શનિવાર night (પ્રકરણ 76)

17 September, 2022 10:32 AM IST  |  Mumbai | Soham

‘તમે અહીં નીચે રહો, હું, હું... જાઉં છું ઉપર.’ મધુ ઑલમોસ્ટ અડધી સીડી ચડી ગયો અને એકાએક ઊભો રહ્યો, ‘હું કહું એટલે ઉપર આવી જજો...’

શનિવાર night (પ્રકરણ 76)

‘આપ જો કહેંગે વો કરુંગા બાબા... પર રહેમ કરો બાબા...’ મધુ બાબાને કરગર્યો હતો, ‘આપ હી કુછ કરો, જો કહેંગે વો કરુંગા બાબા... પર રહેમ કરો બાબા...’
‘એક રાસ્તા હૈ...’ બાબાએ કહ્યું હતું, ‘ઉસ લડકી કે બેટે કો યે જલ પીલા દો...’
બાબાએ લંબાવેલી કટોરીમાં મધુએ જોયું. લાલઘૂમ પાણી હતું, જેમાંથી લોહીની વાસ આવતી હતી.
‘સાંપ કા ખૂન હૈ... અગર યે વો પી જાએગા તો બેટે કે સાથ-સાથ માં સામને સે જાકર ઉસ લડકી કે હાથ મેં આ જાએગી... પર લડકા પીના ચાહિએ યે...’
‘પીલા દૂંગા બાબા...’ મધુએ બાબા સામે શિર ઝુકાવ્યું, ‘કિસી ભી હાલ મેં કામ કર દૂંગા પર આપ રહેમ રખના...’
lll
મધુ ત્યાંથી નીકળીને સીધો સેસિલ પર પહોંચ્યો હતો અને સેસિલ પર વાતાવરણ પણ મધુને જોઈએ એવું ઘડાયેલું હતું.
રાજ અને કિયારા બન્ને નીચે ગાર્ડનમાં જ બેઠાં હતાં. રૂમની સાથે જોડાયેલી ટેરેસમાં મરેલા વાંદરાને જોઈને કિયારા છળી ગઈ હતી. રાજ તેને લઈને નીચે આવી ગયો હતો. હવે વાંદરાના મૃતદેહને ત્યાંથી હટાવવાનો હતો, જે કામ મધુ આવતાં રાજે તેને સોંપ્યું.
બસ, તકનો લાભ મધુએ લઈ લીધો.
‘તમે અહીં નીચે રહો, હું, હું... જાઉં છું ઉપર.’ મધુ ઑલમોસ્ટ અડધી સીડી ચડી ગયો અને એકાએક ઊભો રહ્યો, ‘હું કહું એટલે ઉપર આવી જજો...’
મધુ પહેલાં કિયારાના બેડરૂમમાં જઈ ટેરેસમાં ગયો. ટેરેસમાં જોતાં જ મધુના પગમાં ધ્રુજારી પ્રસરી ગઈ. ચાદર લઈને ભાગેલા વાંદરાએ એ જ ચાદરથી ગળાફાંસો ખાધો હતો અને ઝાડની ડાળી પર હજી પણ એમ જ લટકતો હતો. 
એ વાંદરાને જોઈને મધુ અંદરથી ધ્રૂજી ગયો. પહેલી વાર તેને થયું કે પોતે આ શું કરે છે? અત્યારે તે બાબાનો પરચો સગી આંખે જોતો હતો. મધુને અચાનક જ ખિસ્સામાં રહેલી પેલી બૉટલ યાદ આવી, જે હવે સિડને પીવડાવવાની હતી.
મધુની આંખ સામે પાંચ વર્ષનો સિડ અને તેનું ક્યુટ સ્માઇલ આવી જતાં તેને પોતાના પર ઘૃણા પણ આવી ગઈ. 
પોતાનો જીવ બચાવવા એ કઈ હદ પર ઊતરી આવ્યો છે?!
ચીચીચીઇઇઇ...
પાળી પર બેઠેલા એક વાંદરાએ ઘૂરકતાં મધુના વિચારો અટક્યા. તેણે તરત જ ટૅરેસનું બારણું બંધ કરી દીધું. ટેરેસમાં પડેલા મરેલા વાંદરાને ત્યાંથી હટાવતાં પહેલાં એની આસપાસ આવી ગયેલા બીજા વાંદરાઓને ત્યાંથી ભગાડવાના હતા અને એ બધાને ભગાડતાં પહેલાં બાબાએ કહ્યું હતું એ કામ પૂરું કરવાનું હતું.
