08 February, 2025 09:51 PM IST | Mumbai | Ruchita Shah
કોઈ રાજકીય નેતા કે જજની દીકરી હોત તો પણ શું આ જ ચુકાદો આવ્યો હોત?
આ સવાલ ૨૩ વર્ષની યુવતી એસ્થર અનુહ્યાના સ્વજને ઉઠાવ્યો છે. ૨૦૧૪માં પોતાની દીકરીને અરેરાટીભર્યા ક્રાઇમને કારણે ગુમાવનારા આ પરિવારને નીચલી અદાલતોથી લઈને હાઈ કોર્ટમાંથી ન્યાય મળ્યાનો હાશકારો હતો પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે તેઓ સ્તબ્ધ છે. દસ વર્ષ કોર્ટમાં ચાલેલા કેસ દરમ્યાન હાઈ કોર્ટ પણ જેને મોતની સજા આપી ચૂકી હતી એ વ્યક્તિને આખરે દોષમુક્ત જાહેર કરવામાં આવે એ ડાયજેસ્ટ થાય એવી બાબત નથી, છતાં આવું બન્યું છે. શું હતો એ કેસ અને કઈ રીતે એ આગળ વધ્યો અને હાઈ કોર્ટના ચુકાદાને રદબાતલ કરવાની સુપ્રીમ કોર્ટને શું ફરજ પડી એનો સંપૂર્ણ ઘટનાક્રમ વિગતવાર જાણીએ
પેરન્ટ્સ સાથે ક્રિસમસ વેકેશન સેલિબ્રેટ કરીને હૈદરાબાદથી મુંબઈ પાછી ફરેલી ૨૩ વર્ષની યુવતીને લિફ્ટ આપવાના બહાને રેલવે-સ્ટેશનથી ઉઠાવીને બળાત્કાર કર્યો અને પછી સળગાવી દીધી : આ ગુના બદલ હાઈ કોર્ટ દ્વારા મોતની સજા પામેલા ચંદ્રભાણ સાનપને સુપ્રીમ કોર્ટે પૂરતા પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કરી દીધો
આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમમાં પરિવાર સાથે બે અઠવાડિયાંનું મોજીલું ક્રિસમસ વેકેશન મનાવીને ૨૩ વર્ષની એસ્થર અનુહ્યા ૨૦૧૪ની પાંચમી જાન્યુઆરીએ મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ પર સવારે લગભગ પાંચ વાગ્યે ટ્રેનમાંથી ઊતરે છે. ગોરેગામમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસની ઓફિસમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી આ યુવતી અંધેરીની યંગ વિમેન ક્રિશ્ચન અસોસિએશનની હૉસ્ટેલમાં રહેતી હતી અને રેલવે-સ્ટેશન પરથી અંધેરી જવા માટે ટૅક્સી શોધી રહી છે. એ દરમ્યાન તેને સામેથી ચંદ્રભાણ સાનપ નામનો માણસ અપ્રોચ કરે છે. ટૅક્સી કે રિક્ષા કરતાં ઓછા ભાડામાં અંધેરી તેની હૉસ્ટેલ પહોંચાડી દેશે એવું કહીને પાર્કિંગમાં લઈ જાય છે અને પાર્કિંગમાં પહોંચ્યા પછી મારી પાસે પોતાની ટૅક્સી નથી એટલે હું તમને ટૂ-વ્હીલરમાં પહોંચાડી દઈશ એવું કહીને યુવતીને બાઇક પર બેસવા સમજાવે છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી તેની બાઇક કાંજુરમાર્ગ પાસે નિર્જન સર્વિસ રોડ પર ઝાડીઓ પાસે ઊભી રાખે છે. ત્યાં તે યુવતી પર બળજબરી કરે છે. તેના પર બળાત્કાર કરે છે અને ઝાડીમાં જ તેના પર બાઇકમાંથી પેટ્રોલ કાઢીને પેટ્રોલથી તેના શરીરને સળગાવી દે છે.
