શનિવાર night (પ્રકરણ 34)

20 November, 2021 07:33 AM IST  |  Mumbai | Soham

‘આઇ ફીલ, તમે પેશન્ટને લઈને મુંબઈ કે પુણે જાઓ અને ત્યાં એક વાર સી.ટી. સ્કૅન કે જરૂર લાગે તો એમઆરઆઇ કરાવી લો. અહીં આપણી પાસે એટલી સુવિધા નથી અને ઉંમર...’

શનિવાર night (પ્રકરણ 34)

‘યા સ્વેતઃ પિશાચ કલાહી મમઃ મમઃ સ્વાહઃ’
જોરથી અંતિમ મંત્રનું પઠન કરીને મધુએ કમરે બાંધી રાખેલી થેલીમાંથી લીંબુ કાઢ્યું અને લીંબુ દરવાજા પર ફેંક્યું. લીંબુ જેવું દરવાજા સાથે અથડાયું કે દરવાજો ઝાટકા સાથે ખૂલ્યો અને ઝાટકા સાથે કિયારા બહારની તરફ એવી રીતે ફેંકાઈ જાણે કે અંદરથી કોઈએ તેને ધક્કો માર્યો હોય.
જમીન પર પછડાયેલી કિયારાએ ઉપર જોયું. તેના હાવભાવ અને આંખો પરથી દેખાતું હતું કે અત્યારે તે નૉર્મલ છે, તેનામાં શહેનાઝ નથી. 
‘રાજ...’
કિયારાએ ઊભા થવાની કોશિશ કરી પણ તેના શરીરમાં એવી અશક્ત‌િ હતી જાણે કે તે મૅરથૉન દોડીને આવી હોય. રાજ દોડતો કિયારા પાસે પહોંચ્યો અને મધુ અંદરની તરફ ભાગ્યો.
‘મૈં બચ્ચે કો લેકર આતા હૂં...’
અંદર રૂમમાં સિડ જમીન પર પડ્યો હતો. સિડને ઊંચકીને મધુ ફટાફટ બહાર આવી ગયો. સિડ રાજના હાથમાં મૂકીને મધુ રૂમ તરફ ગયો અને તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કર્યા પછી મધુએ ફરીથી કમરે હાથ મૂક્યો. તે પોટલી શોધતો હતો પણ પોટલી તેની કમરે નહોતી.
મધુની આંખો મોટી થઈ, તેણે જમીન પર નજર કરી. પોટલી જમીન પર પડી હતી અને એમાં રહેલી બધી ભસ્મ ઢોળાઈ ગઈ હતી.
‘સા’બ, ભાગો... નિકલો યહાં સે...’
‘પર...’
‘નિકલો સા’બ...’ મધુ આગળ થયો, ‘આઓ મેરે સાથ...’
સ‌ેસિલ વિલાના ગેટ તરફ આગળ વધતાં મધુની પાછળ રાજે ચાલવાનું શરૂ કર્યું. રાજે ‌સિદ્ધાર્થ તેડ્યો હતો તો કિયારાનો હાથ પણ તેના હાથમાં હતો. કિયારા અતિશય થાકેલી લાગતી હતી, તે મહામુશ્કેલીએ પગ ઉપાડતી હતી તો સિદ્ધાર્થ ઑલમોસ્ટ બેહોશ હતો. સારા અને સના બન્ને રાજની આગળ ચાલતી હતી. 
સેસિલની બહાર મધુએ ઑલરેડી ઘોડાગાડી બોલાવીને રાખી હતી. આખી ફૅમિલી ઘોડાગાડી પર ગોઠવાઈ અને ઘોડાગાડી નીકળી ગઈ. સૌકોઈ હેબતાયેલી અવસ્થામાં હતાં. નસીબજોગે કિયારા પણ સભાનાવસ્થામાં હતી. એકમાત્ર સિદ્ધાર્થ બેહોશ હતો. 