ધીમી ચાલે મધુ રૂમની બારી પાસે આવ્યો. એ રૂમની એક બારી પશ્ચિમમાં એટલે કે ગાર્ડન બાજુએ ખૂલતી હતી. બારી અંદરથી બંધ હતી. અવાજ ન થાય એ રીતે મધુએ બારીની સ્ટૉપર ખોલી અને એક ઇંચ જેટલી બારી ખોલી ગાર્ડનમાં નજર કરી. 
રાજના ખભા પર કિયારાએ માથું ઢાળી દીધું હતું અને રાજ તેના વાળ પર હાથ ફેરવતો હતો. સામાન્ય રીતે આ દૃશ્ય રોમૅન્ટિક લાગે, પણ ના, અત્યારે એમાં રોમૅન્સ જેવું કશું નહોતું. અત્યારે રાજ અને કિયારાની આ મુદ્રામાં સાંત્વના વધારે ઝળકતી હતી.
બન્નેમાંથી કોઈનું ધ્યાન ઉપર નથી એ ચેક કર્યા પછી મધુએ તરત જ બારી બંધ કરી અને પગમાં ગતિ પકડી તે રૂમની બહાર નીકળ્યો. 
તેને હવે ખબર હતી કે માસ્ટર બેડરૂમની એક્ઝૅક્ટ સામેનો રૂમ બાળકોનો હતો. સિડ એ રૂમમાં સૂતો હતો. રૂમ અંદરથી બંધ નહીં કરવાની સૂચના પહેલા જ દિવસે મધુની હાજરીમાં જ રાજે બાળકોને આપી હતી, જે તેને યાદ હતી.
ખટાક...
રૂમ ખૂલી ગયો. રૂમમાં નાઇટ લૅમ્પનો આછો પ્રકાશ પ્રસરેલો હતો. બૅડ પર સૂતેલાં ત્રણેત્રણ બાળકો ઊંઘમાં હોય એવું એ પ્રકાશમાં જોઈ શકાતું હતું. સારું હતું કે ત્રણેયના ચહેરા ખુલ્લા હતા. જો એ ઢંકાયેલા હોત તો મધુએ સિદ્ધાર્થને શોધવા માટે થોડી જહેમત ઉઠાવવી પડી હોત અને એ જહેમતના કારણે બીજાં બાળકો પણ જાગે એવી સંભાવના ઊભી થવાની શક્યતા રહી હોત.
હત્ત તારી...
રૂમમાં દાખલ થયા પછી મધુએ જોયું સિડ બન્ને બહેનોની વચ્ચે સૂતો હતો. જો કૉર્નર પર સૂતો હોત તો તેને જગાડવો સહેલો હોત પણ અત્યારે તે જે રીતે સૂતો હતો એ પરિસ્થિતિ મધુ માટે વિકટ હતી. અલબત્ત, એ વિકટ પરિસ્થિતિને અવગણીને કામ તો કરવાનું જ હતું.
મધુ ધીમેકથી બેડની પાસે ગયો અને તેણે બૉટલ ખિસ્સામાંથી કાઢી. 
બૉટલની સાઇઝ નાની હતી. જો મિલીલિટરમાં સમજાવવાનું હોય તો એમાં સાઠથી સિત્તેર મિલીલિટર લિક્વિડ હતું. બૉટલ ખિસ્સામાંથી કાઢીને મધુએ એને બરાબર હલાવી અને પછી તેણે સિડના માથા પર હાથ મૂક્યો.
‘સિડ...’
દબાયેલા અવાજે મધુ બોલ્યો અને જાણે કે ચમકારો થયો હોય એમ સિડની આંખો એક ઝાટકા સાથે ખૂલી ગઈ.
સીઇઇઇશશશ...
મધુએ તરત જ હોઠ પર આંગળી મૂકીને દબાયેલા અવાજે ચૂપ રહેવા ઇશારો કર્યો.
‘આપ કે લિએ આપકી મમ્મીને દવા ભેજી હૈ...’ મધુએ કિયારાને આગળ કરી, ‘અગર આપ પીલોગે તો કલ આપકો વો ખેલને દેંગી...’
કોઈ જાતની આર્ગ્યુમેન્ટ વિના સિડ બેડમાં બેઠો થયો અને મધુએ બૉટલનું ઢાંકણું ખોલ્યું. સાપના લોહીની બદબૂ આવી ખરાબ હોય છે એ વિચાર તેને પહેલી વાર આવ્યો. જોકે કોઈ રીઍક્શન આપ્યા વિના તેણે એ બૉટલ સિડના મોઢા પાસે લીધી.
