શનિવાર night (ધારાવાહિક નવલકથા, પ્રકરણ – ૮)

08 May, 2021 08:14 AM IST  |  Mumbai | Soham

પેગ બનાવતાં-બનાવતાં સુરેશે પણ તેના બેસૂરા અવાજ સાથે ગીત ઉપાડ્યું

શનિવાર night

‘સા’બ, રખ દિયા સબ...’

રાજે વિલાના દરવાજા તરફ જોયું. દરવાજે ખાદિમ હતો, તેની પાછળ બીજા મજૂરો પણ ઊભા હતા.

ખાદિમ અને મજૂરો સામાન લઈને વહેલા પહોંચી પહોંચી ગયા હતા. સામાન ઘરમાં મુકાઈ ગયો હતો અને એ લોકો રવાના થતા હતા.

‘ઔર કુછ કામ હો તો બતાના...’

‘શ્યૉર...’

ખાદિમે સલામ કરવાના ભાવથી હાથ સહેજ ઉપર લીધો અને બધા રવાના થયા. સામાન પહોંચી ગયો હતો એટલે રાજને મનમાં હાશકારો થયો હતો. આ હાશકારો ઘરની અંદરની હિલચાલનો જવાબ હતો. સગવડતા ભરેલો જવાબ હંમેશાં માણસને ખોટી દિશામાં ધકેલે છે. એવું જ થયું હતું અત્યારે. ઘરની અંદરની હિલચાલનો જવાબ મળ્યો એવું ધારીને રાજ ખુશ થયો હતો, પણ તે ભૂલી ગયો હતો કે તેની ગેરહાજરીમાં ઘરે પહોંચેલા આ મજૂરો માટે ઘર ખોલવાનું કામ કોણે કર્યું હશે?

જો રાજે વધારે ધ્યાન આપ્યું હોત તો ચોક્કસ તેને જવાબ મળ્યો હોત, પણ થાકેલો માણસ અને માલિકને જોઈને ખુશ થયેલો ડૉગી બન્ને સરખા. ક્યાંય પૂરતું ધ્યાન આપે નહીં. અત્યારે એવું જ થયું હતું.

રાજને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ નહોતો. તે પોતે પણ થાક્યો હતો. પહેલાં તેને ફ્રેશ થવું હતું અને પછી જમવું હતું. કકડીને ભૂખ લાગી હતી.

રાજે ગૂગલ સામે જોયું. ગૂગલ ફરીથી પાણી પીવા માંડ્યું હતું.

રાજે નજર ફેરવી અને નજર ફેરવતાની સાથે જ તે હેબતાઈ ગયો.

તેની બરાબર સામે એક માણસ ઊભો હતો.

કોલસાને પણ સફેદ કહેવો પડે એવી ડાર્ક સ્કિન, હાઇટ પાંચ ફુટ અને કોકેનના કારણે આંખોમાં કાયમ માટે અંજાઈ ગયેલો લાલ રંગ. ૮૦ના દસકામાં રામસે બ્રધર્સની ફિલ્મોમાં જોવા મળતો બંગલાનો કૅરટેકર જાણે કે સ્ક્રીનમાંથી બહાર નીકળીને સામે ઊભો રહી ગયો હોય.

રાજ એક સ્ટેપ પાછળ આવી ગયો. ચૂકી ગયેલા ધબકારાની રિધમ ફરીથી સેટ થાય એ માટે તેણે એકાદ-બે ક્ષણ જવા દેવી પડી. એ શખસ સતત રાજને ઘૂર્યા કરતો હતો. રાજે મહામુશ્કેલીએ જાતને શાંત કરી. જાત શાંત થઈ એટલે રાજને મધુ યાદ આવ્યો.

‘મમમ...ધ...ધુઉઉઉ...’

આ મધુ હતો. વિલાની સંભાળ મધુ રાખતો. અહીં જ તે ફૂડ બનાવતો અને વિલાનું ક્લીનિંગ પણ એ જ કરતો.

‘મમમ... ધ...ધુઉઉઉ...’

કોઈ જાતના રીઍક્શન વિના જ મધુએ કહ્યું,

‘બધું સાફ થઈ ગયું છે...’

‘શિવાજી ક્યાં છે...’

‘પમ્પ રિપેર કરાવવા કર્જત ગયો. હું, હું જાઉં છું. તે આવે એના પહેલાં...’

‘કોણ આવશે?’ રાજને નવાઈ લાગી, ‘શિવાજી?’

મધુએ ના પાડી, તેના હોઠ સહેજ ફફડ્યા.

‘ના, પેલી...’

