શનિવાર night (પ્રકરણ 4)

10 April, 2021 08:19 AM IST  |  Mumbai | Soham

ખાદિમ ઊભો રહ્યો અને તેણે ખભા પરથી ગમછો ઉતારી પ્રસ્વેદ બિંદુથી છલકાતા ચહેરાને સાફ કરી પાછળ આવતા રાજની સામે જોયું.

શનિવાર night (પ્રકરણ 4)

વીતેલી વાર્તા -
મનીષ કામદાર વાઇફ અને બન્ને દીકરી સાથે માથેરાન આવે છે. પાછાં જવાની છેલ્લી સવારે મનીષ હૉર્સરાઇડ ગોઠવે છે જેમાં તેની બન્ને દીકરીઓ પણ જોડાય છે. હૉર્સરાઇડ શરૂ કરતાં પહેલાં મનીષ દીકરીઓ સાથે સેલ્ફી લે છે જેમાં એ ત્રણ સિવાય પણ કોઈ છે, જેને સિદ્ધિ જોઈ જાય છે પણ સિદ્ધિ મનીષનું ધ્યાન એ તરફ ખેંચે એ પહેલાં મનીષ ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર અપલોડ કરી સોલો-રાઇડ માટે પોતાના ઘોડા બિન્ગો પર આગળ નીકળી જાય છે. મંગેશ જે રૂટ પર જવાની મનીષને ના પાડે છે એ જ રૂટ પર બિન્ગો આગળ નીકળે છે અને પછી બિન્ગો બેકાબૂ બને છે. આ રૂટ પર મનીષને પણ કેટલીક ભેદી ઘટના દેખાય છે, પણ તે કોઈની પાસે એ ઘટના વર્ણવે એ પહેલાં ડાળીઓ વચ્ચેથી ભાગતા બિન્ગોને લીધે મનીષ બૅલૅન્સ ગુમાવે છે અને જમીન પર પછડાય છે, જેને લીધે બ્રેઇન હૅમરેજમાં મનીષનું મોત થાય છે. 
એક વર્ષમાં આ છઠ્ઠી ઘટના બની છે જેમાં માથેરાન આવેલા ટૂરિસ્ટનું મોત થયું હોય. પહેલાં ન્યુઝપેપર અને એ પછી ટીવી ચૅનલ આ આખી વાતને ઊંચકી લે છે અને દેકારો મચી જાય છે કે માથેરાનમાં એવું તે શું છે કે લોકો આ રીતે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ન્યુઝ ચૅનલ પર જ્યારે માથેરાન ડિબેટનો વિષય બન્યો છે ત્યારે હિલ સ્ટેશન પર એક ફૅમિલી એન્ટર થઈ રહ્યું છે, જેને વેલકમ કરવા માટે જાણે કે કોઈ પહેલેથી જ તૈયારી કરીને બેઠું હોય એમ ઝાડી પાછળ રાહ જોવાઈ રહી છે.
હવે આગળ...
lll
‘દમ લગા કે...’
પાંચ મજૂર સામાન ભરેલી મોટી લૉરીને ધક્કો મારતા હતા. લૉરીમાં ઘરનો સામાન અને હોમ અપ્લાયન્સિસ ભર્યા હતા. પાંચ મજૂરોનું વજન કરતાં ઑલમોસ્ટ ડબલ વજન આ સામાનનું હતું. ઉંમરમાં પણ અને સ્તરમાં પણ બધાથી મોટા લાગતા મજૂર ખાદિમે મોટા અવાજે કહ્યું,
‘ખાના નહીં ખાયા? જોર સે બોલો’ ખાદિમે ફરીથી કહ્યું, ‘દમ લગા કે...’
‘હઈશા...’
આ વખતે અવાજ મોટો હતો પણ સાદ ચારને બદલે ત્રણ મજૂરે આપ્યો હતો. રાશિદનું ધ્યાન બીજી દિશામાં હતું.
‘વહાં ક્યા તક રહે હો?’
રાશિદનો હાથ અટકી ગયો હતો અને સામાનની લૉરી એક ફુટ આગળ પણ નીકળી ગઈ હતી.
‘વહાં સે હંસને કી... કિસી કી આવાઝ આયી...’
રાશિદે હાથ લંબાવીને પોતાની જમણી બાજુની દિશા દેખાડી હતી.
‘તેરે કાન હંસ રહે હૈં... હાથ દે સાલ્લે...’ 
ખાદિમના મોઢામાંથી ગાળ નીકળી ગઈ. નીકળેલી એ ગાળ સાંભળીને ઝાડીમાં આછો સરખો સળવળાટ થયો, જે રાશિદે જોયો પણ ખાદિમ તો સામાનને ધક્કો મારવામાં ફરીથી વ્યસ્ત થઈ ગયો હતો.
