ભૂલો પડેલો ભોમિયો: કેવી રીતે દેવ આનંદની અંગ્રેજી ‘ધ ગાઇડ’નો ધબડકો થયો

26 October, 2019 04:05 PM IST  |  મુંબઈ | રાજ ગોસ્વામી

ભૂલો પડેલો ભોમિયો: કેવી રીતે દેવ આનંદની અંગ્રેજી ‘ધ ગાઇડ’નો ધબડકો થયો

દેવ આનંદ

હૉલિવૂડનો રાજુ એકદમ ‘ચાલુ’ હતો. એમાં રોઝીને લગ્નમાં સેક્સની ભૂખી બતાવાઈ હતી. દેવ આનંદે હિન્દી આવૃત્તિમાં રોઝી અને રાજુની ભડકતી કામુકતાને મોણ નાખીને હળવી કરી.

હિન્દી ફિલ્મોના શોખીન લોકોએ ઇન્ટરનેટ પર દેવ આનંદની ‘ધ ગાઇડ’ ફિલ્મ શોધી કાઢી છે. ‘શોધી કાઢી છે’ એવું એટલા માટે કે આ હિન્દી ‘ગાઇડ’ની અંગ્રેજી આવૃત્તિ છે. બહુ ઓછા લોકોને જાણ છે કે દેવ આનંદે અંગ્રેજીમાં પણ ‘ધ ગાઇડ’ બનાવી હતી, પણ એ એવી બકવાસ બની હતી કે ખોવાઈ જ ગઈ. ભારતમાં એ ક્યારેય રિલીઝ થઈ ન હતી. એકાદ રડીખડી પ્રિન્ટ હશે, એમાંથી કોઈકે એને ઇન્ટરનેટ પર ચઢાવી છે. બહુ બધા લોકો માને છે તેમ, અંગ્રેજી ‘ગાઇડ’ ડબ કરવામાં આવી ન હતી. તેની કાયદેસર અંગ્રેજી પટકથા લખવામાં આવી હતી અને ફિલ્મમાં નાયક-નાયિકા બહુ ખરાબ રીતે અંગ્રેજીમાં સંવાદ બોલે છે. રોઝીની ભૂમિકા કરનાર વહીદા રહેમાનને અંગ્રેજી બોલવાની ખાસ તાલીમ આપવામાં આવી હતી.

દેવ આનંદ કદાચ એક માત્ર ફિલ્મ સર્જક છે, જેણે હૉલિવૂડમાં છવાઈ જવા ત્રણ-ત્રણ વાર ગંભીર પ્રયાસ કર્યા હતો. ‘રોમાન્સિંગ વિથ લાઇફ’ નામની આત્મકથામાં દેવ લખે છે કે તેઓ હૉલિવૂડના નિર્માતા-નિર્દેશકો સાથે લગાતાર સંપર્કમાં રહેતા હતા અને ઘણી વખત દેવ આનંદને ચમકાવતી હૉલિવૂડ ફિલ્મોની યોજના કરી હતી, પણ એક યા બીજાં કારણોસર એમાં ભલીવાર ન આવ્યો.

બહુ જ ઓછી જાણીતી વાત એ છે કે ૧૯૬૫માં દેવે નંદા, સિમી ગરેવાલ અને કલ્પના કાર્તિક સાથેની મશહુર ‘તીન દેવીયાં’ ફિલ્મને ‘ઓહ! બોય! થ્રી ગર્લ્સ’ નામથી અંગ્રેજીમાં બનાવી હતી. ‘તીન દેવીયાં’માં એસ. ડી. બર્મનનાં સંગીતબદ્ધ ગીતો ‘ઐસે તો ના દેખો’, ‘અરે યાર મેરી તુમ ભી હો ગજબ’, ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત’ અને ‘લિખા હૈ તેરી આંખો મેં’ જબરદસ્ત પ્રચલિત થયેલાં. અંગ્રેજી પ્રેક્ષકોની જરૂરિયાત પ્રમાણે ‘ઓહ બોય, થ્રી ગર્લ્સ’માં ગીતો કાઢી નાખવામાં આવેલાં અને હૃદયનાથ ચટ્ટોપાધ્યાયની કવિતાઓ મૂકવામાં આવી હતી, જેને બર્મન’દાના દીકરા આર. ડી. બર્મને સંગીત આપ્યું હતું. આ ફિલ્મ ડબ્બામાં જ પુરાયેલી રહી.

