાજકોટ જઈ શક્યાં નથી એનો વસવસો તેમના શબ્દોમાં છલકાય છે. તેઓ કહે છે, ‘હું તો મીઠું સુધ્ધાં ભરી રાખું છું. વેકેશન પડે એટલે પિયર જાઉં. વળતી વેળાએ મસાલાનો કોથળો સાથે હોય. આ વર્ષે રાજકોટ જવાયું નહીં એમાં બાર મહિનાના મસાલા બગડ્યા. અથાણું તો હવે ભૂલી જ જવાનું છે. વરસાદનું એક ઝાપટું પડે પછી બધું પૂરું થઈ જાય.’

ગયા વર્ષના મસાલામાંથી એક મહિનો માંડ ખેંચી શકાય એટલા મસાલા વધ્યા હોવાથી મૂંઝાઈ ગઈ હતી એમ જણાવતાં મનીષાબહેન કહે છે, ‘મસાલા વગર કેમ ચાલે? અમારા વિસ્તારની અંદાજે દસેક દુકાનમાં ફરી આવી. ક્યાંયથી મેળ પડ્યો નહીં. ભાવ સાંભળીને તો ચક્કર આવી જાય. વધુ પૈસા આપવાના ને ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઇઝ કરવાનું મને ન ફાવ્યું. આ બાબત મમ્મી સાથે વાત થઈ હતી ત્યારે તેમણે એટલું જ કહ્યું કે બેટા, કપરો સમય છે ધીરજ રાખજે. મસાલા લેવાની ઉતાવળ ન કરતી. અત્યારે છે એમાંથી કરકસર કરીને વાપરો. ત્યાં સુધીમાં બધું ખૂલી જશે. પૈસા બચાવીશ તો આગળ કામ લાગશે. લૉકડાઉને આપણને ચીજવસ્તુ સાચવીને વાપરતાં શીખવાડી દીધું છે. આ વર્ષે અથાણાં ભલે ન બને, પરંતુ મસાલા માટે ધીરજ રાખીને બેઠી છું.’

2. અમારે તો બધું થાળે પડી ગયું - હિના મહેતા

મરી-મસાલા, અથાણાં અને બારેમાસના ઘઉં-ચોખા બધું જ સમયસર થાળે પડી જાય તો ગૃહિણીનો આનંદ બેવડાઈ જાય. આવી જ ખુશી ઝલકે છે હિના મહેતાના ચહેરા પર. કોઈ તકલીફ વેઠવી પડી નથી એમ જણાવતાં તેઓ કહે છે, ‘મારા ભાઈને મસાલાનો વ્યવસાય છે. કારખાનાં બંધ હોવાથી મસાલા પીસવાનું મશીન ઘરમાં જ લઈ આવ્યા છે. અમારા આખા સર્કલમાં બધાના મસાલા તેમણે તૈયાર કરીને મોકલી આપ્યા. બારીમાં તડકો સારો પડે છે તેથી જીરું તપાવીને ભરાઈ ગયું એટલું જ નહીં, ખીચિયા પાપડ અને બટાટાની કાતરી પણ થઈ ગઈ. કદાચ આ વર્ષે થોડું મોડું થયું હોત તોય ચિંતા નહોતી. આપણે કંઈ કટોકટ મસાલા નથી ભરતાં. સીઝન ગયા પછી પણ ત્રણેક મહિના ચાલે એટલા મસાલા હોય જ.’

તીખાં અથાણાંમાં થોડી સાવચેતી રાખવી પડી છે ખરી એમ જણાવતાં હિનાબહેન કહે છે, ‘વાસ્તવમાં અથાણાંની મોટી લાડવા કેરી અને ગુંદા માટે હું બોરીવલીની શાકમાર્કેટમાં જતી હોઉં છું. ત્યાં બહુ સરસ મળે. આ વખતે ઘરની બહાર શાકભાજીવાળા પાસેથી મીડિયમ સાઇઝની કેરી મળી એનાથી ચલાવી લેવું પડ્યું. ગુંદા માટે થોડા વધુ પૈસા ચૂકવવા પડ્યા છે. કેરીની ક્વૉલિટીમાં પડતાં બાર મહિનાનું અથાણું નથી બનાવ્યું. ચોમાસાના ચાર મહિના નીકળી જાય એટલે બસ. ત્યાર પછી તો શિયાળામાં અનેક જાતનાં અથાણાં બનાવીને ખાઈ શકાય છે. અમને ગૅસ પર બનાવેલો છૂંદો ભાવે છે એટલે એનુંય ટેન્શન નથી રહ્યું. અત્યારે બધું સચવાઈ ગયું છે.’

