શનિવાર night (પ્રકરણ 30)

16 October, 2021 08:40 AM IST  |  Mumbai | Soham

‘ઠીક હૈ.’ રાજે ત્યારે જ બે હજારની નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી, ‘બચ્ચોં કો મઝા આના ચાહિએ, આઓ...’

શનિવાર night (પ્રકરણ 30)

‘તેની જ છે પ્રૉપર્ટી આ...’ 
કિયારાનો અવાજ ભારે હતો, અવાજ બદલાઈ ગયો હોય એવું પણ સ્પષ્ટ લાગતું હતું.
‘આ મારું ઘર છે, પહેલેથી...’ કિયારાએ ઘર તરફ નજર કરી, ‘ને મારું જ રહેશે, કાયમ.’
રાજના હૈયાના ધબકારા વધી ગયા. આ કિયારા નહોતી. કિયારા આમ બોલે નહીં, કિયારા આમ વર્તે પણ નહીં. તેમ્બેને પણ એવું જ લાગતું હતું કે કંઈક અજુગતું બની રહ્યું છે અને એટલે જ ચાની ચૂસકી લેતાં-લતાં તે અલર્ટ થઈ ગયો હતો.
‘નૅચરલી, તમારું જ રહે આ ઘર. શું કામ બીજા કોઈનું બને એ.’ 
તેમ્બેએ રાજ સામે જોયું, ‘મૅડમને ઘર બહુ ગમે છે.’
તોડકરે ચાનો કપ ખાલી કરીને ટેબલ પર મૂક્યો.
‘કેટલો સમય રોકવાની ગણતરી છે?’
‘હંમેશાં.’
તોડકરે પૂછ્યું હતું રાજને પણ જવાબ કિયારાએ આપ્યો. કિયારાના જવાબથી હવે રાજ સમજી ગયો હતો કે નક્કી કશુંક બન્યું છે એવું કે કિયારા આ રીતે સાવ વિપરીત જવાબ આપી રહી છે. આ જ કિયારા હજી થોડા કલાકો પહેલાં આ પ્રિમાઇસિસ તાત્કાલિક છોડવાનું કહેતી હતી અને હવે એ જ અહીં, કાયમ માટે રહેવાનું બોલતી હતી. 
ઇમ્પૉસિબલ. અસંભવ.
પણ આ શું, અચાનક કિયારાના શબ્દો ચેન્જ થયા અને ટોન પણ બદલાયો.
‘મારું ડ્રીમ હતું કે એક આવું 
વેકેશન હોમ હોય. હંમેશાં, હંમેશાંથી આ મારું ડ્રીમ હતું અને ફાઇનલી એ અમને મળ્યું.’
તોડકર ચૅર પરથી ઊભો થયો અને ઘરની સામે આવીને ઊભો રહ્યો. જોકે તેણે વાત કિયારા સાથે ચાલુ રાખી હતી.
‘સુરેશ... ઘોડાવાળો પેલો સુરેશ. બિચારાનું મોત થઈ ગયું. એની પહેલાં અબ્દુલ, એની પહેલાં મનીષ, પેલો સ્ટૉકબ્રોકર... બહુ ખરાબ. કંઈ 
સમજાતું નથી શું ચાલે છે માથેરાનમાં. રાઇટ તેમ્બે?’
તેમ્બે પણ આ જ સવાલની રાહ જોતો હતો. તેણે તરત જવાબ આપ્યો.
‘જી સર, આ બધાના ડેથ વચ્ચે કોઈ લિન્ક પણ નથી કે આપણે શોધી શકીએ.’ 
કિયારાએ દબાયેલા અવાજે કહ્યું,
‘છે લિન્ક. છે બધા વચ્ચે લિન્ક.’ તોડકરે ઝાટકા સાથે કિયારા સામે જોયું, ‘કોઈ તો લિન્ક હશે‍ જે આંખ સામે છે પણ દેખાતી નથી. એ કહે છે, લિન્ક આપે છે પણ સંભળાતું નથી અને કાંઈ સમજાતું નથી. છે તો ખરી 
કોઈ લિન્ક...’
‘સિડ બોલાવે...’ 
સારાની રાડે કિયારાને બોલતી બંધ કરી. કિયારાએ સારા સામે જોયું અને હાથથી ઇશારો કરી તોડકર સામે જોયું.
‘એક્સક્યુઝ મી, મારા સનની 
હેલ્થ જરા...’ કિયારાનો અવાજ હવે નૉર્મલ હતો, ‘અગર જો તમને વાંધો ન હોય તો.’
તોડકરે તરત જ કિયારાને 
પરમિશન આપી.
‘શ્યૉર, પ્લીઝ બચ્ચુ પહેલાં. 