એવું લાગતું હતું કે જાણે શહેનાઝમાંથી સૌકોઈનો છુટકારો થયો પણ એવું નહોતું. શહેનાઝ પોતાની તાકાત વાપરવાની હતી પણ હવે તેને ખબર પડી ગઈ હતી કે કોઈ એવી તાકાત તેને રોકવાનું કામ કરે છે જેને મધુ લાવ્યો છે.
ઘોડાગાડી જેવી સેસિલથી રવાના થઈ કે સેસિલનો દરવાજો બંધ થયો. જો એ સમયે રાજે પાછળ ફરીને જોયું હોત તો તેણે ત્યારે ને ત્યારે જ શપથ લીધા હોત કે લાઇફમાં ક્યારેય માથેરાન આવવું નહીં.
lll
ઘોડાગાડી માથેરાન હૉસ્પિટલે જઈને ઊભી રહી. કિયારા અને સિડને લઈને રાજ ઉતાવળે ચાલે અંદર દાખલ થયો અને ડૉક્ટરે પણ તરત કામ શરૂ કર્યું. કિયારાની ઈજાઓ દેખાતી હતી. કિયારાના હાથ અને માથાના ભાગમાં લાગ્યું હતું. એ ઘાની પાટાપિંડી કરવામાં આવી અને એ પછી ડૉક્ટર સિડ તરફ વળ્યા. જોકે સિડની બેહોશીનું કારણ જાણવું તેમના માટે પણ અઘરું હતું.
બ્લડ-પ્રેશર અને પલ્સ નૉર્મલ હતાં એટલે ડૉક્ટરે રાજ સામે જોયું.
‘સરપ્રાઇઝ છે, એવું કશું નથી કે જેને લીધે એ કૉન્શિયસ ન હોય.’ ડૉક્ટરે ફરી એક વાર સ્ટેથોસ્કોપ કાન પર ચડાવ્યું, ‘કંઈ બન્યું હતું, શૉક લાગે એવું...’
‘હંમ...’
પલ્સ જોયા પછી ડોક્ટરે રાજને સલાહ આપી.
‘આઇ ફીલ, તમે પેશન્ટને લઈને મુંબઈ કે પુણે જાઓ અને ત્યાં એક વાર સી.ટી. સ્કૅન કે જરૂર લાગે તો એમઆરઆઇ કરાવી લો. અહીં આપણી પાસે એટલી સુવિધા નથી અને ઉંમર...’
ડૉક્ટરે સિડના ફેસ સામે જોયું એટલે રાજે જવાબ આપ્યો,
‘ઑલમોસ્ટ સ‌િક્સ ઍન્ડ હાફ...’
‘હંમ... પીડિયાટ્ર‌િશ્યન ઇઝ બેટર ફૉર હિમ.’
‘જી.’ રાજે કિયારાની સામે જોઈ નિર્ણય કરી લીધો, ‘અમે જઈએ છીએ ઇમિડિએટલી.’
‘હા, પણ. જવા માટે અત્યારે...’
કિયારાનો સવાલ વાજબી હતો. રાતના આ સમયે દસ્તુરી સુધી પહોંચવું સહેલું નહોતું પણ મધુએ જવાબદારી પોતાના પર લીધી અને તરત જ વૅનની વ્યવસ્થા કરી.
વૅન આવી એટલે રાજ અને ફેમિલી એમાં ગોઠવાઈ ગયાં.
‘મધુ થૅન્ક્સ અ લૉટ...’
‘સા’બ, જાના જરૂરી હૈ...’ મધુએ હાથ જોડ્યા, ‘આપ નિકલો...’
વૅન રવાના થઈ અને હાથ જોડેલી અવસ્થામાં જ મધુ વૅનને જતી જોઈ રહ્યો.