3. આ વર્ષે વધુ મહેનત કરવી પડશે - અલ્પા શેઠ

મરચું અમદાવાદથી, હળદર સાંગલીની, ધાણાજીરું અને અન્ય મસાલા ભુલેશ્વરથી લાવવાના. અલ્પા શેઠના રસોડામાં જુદી-જુદી જગ્યાએથી મસાલા આવે છે. એપ્રિલ મહિનામાં તો બધું ઠેકાણે પડી જાય, જ્યારે આ વર્ષે મે મહિનો પૂરો થવા આવ્યો મસાલા આવ્યા નથી. તેઓ કહે છે, ‘હળદર તો પહેલાં જ મુંબઈ આવી ગઈ છે. લૉકડાઉન હળવું થશે ત્યારે લઈ આવીશ. બીજા મસાલાની એટલી ચિંતા નથી. ખેડૂતોએ પાક લીધો છે તેથી મોડા તો મોડા બજારમાં મસાલા આવી જશે. ચિંતા છે મરચું ભરવાની. અમને અમદાવાદનું મરચું જ ફાવે છે. એનાથી ઍસિડિટી થતી નથી. જે ભાઈ પાસેથી મરચું મંગાવતી હતી તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં હવે મારે અહીંથી વ્યવસ્થા કરવી પડશે. બહાર નીકળવાની છૂટછાટ મળશે ત્યારે બે-ત્રણ જાતનાં મરચાંના સૅમ્પલ લાવીને વાપરી જોઈશ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જે મરચું ફાવશે એ ભરવું પડશે. મસાલાને મોડું થઈ ગયું હોવાથી સાચવણીની પ્રૉપર રીત માટે વડીલોને ફોન કરી સમજવું પડશે. આમ વધુ મહેનત કરવી પડશે.’

અમારા ઘરમાં અથાણું એટલું બધું ખવાતું નથી એટલે શાંતિ છે એમ બોલતાં અલ્પાબહેન કહે છે, ‘સામાન્ય રીતે અમે તાજાં અથાણાં જ ખાઈએ છીએ. તીખું ખાતાં નથી, પરંતુ છૂંદો બધાંને ભાવે છે. આ વર્ષે છૂંદો બન્યો નથી. ડાઇનિંગ ટેબલ પર અથાણું પડ્યું હોય તો આમ કોઈ હાથ ન લગાવે, પણ આ વર્ષે નથી તો બધાંને યાદ આવશે. ઘરના મેમ્બરોની પસંદગીને ધ્યાનમાં રાખી રાખી છૂંદો સાચવવો પડશે.’

4. ડબલ માથાઝીંક અને ખર્ચા થયા - વર્ષા મહેતા

ચૈત્ર મહિનામાં દેશમાં માતાજીના હવનમાં જવાનું થાય એ પહેલાં મસાલાનો ઑર્ડર આપી દે. વર્ષા મહેતા તમામ મસાલા રાજુલાથી લેતાં આવે. આ વર્ષે બધો પ્રોગ્રામ કૅન્સલ થયો એમાં મસાલાનું પાર્સલ દેશમાં જ અટવાઈ ગયું. તેઓ કહે છે, ‘અમારે તો ડબલ મહેનત થઈ અને ખર્ચા વધ્યા. દેશમાં પાર્સલ પડ્યું છે, જ્યારે અહીં મસાલા ખૂટવા લાગ્યા. ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થાય ત્યાં સુધી રાહ જોઈએ તો અથાણાંની મોસમ પૂરી થઈ જાય. નાછૂટકે અથાણાં માટે અને બે મહિના રસોઈમાં ચાલે એટલા મસાલા લોકલ માર્કેટમાંથી ખરીદવા પડ્યા.’

