શનિવાર night (પ્રકરણ 59)

14 May, 2022 06:41 AM IST  |  Mumbai | Soham

‘અમારાથી રહેવાશે ત્યાં સુધી અમે અહીં રહીશું, ફરિયાદ વિના રહીશું. આ બધું સાંભળ્યા પછી તમે અમારી સાથે અહીં રહેવા માગતા હો તો ખુશીથી રહી શકો છો અને જો તમે...’

શનિવાર night (પ્રકરણ 59)

ધાડ...
અમિત જેવો મૂર્તિ લેવા મધુ પર ઝૂક્યો કે તરત તેનો પગ શહનાઝના બેડ સાથે અથડાયો અને અમિત જમીન પર પછડાયો. મધુએ આ સમયનો પણ પૂરતો લાભ લીધો અને અમિત પર ફરી વાર કર્યો. અલબત્ત, વાર કરવામાં પણ તેણે કાળજી રાખી હતી કે અમિતને કોઈ મોટી હાનિ થાય નહીં.
બીજા વાર પછી અમિત ઊભો થયો નહીં. પહેલાં તો મધુ બહારથી રૂમ બંધ કરીને નીચે આવતો હતો પણ પછી તેને વિચાર આવ્યો એટલે તેણે અમિતના હાથ-પગ બાંધી દીધા અને મોઢા પર પણ કપડું બાંધી દીધું. થોડી વાર સુધી અમિત જાગશે નહીં એની ખાતરી પણ કરી અને ખાતરી કર્યા પછી મધુ રૂમ બહારથી બંધ કરી દોડતો નીચે આવ્યો. તેને ખબર નહોતી કે આવું કરીને તેણે નવેસરથી આફત બોલાવી છે.
શહનાઝ નામની આફત.
lll
‘એવું કઈ રીતે?’ સંધ્યાએ પૂછ્યું, ‘શહનાઝ જોઈ ગઈ હતી?’
‘હા, અમિતે બારીમાંથી શહનાઝના નામની રાડો પાડી જે શહનાઝને પણ સમજાઈ અને તે પણ ઈરાનીશેઠના પહેલા માળે આવેલા રૂમની બારી પાસે આવી. બારીની બહાર તેને અમિત દેખાયો એટલે એ ભાગતી બહાર આવવા ગઈ પણ એ રૂમ બંધ હતો...’
‘એ રૂમ કોણે બંધ કર્યો હતો?’
તોડકરે સવાલ મધુને કર્યો અને જવાબ સુમને આપ્યો,
‘સાહેબ, મેં...’
‘તમને ખબર છે આ રીતે કોઈને ઘરમાં ગોંધી રાખવું એ ગુનો છે?’
‘હા, પણ તમને ખબર છેને આ પ્રકારની વ્યક્તિને ગોંધી ન રાખીએ તો જીવનું જોખમ રહે છે?’
ગાડીમાં એક સેકન્ડ માટે સન્નાટો પ્રસરી ગયો, જેને તોડવાનું કામ સંધ્યાએ કરવું પડ્યું હતું, 
‘પછી શું થયું? અમિતને રૂમમાં બાંધીને મધુ નીચે ગયો, એ પછી...’
lll
‘મારે અમિત સાથે ઝપાઝપી થઈ...’ 
મધુ દોડતો નીચે આવ્યો, નીચે કિચનમાં સુમન તૈયારીઓ કરતી હતી.
‘મેં, મેં એને માથા પર મૂર્તિ મારી...’
‘હેં?’ સુમનનું મોઢું ખુલ્લું રહી ગયું, ‘મધુ, એ મરી જશે તો તું...’
‘એને કંઈ થયું નથી, એવી ચિંતા કરવાની જરૂર નથી અને સુમન, એને એને એવું લાગે છે કે આપણે શહનાઝને કંઈ કર્યું છે, આ બધું... આ બધું...’ મધુએ સેસિલમાં નજર ફેરવી, ‘પચાવી પાડવા માટે.’
મધુએ જેવું બોલવાનું પૂરું કર્યું કે બીજી જ ક્ષણે શહનાઝની ચીસ સેસિલમાં ફરી વળી. ચીસમાં રહેલો આક્રોશ મધુને પરસેવો છોડાવવા માટે કાફી હતો.
‘આને શું થયું? આ રીતે...’
મધુએ પૂછ્યું ખરું પણ ડ્રોઇંગ રૂમ તરફ આવીને શહનાઝના રૂમ તરફ જોવાની તેની હિંમત ચાલી નહીં. એ પોતાની જગ્યા પર જ ઊભો રહ્યો. બેચાર ક્ષણ પછી ફરી શહનાઝની ચીસ આવી. આ વખતે શહનાઝની ચીસમાં ગંદી ગાળ પણ હતી.