વૅનમાં સના અને સારા બન્ને હેબતાયેલી અવસ્થામાં બેઠાં હતાં તો સિડ કિયારાના ખોળામાં હતો. કિયારાની આંખોમાંથી આંસુ નીકળતાં હતાં અને રાજ, રાજ માથેરાનના ઘાટને જોતો વિન્ડોની બહાર જોતો હતો.
બે દિવસ પહેલાં માથેરાન આવ્યાં ત્યારે કલ્પના પણ નહોતી કરી કે આવો કોઈ અનુભવ થશે અને અત્યારે, આ રીતે પહેરેલાં કપડે જવા માટે નીકળવું પડ્યું.
કોઈ તો તાકાત છે, કોઈ તો શક્ત‌િ છે જેનો અનુભવ તેણે અને ફૅમિલીએ કર્યો છે.
રાજને સેસિલ વિલા યાદ આવી. મધુ હવે સેસિલ પર જશે. મધુ ત્યાં જશે તો...
શહેનાઝ...
મધુએ કિયારાને શહેનાઝના નામે બોલાવી અને કિયારા અટકી ગઈ.
શહેનાઝ. આ નામ વારંવાર સાંભળવા મળ્યું અને એ પણ દરેક વખતે ‌સેસિલની વાતમાં જ. કોણ છે આ શહેનાઝ, શું કરે છે એ સેસિલમાં?
lll
સેસિલ વિલા ભેંકાર લાગતી હતી. પવનના કારણે સહેજ ઝૂલતા હીંચકાના મિજાગરાનો અવાજ વાતાવરણને ભયાનક બનાવતો હતો તો જે દરવાજો ખુલ્લો મૂકીને રાજ અને મધુ નીકળી ગયા હતા એ સેસિલનો મેઇન ગેટ અંદરથી બંધ હતો.
દૂર રૂમમાંથી કોઈનો હસવાનો અવાજ અને એ અવાજ પછી તરત જ પ્રેમથી ચ‌િલ્લાવાનો અવાજ આવ્યો
‘નો, નાઓ ગો ટુ બેડ... ફાસ્ટ.’ સહેજ અમસ્તી શાંતિ અને એ શાંતિ પછી તરત જ શહેનાઝનો અવાજ ફરી આવ્યો, ‘પરઝાન, મમ્મી વિલ ઍન્ગ્રી ઑન યુ. સ્લીપ નાઓ.’
સહેજ શાંતિ અને એ પછી શહેનાઝનો નર્સરી રાયમ્સ ગાતો અવાજ ફરી આવ્યો. શહેનાઝની રૂમનો દરવાજો સહેજ ખૂલ્યો અને શહેનાઝે દરવાજા તરફ જોયું. દરવાજા તરફ જોયા પછી તેના ચહેરાના હાવભાવ બદલાયા. સૌમ્ય અને ખૂબસૂરત લાગતી શહેનાઝની આંખો અચાનક જ મોટી થઈ અને હોઠની બન્ને ખૂણાના દાંત સહેજ બહાર આવ્યા. શહેનાઝના ચહેરાની સાથોસાથ તેણે પહેરેલાં કપડાંમાં પણ ચેન્જ આવ્યો અને શહેનાઝના હાથના નખ પણ અચાનક જ તરડાઈને મોટા થઈ ગયા.
શહેનાઝે ખુલ્લા દરવાજા તરફ અચાનક જ પંજો માર્યો અને જોરથી જમીન પર કંઈ અફળાયું.
ભફાંગ...
રૂમની ટેરેસની પાળી પર બેઠેલો વાંદરો ઝાટકા સાથે જમીન પર પટકાયો હતો. વાંદરાની ખોપરી તૂટી ગઈ અને રૂમની બહારના ભાગમાં લોહી એકઠું થવા માંડ્યું.
શહેનાઝનો ડાબો ગાલ સહેજ ખેંચાયો અને બીજી જ સેકન્ડે તેણે પાછળ જોયું.
