આત્મા પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ

24 August, 2019 12:58 PM IST  |  | સંજયદૃષ્ટિ-સંજય રાવલ

આત્મા પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ

વિદ્યાર્થીઓ મને એક સવાલ વારંવાર પૂછે છે. આત્મવિશ્વાસ કેમ લાવવો, આત્મવિશ્વાસ વધે એ માટે મારે શું કરવું જોઈએ? કેટલાક તો સામેથી કહે કે સર, મારામાં કૉન્ફિડન્સનો અભાવ છે. મારે શું કરવું જોઈએ, મને એ ક્યાંથી મળે?

શરૂઆતના સમયમાં તો મને આવા સવાલ સાંભળીને હસવું આવતું. મજાકમાં જવાબ આપવાનું મન પણ થતું કે નિરમાનાં પડીકાં આવે છે, જા જઈને જરૂર હોય એટલો લેતો આવ. તને શાંતિ, મને શાંતિ અને તારી આજુબાજુવાળાને પણ શાંતિ, પણ આવો જવાબ કોઈને આપવો ન જોઈએ અને હવે આટલા સેમિનાર કરી લીધા પછી તો આવું કોઈ પૂછે ત્યારે મનમાં આ વાત પણ પ્રગટ નથી થતી, કારણ કે આ પ્રકારનું માનનારાઓની માનસિક અવસ્થા હવે સમજાવા માંડી છે. હવે લાગવા માંડ્યું છે કે આ ધસમસતી નદી જેવા યુવાનોને સાચી દિશામાં વાળવાની જરૂર છે.

પણ મુદ્દો એ છે કે તેમને સાચી દિશામાં વાળવા કઈ રીતે, તેમના મનમાં એ વાત કેવી રીતે ફિટ બેસાડવી કે આત્મવિશ્વાસ તેમની અંદર જ છે અને એમાંથી જ એને બહાર કાઢવાનો છે. મારો પહેલો પ્રશ્ન તમને સૌને છે કે તમે કોઈ પર ભરોસો કરો છો, તમને કોઈના પર વિશ્વાસ છે ખરો? કોણ એવું જેના પર આંખ બંધ કરીને તમે વિશ્વાસ કરી શકો અને અડધી રાતે પણ તે વ્યક્તિ તમને કોઈ જાતના સ્વાર્થ વગર મદદ કરવા આવી જાય એવી ખાતરી છે? આનો જવાબ તમારે મને નહીં, તમારી જાતને જ આપવાનો છે.

મિત્રો, જરૂરી નથી કે તમે જીવનમાં મળનાર કે સંબંધ રાખનાર દરેક વ્યક્તિનો વિશ્વાસ કરો અને જરૂરી એ પણ નથી કે દરેક વ્યક્તિ તમારા ભરોસાને કે તમારા વિશ્વાસને લાયક હોય અને એ તમારી આ માન્યતાની પાત્રતામાં ખરો ઊતરે. આ વાતને ટાંકીને જો આગળ વાત કરીએ તો એનો અર્થ એ થયો કે જીવનમાં એ પણ જરૂરી નથી કે તમારી સાથે એક વાર વિશ્વાસઘાત થયો હોય કે તમને દગો થયો હોય એટલે એ હંમેશાં મળ્યા કરે. યાદ રાખજો કે વિશ્વાસ અને આત્મવિશ્વાસ એકસાથે ચાલનારા છે. તમારો કોઈ વિશ્વાસ તોડે કે તરત જ તમારી અંદર રહેલો તમારો આત્મવિશ્વાસ, સેલ્ફ-કૉન્ફિડન્સ આપોઆપ હલી જાય, ડગી જાય. થાય કે સાલું મારી સાથે જ શું કામ આવું થાય છે, મને જ કેમ આવા લોકો ભટકાય છે અને મારે જ શું કામ આવા લોકોનો અનુભવ સહન કરવાનો?
વાત તમારી સાચી પણ છે, એવું થવું જ ન જોઈએ, પણ સાહેબ, આ દુનિયા છે, એમાં તમામ પ્રકારના લોકો મળવાના અને તમામ પ્રકારના લોકો સાથે તમારે પનારો પણ પાડવાનો જ છે એટલે આવી જાતને કોસવાની અને જાતને ગાળો ભાંડવાની રીતમાંથી બહાર આવી જવું જોઈએ. આ આત્મવિશ્વાસની દિશામાં પહેલું પગથિયું છે એવું કહું તો ચાલે ખરું અને યાદ રાખજો કે આત્મવિશ્વાસ લાવવા માટે પહેલાં વિશ્વાસ લાવવો જરૂરી છે અને જો વિશ્વાસ કરવો હશે તો એને માટે આત્મવિશ્વાસ ભરેલા હોવું પણ જરૂરી છે. આગળ મેં કહ્યું એમ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ ભાઈઓ છે. એક ક્યારેય નહીં આવે, બન્ને જોડે જ આવશે અને એક ક્યારેય નહીં જાય, બન્ને સાથે જ જશે.