આ બધું તો ચાલતું રહેશે આપણે.’ તોડકરે હાથથી કિયારાને જવાનો ઇશારો કર્યો, ‘આપણે મળીશુંને પછી, પ્લીઝ જાઓ તમે...’
કિયારા ઊભી થઈ કે તરત જ તોડકર રાજ તરફ ફર્યો.
‘અમે પણ નીકળીએ અત્યારે. થૅન્ક્સ ફૉર ટી.’
‘અવર પ્લેઝર સર...’
‘જરૂર પડશે તો ફરી હેરાન કરવા આવી જઈશું તમને.’
‘અરે જરા પણ નહીં, એમાં હેરાનગતિ શાની?’ રાજે સેસિલના મેઇન ગેટ તરફ પગ ઉપાડ્યા, ‘તમારો હક ને અમારી ફરજ છે.’
‘હંમ...’ ગેટ પર તોડકર એક સેકન્ડ માટે ઊભો રહ્યો, ‘રાજસા’બ, આપ કી બીવી કી તબિયત. ઠીક હૈના?’
‘ઍક્ચ્યુઅલી, એક-બે દિવસથી થાકી છે. રાધર કહો કે કંટાળી છે. નવી જગ્યા અને નો મોબાઇલ નેટવર્ક સો...’
‘રિયલી, નેટવર્કનો બહુ પ્રૉબ્લેમ છે અહીં...’ તેમ્બેએ વાત પકડી, ‘હવે તો મોબાઇલ ઇમ્પોર્ટન્ટ છે, એમાં નેટવર્ક ન હોય તો કેમ ચાલે.’
‘રાઇટ...’ રાજને થોડી નિરાંત થઈ, ‘આમ પણ હવે એકાદ દિવસની વાત છે. શી વિલ બી ફાઇન ધેન...’
તોડકરે હાથ લંબાવ્યો એટલે રાજે પણ હૅન્ડ શેક માટે હાથ લંબાવ્યો. એ પછી રાજે તેમ્બે તરફ હાથ લંબાવ્યો પણ તેમ્બેએ હાથ આપવાને બદલે સેલ્ફીની ડિમાન્ડ કરી.
‘સેસિલ વિલાના બોર્ડ સાથે, એક સેલ્ફી. મૈં, આપ ઔર સેસિલ....’
રાજ તૈયાર થયો અને સેલ્ફી માટે તેણે પરાણે સ્માઇલ કર્યું. તેનું ધ્યાન અંદર હતું, તેના મસ્તક પર કિયારાએ કબજો લીધો હતો. તે સમજી ગયો હતો કે હમણાં જે મળી, જેણે વાતો કરી તે કિયારા નહોતી. 
જો એ કિયારા નહોતી તો કોણ હતું એ?
તેમ્બેએ સેલ્ફી લીધો અને તોડકર સાથે તે રવાના થયો એટલે રાજ પણ અવળો ફરીને સેસિલની અંદર આવ્યો, પણ જેવો તેણે અંદર પગ મૂક્યો કે 
તરત તેના કાને ફ્લુટનો કર્ણપ્રિય અવાજ આવ્યો. રાજનું ધ્યાન ફ્લુટની દિશામાં ખેંચાયું.
લોકલ મૅજિશ્યન અને પપેટ-શો કરતો એક માણસ ફ્લુટ વગાડતો આગળ વધતો હતો. માથેરાનમાં આ પ્રકારના આર્ટિસ્ટ બહુ ફરતા હોય છે જે દરરોજ અલગ-અલગ રિસોર્ટ અને હોટેલમાં જઈને ટૂરિસ્ટનું મનોરંજન કરે.
બચ્ચાંઓને મજા આવશે.
પેલાને જોઈને રાજના મનમાં વિચાર ઝબકી ગયો અને તેણે પેલાને પાસે બોલાવ્યો.
‘ક્યા લેતો હો શો કા?’
‘સા’બ, જો મન ચાહે વો દેના.’ કલાકારે દિલ ખોલ્યું, ‘કોવિડ કે કારન તો વૈસે ભી કોઈ નહીં મિલતા.’
‘ઠીક હૈ.’ રાજે ત્યારે જ બે 
હજારની નોટ કાઢીને તેના હાથમાં 
મૂકી દીધી, ‘બચ્ચોં કો મઝા આના ચાહિએ, આઓ...’
આર્ટિસ્ટ ફ્લુટ વગાડતો સેસિલમાં એન્ટર થયો. ફ્લુટનો અવાજ જેવો નજીક આવવા માંડ્યો કે અંદર વિલામાં રહેલાં બચ્ચાંઓ પણ જોવા માટે બહારની તરફ દોડ્યાં. પપ્પાને આર્ટિસ્ટની સાથે જોતાં સિડ, સના અને સારા પણ ખુશ થઈ ગયાં. સિડની પાછળ બહાર આવેલી કિયારા પણ ખુશ થઈ કે આ બહાને છોકરાઓની દોડાદોડી ઓછી થશે અને એ બધાં એક જગ્યાએ બેસી રહેશે.