‘પરઝાન, સ્લીપ નાઓ...’
lll
મુંબઈ પર સૂર્યોદયનાં કિરણો પડવાની તૈયારીમાં હતાં. આકાશે ધીમે-ધીમે બ્લૅક કલર છોડીને બ્લુ-ઑરેન્જ કલર ધારણ કરવાનું શરૂ કર્યું હતું. રસ્તાઓ પર ચહલપહલ શરૂ થઈ ગઈ હતી પણ ટ્રાફિક હજી શાંત હતો, એકલદોકલ પસાર થતા વાહનને કારણે આખી રાત રખડપટ્ટી કરનારા ડૉગીઓને ઊંઘમાં ખલેલ પડતી હતી પણ હવે ભસવા એ રાજી ન હોય એ રીતે સહેજ આંખ ખોલી ફરી બંધ કરી દેતાં હતાં.
મુંબઈ હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડની બહાર બેઠેલાં રાજ અને કિયારા પાસે અધિશ અને સોનલ આવી ગયાં હતાં. સોનલ કિયારાની બહેન હતી. રસ્તામાંથી જ રાજે તેને ફોન કરી દીધો હતો. સારા અને સના સોનલ પાસે હતાં તો અધિશ મેડિસિન માટે બહાર ગયો હતો.
સિદ્ધાર્થના કેટલાક રિપોર્ટ થઈ ગયા હતા તો એમઆરઆઇ તેનું હજી હમણાં જ પૂરું થયું હતું. સિદ્ધાર્થને રૂમમાં રાખવામાં આવ્યો હતો. રૂમમાં તેના શરીર પર અનેક વાયરો બાંધવામાં આવ્યા હતા, જે અલગ-અલગ મશીન સાથે જોડાયેલા હોવાને લીધે એ મશીનની સ્ક્રીન પર પણ આંકડાઓ અને ચાર્ટ પોતાનું કામ કરતા હતા તો કેટલાક મ‌શીનમાંથી સતત બીપ-ટોન પણ આવતો હતો.
સિડની રૂમમાં બે ડૉક્ટર અને બે નર્સ હતાં. 
ડૉક્ટર ચાર્ટ તૈયાર કરતા હતા અને નર્સ મશીનોના આંકડાઓ નોંધાવવામાં મદદ કરતી હતી અને અચાનક જ મશીનની સ્ક્રીન વધારે ઍક્ટ‌િવ થઈને વર્તન કરવા માંડી. બીપ-ટોન એકાએક ફાસ્ટ થઈ ગયો તો સ્ક્રીન પર દેખાતા આંકડા અને પલ્સ-ચાર્ટનું વર્તન બદલાઈ ગયું. અમુક આંકડાઓ વધી ગયા તો અમુકમાં ગંજાવર ઘટાડો થયો. પલ્સ-ચાર્ટ પણ અનિયમિત વર્તન દેખાડવા માંડ્યો હતો. અમુક જગ્યાએ એણે ઊંચાઈઓ લેવાની શરૂ કરી દીધી હતી તો અમુક જગ્યાએ પલ્સ-ચાર્ટ ખાઈમાં ઊતરી જતો હોય એવો દેખાતો હતો.
હાજર રહેલો મેડિકલ સ્ટાફ આ જોઈને ગભરાયો.
‘કૉલ ‌ડૉ. માથુર... ફાસ્ટ.’
ઇન્ચાર્જ ડૉક્ટરનો ઑર્ડર આવ્યો એટલે નર્સ ભાગતી બહાર નીકળી અને એ પછી એક પછી એક ઑર્ડરના આધારે સ્ટાફની અવરજવર રૂમમાં વધી ગઈ. એકાએક અવરજવર વધવાના કારણે રૂમની બહાર બેઠેલાં રાજ અને કિયારાનું ટેન્શન શરૂ થયું.
‘વૉટ હૅપન્ડ?’ 