આ આત્મવિશ્વાસ એટલે શું? આત્મા પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. ખૂબ જ સરસ અને સમજવા જેવી વાત છે આ. આત્મામાં ઈશ્વરનો અંશ છે, એનો મતલબ એ થયો કે તમારામાં ઈશ્વરનો અંશ છે. તમારે તમારા આત્માનો અવાજ સાંભળવાનો છે અને એ સાંભળીને સાચો માર્ગ પસંદ કરવાનો છે. આત્મા ક્યારેય ક્યાંય ખોટા રસ્તે તમને નહીં લઈ જાય અને ધારો કે ખોટા રસ્તે હશો તમે તો આ આત્મા તમને અંદરથી ડંખ મારશે. બહુ સરળ શબ્દોમાં કહીએ તો માત્ર દિલનો અવાજ સાંભળો, મન અને દિલ બન્નેનો નહીં. મન તમને તાર્કિક અને સાચા-ખોટાં કારણોમાંથી માર્ગ પસંદ કરવાનું કહેશે, પણ દિલ તમને વિશ્વાસ સાથે માર્ગ પસંદ કરવાનું કહેશે. દિલથી પસંદ કરેલા માર્ગમાં તમને ઠોકર લાગી શકે, પણ એ માર્ગ ખોટો નહીં હોય એની પૂરી ખાતરી છે. આ જે ખાતરી છે એ જ તો આત્મવિશ્વાસ છે. સાચી રીતે અને સારી રીતે સારામાં સારાં કર્મ કરો, કામ કરો અને એ કામમાં તમને તમારી જાત જ મદદરૂપ થાય. આ જ રીતે તમે લોકો પર વિશ્વાસ પણ કરી શકો કે આ માણસ દિલમાં વસાવવા લાયક છે કે નહીં.  

દિલ જો હા કહે તો આગળ વધો, કોઈ ભેજું લગાડો નહીં અને જો ન આવે તો પછી કોઈ જાતના તર્કનો ઉપયોગ કરો નહીં. જે ભય હોય છે એ ભય પણ ભવિષ્યનો જ છે. શું થશે? એક્ઝામ સારી જશે કે નહીં, પાસ થઈશ કે નહીં, પાસ થઈશ તો સારા માર્ક આવશે કે નહીં, છોકરી સારી મળશે કે નહીં, છોકરી સારી હશે તો માબાપને સાચવશે કે નહીં અને માબાપને સાચવશે તો શું ખરેખર મને પ્રેમ કરશે કે નહીં? આવી અને આ પ્રકારની બીજી જેકોઈ મૂંઝવણ આવે એ સમયે તમારે આત્માનો, તમારે દિલનો અવાજ સાંભળવાનો છે. આગળ મેં કહ્યું એમ, દિલ દગો નહીં આપે અને આ દિલના રસ્તે જ આપોઆપ આત્મવિશ્વાસ આવી જશે અને જો આત્મવિશ્વાસ આવી ગયો તો તમે દરેક ભયને, દરેક ડરને આ જ રીતે માત કરી શકશો. માત્ર દિલનો અવાજ સાંભળીને. તમે જુઓ, આ દિલ શું-શું આપે છે. દયા, દયા ક્યાંથી આવે છે? દિલમાંથી જ. પ્રેમ ક્યાંથી આવે છે? દિલમાંથી જ. અહોભાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? દિલમાંથી. રડવાનું ક્યાંથી મન થાય છે? દિલમાંથી જ. આ એક પણ કામ મનનાં નહીં, દિલનાં છે. હવે તમે જ કહો કે આ દિલ પાસેથી જવાબ માગ્યો હોય તો એ ક્યારેય ખોટો હોય? હોય જ નહીં. તમારા આત્મા સાથે તમારો અવાજ ભળ્યો છે અને એટલે જ એ ક્યારેય ખોટો નહીં હોય.