સો મીટર જેટલું આગળ વધ્યા પછી એક જગ્યાએ રસ્તાને બે ફાંટા પડતા હતા.
ખાદિમ ઊભો રહ્યો અને તેણે ખભા પરથી ગમછો ઉતારી પ્રસ્વેદ બિંદુથી છલકાતા ચહેરાને સાફ કરી પાછળ આવતા રાજની સામે જોયું.
રાજ સાથે વાઇફ કિયારા હતી. કિયારાના બન્ને હાથની આંગળી પકડીને સના અને સારા ચાલતી હતી. ઑલમોસ્ટ બન્ને સરખી ઉંમરની હતી. બારેક વર્ષની સના અને અગિયાર વર્ષની સારા કિયારાની ભાણેજ એટલે રાજની મોટી બહેનની દીકરીઓ હતી. રાજે ખભા પર રાજ-કિયારાના સાત વર્ષના દીકરા સિદ્ધાર્થને બેસાડ્યો હતો. સિદ્ધાર્થ થોડી-થોડી વારે ડૅડીના વાળ ખેંચતો એટલો રાજ ઇરિટેટ થતો હતો. ખાદિમે જ્યારે તેમની સામે જોયું ત્યારે પણ સિદ્ધાર્થ ડૅડીના વાળથી રમતો હતો.
‘નો સિદ... ના પાડીને...’ ડૅડીએ ધમકી આપી, ‘હવે એક પણ વાર કરીશ તો ઉતારી દઈશ નીચે.’
‘નો, નો...’ સિદ્ધાર્થને ચાલવું નહોતું એટલે એ તરત ડિફેન્સ મોડમાં આવી ગયો, ‘આઇ એમ સૉરી, નહીં કરું હવે.’
રાજની નજર ખાદિમ પર પહેલેથી હતી. મજૂરો પર ભરોસો નહોતો એવું નહોતું પણ જે સામાન આવ્યો હતો એ કીમતી હતો. મજૂરો અજ્જડ થઈને સામાન સાથે વર્તે નહીં એ જોવું જરૂરી હતું.
રાજ ખાદિમની નજીક પહોંચ્યો કે તરત જ ખાદિમે કહ્યું,
‘સા’બ, આપ ટ્રૅકવાલે રાસ્તે સે જાઈએ, હમ આપકો સેસિલ વિલા મિલતે હૈં...’
‘સામાન...’
‘ડોન્ટ વરી સા’બ. કુછ નહીં હોગા સામાન કો...’ 
રાજ આગળ કંઈ બોલે એ પહેલાં ખાદિમે જવાબ આપ્યો અને ટ્રૅકવાળો રસ્તો દેખાડ્યો. 
‘યે લંબા રાસ્તા હૈ, યહાં સે આપ જલદી પહુંચેંગે... સાથ મેં બચ્ચે હૈં તો...’
‘હમં...’
રાજે કિયારાની સામે જોયું. કિયારાની આંખોમાં મૂક સંમતિ હતી એટલે તે ટ્રૅકવાળા રસ્તે આગળ વધવાનો શરૂ થયો. પીઠ પાછળ તેને ખાદિમની હાક સંભળાઈ,
‘દમ લગા કે...’
lll
થોડું આગળ વધ્યા પછી રાજને હાંફ ચડવી શરૂ થઈ. સિદ્ધાર્થને નીચે ઉતારવાનું તે હજી વિચારતો જ હતો ત્યાં સિદ્ધાર્થે જ સામેથી કહ્યું. 
‘ડૅડી, ધિસ ઇઝ બ્યુટિફુલ લાઇક હૅરી પૉટર જંગલ... હૅરી પૉટર સ્ટડી કરતો હતો એ હૉગવૉર્ટ્સ બોર્ડિંગ સ્કૂલમાં આપણે જતા હોઈએ એવું લાગે છે.’
‘યસ... ચાલીશ હવે તું?’
સિદ્ધાર્થે હા પાડી એટલે રાજે તેને ખભા પરથી ઉતાર્યો.
‘હજી તું જો, સેસિલ તો ડિટ્ટો હૅરી પૉટરની બુકમાં છે એવી જ લાગે છે...’
‘કેટલું દૂર છે હવે?’
રાજ જવાબ આપે એ પહેલાં તો સિદ્ધાર્થ આગળ ભાગ્યો અને મિની ટ્રેનના ટ્રૅક પર બૅલૅન્સ રાખીને ચાલવાનું તેણે શરૂ કરી દીધું.