બીજી બાજુ દીકરીનો પહોંચી ગયાનો ફોન નહીં આવતાં આંધ્રપ્રદેશમાં બેઠેલા તેના પરિવારજનો ચિંતામાં પડે છે. અંધેરીની હૉસ્ટેલમાં તે એક દિવસ સુધી ન પહોંચી એટલે પિતા હૈદરાબાદ અને પછી મુંબઈમાં મિસિંગની ફરિયાદ નોંધાવે છે. મુંબઈ પોલીસ છોકરીની શોધ આદરે છે અને CCTV કૅમેરામાં છેલ્લે તે લોકમાન્ય ટિળક ટર્મિનસમાંથી બહાર નીકળી હોવાનાં ફુટેજ મળે છે. શોધ ચાલી રહી છે પણ અન્ય કોઈ પત્તો નથી. એવામાં ૧૬ જાન્યુઆરીએ એટલે કે ગુમ થયાના લગભગ બારમા દિવસે ગવર્નમેન્ટ રેલવે પોલીસને કાંજુરમાર્ગમાંથી અડધી સળગેલી લાશ મળે છે. તપાસ આગળ વધે છે. યુવતીના હાથની વીંટીને પિતા ઓળખી જાય છે અને DNA તપાસ બાદ એ કન્ફર્મ થાય છે કે આ એ જ યુવતી છે જે પાંચ જાન્યુઆરીથી મિસિંગ હતી.
દસ વર્ષ પહેલાં મુંબઈમાં વહેલી પરોઢમાં ઘટેલી આ ઘટનાએ ૨૦૧૨માં બનેલા નિર્ભયા કાંડ જેવી ચકચાર મચાવી હતી. પોલીસે ગુનેગારની તપાસ માટે દિવસરાત એક કરવાં શરૂ કર્યાં. ૩૬ CCTV કૅમેરાનાં ફુટેજ અને ૨૫૦૦ જેટલા લોકોનાં સ્ટેટમેન્ટ નોંધ્યા પછી કૅમેરાનાં ફુટેજ લોકોને દેખાડ્યા પછી તેમને ૨૯ વર્ષનો એક યુવાન દેખાયો જે આ યુવતીનું લગેજ લઈને બહાર નીકળતો દેખાય છે. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં એ પછી યુવાન સાથે સંકળાયેલી અનેક માહિતી બહાર આવી. ચંદ્રભાણ સાનપ નામનો એ યુવક રેલવેમાં જ કામ કરતા એક માલવાહકનો દીકરો છે અને તે છેલ્લા દસ દિવસથી ઘરે નથી પહોંચ્યો. ફોટો પરથી શોધ શરૂ થઈ અને બે મહિના પછી માર્ચમાં નાશિકથી ચંદ્રભાણને પોલીસે પકડી પાડ્યો. ચંદ્રભાણે પોતાની ઓળખ બદલવા દાઢી વધારી દીધી હતી. તપાસમાં પોલીસને ચંદ્રભાણ પાસેથી એ યુવતીનું ID કાર્ડ અને ચંદ્રભાણની બહેન પાસેથી યુવતીની ટ્રોલી બૅગ પણ મળી આવી હોવાના પુરાવા પોલીસે રજૂ કર્યા હતા. ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પોલીસનું કહેવું છે કે પહેલાં પણ ચોરી-છેડખાનીના ગુના કરી ચૂકેલા ચંદ્રભાણનો ઇરાદો યુવતીને લૂંટવાનો હતો પરંતુ એ પછી બાઇક પર તેનો ઇરાદો બદલાઈ ગયો અને તેની સાથે શારીરિક રીતે જોડાવાનું તે નક્કી કરે છે. કાંજુરમાર્ગ અને મુલુંડના રોડ પર આ હીન કૃત્ય કર્યા પછી ત્યાંથી નાસી છૂટે છે અને તે તેના ફ્રેન્ડ નંદકિશોર સાહુને ફોન કરીને ત્યાં લઈ જાય છે. ફ્રેન્ડ સામે જ પેટ્રોલ નાખીને તે યુવતીને સળગાવે છે. જોકે ફ્રેન્ડ તેની સાથે આ ગુનામાં સામેલ નથી થતો અને તે કેસમાં પ્રાઇમ વિટનેસ બની જાય છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ ૨૦૧૪ની વીસ ફેબ્રુઆરીએ નાશિકથી ચંદ્રભાણ સાનપને પકડી પાડે છે. જોકે તે નિર્દોષ હોવાની કબૂલાત કરતાં તેને છોડી