‘સબ પીના હૈ ઔર એકસાથ પીના હૈ...’ 
મધુની આંખોમાં પાણી આવી ગયું. પોતાના સ્વાર્થ માટે તે એક બાળકનો ઉપયોગ, ના દુરુપયોગ કરતો હતો. બાબાએ આપેલી અઘોર વિદ્યામાં તે આ બાળકને હોમી રહ્યો હતો, જે કામ એક નરાધમ સિવાય બીજું કોઈ ન કરે.
‘ફટાફટ પીઓ...’
સહેજ પીને બૉટલ મોઢેથી પાછી લેતા સિડને મધુએ કહ્યું. મધુનું ધ્યાન અત્યારે સિડ ઉપરાંત એની બાજુમાં સૂતેલી તેની બન્ને સિસ્ટર પર પણ હતું. જો એ જાગી જાય તો ફરી એક વાર હાથમાં આવેલી બાજી સરકી જાય અને જો ભૂલથી પણ રાજ કે કિયારાને ખબર પડે તો તેને ચોક્કસપણે સેસિલમાંથી રવાના જ કરી દે.
એવું બને તો એ કોઈ કાળે પોતાની હયાતી અકબંધ ન રાખી શકે.
‘જલદી... જલદી...’
મધુનું માનીને સિડ આખેઆખી બૉટલ પેટમાં ઓરી ગયો. હવે સિડના હોઠ પર લાલ રંગની મૂછ બની ગઈ હતી. મધુએ પોતાના ઝભ્ભાની બાંયથી એ મૂછ સાફ કરી અને પછી તેના માથે વહાલથી હાથ ફેરવ્યો.
‘સો જાઓ અબ...’
lll
રાજને આ આખું દૃશ્ય બીજા પૉઇન્ટ ઑફ વ્યુથી યાદ આવતું હતું અને પોતાના પર ગુસ્સો આવતો હતો.
બીજી સવારે જ્યારે વરસાદ આવ્યો ત્યારે સિડને બહાર રમવા જવાની કિયારાએ ના પાડી ત્યારે સિડ દોડતો તેની પાસે આવ્યો હતો.
lll
‘રાતે મેં દવા તો પી લીધી તો કેમ મમ્મી રમવા જવા નથી દેતી?’
‘દવા, કઈ દવા?’ 
રાજને નવાઈ લાગી હતી. માત્ર ઇમર્જન્સી કિટ સિવાય કોઈ મેડિસિન સાથે લીધી નહોતી તો પછી સિડને કિયારાએ કઈ દવા પીવડાવી?
‘કિયારા.’ રાજ સિડને તેડીને રૂમમાં આવ્યો હતો, ‘સિડની તબિયત ખરાબ છે?’
‘ના રે... કેમ?’ કિયારાએ અનુમાન મૂકી દીધું, ‘અરે એ તો હેલ્થ બગડે નહીં એટલે એને વરસાદમાં જવાની ના પાડું છું.’
‘હા, પણ એ કહે છે કે તેં એને મેડિસિન...’
રાજની વાત પૂરી થાય એ પહેલાં જ સિડે સુધારો કર્યો,
‘મમ્મી નહીં, મધુએ આપી દવા...’
‘મધુએ, કઈ દવા...’
જવાબમાં સિડે બન્ને હોઠ બહાર કાઢ્યા.
‘ખબર નહીં, ખાંસીની હશે...’
વાત આગળ વધી હોત જો એ સમયે કિયારા વચ્ચે ન પડી હોત.
‘તું સાંભળને આ સ્ટોરીબાઝની વાર્તા. કોઈ દવા નથી પીધી...’ રાજ પાસે આવી કિયારાએ સિડના ગાલ પર ટપલી મારી, ‘ભલે પીધી દવા, તોય વરસાદમાં રમવા જવા નહીં મળે...’
મૅટર એન્ડ અને પપ્પાએ પણ ટૉપિક ચેન્જ કરવાનો રસ્તો કાઢ્યો.
‘એ આપણે મોનોપૉલી રમીએ ચાલો...’
સિડ આનાકાની કરે એ પહેલાં તો રાજ સીધો રૂમની બહાર નીકળી ગયો પણ જો એ દિવસે ટૉપિક ચેન્જ ન થયો હોત, એ દિવસે કિયારાએ સિડને સ્ટોરીબાઝ ન ધારી લીધો હોત તો કદાચ આજની આ પરિસ્થિતિ જુદી હોત.
lll
‘યુ બાસ્ટર્ડ...’ 