દેશના મસાલા અને અહીંના મસાલાની સોડમ, સ્વાદ અને રંગમાં ખાસ્સો ફરક છે એમ જણાવતાં વર્ષાબહેન કહે છે, ‘વધુ પૈસા ચૂકવીનેય સંતોષ ન થાય. અહીં મરચાંનાં ડીંટિયાં કાઢવા જેટલી તકેદારી કોઈ લેતું નથી. બીજું, મશીનના અને ખાંડેલા મસાલામાં જમીન-આસમાનનું અંતર છે. અથાણાંની ચિંતા હતી એટલે હાલપૂરતા લઈ લીધા. વાસ્તવમાં અમારી સોસાયટીનો ગેટ ત્રણ દિવસે એક વાર ખોલવામાં આવે છે. શાકવાળા પાસે રાજાપુરી કેરી મળતી હતી. અમને રાજાપુરીનું અથાણું ફીકું લાગે છે. પરાણે બનાવું ને કોઈ ખાય નહીં તો કેરી કરતાં તેલ-મસાલા વધુ વેસ્ટ જાય. ત્રણ-ચાર ધક્કા ખાધા પછી લાડવા કેરી મળી એમાં અથાણું મોડું બન્યું. મસાલા ઉપરાંત બાર મહિનાનું ઘણુંખરું અનાજ પણ દેશમાંથી આવે છે. લૉકડાઉનના કારણે અમારે એમાં પણ કૉમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે. આ વખતે મન મનાવીને સગવડિયો ધર્મ અપનાવી લીધો છે.’

5. ફૅક્ટરીના મસાલા ભરવામાં જ શાણપણ છે

ટ્રેડિશનલ અથાણાં, મસાલા અને કુકિંગ એક્સપર્ટ કેતકી સૈયાનું માનવું છે કે આ વર્ષે બાર મહિના ભરવાલાયક મસાલા મળવાના નથી. એને સાચવવાની રીત ભૂલી જાઓ. ગૃહિણીઓએ હોમમેડ મસાલાનો મોહ છોડી રેડીમેડ મસાલા વાપરવાની તૈયારી રાખવી પડશે. તેઓ કહે છે, ‘વર્તમાન વાતાવરણમાં દરેક ગૃહિણીએ ફૅક્ટરીના હાઈ-ગ્રેડ મશીનમાં તૈયાર થયેલા મસાલા પર જ આધાર રાખવો જોઈએ. ઘરમાં કડાકૂટ કરવા જશો તો આખું વર્ષ બગડશે. હવે સમજો તમારે ઘરમાં ધાણાજીરું બનાવવું છે તો એની માટે મસ્ત મજાનાં લીલાંછમ ધાણાં અને ઊંચી ગુણવત્તાવાળું જીરું જોઈએ, જે તમને મળવાનું નથી. અત્યારે ગોદામો અને ટ્રાન્સપોર્ટ સેવા બંધ છે. હવાની અવરજવર વગર ગોદામોમાં સ્ટોર કરેલા મસાલામાં ફંગસ થઈ ગઈ હશે. બધું ખૂલ્યા બાદ આ મસાલા તમારા સુધી પહોંચવાના છે. બીજું એ કે મે મહિનાની પંદર તારીખ નીકળી ગયા બાદ હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. જો તમે મસાલા ભરશો તો જીવાત પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. બીજી તરફ મોટી-મોટી કંપનીઓમાં રોબોની સહાયથી કામ થાય છે. એ લોકોએ જાન્યુઆરી મહિનામાં જ આખા મસાલા લઈ લીધા છે. તેમની પાસે જાળવણી માટેનાં અત્યાધુનિક સાધનો અવેલેબલ હોવાથી ગુણવત્તાને અસર નહીં થાય. મરચાંમાં ખૂબ ધૂળ અને મૉઇશ્ચર હોય છે. ફૅક્ટરીઓમાં મસાલાને મશીનની સહાયથી સ્વચ્છ કરી, હાઇડ્રેટ કરીને વેચાણ અર્થે બજારમાં મૂકવામાં આવે છે. તેમની પાસે પોતાના ટ્રાન્સપોર્ટ વેહિકલો હોય છે. આમ બધી રીતે તૈયાર મસાલા વાપરવા સલામત છે. ભલે થોડા મોંઘા પડે, પરંતુ આ વખતે મસાલા બનાવતી કંપની પર ભરોસો કરવા જેવો છે.’

અથાણાં પણ ન જ બનાવવાં જોઈએ એવી ભલામણ કરતાં કેતકીબહેન કહે છે, ‘રોગચાળો ફાટી નીકળે ત્યારે પાકને અસર થાય. અત્યારે જે કેરી મળે છે એમાં ક્યાંક જરા અમથો સડો આવી જાય છે. એક બાજુથી દબાઈ ગઈ હોય એવી કેરી શાકવાળા પાસે જોઈ છે. આવી કેરીનાં અથાણાં બનાવવાનો કોઈ અર્થ નથી. નીરોગી રહેવા સમય અને સંજોગોને અનુકૂળ રહી અથાણાં વગર ચલાવી લેતાં શીખવું પડશે.’

columnists Varsha Chitaliya Gujarati food indian food