શનિવાર night (પ્રકરણ 71)

06 August, 2022 12:53 PM IST  |  Mumbai | Soham

‘એ વિધિ એકધારી અઢી કલાક ચાલી. આ અઢી કલાક દરમ્યાન અઘોરીબાબાએ હવનકુંડમાં અનેક આહુતિ આપી અને એ પછી ભોગ આપવાનો વારો આવ્યો એટલે તેમણે બકરીનો ભોગ આપ્યો’

શનિવાર night

‘હંમ... પછી... પછી શું થયું?’
અમિતની કેવી રીતે હત્યા થઈ અને કેવી રીતે પોતે અમિતની લાશ શહનાઝની લાશ સાથે દાટી દીધી એ વાત પૂરી કરવામાં મધુને પરસેવો છૂટી ગયો હતો. મધુ એવું ધારતો હતો કે આ ચર્ચા સાથે વાતનો અંત આવશે, પણ એવું બન્યું નહીં. વાત પૂરી કરીને મધુ હજી તો માંડ અડધી મિનિટ ચૂપ રહ્યો હતો ત્યાં જ સંધ્યાનો સવાલ આવ્યો.
‘હંમ... પછી... પછી શું થયું?’
સંધ્યાની નજર ઘડિયાળ પર હતી. રાતે બે વાગીને ૩પ મિનિટ થઈ હતી.
ઇસ રાત કી સુબહ નહીં જેવો ઘાટ હતો. ઘડિયાળના કાંટાને જાણે કે અશક્તિ આવી ગઈ હોય એમ માંદલી અવસ્થામાં આગળ વધતા હતા તો આકાશમાં પથરાયેલો ચંદ્ર પણ જાણે કોઈની રાહ જોતો ઊભો હોય એમ સ્થિર થઈ ગયો હતો.
‘પછી શું થયું, ફાટને જલદી...’
મધુ કશું બોલ્યો નહીં એટલે રાજે સહેજ ઊંચા અવાજે પૂછ્યું. રાજના ઊંચા અવાજથી મધુ સહિત સૌકોઈ ગભરાયા.
‘પછી તો શું, આમ તો કંઈ નહીં... બસ, પછી બધું પતી ગયું.’
‘અઘોરીબાબાએ કઈ-કઈ વિધિ કરી સેસિલમાં?’
ડૉક્ટર સંધ્યાએ નિવારણની દિશામાં ધ્યાન આપ્યું અને મધુએ એ વિધિઓ યાદ કરવાનું શરૂ કર્યું. મધુને ખબર હતી કે જો તે બધેબધું અને સાચેસાચું કહેશે તો ચોક્કસપણે રાજ ગુસ્સે થશે. માણસના મનની એક વિચિત્રતા છે. જે વાતથી તે ભાગવાની કોશિશ કરતો હોય એ જ વાત તેની આંખ સામે આવીને ઊભી રહી જતી હોય છે.
અત્યારે મધુ સાથે પણ એવું જ થયું હતું, તેની સામે એ રાત આવી ગઈ જે રાતે તેણે બાબાની સૂચનાનું પાલન કર્યું હતું.
lll
કચડ... કચડ... કચડ...
સૂકાં પાંદડા પર પડતાં પગલાંના અવાજ માથેરાનના જંગલને વધારે ભયાવહ બનાવતા હતા.
અઘોરીબાબાના મોઢામાંથી એકધારા શ્લોક નીકળી રહ્યા હતા તો મધુના હાથમાં એક દોરી હતી જેના બીજા છેડે બકરી હતી. મધુની આંખો ચકળવકળ થતી આજુબાજુનું બધું જોતી હતી. આગળ ચાલતા બાબા એક જગ્યાએ અટક્યા અને તેમણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો.
‘બાબા, યહાં...’
એ બોલવાનું પૂરું કરે એ પહેલાં જ બાબાએ ચીપિયાવાળો હાથ ઊંચો કરીને ઇશારાથી જ તેને ચૂપ રહેવા કહ્યું. મધુને ચૂપ રહેવાનું કહીને બાબાએ બંધ આંખો સાથે જ ફરી પગ ઉપાડ્યા. હવે બાબાના મોઢામાંથી નીકળતા શ્લોકની ગતિ વધી ગઈ હતી. બેચાર ડગલાં આગળ ચાલીને એક જગ્યાએ અઘોરી ઊભો રહ્યો અને પછી ધીમેથી આંખો ખોલી આકાશ સામે એવી રીતે જોયું જાણે કે આહ્વાન આપતા હોય.