૧૯૭૦માં ફિલિપિનો ડિરેક્ટર લામ્બેરતો વી. અવેલાનાએ, ટ્વેંટીએથ સેન્ચુરી ફોક્સ પ્રોડક્શન સાથે મળીને, જેમ્સ બોન્ડ પરથી પ્રેરાઈને, ડ્રગ-સ્મગલિંગ ગૅંગ સામે લડાઈ લડતા હીરોની ‘ધ ઇવિલ વિધીન’ અંગ્રેજી ફિલ્મ બનાવેલી, જેમાં દેવની સાથે ઝીનત અમાન પણ હતી. દેવે ત્યારે ઝીનતને ‘હરે રામા હરે ક્રિશ્ના’ (૧૯૭૧)માં બહેનની ભૂમિકા માટે સાઈન કરી રાખેલી હતી. એટલે દેવ અને ઝીનતની પહેલી ફિલ્મ ‘ધ ઇવિલ વિધીન’ ગણાય, પણ અમેરિકામાં તો કોઈએ એની નોંધ પણ ન લીધી, ફિલિપાઇન્સમાં ડબ થઈને આવી અને ભારતમાં તો ડબ્બામાં જ પડી રહી.

આવો જ પ્રયાસ ૧૯૬૫માં ‘ગાઇડ’ સાથે થયેલો. હિન્દીમાં ‘ગાઇડ’ ટાઇટલ હતું અને અંગ્રેજીમાં ‘ધ ગાઇડ.’ લેખક રાસીપુરમ્ કૃષ્ણસ્વામી એટલે કે આર. કે. નારાયણની મૂળ અંગ્રેજી નવલકથાનું શીર્ષક ‘ધ ગાઇડ’ જ હતું. ઇન ફેક્ટ, મૂળ યોજના તો અંગ્રેજીમાં ‘ધ ગાઇડ’ બનાવવાની જ હતી. ૨૦૦૮માં જ્યારે હિન્દી ‘ગાઇડ’ને કાન ફિલ્મ ફેસ્ટિવલના ક્લાસિક સેક્શનમાં સામેલ કરવામાં આવી ત્યારે બીબીસીની હિન્દી સર્વિસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દેવ આનંદે કહ્યું હતું કે, મારે અંગ્રેજીમાં ફિલ્મ બનાવવી હતી. એટલે ‘ધ ગાઇડ’ નવલકથા પરથી અમે ફિલ્મ બનાવી, પરંતુ ભારતમાં અંગ્રેજી ફિલ્મનો આઇડિયા ક્લિક થતો નો’તો, એટલે અમે ફરીથી સ્ક્રિપ્ટ લખી. બે વાર ફિલ્મ બની-એક વાર અંગ્રેજીમાં અને બીજી વાર હિન્દીમાં.’

અંગ્રેજી ફિલ્મ પહેલાં શૂટ થઈ હતી અને હિન્દી પછી. અગાઉ એવું નક્કી થયું હતું કે બંને ફિલ્મ એક સાથે શૂટ થશે. મતલબ કે એક જ લોકેશન પર પહેલાં અંગ્રેજી ટીમ સીન શૂટ કરે પછી તરત જ હિન્દી ટીમ એ સીન શૂટ કરે, પણ એમાં બંને ટીમ વચ્ચે સર્જનાત્મક વાંધાવચકા ઊભા થતા, દેવ આનંદે પહેલાં અંગ્રેજી ફિલ્મને પૂરી કરી અને પછી હિન્દી શરૂ કરી.