કોણ પેલી, આ શું બકે છે?

રાજના ચહેરા પર આશ્ચર્ય આવ્યું. તે કંઈ વધારે પૂછે કે મધુ કંઈ વધારે ચોખવટ કરે એ પહેલાં તો કિયારાની બૂમ સંભળાઈ,

‘રાજ...’

રાડ પાડતી કિયારા બહાર આવી અને તેની પાછળ બાળકો પણ બહાર આવ્યાં.

મધુએ પાછળ ફરીને કિયારા સામે જોયું. કિયારા અને બચ્ચાંઓના ફેસ પર એક્સાઇટમેન્ટ હતું. મધુના હોઠ સહેજ ડાબી બાજુએ ખેંચાયા અને પછી તેણે પગ ઉપાડ્યા. રાજે જોયું મધુની ચાલમાં ઉતાવળ હતી.

રાજે નજર ફેરવી. જો રાજે મધુને થોડી વધારે વાર જોયો હોત તો તેને નવાઈ લાગી હોત કે ઉઘાડા પગે આ માણસ કાંટા પરથી ચાલતો કેવી રીતે જાય છે, પણ રાજ માટે અત્યારે મહત્ત્વનાં કિયારા અને બચ્ચાંઓ હતાં અને બધાંના ચહેરા પર ગજબનાક ખુશી હતી. જોકે આ ખુશી વચ્ચે માથેરાનનું જંગલ શાંત પડવા માંડ્યું હતું. માથેરાનની શાંતિ સાથે જાણે કે દુશ્મની હોય એમ તમરાઓએ દેકારો પણ મચાવવાનું શરૂ કરી દીધું હતું.

સેસિલ વિલાના બોર્ડ પર રહેલી લાઇટ સુધી પાવર પૂરતો પહોંચતો ન હોવાને કારણે લબૂકઝબૂક થતી લાઇટ સેસિલને હતી એનાથી વધારે ભયાનક દેખાડવાનું કામ કરતી હતી.

lll

‘ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના...’

પેગ બનાવતાં-બનાવતાં સુરેશે પણ તેના બેસૂરા અવાજ સાથે ગીત ઉપાડ્યું.

‘યે ઘાટ તુ યે બાટ, કહીં ભૂલ

ન જાના...’

ગીતની સાથે તેણે મ્યુઝિક પણ લલકારવાનું શરૂ કર્યું...

ટેં ટેં ટેંટેટેં...

રાજબાબાને સેસિલ પર મૂકીને આવ્યા પછી સુરેશનો મૂડ બદલાઈ ગયો હતો. આજે ઘણા વખતે તેને બોણી થઈ અને બોણી પણ તગડી. ગજવામાં અત્યારે બે હજારની પિન્ક પત્તી આવી ગઈ હતી અને સવારે પણ આવી જ બીજી એક પત્તી આવવાની હતી.

સેસિલ વિલાથી પાછા આવતી વખતે સુરેશે રસ્તામાંથી જ દારૂની બાટલી લઈ લીધી હતી. ઘરે આવી ઘોડાઓને બાંધી દીધા પછી સુરેશે બાટલી ખોલીને પીવાનું શરૂ કર્યું. બહાર પ્રસરેલા અંધકાર અને ઘરમાં રહેલા ઑરેન્જ રંગના બલ્બનો સમન્વય કંઈક વિચિત્ર જ વાતાવરણ ઊભું કરતા હતા.

‘ઓ જાને વાલે હો સકે તો

લૌટ કે આના...’

સુરેશે ફરીથી જોરથી લલકાર્યું એટલે સુમને ગુસ્સાવાળી નજરે તેની સામે જોયું. સુરેશે તેની તરફ ધ્યાન પણ આપ્યું નહીં એટલે સુમનનો ગુસ્સો વધારે ભડક્યો. વઘારમાં બે મરચાં વધારે મૂકીને તેણે ઉપર મરચાનો પાઉડર છાંટ્યો. વઘારમાં આવેલો છમકારો છેક બહાર રસ્તા સુધી સંભળાયો, પણ સુરેશે ધ્યાન પણ આપ્યું નહીં.

ઘરે આવ્યા પછી સુરેશ મોઢામાંથી એક પર શબ્દ બોલ્યો નહોતો. શું આવક થઈ અને રાજે શું આપ્યું એના વિશે પણ તેણે વાત કરી નહોતી અને સુમનને એ જ વાત અત્યારે ખટકતી હતી.

‘મૂકી આવ્યો તારા સગલાને?’