આ પણ વાંચો: ઈશ્વર તમને અમૃત આપશે, પણ તમે એ અમૃત માટે પાત્રતા કેળવી છે ખરી?

કોઈ આત્મવિશ્વાસથી ત્રાહિત વ્યક્તિ પર પણ ભરોસો કરશો તો એ સાચો ઠરવાનો અને તમે આત્મવિશ્વાસથી સગા પર વિશ્વાસ કરશો તો ત્યાં મનમાં એક જાતની શંકા રહેવાની, કારણ માત્ર એક જ કે કોઈકને પોતાના પર ભરોસો છે અને તમને જાત પર ભરોસો નથી. જાત પર ભરોસો નહીં હોય તો બીજા એ જ રીતે વર્તવાના. યાદ રાખજો કે તમારા અંતરાત્માના અવાજને અનુસરીને ચાલશો તો ક્યારેય તમારું ખરાબ નથી થવાનું. તમારે માત્ર શાંતિથી દિલને પૂછવાનું છે કે શું કરવું છે. દિલ જે જવાબ આપે એ સાચો. એ જવાબ તમારા આત્મવિશ્વાસમાંથી આવ્યો હશે એટલે બાકીનાં કામ તો આત્મવિશ્વાસથી જ થવાનાં છે. શરૂઆતમાં મને પણ લાગતું કે લોકો મને સાંભળવા આવે છે ત્યારે સ્ટેજ પર હું ક્યારેક બોલતાં-બોલતાં થોથવાઈ ગયો હતો. 

દિલે જવાબ આપ્યો અને સામું પૂછ્યું કે તું ખોટું બોલીશ તો જીભ થોથવાશે, સાચું બોલનારને ક્યારેય અટકવું નથી પડતું. દોસ્તો, તમે મહેનત કરો અને એ મહેનત સાથે સાચી દિશા પકડી રાખો. તમારામાં આપોઆપ આત્મવિશ્વાસ આવી જશે. ક્યારેય કોઈ ખોટી રીત શોધવી નહીં, ક્યારેય નહીં. ખોટા રસ્તા પણ શોધવાના નહીં અને ક્યારેય ખોટાં કામ પણ કરવાં નહીં અને છેલ્લી વાત, ક્યારેય ખોટું બોલવું નહીં. મારી ગૅરન્ટી કે આત્મવિશ્વાસ ક્યારેય ખૂટશે નહીં. બીક હંમેશાં ખોટાં કામ કરનારાને જ લાગે અને એટલે જ તેણે કોઈકના ખભા શોધવા જવું પડે. સાચું કરનારને તો ખબર જ છે કે સામે આખી દુનિયા ઊભી હશે તો પણ કોઈ તેનું કંઈ બગડી નથી શકવાનું અને એટલે તેનો આત્મવિશ્વાસ ક્યારેય ઓછો નથી થતો. તમારે માત્ર એક વાત યાદ રાખવાની છે કે તમારે કોઈનું કંઈ ખરાબ કરવાનું નથી, તમે નહીં કરો તો કોઈ તમારું ખરાબ નહીં કરે. આત્મવિશ્વાસ ઘટે નહીં અને આત્માનો અવાજ એકધારો કડક આવે એ માટે સારાં અને સાચાં કામ પૂરી મહેનત અને ખંતથી કરતા રહો. આત્મવિશ્વાસ એક તસુ જેટલો પણ ઓછો નહીં થાય.

columnists gujarati mid-day