આર્ટિસ્ટે વિલાના વરન્ડામાં જ એક જગ્યા પર બધાંને બેસાડ્યાં એટલે કિયારા પણ તેમની સાથે જૉઇન થઈ અને બચ્ચાંઓ પાસે બેસી ગઈ. આર્ટિસ્ટે કિયારાને નમસ્તે કર્યા.
‘તો બીવીજી, અબ હમ પહલે બચ્ચોં કો મૅજિક દિખાએંગે ઔર બાદ મેં પપેટ-શો.’ મૅજિશ્યને બચ્ચાંઓની સામે જોઈને પૂછ્યું, ‘ઠીક હૈ બચ્ચોં...’
‘યસ...’
બધાએ જોરથી રાડ પાડીને અનુમતિ આપી એટલે આર્ટિસ્ટ પોતાના કામ પર લાગ્યો અને જૂના સમયમાં જોવા મળતા એવા ઘરઘરાઉ જાદુના ખેલ શરૂ કર્યા. જોકે બચ્ચાંઓએ અગાઉ આટલા બેઝિક લેવલના મૅજિક શો જોયા નહોતા એટલે તેમને તો મજા આવતી જ હતી. સિડને ખોળામાં લઈને બેઠેલો રાજ પણ જાણે કે આ જાદુ એન્જૉય કરતો હોય એવા રીઍક્શન આપતો હતો અને બચ્ચાંઓ સાથે ચિચિયારીઓ પાડતો હતો.
‘યે તો કુછ નહીં હૈ બચ્ચા-પાર્ટી, અબ હમ દેખેંગે, પપેટ ધ ફાઇટ શો.’
મૅજિશ્યને પપેટ-શો શરૂ કર્યો અને એક પછી એક પપેટને લાવવાનું શરૂ કર્યું. પપેટની સાથે તેની સ્ટોરી પણ ચાલુ હતી અને બધાનું ધ્યાન એ સ્ટોરી પર હતું, પણ કિયારા ધીમે-ધીમે કોઈ અલગ દુનિયામાં દાખલ થઈ રહી હતી.
તેની આંખો સામે રહેલી પપેટને કોઈ જુદા જ ફેસ મળવા માંડ્યા હતા.
એક પપેટનો ફેસ શહનાઝ જેવો હતો અને એક પપેટ, એક પપેટ મરીન ડ્રેસમાં ફાઇટ કરતો હતો. ચાલુ ફાઇટ પર શહનાઝ એક કૉર્નરમાં ઊભી હતી અને અચાનક મરીન ડ્રેસ પહેરેલો પપેટ પાછળ ફરી શહનાઝ તરફ આગળ વધ્યો. શહનાઝે એ જ પોલકા ડૉટનું શર્ટ અને પિન્ક સ્કર્ટ પહેર્યાં હતાં જે કિયારાને અગાઉ સ્ટોરરૂમમાંથી મળ્યાં હતાં અને તેણે એ પહેર્યાં હતાં. 
પપેટ-શો આગળ વધતો જતો હતો એમ-એમ કિયારાના ચહેરા પર પરસેવાની બુંદો બાઝવા માંડી હતી, ચહેરા પર તનાવ પણ આવી ગયો હતો અને આંખમાં રતાશ પ્રસરી ગઈ હતી. એક તબક્કે પપેટ-શોમાં શહનાઝે અચાનક જ મરીન યુનિફૉર્મ પહેરેલા પપેટને છરી મારી દીધી અને એ પપેટ જમીન પર પડ્યું.
રાજથી માંડી બચ્ચાંઓ સહિત સૌ કોઈ તાલી પાડવા માંડ્યા પણ કિયારાની આંખો ફાટેલી હતી. એ હજી પણ પપેટ-શોના કર્ટનને તાક્યા કરતી હતી.
‘કિયારા, એ કિયારા...’ રાજે કિયારાનો ખભો હચમચાવી નાખ્યો, ‘એય સાંભળ...’ 
કિયારા ટ્રાન્સમાંથી બહાર આવી. સામે ઊભેલા આર્ટિસ્ટના હાથમાં હૅટ હતી અને એ હૅટ તેણે કિયારા સામે ઊંધી કરીને ધરી રાખી હતી.
‘પૈસા, ઇનામ માગે છે...’
‘હંમ... હા...’
મુઠીમાં રહેલી પાંચસોની નોટ કિયારાએ હૅટમાં મૂકી દીધી. 