‘આનું હવે વધતું જાય છે મધુ...’
‘આપણે અમિતને વાત કરીએ...’ મધુએ કહ્યું, ‘વાત કર્યા વિના છૂટકો પણ નથી... વાત કરવી જ પડશે.’
lll
‘હું તમારી વાતનો વિશ્વાસ કેમ કરું?’
‘કારણ કે અમે કહીએ છીએ...’ મધુએ સુમન સામે જોયું એટલે સુમને કહ્યું, ‘જે તારી મુલગી સાથે છેલ્લાં બે-અઢી વર્ષથી આ બધું સહન કરતાં આવે છે...’
‘જો અમારી દાનત ખરાબ હોત તો અત્યાર સુધીમાં કોરોનાના નામે ક્યાંય શહનાઝ બેબીનો દાવ લઈ લીધો હોત અને બધું પચાવી પાડ્યું હોત.’
‘આમ... આવી રીતે...’ સુમને પોતાની સાડી આગળ ધરીને દેખાડી, ‘આવી ફાટેલી સાડી પહેરતા ન હોત...’
‘ને છેલ્લા એક વર્ષથી પગાર આપનારું કોઈ નથી તોયે અહીં ટક્યાં ન હોત.’
મધુના શબ્દોને આગળ વધારતાં સુમન બોલી.
‘પોતાનું ઘરબાર છોડીને અહીં જે સેવાચાકરી કરીએ છીએ એ લાગણીથી કરીએ છીએ, જો સ્વાર્થ હોત તો ક્યારના નીકળી ગયાં હોત.’
‘એકેક પૈસાનો હિસાબ રાખ્યો છે ને એકેક કિંમતી ચીજવસ્તુ સાચવી રાખી છે.’
‘એકેએક ઓરડા જઈને જોઈ આવો, તમને ખબર પડી જશે કે મહિનાઓથી હાથ નથી લગાડ્યો અને એ પછી પણ દરરોજ સફાઈ કરવા જાતે જઈએ છીએ.’
‘કારણ કે અમને ઈરાનીશેઠ પર માન હતું...’
‘ને શહનાઝ બેબી અમારી આંખ સામે મોટી થઈ છે.’
ચૅર પર બંધાયેલી હાલતમાં રહેલો અમિત સાંભળતો હતો અને મધુ-સુમનને જોતો પણ હતો. તેમના શબ્દોમાં સચ્ચાઈ હતી અને તેમની આંખોમાં વાસ્તવિકતા હતી.
‘મારા મનમાં પણ કોઈ ખરાબ ભાવ નહોતો. મેં તો બસ, એમ જ...’ અમિતની આંખમાં આંસુ આવી ગયાં, ‘સાચું કહું તો મને અત્યારે પણ નવીન લાગે છે કે આ બધું કેવી રીતે થઈ શકે...’
‘સર, હાલત તમને કહી એનાથી પણ વધારે ખરાબ છે...’
મધુ બોલ્યો અને તેણે સુમન સામે જોયું. અત્યાર સુધીમાં માત્ર એવું જ કહેવાયું હતું કે શહનાઝની તબિયત ખરાબ છે અને એ કોઈના પર પણ હુમલો કરી નાખે પણ એ સિવાયની વાત કહેવાનું મધુ-સુમને ટાળ્યું હતું. પરઝાન હયાત નથી એ વાત પણ તેમણે કરી નહોતી અને અમિતના પપ્પાએ જે પ્રકારે શહનાઝ પર રેપ કર્યો એની વાત પણ અમિતને કરવામાં આવી હતી.
‘સર, હાલત તમને કહી એનાથી પણ વધારે ખરાબ છે...’
અધ્યાહાર રાખીને કહેવામાં આવેલી આ વાતને આગળ હવે સુમને જોડવાની હતી. 
lll
‘અમારી વચ્ચે નક્કી થયું હતું કે જેને જે વાત કહેવી જોઈએ એવું લાગતું હોય તે એ વાત કરશે.’ મધુએ ઍમ્બ્યુલન્સમાં બેઠેલા સૌકોઈને કહ્યું, ‘સુમનને લાગતું હતું કે અમિતના પપ્પાવાળી વાત તેને કરવાનો કોઈ અર્થ નથી. બને કે શહનાઝ એને કરે તો એ શહનાઝની મરજી છે પણ આપણે એ વાત ન કરવી અને મને પણ એવું જ લાગ્યું હતું કે આપણે એ વાતમાં પડવું ન જોઈએ.’