હિન્દી-અંગ્રેજી ‘ગાઇડ’ દેવના સૌથી મોટા ભાઈ ચેતન આનંદ ડિરેક્ટ કરવાના હતા, પણ તે ન કરી શક્યા. તેની પાછળ બે કારણ હતાં. એક તો, તેમને ભારતની પહેલી યુદ્ધ-ફિલ્મ ‘હકીકત’ માટે સમય જોઈતો હતો, એટલે વચેટ ભાઈ વિજય આનંદના હાથમાં ‘ગાઇડ’ આવી. ‘હકીકત’ ઘણી વખણાઈ, પણ ખરો જાદુ ‘ગાઇડે’ કર્યો અને વિજય આનંદની એ સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. ‘ટાઇમ’ પત્રિકાએ શ્રેષ્ઠ બૉલિવૂડ ક્લાસિકની યાદી બહાર પાડી, ત્યારે ‘ગાઇડ’ એમાં ચોથા નંબરે હતી. 

‘ગાઇડ’ની અંગ્રેજી આવૃત્તિને મૂળ પોલૅન્ડમાં જન્મેલા અમેરિકન ડિરેક્ટર ટાડ ડેનિયલેવસ્કીએ ડિરેક્ટ કરી હતી અને તેની પટકથા પ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર પર્લ એસ. બકે લખી હતી. ડેનિયલેવસ્કીએ તો ગણીને (ધ ગાઇડ) ચાર ફિલ્મો બનાવી હતી, પણ પર્લ એસ. બકે તો ૪૩ નવલકથા અને અઢળક ટૂંકી વાર્તાઓ લખીને અમેરિકન સાહિત્યમાં એવો સિક્કો જમાવ્યો હતો કે ૧૯૩૮માં તેમને સાહિત્યનો નોબૅલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ એ જ પર્લ એસ. બક, જેમની ‘ગુડ અર્થ’ (૧૯૩૧) નવલકથા મહેબૂબ ખાન-નરગીસની ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ માટે પ્રેરણા બની હતી. 

અંગ્રેજીમાં ‘ધ ગાઇડ’નો પહેલો વિચાર ડેનિયલેવસ્કી અને બકને આવ્યો હતો, પણ ત્યારે દેવે ના પાડી દીધી હતી. ૧૯૬૨માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં દેવનો ભેટો ફરીથી ટાડ સાથે થયો, ત્યારે વાત ફરી ઊખડી. એમાં કોઈએ દેવને આર. કે. નારાયણની નવલકથા વાંચવા કહ્યું અને એ વાંચ્યા પછી દેવને થયું કે અંગ્રેજીમાં ખોંખારીને લગ્નબાહ્ય વ્યભિચારની જે વાત કરવામાં આવી છે (કામઢા શિલ્પકાર માર્કોની એકલવાયી પત્ની રોઝી રંગીન મિજાજી રાજુ ગાઇડના પ્રેમમાં પડે છે), તેમાં થોડું આધ્યાત્મનું મોણ નાખીને હિન્દી પ્રેક્ષકો માટે પણ ફિલ્મ બની શકે.

બન્ને ફિલ્મોમાં વાર્તા એક સમાન હતી, માત્ર હીરો રાજુને જુદી રીતે પેશ કરવામાં આવ્યો હતો. વિજય આનંદનો રાજુ ખાસો સૌમ્ય છે અને રોઝીથી સભાનતાપૂર્વક અંતર જાળવી રાખે છે. હૉલિવૂડનો રાજુ આર. કે. નારાયણના રાજુની બેઠી નકલ હતો. એ નૈતિકતાની ઐસીતૈસી કરવાવાળો અને એકદમ ‘ચાલુ’ છે. એમાં રોઝીને ઘણી શૃંગારિક પેશ કરવામાં આવી હતી, જે એના લગ્નમાં સેક્સની ભૂખી છે. આર. કે. નારાયણે એટલા માટે રોમિયો ટાઇપના રાજુનું પાત્ર સર્જ્યું હતું, જે સતત કામમાં જ ખૂંપેલા રહેતા રોઝીના પતિ માર્કોથી તદ્દન બીજા અંતિમ પરનો પુરુષ છે. દેવ આનંદે હિન્દી આવૃત્તિમાં રોઝી અને રાજુ વચ્ચે ભડકતી કામુકતાને હળવી કરી નાખી હતી. કારણ કે તેને ખબર હતી કે ભારતીય માનસિકતા આવો વ્યભિચાર સ્વીકારવા તૈયાર નહીં થાય.