‘નથિંગ.’ રાજે એક નર્સને ઊભી રાખીને પૂછ્યું પણ નર્સ ઊભી રહી નહીં, ‘ડૉક્ટર બતાએંગે આપકો...’
રાજ હેબતાઈ ગયો હતો તો કિયારાની આંખોમાં એકધારાં આંસુ નીકળતાં હતાં. સોનલે કિયારાને સાચવી રાખી હતી. સારા અને સ ના માટે અત્યારનું આ વાતાવરણ વધારે શૉકિંગ હતું. એ બન્નેની આંખ સામેથી હજી પણ રાતનું દૃશ્ય હટતું નહોતું. કિયારાનું ભયાનક રૂપ તે બન્નેએ પણ જોયું હતું. અલબત્ત, એ બન્નેના વર્તનમાં ક્યાંય એ રૂપ આવતું નહોતું પણ અંદરથી તે બન્ને ડરી ગઈ હતી અને અત્યારે એવા જ ડરનો માહોલ રૂમમાં હતો.
દસ મિનિટમાં સિદ્ધાર્થની રૂમમાં બાર ડૉક્ટર એકત્ર‌િત થઈ ગયા હતા. બે ડૉક્ટરોએ રૂમના કર્ટન બંધ કરી દીધા હતા તો નર્સિંગ સ્ટાફે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. રૂમમાં ચાલતાં મશીનોને શાંત પડવામાં બીજી પાંચેક મિનિટ લાગી પણ એમ છતાં ડૉક્ટરોના ચહેરા પરનો તનાવ અકબંધ રહ્યો. દબાયેલા અવાજે સૌકોઈએ ત્યાં હાજર રહેલા ડૉક્ટર પાઠકને રિપોર્ટ આપવાનું અને હાથમાં રહેલું રિપોર્ટ પૅડ દેખાડવાનું શરૂ કર્યું.
બીજી વીસેક મિનિટ પસાર થઈ અને એ પછી ડૉક્ટર પાઠક રૂમની બહાર આવ્યા.
રાજ અને કિયારા રૂમની બહાર જ ઊભાં હતાં.
‘આપ ચેમ્બરમાં આવો પ્લીઝ...’
ડૉક્ટર પાઠક આગળ નીકળી ગયા એટલે રાજ અને કિયારા તેમની પાછળ ચાલવા માંડ્યાં. સોનલે સારા અને સનાને ખેંચીને બાથ ભરી લીધી.
lll
‘તો તમને ખબર નથી કે તેને કંઈ લાગ્યું હતું કે નહીં?’ રાજે મસ્તક હલાવીને ના પાડી એટલે ડૉક્ટર પાઠકે ફરી એક વાર પૂછ્યું, ‘યાદ કરી લો તમે, તમને નથી ખબરને?’
 ‘હા, નથી ખબર મને પણ...  પ્લીઝ ડૉક્ટર.’ રાજના અવાજમાં લાચારી હતી, ‘પ્લીઝ, થયું છે શું એ 
 તો કંઈ કહો...’
‘હંમ... શું કહું મ‌િસ્ટર રાજ હું તમને?’ પાઠકની નજર લાઇટ-બોર્ડ પર રાખવામાં આવેલા સ્કૅન રિપોર્ટ પર હતી, ‘ઇટ્સ અ કન્ફ્યુઝિંગ સિચુએશન. કોઈ એવા સ્પેસિફિક સિમ્પટમ્સ પણ નથી કે જેના આધારે ક્લિઅર ડાયગ્નૉસ થઈ શકે કે નથી ઇન્ડ‌િકેશન કે જેના આધારે કહી શકાય કે તમારા સનની આ કોમેટિક સ્ટેટ કેમ આવી છે?’
કોમેટિક સ્ટેટ.
કોમા.
કિયારાની આંખોમાંથી આંસુ નીકળવાં શરૂ થઈ ગયાં.

વધુ આવતા શનિવારે

columnists soham