હવેથી કહો, યુ આર માય વૅલેન્ટાઇન જિંદગી!

11 February, 2021 01:26 PM IST  |  Mumbai | Jayesh Chitalia

હવેથી કહો, યુ આર માય વૅલેન્ટાઇન જિંદગી!

હવેથી કહો, યુ આર માય વૅલેન્ટાઇન જિંદગી!

તમારા જિંદગીમાં તમારી સૌથી નજીક કોણ છે? તમે એમાંથી સૌથી વધુ કોને પ્રેમ કરો છો? આ બે સવાલના જવાબમાં તમે જુદા-જુદા જવાબ કહી શકો કે મારી મા યા મારા પિતા સૌથી નજીક છે, મારી પત્ની સૌથી નજીક છે, મારી દીકરી કે દીકરો સૌથી નજીક છે, મારો ભાઈ કે બહેન સૌથી નજીક છે, મારા મિત્ર મારી સૌથી નજીક છે, મારા ગુરુ નજીક છે વગેરે. આમાંથી તમે સૌથી વધુ કોને પ્રેમ કરો છો? સૌથી વધુ નજીક હોવું એક વાત છે અને સૌથી વધુ પ્રેમ કરવો એ બીજી વાત છે, ઘણી વાર એ બન્ને હસ્તી એક હોઈ શકે અને ક્યારેક જુદી પણ હોઈ શકે. વૅલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે ત્યારે તમે આ સૌથી નજીકની અને સૌથી વધુ પ્રેમ કરો છો એ વ્યક્તિને યુ આર માય વૅલેન્ટાઇન કહેવાનું વિચારતા હશો. તેને કંઈક ભેટ આપવાનું, તેને હૃદયપૂર્વક કોઈ સારા શબ્દોથી બિરદાવવાનું અથવા તમારી લાગણી વ્યક્ત કરવાનું પણ ચોક્કસ વિચારતા હશો. સાવ સ્વાભાવિક છે આ વાત. યુ આર માય વૅલેન્ટાઇન કહેવું અને સાંભળવું દરેકને ગમતું હોય છે. આમાં લાગણી અને પ્રેમ તો છે જ પરંતુ સાથે-સાથે માનવીની લાગણીનો દરિયો પણ સમાયેલો હોય છે. ખેર, આપણે નિખાલસ અને સરળ-સહજ પ્રેમની વાત કરીએ.
પ્રથમ પોતાને પ્રેમ કરવો જોઈએ
આ પહેલાં અમારે એ કહેવું છે, આપણે જેને-જેને આપણી સૌથી નજીક ગણતા હોઈએ છીએ યા આપણે જેને-જેને સૌથી વધુ પ્રેમ કરતા હોવાનું માનતા હોઈએ છીએ એ બધા કરતાં એક જણ એવું છે જે આપણી સૌથી નજીક હોય છે, જેને આપણે બીજા બધા જ કરતાં વધુ પ્રેમ કરતા હોઈએ છીએ. આપણે બીજાને પ્રેમ કરતા હોવાના કેટલા પણ દાવા કરીએ, આપણે તેમના કરતાં સૌથી વધુ પ્રેમ આ હસ્તીને કરતા હોઈએ છીએ જે આપણી સૌથી નજીક જ નહીં પરંતુ આપણી સાથે જ સતત હોય છે, આપણી સતત ભીતર હોય છે. આ હસ્તીનું નામ છે આપણી જિંદગી. તેથી જ આપણે ખરેખર તો આઇ લવ યુ જિંદગી કહેતા રહેવું જોઈએ, યુ આર માય વૅલેન્ટાઇન જિંદગી... કહેતા રહેવું જોઈએ, એ પણ રોજેરોજ. આ માટે વૅલેન્ટાઇન ડેની રાહ જોવાની જરાય જરૂર નથી. બાય ધ વે, જે વ્યક્તિ પોતાને અર્થાત્ પોતાની જિંદગીને પ્રેમ કરતી નથી તે બીજાને ક્યાંથી પ્રેમ કરી શકે? કેટલો કરી શકે? કઈ રીતે કરી શકે? આ તેનો પ્રેમના નામે એક ભ્રમ હોઈ શકે, પ્રેમ નહીં. માણસ જો પોતાને અથવા પોતાના જીવનને જ પ્રેમ ન કરતો હોય તો તે બીજાને કઈ રીતે પ્રેમ કરી શકે? વાસ્તવિકતા પણ એ જ છે કે માનવી પોતાને વધુ કે પછી પોતાને જ પ્રેમ કરતો હોય છે, જ્યારે માનવી પોતાને ભરપૂર પ્રેમ કરે છે ત્યારે જ તેના મનમાં બીજા માટે પ્રેમના ફુવારા ઊડે છે.
પ્રેમનો મૂળ સ્વભાવ મુક્તિ
એક સત્ય સૌએ સમજી લેવું જોઈએ અને સ્વીકારી પણ લેવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ સાથેનો પ્રેમ કાયમી હોઈ શકે નહીં. આ વરસે જે વૅલેન્ટાઇન લાગે છે તે અમુક વરસ બાદ વેરી ફ્રૅન્ક્લી, તમને વેરી પણ લાગી શકે. માણસોના પ્રેમને સ્થિર રહેવાની આદત નથી, એ સેન્સેક્સની જેમ વધઘટ કર્યા કરતો જ રહે છે. પરમાત્મા અને પ્રકૃતિ સિવાય કોઈ સાથેનો પ્રેમ શાશ્વત રહી શકતો નથી, કારણ કે એ સદા અપેક્ષા-ઇચ્છા અને મજબૂરી યા જવાબદારી કે ફરજ-કર્તવ્યના પાયા પર ઊભો હોય છે. મોટા ભાગે એ બંધાઈને ઊભો હોય છે જ્યારે કે પ્રેમનો મૂળ સ્વભાવ મુક્તિનો છે, સાચો પ્રેમ બંધાય નહીં અને કોઈને બાંધે પણ નહીં.