સુરેશે સાંભળ્યું, પણ જાણે ન સાંભળ્યું હોય એ રીતે તેણે પીવાનું

ચાલુ રાખ્યું.

સુમન હવે વરસી પડી,

‘તને પૂછું છું, મૂકી આવ્યો એ લોકોને?’

નાછૂટકે સુરેશે ધ્યાન આપવું પડ્યું.

તે ઊભો થયો અને સુમન પાસે આવ્યો.

‘ના, બહાર ઊભા છે, લઈ આવું અંદર?’

જવાબ આપીને પોતે જ ખડખડાટ હસી પડ્યો, પણ સુમનના ચહેરા પર કોઈ રીઍક્શન નહોતાં એટલે સુરેશ ચૂપ થઈ ગયો.

‘આપ્યું કે પછી વળાવી દીધા

ખાલી હાથે?’

‘અરે સુમન, બાબાને વર્ષોથી ઓળખું છું. મૂકને એ બધું.’

ખિસ્સામાં રહેલા પૈસા રાતે સૂતાં પહેલાં સગેવગે કરવા પડશે એવા વિચારો સુરેશના મનમાં શરૂ થઈ ગયા. જો પૈસા આપી દેશે તો કાલે દારૂ લેવા માટે ફરીથી બૈરીને હાથપગ જોડવા પડશે એવું ધારીને સુરેશે મનોમન નક્કી કરી લીધું હતું કે રાજબાબાનો એક પણ પૈસો સુમનને આપવો નથી.

‘તું જો, માગીશું એના કરતાં વધારે આપશે, ખુશ થઈને.’ સુરેશ ફરી ટિપાઈ પર પડેલા ગ્લાસ પાસે આવ્યો, ‘મચ-મચ નહીં કર વધારે... પૈસા-પૈસા...’

‘હા, એ તો હું જ કરું છુંને ઘરમાં...’ સુમનનો બળાપો ખોટો નહોતો, ‘પહેલાં ઘરમાં દારૂ આવે, પછી આ ઘોડાનાં પેટ ભરાય... પછી કંઈ વધે તો અમારો વારો આવે. જોજે, એક દિવસ આમ જ મરી જઈશું, તું પીતાં-પીતાં ને હું, આ રસોઈ બનાવતાં-બનાવતાં...’

‘ચૂપ રહે હવે...’ સુરેશ ચિડાયો, ‘લોહી પીવાને બદલે ખાવાનું

બનાવ ચૂપચાપ...’

‘હા, મારે તો એ જ કરવાનું છેને?!’

સુમને જોરથી વેલણ પછાડીને પરોઠાં વણવાનું શરૂ કર્યું. જોકે તેના મનમાંથી હજી પણ પૈસા અને રાજના વિચારો જતા નહોતા.

‘ક્યાં ઉતાર્યા એ લોકોને, ઉષામાં કે પછી મરાઠામાં.’ સુરેશ જવાબ આપે એ પહેલાં જ સુમને તેનું કમિશન પણ યાદ કરાવી દીધું, ‘હોટેલવાળા પાસેથી લીધા પૈસા કે એમાંયે જય સિયારામ...’

‘નહીં લિયા...’

સુમને ઝાટકા સાથે સુરેશ સામે જોયું. અનાયાસ એ જ સમયે સુરેશ પણ સુમન તરફ જ જોતો હતો એટલે બન્નેની નજર મળી. સુમનની આંખમાં રહેલો આકરો તાપ જોઈને સુરેશે સામેથી ચોખવટ કરી દીધી,

‘એ લોકોનું નક્કી હતું... સેસિલમાં...’

‘સેસિલ?!’

સુમનના હાથમાંથી વેલણ છૂટી ગયું. તેનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો અને આંખોમાં સફેદી પ્રસરી ગઈ હતી. સુરેશ તેની સામે જોઈ રહ્યો. સુરેશની આંખોમાં રતાશ પ્રસરી ગઈ હતી. સુરેશ સમજી ગયો હતો કે હવે સુમનનું રીઍક્શન શું આવવાનું છે.

lll

દસ્તૂરી નાકા.

માથેરાન એન્ટ્રી-ઑફિસની દીવાલ પરની ઘડિયાળમાં રાતે ૧૧ વાગીને ૪૦નો સમય દેખાડે છે. વાતાવરણ શાંત છે અને અંધકાર ચારે તરફ પ્રસરી ગયો છે. આ અંધકારને ચીરતી એક ઇનોવા કાર આવીને સીધી ઑફિસ પાસે ઊભી રહે છે. સામાન્ય રીતે આ સમયે માથેરાન કોઈ આવતું નથી, પણ આજે, અત્યારે, આ સમયે...