‘ઓમ ચામુંડાયે વિચ્ચેઃ’
મધુ સમજી ગયો હતો. તેણે તરત જ હાથમાં રહેલી બકરીની દોરીનો છેડો બાજુમાં રહેલા ઝાડ સાથે બાંધ્યો અને જગ્યાની સાફસફાઈ શરૂ કરી. હવે મધુના મોઢામાંથી પણ આછાસરખા શ્લોક સંભળાતા હતા, જેમાં આસ્થા નહીં પણ ડરનો પ્રભાવ ભારોભાર હતો.
જગ્યા સાફ કરી મધુએ બાબા સામે જોયું.
આંખો ચાર્લોટ લેક તરફ જ રાખી બાબાએ આદેશ આપ્યો, ‘બીસ લકડી... છોટી, કુત્તે કી હડ્ડી દેતે હો ઐસી...’
આદેશનું પાલન થયું અને એકેક ફુટના લાકડાના ટુકડા ભેગા કરવામાં આવ્યા.
‘બાબા, સબ તૈયાર...’
બાબાએ પાછળ ફરીને તેમના બનેલા આ કામચલાઉ સ્થાનક સામે જોયું અને પછી બેઠક જમાવી. બાબાએ સ્થાન ગ્રહણ કર્યા પછી હાથથી ઇશારો કરી મધુને બેસવા કહ્યું એટલે મધુ બાબાની સામે ગોઠવાયો.
બન્ને વચ્ચે લાકડાના ટુકડાઓ ગોઠવાયેલા હતા. બાબાએ માચીસ કાઢીને ચલમ પેટાવી અને પછી એ જ કાંડી એ લાકડાના ટુકડા પર મૂકી દીધી.
અંધકારને જાણે કે પડકાર આપતા હોય એમ લાકડાએ જ્વાળા પકડી લીધી.
આગની કેસરી જ્વાળા વચ્ચે હવે પહેલી વાર બાબા સ્પષ્ટ દેખાતા હતા. બાબાના આખા શરીરે ભસ્મ લગાવી હતી. શરીરના પ્રાઇવેટ પાર્ટ પર નાનકડા રૂમાલ જેવડો ટુકડો વીંટ્યો હતો. જમણા હાથના બાવડા પર રુદ્રાક્ષની માળા બાંધી હતી તો ગળામાં રુદ્રાક્ષની સાથે રંગબેરંગી સ્ફટિકની માળાઓ વીંટળાયેલી હતી. સદીઓથી ધોયા ન હોય એવા વાળમાં ગૂંચ પડી ગઈ હતી. વાળને બાંધીને અંબોડાની જેમ એને મસ્તક પર રોકી દેવામાં આવ્યો હતો.
‘ઇસ્કાઈ કાલઃ સ્વાતિ ઊંચ સ્વાહા...’
બાબાએ પાસે પડેલી નાની પોટલીમાંથી રાખ જેવો ભૂકો પ્રગટાવેલી આગમાં નાખીને હવન ચાલુ કરવાની પહેલી આહુતિ આપી.
lll
‘એ વિધિ એકધારી અઢી કલાક ચાલી. આ અઢી કલાક દરમ્યાન અઘોરીબાબાએ હવનકુંડમાં અનેક આહુતિ આપી અને એ પછી ભોગ આપવાનો વારો આવ્યો એટલે તેમણે બકરીનો ભોગ આપ્યો.’ 
મધુની વાત સૌકોઈ ધ્યાનથી સાંભળતા હતા તો ડૉક્ટર સંધ્યા બિશ્નોઈને અનેક બાબતોનો તાળો મળતો જતો હતો. તેને સંભળાતો બકરીનો કરગરતો અવાજ પણ હવે તાળો આપવાનું કામ કરતો હતો.
‘ભોગની વાત આવી એટલે બાબાએ બાજુમાં પડેલી ખોપરી ઉપાડીને...’
મધુ ચૂપ થઈ ગયો. એ દૃશ્ય અત્યારે પણ મધુના શરીરમાં કંપકંપારી છોડાવતું હતું.
lll
ધાડ...
બળદ તથા આખલાના શરીરમાંથી નીકળેલાં કંકાલ હવનની બાજુમાં પડ્યાં હતાં એમાંથી એક હાડકું હાથમાં લઈ બાબાએ પોતાના ગુપ્ત ભાગ પર જોરથી માર્યું.
મધુ ધ્રૂજી ગયો. 
જો આ જ વિધિ હવે તેને કરવાનું કહેવામાં આવે તો તેનો તો જીવ નીકળી જાય. 
હવનની આગના કારણે લાગતી ગરમીથી મધુનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું અને એ પછી પણ પોતાના જ વિચારથી મધુને ઠંડી ચડી ગઈ.