રાજ રીતસર પોતાની જગ્યાએથી ઊછળ્યો હતો. ક્યારનો રાખેલો કન્ટ્રોલ હવે બેકાબૂ બન્યો હતો.
‘તને છોડીશ નહીં હું...’
‘રાજ...’ ડૉક્ટર સંધ્યાએ રીતસર રાજને પકડવો પડ્યો, ‘પ્લીઝ, બિહૅવ યૉરસેલ્ફ...’
‘લીવ મી... આને લીધે મારો દીકરો...’
‘એને લીધે નહીં...’
‘ના, આને કારણે જ... આજે સિડ.’
‘લિસન મી, એને કારણે નહીં...’ સંધ્યાએ રીતસર રાડ પાડી, ‘મધુ એમાં નિમિત્ત છે, બાકી એનો કોઈ વાંક નથી.’
‘તું નહીં પડ અમારી વચ્ચે...’
‘પડવું પડશે... જો આપણે સિડને પાછો લાવવો હોય તો.’ 
‘એ આવશે પાછો... ફૉર શ્યૉર આવશે.’ રાજનું ઝનૂન હજી પણ ઓસરતું નહોતું, ‘સિડ આવશે પણ આણે જવું પડશે...’
‘નહીં આવે સિડ પાછો...’ સંધ્યાના શબ્દો સાથે મધુની ગરદન દબાવતા રાજના હાથ થંભી ગયા, ‘મધુ જીવતો છે ત્યાં સુધી સિડ પાછો આવવાના ચાન્સ છે...’
સંધ્યાએ મધુની ગરદન છોડાવી.
‘છોડી દે, હવે તકલીફોનો અંત નજીક છે. પ્લીઝ શાંતિ રાખ...’
સંધ્યા મધુ તરફ ફરી.
‘પછી, તેં એ બૉટલ સિડને પીવડાવી દીધી. પછી શું થયું?’ મધુ જવાબ આપે એ પહેલાં સંધ્યાને ચોખવટ કરી, ‘વાત વિગતવાર કરજે, દરેક ઇન્ફર્મેશન જરૂરી છે.’
‘હા.’ મધુએ ફરી વાતની કનેક્ટિવિટી જોડી, ‘સિડબાબાએ બધું પી લીધું એટલે હું રૂમની બહાર આવી ગયો... મારે હજી ટેરેસમાંથી વાંદરાનું બૉડી હટાવવાનું હતું પણ હું ત્યાં ગયો ત્યારે મેં જે જોયું એ બીવડાવી દે એવું હતું.’
lll
મધુએ રૂમમાં આવીને ટેરેસનો દરવાજો ખોલ્યો પણ ટેરેસ ખાલી હતી!
જે ચાદર પર લટકીને વાંદરાએ સુસાઇડ કર્યું હતું એ ચાદર હજી ત્યાં જ લટકતી હતી, પ્લાસ્ટિકનું ટેબલ પણ ત્યાં જ પડ્યું હતું પણ ચાદર સાથે બંધાયેલા વાંદરાનું બૉડી ત્યાં નહોતું. મધુ ઝડપભેર ટેરેસમાં આવવા ગયો પણ પછી તેણે પગ અટકાવ્યા. સેસિલમાં ભટકતા વાંદરાઓનો ભરોસો કરવા જેવો નથી એ તેનો જાતઅનુભવ હતો. ક્યાંયથી પણ મર્કટ આવી ચડતા અને હુમલો પણ કરી લેતા.
મધુ ફરી રૂમમાં આવ્યો અને દરવાજાની પાછળ પડી રહેતી મોટી લાકડી હાથમાં લઈ, લાકડી ઠપકારતો અને હોકારા-પડકારા કરતો ફરી ટેરેસમાં આવ્યો. જોકે ક્યાંય કોઈ દેખાયું નહીં કે ઝાડ પર પણ સળવળાટ જોવા મળ્યો નહીં એટલે ખીણ બાજુએ પડતી ટેરેસની પાળી સુધી મધુ આવ્યો અને તેણે ખીણના ભાગ તરફ જોયું.
એ તરફ જોતાં મધુની આંખો ફાટી ગઈ.
મરી ગયેલા વાંદરાને ખોળામાં રાખીને શહનાઝ બેઠી હતી. 
શહનાઝની આંખો ટેરેસ તરફ મધુને તાકતી હતી.

વધુ આવતા શનિવારે

columnists Soham