સારા અને સના પણ હવે હાથ છોડાવીને સિદ પાસે આવી ગઈ. સિદે બન્ને સિસ્ટર્સના હાથ પકડીને ટ્રૅક પર બૅલૅન્સ સાથે આગળ વધવાનું ચાલુ કરી દીધું.
રાજ અને કિયારા પાછળ એકબીજાના હાથ પકડીને ચાલવા માંડ્યાં. ત્યાં હાજર રહેલાં આ પાંચમાંથી કોઈનું ધ્યાન સાથે ચાલવા માંડેલા રખડતા-ભટકતા કૂતરા પર નહોતું. ઝાડીમાંથી ક્યારે એ ડૉગી બહાર આવ્યું અને ક્યારે એણે એ પાંચની કંપની પસંદ કરી લીધી એનાથી બેખબર એવા સૌકોઈ સેસિલ વિલા તરફ આગળ વધતાં રહ્યાં.
lll
‘હવે કઈ તરફ, લેફ્ટ કે રાઇટ?’
ટ્રાયેન્ગલ પર પહોંચ્યા પછી ત્રણેય બચ્ચાંઓ ઊભાં રહી ગયાં. સનાએ પાછળ આવતાં રાજ અને કિયારાને પૂછ્યું. રાજે દૂરથી જ જવાબ આપ્યો.
‘લેફ્ટ...’
હવે સનાએ બન્ને હાથ દેખાડીને પૂછ્યું.
‘આ લેફ્ટ કે આ લેફ્ટ?’
રાજ અને કિયારાને હસવું આવી ગયું. સનાને લેફ્ટ અને રાઇટમાં ખબર નહોતી પડતી, તે બન્ને હાથની ઓળખાણ ‘લેફ્ટ’ તરીકે જ આપતી. 
આ બાજુનો લેફ્ટ અને પેલી બાજુનો લેફ્ટ.
રાજે હાથ લાંબો કરીને આંગળી દેખાડી.
‘પેલા ડૉગીની પાછળ... જો એ સાચી દિશામાં જાય છે.’
એ સમયે પહેલી વાર સિદ, સના અને સારાનું ધ્યાન ડૉગી તરફ ગયું.
ડૉગી પોતાની મસ્તીમાં આગળ ચાલતું હતું. મજાની વાત એ હતી કે જે સમયે બધાં ઊભાં રહ્યાં એ સમયે આગળ જઈને ડૉગી પણ ઊભું રહી ગયું હતું.
‘એ આપણી વેઇટ કરે છે...’
સિદ ખુશ થઈને આગળ દોડ્યો એટલે તેની પાછળ સારા અને સના પણ ગયાં.
ડૉગીનું કોઈ માલિક હોય એવું લાગતું નહોતું અને એમ છતાં પણ તેને જોઈને બીક લાગતી નહોતી. એ ઉશ્કેરાતું પણ નહોતું અને નજીક આવવા પર એ અકળાતું પણ નહોતું. 
બધા નજીક આવ્યા એટલે જાણે કે એ લોકોની જ રાહ જોતું હોય એમ ડૉગી આગળ ચાલવા માંડ્યું.
સિદે પાછળ ફરીને પપ્પાની સામે જોયું. જાણે કે પ્રશ્ન સમજાઈ ગયો હોય એમ રાજે પણ દૂરથી હકારાત્મક ઇશારો કરી દીધો એટલે બધાં બચ્ચાંઓ ડૉગીની પાછળ ચાલવા માંડ્યાં. એ પછી તો ડૉગીએ જ આગેવાની લીધી હોય એમ ડૉગી આગળ ચાલે અને બચ્ચાંઓ પાછળ. નવેસરથી એક ટર્ન આવ્યો ત્યારે રાજે સામેથી જ દૂરથી કહી દીધું.
‘ડૉગીની પાછળ...’
‘એ જ બાજુ?’
‘યસ, એ જ રસ્તો...’
‘એણે વિલા જોઈ છે આપણી?’
સિદે માસૂમિયત સાથે ડૅડીને પૂછ્યું. 
‘આસ્ક હિમ... બટ ફર્સ્ટ મેક હિમ ફ્રેન્ડ. પછી જવાબ દેશે એ તને.’
સિદે બાજુમાં ચાલતા ડૉગીની પીઠ પર હાથ ફેરવ્યો. જાણે કે એને આ દોસ્તી ગમી હોય એ રીતે ડૉગીએ પણ ચાલતાં-ચાલતાં જ સિદની સામે જોઈ લીધું અને પૂંછડી પણ એકસાથે અનેક વાર ફરકારવીને વહાલ દર્શાવી દીધું.
‘આપણે એનું નામ રાખીએ...’
સિદે સનાને કહ્યું એટલે સનાએ નામ સજેસ્ટ કર્યું.