‘હંમ...’ સંધ્યાએ વારાફરતી મધુ-સુમન સામે જોયું, ‘પછી થયું શું એ વાત કરો અને જરા ઝડપથી કરો... જો આમને આમ જ ચાલ્યું તો સિદ્ધાર્થનો જીવ...’
‘શહનાઝ સાથે જે ખરાબ વર્તન થયું એને મૂકીને અમે બધી વાત અમિતને કરી દીધી. તબિયતની પણ અને પરઝાનની પણ...’
lll
‘પરઝાન બાબા હયાત નથી અને શહનાઝ બેબી એ માનવા તૈયાર નથી. એ પરઝાનને મૂકતી નથી. તમે આવ્યા અને વિલામાં જે બદબૂ આવતી હતી એ બદબૂ એ લાશની જ છે.’
અમિતની રડતી આંખો અચાનક જ કોરીધાકોર થઈ ગઈ. તે શૂન્યમન્સ્ક અવસ્થા વચ્ચે બધું સાંભળતો રહ્યો. ઘટનાની રાતે શું બન્યું હતું એની વિગતે વાત સુમને કરી અને સુમને વાતને પૂર્ણાહુતિ આપતાં કહી પણ દીધું,
‘અમારાથી રહેવાશે ત્યાં સુધી અમે અહીં રહીશું, ફરિયાદ વિના રહીશું. આ બધું સાંભળ્યા પછી તમે અમારી સાથે અહીં રહેવા માગતા હો તો ખુશીથી રહી શકો છો અને જો તમે...’
મધુએ વાતનું અનુસંધાન જોડ્યું.
‘પાછા જવા માગતા હો તો તમે જરા પણ સંકોચ રાખ્યા વિના જઈ શકો છો. તમે નહીં ઇચ્છતા હો તો અમે ક્યારેય કોઈને એવું કહીશું નહીં કે અમિતસર પાછા આવ્યા હતા... અને સર, મારી વાત માનો. નહીં રોકાઓ અહીં.’
‘ના, એવું નહીં થઈ શકે. શહનાઝને ટ્રીટમેન્ટની જરૂર છે.’ અમિતના અવાજમાં દૃઢતા હતી, ‘એને હું સમજાવી-મનાવીને મુંબઈ લઈ જઉં. આપણે એની ટ્રીટમેન્ટ કરાવીએ. એ સાજી થઈ જશે, થઈ જશે સાજી...’
‘હા, સર... મોટો ડૉક્ટર એ કામ કરી શકશે.’
‘કહેશો તો હું પણ સાથે આવીશ, આખી જિંદગી શહનાઝની સેવાચાકરી કરીશ.’ અમિતની દરિયાદિલી જોઈને સુમન ખુશ થઈ ગઈ હતી, ‘તમને જોઈને જ અડધી તો એ સાજી થઈ જશે. જો જો તમે...’
અમિતના હાથ-પગ ખોલી મધુ તરત જ અમિતને બે હાથ જોડીને ઊભો રહ્યો.
‘માફ કરજો સાહેબ, મનમાં પાપ નહોતું પણ... તમને પૂરી વાત કહેવી કેવી રીતે એની મૂંઝવણ હતી...’
‘માફ મને કરો તમે બેઉ... શહનાઝને દીકરી માનીને તમે લોકોએ જેટલું પણ એના માટે કર્યું છે એટલું બીજું કોઈ કરી ન શકે. થૅન્ક યુ વેરી મચ.’ અમિતે બારીમાંથી બહાર જોતાં પૂછ્યું, ‘અત્યારે રાડ પાડું એને?’
મધુ અને સુમન બન્નેએ ના પાડી.
lll
ધીમેકથી રૂમનો દરવાજો ખૂલ્યો. દક્ષિણ દિશામાં આવેલા એ રૂમમાંથી જ સીડી ઉપરની તરફ જતી હતી. આમ તો એ રૂમ હતો, પણ એ રૂમને પેન્ટ હાઉસ જેવી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. નીચેના રૂમમાંથી જ ઉપરના રૂમમાં જવાતું હતું અને એની ઉપર માળિયું હતું એમાં પણ આ જ રૂમના ઉપરના ફ્લોર પરથી જવાતું હતું. મજાની વાત એ હતી કે ઉપરના બન્ને ફ્લોરમાં જવાનો આ સિવાય કોઈ રસ્તો જ નહોતો.
પોતાના અંતિમ દિવસો ઈરાનીશેઠે અહીં પસાર કર્યા હતા અને ઈરાનીશેઠના અંતિમ સંસ્કાર પછી શહનાઝે આ રૂમ પર કબજો લઈ લીધો હતો.