દેવામાં આવે છે. જોકે આ પૂછપરછ દરમ્યાન ચંદ્રભાણે પોતાની ઓળખ બદલવા દાઢી વધારી હોવાનું પોલીસના ધ્યાનમાં આવે છે. આ ઘટનાના બે મહિના પછી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ કેસની તપાસને ફરી આગળ વધારે છે અને જે પણ લોકોનાં સ્ટેટમેન્ટ લેવાયાં હતાં તેમ જ શંકાસ્પદ જણાયેલા લોકોની પૂછપરછ કરે છે. એ દરમ્યાન પોલીસના ધ્યાનમાં સાનપના ફોન રેકૉર્ડ પરથી પાંચમી જાન્યુઆરીએ તે લોકમાન્ય ટિળક ટર્મિનસ હોવાનું લોકેશન મળે છે. તેને ફરી પૂછપરછ માટે પોલીસ-સ્ટેશન બોલાવવામાં આવે છે. પાંચમી જાન્યુઆરીએ ચંદ્રભાણ સાનપ પોતે લોકમાન્ટ ટિળક ટર્મિનસ હતો જ નહીં એવું જૂઠું બોલે છે પણ ફોન રેકૉર્ડના લોકેશનનો રિપોર્ટ જોયા પછી સ્વીકારી લે છે. પોલીસ તેની વધેલી બિયર્ડ શેવ કરાવીને CCTV ફુટેજમાં દેખાતા માણસ સાથે તેને મૅચ કરે છે. આગળની પૂછપરછમાં સાનપ પોતાનો ગુનો કબૂલી લે છે. યુવતીનું લૅપટૉપ નદીમાં ફેંકી દીધું, તેનાં કપડાં નાશિકમાં ગરીબને આપી દીધાં. આગળ જતાં તેના ઘરેથી પણ અમુક કપડાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે.
ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને નાશિકના ત્ર્યંબકેશ્વરનો એક પંડિત પણ વિટનેસ તરીકે મળે છે જેની પાસે કહેવાતો આરોપી મહિલા સાથે ખોટું કામ થઈ ગયું હોઈ એ પાપને ધોવા માટે કઈ પૂજા કરવી એવું પૂછે છે અને પછી ત્ર્યંબકેશ્વરમાં ત્રણ હજાર રૂપિયા ભરીને પૂજા પણ કરે છે જેના પુરાવા પોલીસે કોર્ટમાં સબમિટ કર્યા હતા.
૨૦૧૫માં મહિલાઓ માટેની વિશિષ્ટ અદાલતમાં ચંદ્રભાણ સાનપને બળાત્કાર અને હત્યાના ગુના બદ્દલ મૃત્યુદંડની સજા મળે છે. સાનપ આ ચુકાદા વિરુદ્ધ હાઈ કોર્ટમાં અપીલ કરે છે. હાઈ કોર્ટ પણ તેને ‘રેરેસ્ટ ઑફ રેર’ ક્રાઇમ કૅટેગરીમાં મૂકીને સમાજ માટે જોખમી વ્યક્તિ ગણાવીને મૃત્યુદંડની સજા બરકરાર રાખે છે. જોકે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈ કોર્ટના ચુકાદાને રદબાતલ જાહેર કરીને પૂરતા પુરાવાના અભાવ અને રજૂ કરવામાં આવેલા પુરાવા પણ ભેદી ગણાવીને તેને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે.
આ આખા ઘટનાક્રમમાં જીવનની શરૂઆત કરી રહેલી એક યુવતીનું બળાત્કાર પછી બેરહમી સાથે મર્ડર થાય છે. પુરાવા નષ્ટ કરવા આરોપી તેના દેહને સળગાવી નાખે છે. પોલીસ દસ વર્ષ સુધી કેસ લડે છે. નીચલી અદાલતમાં મૃત્યુદંડની સજા પામેલી વ્યક્તિ ઉચ્ચ ન્યાયલયમાં દોષમુક્ત છૂટી જાય છે. દસ વર્ષ જાણે પાણીમાં. આ આખા ઘટનાક્રમમાં ગુનાનો ભોગ બનેલી વ્યક્તિ હવે ન્યાય વિના રઝળશે. એના માટે કોણ જવાબદાર હશે? આપણી ન્યાયવ્યવસ્થા કે પોલીસનું ઇન્વિસ્ટિગેશન?