એટલા માટે જ ચેતન આનંદે અંગ્રેજી આવૃત્તિ માટે (પછીથી તેમની પ્રેમિકા) પ્રિયા રાજવંશના નામનું સૂચન કર્યું હતું. એક તો, પ્રિયા યુરોપિયન લાગતી હતી અને બીજું, એ કે લંડનની ડ્રામા સ્કૂલમાં ભણીને આવી હતી એટલે એનું અંગ્રેજી ધાણીફૂટ હતું. રોઝી કામુકતાથી ભરેલી હતી, એટલે પ્રિયા એમાં એકદમ ફીટ થાય તેવી હતી, પણ દેવને ભારતીય દર્શકોનો ડર હતો, એટલે તેણે સૌમ્ય અને શાંત વહીદા રહેમાનનો આગ્રહ રાખ્યો. ચેતન આનંદે ‘ગાઇડ’ છોડી, તેનું આ એક બીજું કારણ. પછીથી પ્રિયા રાજવંશ ચેનત આનંદની ‘હકીકત’માં દેખાવાની હતી. દેવનું અનુમાન સાચું પડ્યું. હિન્દી ‘ગાઇડ’ની ધુઆંધાર સફળતા પાછળ કુશળ નૃત્યાંગના અને ભારતીય નારીની ભૂમિકામાં વહીદાએ એવા ચાર ચાંદ લગાવી દીધા કે દર્શકો ભૂલી જ ગયા કે તેઓ પડદા પર લગ્ન બાહ્ય સંબંધની રંગીન કહાની જોઈ રહ્યા છે!

આમાં લેખક આર. કે. નારાયણ બંને ફિલ્મો પર ભડક્યા હતા. નારાયણ ત્યારે મોટા ગજાના લેખક તરીકે સ્થાપિત થઈ ગયેલા હતા. ‘ધ ગાઇડ’ એમની ૧૬મી નવલકથા હતી. તેમની વાર્તા માલગુડી નામના તેમના લોકપ્રિય કાલ્પનિક લોકેશનમાં આકાર લે છે. અંગ્રેજી ફિલ્મના શૂટિંગ માટે ડેનિયલેવસ્કીની ટીમે નારાયણને સાથે રાખીને દક્ષિણ ભારતના લોકેશનની મુલાકાત લીધી હતી અને પછી એવું જાહેર કર્યું હતું કે ફિલ્મ ઉદેપુર અને જયપુરના મહેલોમાં શૂટ થશે. નારાયણના સહેજ વધુ જાણીતા બંધુ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાવાળા કાર્ટુનિસ્ટ, આર. કે. લક્ષ્મણે ડેનિયલેવસ્કીને સમજાવા પ્રયાસ કરેલો કે પડદા પર ખૂબસૂરત લાગતાં આ લોકેશન્સ રાજુના પાત્રને ઝાંખું પાડી દેશે, પણ ડેનિયલેવસ્કીએ સામે તર્ક કરેલો, “અમે માલગુડીને આગળ લઈ જઈએ છીએ. ચાહે એ કાશ્મીર હોય, રાજસ્થાન હોય, બોમ્બે હોય, દિલ્હી હોય કે પછી સિલોન (શ્રીલંકા) હોય, માલગુડી ત્યાં હશે, જ્યાં અમે ચાહીશું.” નારાયણને આ ગમ્યું ન હતું અને તેમણે કચકચાવીને એક નિબંધ લખ્યો હતો, જેનું શીર્ષક સૂચક હતું; મિસગાઇડેડ ગાઇડ, મતલબ કે ભૂલો પડેલો ભોમિયો.