જિંદગી સાથે પ્રેમનાં ગીતો
જિંદગી સાથે પ્રેમને સાંકળી લેતાં આપણી હિન્દી ફિલ્મોમાં અઢળક સુમધુર-અર્થસભર-સંવેદનશીલ અને હૃદયસ્પર્શી ગીતો છે. એક સરસ અને અદ્ભુત ગીત છે જેમાં જિંદગીને પ્રેમના પ્રતીક તરીકે વર્ણવી છે.
ઝિંદગી-ઝિંદગી, મેરે ઘર આના આના ઝિંદગી,
મેરે ઘર કા સીધા સા ઇતના પતા હૈ,
મેરે ઘર કે આગે મોહબ્બત લિખા હૈ,
ન દસ્તક ઝરૂરી, ન આવાઝ દેના,
મેરે ઘર કા દરવાઝા કોઈ નહીં હૈ...
આવું જ બીજું એક ગીત ‘શોર’ ફિલ્મનું છે.
ઇક પ્યાર કા નગમા હૈ, મૌજોં કી રવાની હૈ,
ઝિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ...
જિંદગી સાથેની આપણી વાતો
જિંદગી સાથે આપણી વાતો સતત થતી હોય છે. ક્યારેક આ વાતો રૂટીન અને ક્યારેક રોમૅન્ટિક હોય છે. આપણે જિંદગી સામે બેસીને ફરિયાદ કરતા રહીએ તો વાતો બોરિંગ અને બોજરૂપ લાગે, પણ પ્રેમથી કરીએ તો હળવી અને આકાશમાં ઉડાન સમાન લાગે. આપણે જિંદગીની બીજાઓની જિંદગી સાથે તુલના પણ કરતા રહીએ છીએ. આપણી જિંદગીને સમજવાને બદલે, એને ચાહવાને બદલે આપણે બસ, એને પસાર કરતા
રહીએ છીએ. આપણે આપણી પત્ની યા પ્રેમિકાને કહેતા હોઈએ છીએ, તું તો મારી લાઇફ છે. પરંતુ જે ખરેખર લાઇફ છે એ જિંદગીને કહેતા નથી કે તું મારી લાઇફ છે. જિંદગીને આપણે કોઈ વ્યક્તિ તરીકે
જોતા નથી, જ્યારે કે એ આપણી પોતાની વ્યક્તિ-પોતાની જિંદગી છે. એટલે જ જિંદગી સાથે માત્ર વાત જ નહીં, પ્રેમ પણ કરવો જોઈએ અને એ પ્રેમ જિંદગીને રોજેરોજ વ્યક્ત પણ કરવો જોઈએ. જિંદગીને સમજતા જઈએ એમ એના પ્રત્યેના ભાવથી આપણે વિભોર થતા જઈએ છીએ, કારણ કે સતત આપણી સાથે ડગલે ને પગલે ચાલતી એ આપણાં સુખ-દુઃખની સાચી સાથીદાર છે. જ્યારથી જિંદગીને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારથી આ નીચેની પંક્તિઓ સાથે પણ મને પ્રેમ થઈ ગયો છે, જેને તમારી સાથે શૅર કરી મારી લાઇફ સાથેના રોજના વૅલેન્ટાઇન્સ ડેની વાત પૂરી કરું છું.
તારા પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે જિંદગી,
હવે તો એક પળ તારા વિના રહેવાતું નથી,
પરંતુ આપણે લગ્ન કર્યાં નથી અને કરીશું પણ નહીં,
કેમ કે તેં જ મને સમજાવ્યું છે કે
લગ્ન કરવાથી પ્રેમ ધીમે-ધીમે મૃત્યુ પામે છે
પણ હા, તેં એમ પણ સ્પષ્ટ કર્યું છે કે
લગ્નને બંધનને બદલે મિત્રતા બનાવો તો
પ્રેમ સદા રહેશે, વધશે પણ ખરો,
કિંતુ મારે તો કોઈ પણ સ્વરૂપે તને પ્રેમ કરવો છે,
તું તો મારી એકની એક પ્રેમિકા છે
તું છે તો હું છું,
તને પ્રેમ કરવો એ જ મારા જીવનનો આનંદ અને સંતોષ
તને એકને પ્રેમ કરવાથી હું સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરી શકું છું
બસ, તને સદા પ્રેમ કરી શકું
એવો પ્રેમપાત્ર મને રહેવા દેજે,
આપણે ક્યારે જુદા થઈ જઈશું ખબર નથી,
પરંતુ જ્યાં સુધી સાથે છીએ ત્યાં સુધી
મારા અને તારા પ્રેમને માણી લેવા દે જિંદગી...
સદા તારો પ્રેમી બની રહેવા માગતો
તારો આશિક - જ. ચિ.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

jayesh chitalia columnists