ચંદ્રભાણની મમ્મીએ ૨૦૧૪માં મિડ-ડેને આપેલા ઇન્ટરવ્યુમાં દીકરા વિશે શું કહેલું?
ચંદ્રભાણ સાનપની મમ્મી જીજાબાઈએ ૨૦૧૪માં ‘મિડ-ડે’ને જ આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં ચંદ્રભાણે જ આ ક્રાઇમ કર્યો હોય એવી સંભાવનાઓ વધારતી કેટલીક વિગતો શૅર કરી હતી અને સાથે દીકરાને મૃત્યુદંડ આપો, પણ અમને શાંતિથી જીવવા દેજોની વિનવણી પણ કરી હતી. કાંજુરમાર્ગમાં રહેતાં જીજાબાઈએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાંચમી જાન્યુઆરીએ ચંદ્રભાણ સવારે સાત વાગ્યે ઘરે આવ્યો ત્યારે તેનાં કપડાંમાં લોહી લાગેલું હતું. તેનો જૂનો મિત્ર નંદકિશોર સાહુ પણ તેની સાથે હતો. બન્ને જણ અકલ્પનીય રીતે ચૂપ હતા. સાહુએ થોડી વાર પછી કહ્યું, ‘ઇસસે એક બહોત બડા ગલતી હો ગયા હૈ.’ આ સાંભળીને મેં તેમને ત્યારે ને ત્યારે ઘરમાંથી નીકળી જવા કહ્યું.’
જીજાબાઈ પોતાના દીકરાના ક્રિમિનલ રેકૉર્ડથી પરિચિત હતાં એટલે તેમણે ધારી લીધું કે ફરી તેણે ચોરી કરી હશે અને લોકોએ ભેગા થઈને તેને માર્યો હશે અને એને જ કારણે આ ઘા થયા હશે. જોકે તેઓ કહે છે, ‘વીસ મિનિટ પછી ચંદ્રભાણ એકલો પાછો આવ્યો અને મને વિનવવા માંડ્યો કે હું તેની સાથે નાશિક આવું. મારે જવું નહોતું પણ તેની વાઇફ પૂનમ સાથે તેનો ઝઘડો થયો હતો એટલે તે તો તેને પોતાના ઘરમાં ઘૂસવા નહીં દે. હું તેની સાથે નાશિક ગઈ. અમે પહોંચ્યાં એટલે તેણે મને રિટર્ન થવા કહ્યું. હું કસારાથી લોકલ ટ્રેનમાં બેસીને કાંજુરમાર્ગ આવી.’
જીજાબાઈએ ચંદ્રભાણને ચોખ્ખાં કપડાં પહેરવાનું પણ કહ્યું. તેઓ કહે છે, ‘તેણે નવાં કપડાં પહેરીને લોહીવાળાં કપડાં થેલીમાં ભર્યાં, પરંતુ તેને સાથે લઈ જવાને બદલે તે ઘરે જ ભૂલી ગયો. હું પણ ડરેલી હતી એટલે મેં એ બાળી નાખ્યાં. મારે કોઈ પ્રૉબ્લેમમાં ઇન્વૉલ્વ નહોતું થવું. નાશિકથી પાછા આવ્યા બાદ એ કપડાં મેં મારા બિલ્ડિંગની નીચે બાળી નાખ્યાં હતાં અને પબ્લિક ડસ્ટબિનમાં એની રાખ નાખી દીધી હતી.’
અહીં ઉલ્લેખનીય છે ચંદ્રભાણની ત્રીજી પત્ની પૂનમ આ આખી ઘટનાથી અજાણ હતી. તેની પહેલી પત્ની મૃત્યુ પામી હતી. બીજી પત્ની સાથે ઝઘડાને કારણે તે છૂટો પડી ગયો હતો અને ત્રીજી પત્નીથી પણ તે જુદો રહેતો હતો.
આ કેસમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અને પુરાવાઓમાં સુપ્રીમ કોર્ટને ખૂટતી કડી શું લાગી?