બીજો એક લેખ તેમણે પ્રસિદ્ધ આતંરરાષ્ટ્રીય પત્રિકા ‘લાઇફ’માં લખ્યો, જેથી વિદેશના દર્શકોને ‘ભૂલા પડી ગયેલા ભોમિયા’થી સાવધ કરી શકાય. એ લેખના શીર્ષકમાં પણ નારાયણનો વ્યંગ કાતિલ હતો; હાઉ અ ફેમસ નોવેલ બિકેમ ઇનફેમસ ફિલ્મ, મતલબ કે કેવી રીતે એક પ્રખ્યાત નવલકથા કુખ્યાત ફિલ્મ બની ગઈ.

અંગ્રેજી ‘ધ ગાઇડ’નો જબ્બર ધબડકો થયો. દેવ આનંદે તેને અમરિકાનાં બે હજાર થિયેટરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પણ એ ફ્લોપ ગઈ અને દેવ આનંદને ખાસું નુકસાન થયું. એક તો ‘ધ ગાઇડ’ની લેખક પર્લ એસ. બકને ભારતીય સંસ્કૃતિની સમજ ન હતી, એટલે આર. કે. નારાયણની વાર્તાની સુવાસ અંગ્રેજીમાં ન આવી અને બીજી એ કે ડેનિયલેવસ્કી પાસે ફિલ્મ નિર્દેશનનો એવો કોઈ અનુભવ ન હતો. ત્રીજું, એ કલાકારો જે રીતે અંગ્રેજી બોલતા હતા, તે અમેરિકાના દર્શકો માટે અત્યાચાર હતો.

અંગ્રેજી ‘ધ ગાઇડ’ ફ્લોપ ગઈ, એમાં હિન્દી ‘ગાઇડ’ માટે જોખમ ઊભું થયું. લગ્ન બાહ્ય સંબંધની ફિલ્મ છે, એવી ગુસપુસ તો ચાલતી જ હતી, તેવામાં ભારતીય ડિસ્ટ્રિબ્યૂટરોને અમેરિકામાં ધબડકાની ખબર પડી. દેવ આનંદ તેની આત્મકથામાં લખે છે, “લોકો ગુસપુસ કરતા હતા અને નાકનું ટીંચકું ચડાવતા હતા. લોકો મારી દયા ખાતા હતા, કારણ કે બધાને ખબર હતી કે મેં દુસ્સાહસ કર્યું હતું, જેનું પરિણામ ધબડકામાં આવવાનું હતું. હું ગટરમાં પૈસા નાખી રહ્યો છું અને હું ભીખારી થઈ જવાનો છું અને ફિલ્મ પૂરી થાય તે પહેલાં મારું છેલ્લું શર્ટ પણ વેચાઈ ગયું હશે, એવી ગોસિપ તો પહેલેથી જ ચાલતી હતી. બધાને વિશ્વાસ હતો કે એક સ્ત્રીનો વ્યભિચાર અને બેવફાઈ ભારતના દર્શકો સહન નહીં કરી શકે.”

ત્યાં સુધી કે સૂચના અને પ્રસારણ વિભાગને નનામા કાગળો લખવામાં આવ્યા કે અમેરિકન દર્શકો જેને ફગાવી દે, તેવી વાહિયાત ફિલ્મને શા માટે અહીં પ્રદર્શિત કરવા દેવી જોઈએ. જવાબમાં દેવ આનંદે મંત્રાલયને લખ્યું હતું, “તમારી જ સરકારે તો પંડિત નહેરુના હાથે આ નવલકથાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપ્યો હતો!” એમાં દેવ આનંદે ઇન્દિરા ગાંધીની મદદ માગી અને કહ્યું કે તમે જાતે જુવો અને નક્કી કરો. ઇન્દિરાને ફિલ્મમાં કંઈ વાંધો ન દેખાયો અને એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને હિન્દી ‘ગાઇડ’ રિલીઝ થઈ.

તે પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇસ ધ હિસ્ટરી.

columnists dev anand weekend guide