આર્ટિસ્ટે જવાની તૈયારીઓ ક્યારની કરી લીધી હતી, તેનો સામાન પણ પૅક થઈ ગયો હતો. તેણે રાજ સામે હાથ ઊંચો કર્યો. રાજનું ધ્યાન ગયું, આર્ટિસ્ટની આંખમાં આંસુ હતાં. રાજને નવાઈ લાગી.
‘એ હેલો, ઓછા લાગ્યા પૈસા?’
‘અરે ના સા’બ... ઐસા નહીં હૈ.’ આર્ટિસ્ટે સેસિલ ફરતે નજર કરી, ‘બહુ વખતે અંદર આવ્યો, અહીં... શહનાઝ મૅડમ યાદ આવી ગયાં.’
આર્ટિસ્ટે કિયારાની સામે જોયું.
‘બિલકુલ તમારા જેવાં જ લાગતાં શહનાઝ મૅડમ...’
સિડને સુસુ લાગી હતી. તેણે મમ્મીને બોલાવી. સિડના અવાજથી આર્ટિસ્ટનું ધ્યાન એ તરફ ગયું. તેણે સિદ્ધાર્થના ગાલ પર વહાલ કર્યું.
‘પરઝાનબાબા... આ જ એજના હોત અત્યારે...’
મૅજિશ્યને કિયારાની સામે હાથ જોડ્યા અને જવા માટે અવળો ફર્યો કે તરત જ તેની પીઠ પર કિયારાનો અવાજ અથડાયો,
‘ત્રણ વર્ષ, ત્રણ વર્ષ થઈ ગયાં અશોક.’
રાજના શરીરમાં કરન્ટ પસાર થઈ ગયો અને આર્ટિસ્ટ જ્યાં હતો ત્યાં જ તેના પગ ખોડાઈ ગયા.
તે ધીમે રહીને ફર્યો અને કિયારાની સામે જોયું. 
અશોકના ચહેરા પર તાજ્જુબ હતું. 
પહેલી વાર મળેલી લેડીને તેના નામની ખબર કેવી રીતે?
lll
માથેરાન હૉસ્પિટલમાં કોઈ દાખલ થયું અને લોકોનાં ટોળાં વચ્ચેથી જગ્યા કરતાં એ આગળ વધવા માંડ્યું. લોકોને એના સ્પર્શનો અહેસાસ થતો હતો પણ કોઈ દેખાતું નહોતું એટલે ફરીથી પોતાના કામ પર લાગી જતા હતા. અંદર દાખલ થનારી વ્યક્તિ સીધી આગળ વધતાં પોસ્ટમૉર્ટમ રૂમ સુધી પહોંચી.
‘રિપોર્ટ તો સેમ હી હૈ...’ અંદરથી ડૉક્ટર બહાર નીકળ્યા, ‘ડૂબવાથી જ મોત થયું છે. ફેફસાંમાં પાણી ભરાયું છે પણ હા, તેના માથા પર વજન આવ્યું હોય એમ સુરેશની ખોપરીમાં ક્રૅક છે...’
ડૉક્ટરના શબ્દો સાંભળીને તેમ્બે અને તોડકરને નવાઈ લાગી અને એ જ સમયે તેમની બાજુમાંથી કોઈ ઝડપથી પસાર થયું હોય એવો તેમને ભાસ પણ થયો પણ ડૉક્ટર પોસ્ટમૉર્ટમ રિપોર્ટ તેમને આપતા હોવાથી બાજુમાંથી કોણ ગયું એના પર ધ્યાન આપવાને બદલે બન્ને ડૉક્ટર સાથે વાતો પર લાગ્યા અને જે વ્યક્તિને ઉતાવળ હતી એ આગળ વધીને પોસ્ટમૉર્ટમ રૂમમાં દાખલ થઈ ગઈ.
હૉસ્પિટલના જ બીજા ખૂણામાં બિલ ચૂકવવાની પ્રોસેસમાં ઝોયા અને અમર લાગેલાં હતાં તો રૂમમાં રહેલી પ્રિયાની બાજુમાં બેઠેલો જિમી ઊભો થઈને વૉશરૂમમાં ગયો. પ્રિયા હવે સ્વસ્થ હતી. વીકનેસ હતી પણ હૉસ્પિટલમાં તેણે રહેવાની જરૂર નહોતી એટલે ડિસ્ચાર્જ સાથે એ લોકો નીકળવાની તૈયારીમાં હતા. બેડ પર બેઠેલી પ્રિયાનું ધ્યાન પોતાના મોબાઇલ પર હતું અને એ જ સમયે ધક્કા સાથે દરવાજો ખૂલ્યો.
ધાડ...
પ્રિયાની આંખો દરવાજા પર ચોંટી ગઈ.

વધુ આવતા શનિવારે

columnists soham