સુપ્રીમ કોર્ટમાં જજની બેન્ચ જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ પ્રશાંતકુમાર મિશ્રા અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથન દ્વારા ચંદ્રભાણ સાનપ પર બળાત્કાર, હત્યા, પુરાવાને નાબૂદ કરવાના પ્રયાસો જેવા ગુનાની જે કલમો લાગી હતી અને ૩૯ સાક્ષીઓની જુબાનીનો કોર્ટે અભ્યાસ કર્યો હતો. નીચલી અદાલતો દ્વારા જેને મોતની સજા અપાઈ ચૂકી હતી એવા માણસને કોર્ટે બાઇજ્જત બરી (દોષમુક્ત) જાહેર કરવાનું કેમ ઉચિત ગણ્યું એ માટે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ૧૧૩ પાનાંના જજમેન્ટમાં કરાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ જાણી લો.
સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે બધા જ પુરાવાની તપાસ કર્યા પછી એ તારણ નીકળ્યું કે ફરિયાદ પક્ષ દ્વારા મુકવામાં આવેલા પુરાવા અધૂરા છે અને ઘણી માહિતીઓ ખૂટી રહી છે. અમે માનીએ છીએ કે અપીલ કરનાર માણસ ગુનેગાર નથી અને તેને મુક્ત કરવો જોઈએ. તેને દોષમુક્ત જાહેર કરીએ છીએ.
પોલીસે સબમિટ કરેલાં CCTV ફુટેજના પુરાવા સુપ્રીમે અગ્રાહ્ય ગણ્યા કારણ કે એમાં ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ સેક્શન 65-B(4) મુજબની કાર્યવાહી નહોતી થઈ. આ કલમ હેઠળ ઇલેકટ્રૉનિક એવિડન્સનું ઑથેન્ટિસિટી સર્ટિફિકેટ મેળવવું પડતું હોય છે.
પ્રાઇમ સાક્ષી તરીકે સાનપના મિત્રની જુબાનીમાં પણ કોઈ નિશ્ચિતતા નથી. એ સિવાયના લોકોની જુબાની પણ અંદાજના આધારે છે અને એમાંય સાતત્યનો અભાવ છે. જ્યારે પણ મૃત્યુદંડની સજા અપાતી હોય ત્યારે ધારણાના આધાર પર ઊભેલા પુરાવા ન ચાલે, નક્કર પુરાવા કાયદાકીય દૃષ્ટિએ મહત્ત્વના હોય છે.
બીજું, બળાત્કારનો ગુનો પુરવાર કરવા માટે ફૉરેન્સિક પુરાવાનું કોઈ પીઠબળ નથી મળ્યું. ફૉરેન્સિક રિપોર્ટમાં ક્યાંય એવું પુરવાર નથી થતું કે બળાત્કાર થયો હતો.
કહેવાતો આરોપી વિક્ટિમની કાળા રંગની બૅગનો નિકાલ કરવા માટે નાશિક ગયો હોય એ વિક્ટિમનું ID કાર્ડ પોતાની બહેન પાસે મૂકીને જાય અને ક્રાઇમ થયાના બે મહિના પછી વિક્ટિમની વસ્તુઓ મળી આવે એ પુરાવા પણ ગળે ઊતરે એવા નથી અને શંકા ઉપજાવનારા છે.
સુપ્રીમ કોર્ટના જજની બેન્ચે એવું પણ કહ્યું કે નિ:શંકપણે ગુનો થયો છે અને જે વ્યક્તિને ગુનેગાર તરીકે હાજર કરાયો હોય તેના દ્વારા જ આ ગુનો થયો છે એવું સોએ સો ટકા નક્કર પુરાવા સાથે રજૂ થાય ત્યારે જ સજા આપી શકાય. અહીં ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા સર્કમસ્ટન્શિયલ પુરાવામાં રજૂ કરવામાં આવેલા ઘટનાક્રમમાં ઘણી ખૂટતી કડીઓ છે જેના કોઈ જવાબ નથી, એના આધારે કોઈને ગુનેગાર ઘોષિત કરવો કાયદાના દાયરાની બહારની બાબત છે.