પરઝાનની ડેડ-બૉડી સાથે ઘરમાં આવી ગયેલી શહનાઝ પરઝાનના પાર્થિવ દેહને મૂકતી નહોતી એટલે નાછૂટકે મધુ અને સુમને આ રૂમને બહારથી બંધ કરી દેવો પડ્યો હતો. જો એ રૂમ બંધ ન રાખે તો શહનાઝ પેલી ડેડ-બૉડી સાથે આખા સેસિલમાં ફરતી રહે.
કચચચડ...
દક્ષિણમાં આવેલા રૂમનો દરવાજો ખૂલ્યો અને બદબૂનું એક મોટું વાદળ અમિતના નાકમાં જગ્યા કરીને શરીરમાં પ્રસરી ગયું. અમિતને ઊબકા આવી ગયા. ઊબકાની સાથોસાથ મનમાં વિચાર પણ આવી ગયો કે મધુ અને સુમન કેવી હિંમત સાથે અહીં હજી સુધી ટક્યાં હશે.
‘શહનાઝ...’
અમિતે રાડ પાડી અને નાકને રૂમાલથી ઢાંકતાં રૂમમાં પગ મૂક્યો,
‘શહનાઝ...’
નીચેનો રૂમ ખાલી હતો એટલે અમિતે ધીમેકથી પોતાના પગ સીડી તરફ વાળ્યા. ઉપરની તરફ જોઈને અમિતે ફરી બૂમ પાડી.
‘શહનાઝ...’
કોઈ વસ્તુ સાઇડ પર ખસેડવામાં આવી હોય એવો અવાજ આવ્યો અને એ અવાજની પાછળ શહનાઝનો અવાજ આવ્યો.
‘આવી જા, મારી પાસે...’
શહનાઝ ઉપર હતી. અમિતના પગમાં જોર આવી ગયું. જોકે મધુ-સુમને કરેલી તાકીદ વચ્ચે તેણે સાવચેતી રાખવાની હતી. શરીરમાં આવી ગયેલા ઉત્સાહને કાબૂમાં લેતાં અમિતે સીડી ચડવાનું શરૂ કર્યું.
‘તું ઉપર શું કરે છે શહનાઝ... આવ અહીં મારી પાસે.’
અમિત સતત શહનાઝને બોલાવતો હતો પણ પહેલી વાર જવાબ આપ્યા પછી શહેનાઝે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં.
અમિત ઉપર પહોંચ્યો. ઉપરના રૂમમાં અંધકાર હતો. બારીમાંથી પ્રકાશ ન આવે એ માટે પડદાઓ પાડી રાખવામાં આવ્યા હતા.
‘શહનાઝ, આર યુ ધેર?’
સીઇઇઇસ...
ખૂણામાંથી સિસકારાનો અવાજ આવ્યો એટલે અમિતનું ધ્યાન એ દિશામાં ગયું. 
ઉપરના રૂમમાં કોઈ જાતનું ફર્નિચર નહોતું. રૂમ ઑલમોસ્ટ આખો ખાલી હતો. એક ખૂણામાં બારી પાસે શહનાઝ જમીન પર બેઠી હતી અને તેની સામે એક ચાદર પાથરીને એના પર પરઝાનને સુવડાવવામાં આવ્યો હતો. પરઝાનને પગથી માથા સુધી ઓઢાડી દેવામાં આવ્યો હતો. એના શરીરનું માળખું જોતાં ખબર પડતી હતી કે પરઝાનનું શરીર સાવ લેવાઈ ગયું હશે.
‘શહનાઝ...’ 
‘સીઇઇઇસ...’ અમિતે દબાયેલા અવાજે શહનાઝને બોલાવી કે તરત જ ફરીથી શહનાઝે મોઢે સિસકારો કર્યો, ‘પરઝાન સૂતો છે...’
‘ઓહ...’ 
અમિતે મોઢામાંથી દબાયેલા સ્વરે ઉદ્ગાર આપ્યો અને પછી શહનાઝને પોતાની પાસે આવવા ઇશારો કર્યો. શહનાઝે ચાદર સહેજ ઊંચી કરી પરઝાનની સામે જોઈ લીધું અને પછી એ ઊભી થઈ. અમિતની નજર શહનાઝના શરીર પર હતી. એ શરીરથી સાવ ઓગળી ગઈ હતી. જો અમિતે શહનાઝના હાથ પર ધ્યાન આપ્યું હોત તો તેને દેખાયું હોત કે તે લાંબી છૂરી સાથે ઊભી થઈ છે.

વધુ આવતા શનિવારે

columnists Soham