ધાડ...
મધુ કંઈ સમજે એ પહેલાં અઘોરીએ ફરી એક વાર હાથમાં રહેલું હાડકું પોતાના ગુપ્ત ભાગ પર જોરથી માર્યું અને પછી ત્યાં જ પડેલી માણસની ખોપરી હવનની ઉપર ગોઠવી. ખોપરીની આંખોનાં કાણાંમાંથી આગનો કેસરી રંગ હવે એવી રીતે બહાર આવતો હતો જાણે કે આંખનાં એ કાણાં આગ ઓકતાં હોય. 
‘ભોગ... ભોગ...’
અઘોરી બોલ્યો, હવે તેનો અવાજ બદલાઈ ગયો હતો. પહેલાં અવાજમાં જે દૃઢતા અને રુક્ષતા હતી એમાં હવે ધ્રુજારીનો અનુભવ થતો હતો. સામે બેઠેલી વ્યક્તિને સમજણ પડતી નહોતી એટલે તેણે બાબાની સામે હાથ જોડ્યા. ફરી એક વાર બાબાએ વાતચીતને બદલે ઇશારાની ભાષાનો આશરો લીધો અને હાથના ઇશારાથી તેને બેસી રહેવાનો આદેશ આપી તે ઊભા થયા.
હવનથી દસ ફુટ દૂર બંધાયેલી બકરી પણ પોતાના મૂળભૂત સ્વભાવથી વિપરીત રીતે વર્તી રહી હતી. બંધાયેલી અવસ્થામાં જો પગ પાસે પાંદડાં પડ્યાં હોય તો બકરી એ ચાવ્યા કરે, પણ છેલ્લા અઢી કલાકમાં બકરીએ એક વખત પણ જમીન કે પાંદડાં તરફ નજર નહોતી કરી. એની આંખો આગ પર ચોંટી ગઈ હતી. મોઢામાંથી એક પણ વાર અવાજ નહોતો નીકળ્યો.
બાબા ઊભા થઈને બકરી પાસે આવ્યા ત્યારે બકરી પારખી ગઈ હોય એમ પહેલી વાર એના ગળામાંથી અવાજ નીકળ્યો.
બેં... બેં... બેં... 
અઘોરીનું ધ્યાન એ અવાજ તરફ હતું જ નહીં. તેના હોઠ હજી પણ શ્લોકનો ગણગણાટ કરતા હતા. બકરીને બાંધી હતી એ ઝાડ પરથી દોરડું ખોલી અઘોરી બકરી સાથે આગ પાસે આવ્યા. બકરી ચાલી નહોતી રહી, એને ઢસડવી પડતી હતી. પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે બકરી મોઢામાંથી બચાવ માટે કોઈ અવાજ નહોતી કરતી. હેબતાયેલી અવસ્થા બકરીના માનસપટ પર પથરાઈ ગઈ હતી.
બકરીને હવન પાસે લાવીને અઘોરીએ ઝૂકીને ગુલાલની કોથળીમાંથી મૂઠો ભરીને ગુલાલ લીધો. લીધેલો એ ગુલાલ અઘોરીએ બકરીના મોઢા અને ગરદન પર લગાડ્યો અને પછી બીજી જ ક્ષણે બીજા હાથમાં રહેલા જમૈયાથી બકરીના ગળા પર ઘા કર્યો.
બકરીની ગરદન એકઝાટકે છૂટી પડી ગઈ અને ગરદનના ભાગથી લોહીનો ફુવારો ફૂટ્યો. બકરીમાં હજી પણ જાણે જીવ હોય એમ એ થોડી ક્ષણ ઊભી રહી અને પછી એકઝાટકા સાથે જમીનદોસ્ત થઈ.
lll
‘યે તુઝે લે જાના હૈ...’ ખોપરીમાં લોહી ભરતાં અઘોરીએ કહ્યું, ‘યે સબ કામ ઠીક કર દેગા...’
‘પર બાબા...’
અઘોરીએ મધુ સામે જોયું. એકધારી આગ સામે તકાયેલી રહેવાને કારણે આંખો લાલ હતી કે પછી પોતે વચ્ચે બોલ્યો એને કારણે આવેલા ગુસ્સાની એ રતાશ હતી એ મધુ પારખી શક્યો નહીં.
જ્યારે સંયમ છૂટતો હોય છે ત્યારે માણસ સહજ થવાની પ્રક્રિયા કરતો હોય છે.
મધુએ અત્યારે એવું જ કર્યું.
તેણે બાબા સામે બે હાથ જોડી દીધા.