કમરેથી લગભગ વળી ગયેલો પાટીલ સહેજ કડક થયો અને તેણે વિન્ડોમાંથી બહાર નજર કરી. વાઇટ ગાડી પર રહેલા બ્લુ પટ્ટા અને એના પર રહેલી સિમ્બૉલ જોઈને પાટીલ સમજી ગયો કે આ પોલીસની ગાડી છે. પાટીલ ઊભો થઈને બહાર જાય એ પહેલાં તો ઇન્સ્પેક્ટર તોડકર અને તેનો અસિસ્ટન્ટ તેમ્બે અંદર આવ્યા.

ઉંમર અને હોદ્દાથી જુનિયર લાગતો તેમ્બે આગળ આવ્યો,

‘ઇન્સ્પેક્ટર તોડકર... અને હું, તેમ્બે. સબ-ઇન્સ્પેક્ટર તેમ્બે.’

સુપરવાઇઝર પાટીલ તરત જ ઊભો થઈ ગયો.

‘જી...’

‘મનીષ શાહનો ઍક્સિડન્ટ થયો... બહુ થાય છે ઍક્સિડન્ટ, મોત ને બધું બહુ વધી ગયું છે તમારે ત્યાં...’

‘હા સાહેબ, પણ એમાં તો

આપણે શું...’

‘આપણે નહીં અમે, અમે... ઇન્વેસ્ટિગેશન અને સુપરવિઝન માટે અમને મોકલ્યા છે. કરવું પડશે આવ્યા છીએ તો...’

‘શ્યૉર સાહેબ, બેસોને...’

પાટીલે પટાવાળાને કહ્યું, ‘એય પાણી લઈ આવ.’

‘મિનરલ...’ તેમ્બેએ પાટીલ સામે જોઈને કહ્યું, ‘સાહેબ, બહારનું પાણી નથી પીતા...’

‘જી...’ પાટીલે ફરીથી પટાવાળા સામે જોયું, ‘મિનરલ અને ચિલ્ડ...’

‘રહેવા માટે બંદોબસ્ત...’

ઇન્સ્પેક્ટર તોડકર પહેલી વાર બોલ્યા, તેમ્બેની સામે જોઈને.

‘હંઅઅઅ હા...’ ચાર્જ ફરી વખત તેમ્બેએ સંભાળી લીધો. પાટીલ સામે જોઈને તેણે કહ્યું, ‘જરા પ્રૉપર હોટેલમાં... શું છે સાહેબને, ડસ્ટની ઍલર્જી છે... ને આમ તો ઠંડક છે, પણ તોયે એસી-બેસી મોટું હોય

એવી હોટેલ...’

‘ફિકર નોટ સા’બ... થઈ જશે. મસ્ત, એકદમ મસ્ત.’ પાટીલે સહેજ આંખ નચાવીને જમણા હાથની પહેલી આંગળી નાક પર મૂકીને દબાયેલા અવાજે પૂછી લીધું, ‘અગર કહો તો...’

તોડકરે ખોંખારો ખાધો એટલે તેમ્બે પાટીલની નજીક આવ્યો,

‘અભી કુછ નહીં... જરૂર હશે તો કહી દઈશ...’

lll

ટન... ટન... ટન...

ટાવર ક્લૉકમાં ૧૨ બેલ પૂરા થયા અને સેસિલ વિલામાં ફરીથી શાંતિ પ્રસરી ગઈ. જોકે પ્રસરેલી આ શાંતિ તોફાન પહેલાંની શાંતિ હતી.

હવાની લહેર આવી અને એ

લહેર સાથે સેસિલનો મેઇન ગેટ અંદરની તરફ ખેંચાયો.

ખટાક...

જાણે કે બીજા ગેટ પર મૅગ્નેટ ચોંટાડ્યું હોય એમ ખુલ્લો દરવાજો સીધો એ બીજા દરવાજા સાથે ચોંટી ગયો. બંધ થયેલા દરવાજાની સામે ઝાડીમાંથી કોઈક જોતું હતું. જોતી એ આંખોમાં પીડા હતી, પણ તેના ચહેરા પર સ્માઇલ હતું. ફાટી ગયેલા હોઠ ખેંચાતા ત્યારે એમાંથી નીતરતા લોહીનું ટીપું જમીન પર પડ્યું અને સેસિલની અંદર બેઠેલું ગૂગલ ઊભું થઈને ગોળ-ગોળ ફરવા માંડ્યું.

એકધારું, વણથંભ્યું.

 

વધુ આવતા શનિવારે

columnists