દીકરી ગઈ અને ન્યાય માટેની ઉમ્મીદ પણ ગઈ
અડધી બળેલી અને કોહવાયેલી હાલતમાં દીકરીનું પાર્થિવ શરીર મળ્યા પછી પહેલાં હૈદરાબાદના વિજયવાડા પાસે રહેતો પરંતુ હવે ગુંતુર શિફ્ટ થઈ ગયેલો આ પરિવાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભયંકર સદમામાં છે. ભોગ બનેલી યુવતીના પિતા એસ. જે. સુરેન્દ્ર પ્રસાદે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે ઇચ્છતા હતા કે અમને ન્યાય મળશે, પણ એવું ન થયું. શરૂઆતમાં અમે પણ મુંબઈ પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. મોટી ટ્રોલી બૅગ સાથે દીકરી કોઈ અજાણ્યા સાથે ટૂ-વ્હીલર પર બેસીને જાય જ નહીં. એ વાત જ અમને ગળે નહોતી ઊતરતી. પરંતુ એ પછીના પુરાવાને જોયા પછી અમને કોઈ શંકા નહોતી રહી. ધારો કે આ વ્યક્તિ ગુનેગાર નથી તો ગુનેગાર કોણ છે? આટલાં વર્ષની લડત પછી આ દિવસની અપેક્ષા નહોતી. આ પુરાવા એકત્રિત કરવા માટે મહારાષ્ટ્ર પોલીસ અને સરકારના પ્રયાસો અમે જોયા છે. અમે અત્યારે આ ચુકાદા વિશે જાણીને સદમામાં છીએ. હવે ૭૦ વર્ષની ઉંમરે મારામાં લડવાની કોઈ ક્ષમતા નથી. અમારા પરિવાર માટે આ ચુકાદો એક સજારૂપ છે. શું કહેવું એ પણ સમજાતું નથી. હવે ન્યાય અમે ઈશ્વર પર છોડી દીધો છે.’
આ ચુકાદા બદલ દુખી હૃદયે યુવતીના અંકલે પોતાનો બળાપો ઠાલવતાં કહ્યું હતું, ‘ધારો કે કોઈ રાજનેતા, જજ કે મોટા ઉદ્યોગપતિની દીકરી હોત તો પણ શું આવો જ ચુકાદો અપાયો હોત? સરકારે બેટી બચાવો જેવી યોજનાઓ બંધ કરી દેવી જોઈએ જો તમે દીકરીને ન્યાય અપાવવા માટે સમર્થ ન હો. અમારી દીકરી પોતાના જીવનમાં એક જ વાર લોકમાન્ય ટિળક રેલવે સ્ટેશન પર ઊતરી હતી અને તે ક્યારેય પાછી ન આવી. આવું હીન કૃત્ય થયું અને આટલા પુરાવા મુકાયા પછી પણ સુપ્રીમ કોર્ટે કઈ રીતે આરોપીને દોષમુક્ત જાહેર કર્યો એ સત્ય હજી પણ નથી સમજાઈ રહ્યું. CCTV કૅમેરાનાં ફુટેજ આંખ સામે છે જેમાં તે આરોપી સાથે બહાર નીકળી રહી છે. આરોપી તેના સામાન સાથે દેખાય છે, મારી દીકરીની વસ્તુઓ તેની પાસેથી મળી આવી છે, તેણે પોતે આ ક્રાઇમ કઈ રીતે કર્યો એનો ઘટનાક્રમ જુબાનીમાં જણાવ્યો છે અને પોતે ગુનો કર્યો છે એવું કબૂલી ચૂક્યો છે અને એ કબૂલાત તેણે માત્ર પોલીસ સામે નહીં પણ મૅજિસ્ટ્રેટ સામે અને ટ્રાયલ કોર્ટમાં પણ કરી છે. અમને સમજાતું નથી કે જ્યારે આ જ પુરાવા ટ્રાયલ કોર્ટ અને હાઈ કોર્ટ માટે પૂરતા હતા અને તેમને એમાં આરોપી સજાપાત્ર લાગ્યો તો સુપ્રીમ કોર્ટમાં શું થઈ ગયું? કદાચ ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત બરાબર નહીં થઈ હોય? સાચું કહીએ તો અમને એમ હતું કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે તો કદાચ તેની મોતની સજા જન્મટીપમાં ફેરવાય, પરંતુ તેને દોષમુક્ત જાહેર કરાય એવું તો અમે સપનામાં પણ નહોતું વિચાર્યું. જો તે નિર્દોષ છે તો આરોપી કોણ છે? હવે દસ વર્ષ પછી અમને કોણ ન્યાય અપાવશે? આ પ્રશ્ન જીવનભર માટે અમારા પરિવારને પજવવાનો છે.’