‘પૂછના બંધ કરો.’ બાબાનો સ્વર નાભિમાંથી આવતો હતો, ‘અગર બચના હૈ તો... કરના સિખો. કરોગે તો બચોગે.’
‘જૈસી આપકી આજ્ઞા...’
મધુએ મસ્તક નમાવી દીધું. હવે તે થોડી વારમાં અહીંથી બકરીનું તાજું લોહી લઈને સેસિલ જવાનો હતો. એ લોહી તેણે શહનાઝને પીવડાવવાનું હતું પણ સાથોસાથ એ લોહીનો ઉપયોગ તેણે સિડ અને કિયારા પર પણ કરવાનો હતો.
lll
આગલી સીટમાં બેઠેલો રાજ રીતસર ઊછળ્યો. આગળની સીટ પરથી જ તેણે મધુની ગરદન પકડવા માટે હાથ લંબાવ્યો પણ ડ્રાઇવિંગ સીટના પાછળના એરિયામાં સૌથી આગળ ઑક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યું હતું અને એ પછી બેઠક શરૂ થતી હતી. એ બેઠક પર પણ પહેલાં ઇન્સ્પેક્ટર તોડકર બેઠા હતા અને એના પછી મધુ બેઠો હતો એટલે મધુ સુધી પહોંચવું રાજ માટે આસાન નહોતું.
પ્રયાસ વ્યર્થ જતાં મા સમાણી ગાળ સાથે રાજ દરવાજો ખોલવા ગયો. તે અત્યારે, આ ક્ષણે જ મધુને મારવા માગતો હતો. તેનો ગુસ્સો વાજબી હતો. અઘોરી દ્વારા કરવામાં આવતી વિધિમાં મધુએ સિડ અને કિયારાનો ઉપયોગ કર્યો હતો, જે તેને અત્યારે ખબર પડતી હતી.
‘તું સાલ્લા... જો...’
રાજ જેવો દરવાજો ખોલવા ગયો કે સંધ્યાએ તેનો હાથ પકડી લીધો.
‘રાજ, ડોન્ટ ડૂ...’ સંધ્યા રીતસર તાડૂકી હતી, ‘બહાર નીકળવાનો એક જ અર્થ છે, તારે સીધા ઉપર...’
‘વાંધો નહીં પણ હું આને...’ રાજ રીતસર ધ્રૂજતો હતો, ‘નહીં મૂકું હું...’
‘તું સાંભળ પહેલાં...’ સંધ્યાએ રાજની આંખોમાં જોયું, ‘જે થયું છે એને કેવી રીતે પાછું વાળવું એ જોવાનું છે અને એની માટે બધું જાણવું જરૂરી છે.’
રાજ મધુ સામે જોતો દાંત કચકચાવતો હતો.
‘પ્લીઝ, રાજ. ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ...’ સંધ્યાએ રાજની દુખતી નસ દાબી, ‘સિડ અને કિયારાને પાછાં લાવવાં છેને?’
રાજ નજર ઝુકાવી લીધી. જોકે તેના હોઠ હજી પણ ધ્રૂજતા હતા.
સંધ્યાએ મધુ સામે જોયું.
‘હંમ... પછી શું થયું?’
‘ફટાફટ બોલજે ને હવે બધેબધું સાવ સાચું કહેજે...’ રાજની નજર હજી પણ નીચી જ હતી, ‘નહીં તો શહનાઝ પણ તને બચાવી નહીં શકે.’
કોઈએ ફરી મધુને યાદ કરાવવું ન પડ્યું. ધ્રૂજતી જીભે મધુએ વાત આગળ વધારી.
‘પછી... પછી હું, હું એ લઈ... સેસિલ ગયો. મને પછી ખબર પડી કે ત્યાં રાજસાહેબ નથી... એ બહાર ગયા છે.’ 
lll
‘ક્યાં ગયા છે સાહેબ?’ 
મધુએ સેસિલની થોડે દૂરથી જ સુમનને ફોન કર્યો હતો. સુમન રસોઈ બનાવવા સેસિલ આવી હતી.
‘એમને કોઈ મીટિંગ હતી એટલે એ તો બપોરે જ નીકળી ગયા છે. મૉલ રોડ ગયા છે. મુંબઈથી મહેમાન આવ્યા છે એટલે...’
lll
રાજને પોતાની મીટિંગ યાદ આવી ગઈ. મૉલ રોડ પરની કૅફેમાં રાજે પોતાના સ્ટાફ સાથે મીટિંગ કરી હતી, જેમાં સેસિલને કેવી રીતે ડેવલપ કરવી એના પર ચર્ચા થઈ હતી. 

વધુ આવતા શનિવારે

columnists soham