‘ઑસ્કર... એવરીવન લવ્ઝ ઑસ્કર અવૉર્ડ ધૅટ્સ વાય.’
સારાએ નામ રિજેક્ટ કરી નાખ્યું.
‘નો, બ્રાઉની. એની સ્કિન જો, ગોલ્ડન બ્રાઉન છેને, આઇ લવ બ્રાઉની.’
‘ના... સો ડાઉન માર્કેટ.’ સિદે વિરોધ કરતાં કહ્યું, ‘સમ એક્સ્ટ્રા ઑર્ડિનરી નેમ... લાઇક... લાઇક... લાઇક...’
પછી અચાનક સિદને જ નામ મનમાં આવ્યું.
‘ગૂગલ.’ સિદ ખુશ થઈ ગયો, ‘હા, ગૂગલ... આમ પણ જુઓ, એ આપણને બધાને વિલાનો રસ્તો દેખાડે છે. આપણે એને ગૂગલ કહીશું.’
‘ગૂગલ, ઇટ્સ ક્યુટ નેમ.’ કિયારા પણ નામ સાંભળીને ખુશ થઈ ગઈ, ‘સિદ, બેસ્ટ નામ છે ગૂગલ...’
સિદે ડૉગીની સામે જોયું.
‘આજથી તારું નામ ગૂગલ... રાઇટ ગૂગલ?’
ગૂગલે ચાલતાં-ચાલતાં જ સિદની સામે જોયું અને જાણે કે પરમિશન આપતો હોય એમ ગળામાંથી અવાજ કર્યો.
ઘરરર... ઘરરર...
‘મૉમ, એને ગમ્યું નામ...’
lll
રાજ-કિયારા અને બાળકો મેઇન માર્કેટ પૉઇન્ટ પહોંચ્યાં. હજી બીજા ત્રણ કિલોમીટર ચાલવાનું હતું અને બાળકો હવે ચાલી શકે એવું લાગતું નહોતું. અફકોર્સ ગૂગલની કંપનીને કારણે છેલ્લાં બે-અઢી કિલોમીટર સરળતાથી એ લોકોએ કાપી લીધાં હતાં પણ વધારે ચલાવવાનું કામ જોખમી હતું એટલે રાજે જ નક્કી કર્યું કે અહીંથી ઘોડા કરી લેવા, જેથી સેસિલ પહોંચીને બચ્ચાંઓ રમવાના મૂડમાં રહે.
‘જાઓગે?’
રાજે એક ઘોડાવાળાને પૂછ્યું એટલે પેલાએ વિઅર્ડ રીતે જવાબ આપ્યો,
‘જાને કે લિએ તો ખડે હૈં...’
બાજુમાં ઊભેલા બીજા ઘોડાવાળાએ પૂછ્યું,
‘ક્યાં જવાનું છે?’
‘સેસિલ વિલા... ’
બીજા ઘોડાવાળાને બદલે પહેલાં ઘોડાવાળાએ જ જવાબ આપી દીધો.
‘નહીં જાના...’
રાજ સહેજ આગળ ગયો અને ત્યાં જઈને તેણે પૂછ્યું,
‘તીન ઘોડે... બચ્ચોં કે લિએ...’
‘હૈના સા’બ... કહાં જાના હૈ?’
‘સેસિલ વિલા...’
‘સૉરી સા’બ...’ ઘોડાવાળાએ ના પાડી દીધી, ‘લેટ હો ગયા હૈ. ઘર જાના હૈ.’
‘અરે પૈસે ઝ્યાદા લે લેના. ચલો...’
‘નહીં સા’બ...’ ઘોડાવાળાએ સામું જોવાની પણ તસ્દી લીધી નહીં, ‘નથી આવવું.’
બીજા બે ઘોડાવાળા પાસેથી પણ આ જ જવાબ મળ્યો.
‘નહીં આના સા’બ...’
બધાની ના હતી અને ના પાડવા માટે કોઈ કારણ આપવા તૈયાર નહોતું.
લાંબી મથામણ પછી એક ઘોડાવાળાએ કહ્યું.
‘સાહેબ, એ સેસિલ વિલા બે વર્ષથી બંધ થઈ ગઈ...’
‘પતા હૈ...’ રાજે ઘડિયાળમાં જોયું. સાંજના છ વાગવા આવ્યા હતા અને સૂર્યાસ્ત થવાને ચાલીસ મિનિટની વાર હતી, ‘મૈંને હી સેસિલ વિલા લી હૈ...’
હાજર રહેલા તમામ ઘોડાવાળાના ચહેરા પર સફેદી પ્રસરી ગઈ.

વધુ આવતા શનિવારે

columnists soham