શનિવાર night (ધારાવાહિક નવલકથા, પ્રકરણ – ૨૬)

18 September, 2021 08:07 AM IST  |  Mumbai | Soham

‘હા બાબા, આવક પણ ઘટી ગઈ. વચ્ચે તો ચારેક મહિના કોઈ ઇન્કમ જ નહોતી.’ સુરેશે સંકોચ વિના જ કહી દીધું, ‘અમે ખાઈએ કે ઘોડાને ખવડાવીએ એ પ્રશ્ન હતો.’

શનિવાર night

તબડક... તબડક... તબડક...
ટ્રૅક તરફથી આવતા અવાજે સૌકોઈને એ દિશામાં જોતા કર્યા હતા. ટ્રૅક પરથી આવતા અવાજ સાથે હવે મૂનલાઇટ વચ્ચે દૃશ્ય પણ દેખાવું શરૂ થયું હતું. ટ્રૅકની બરાબર મધ્યમાંથી પૂરા કાળા રંગનો ઘોડો દોડતો આવતો હતો. હૉર્સના ગળામાં રહેલી નેમપ્લેટ એની દોટને કારણે હવામાં ઊછળતી હતી. સ્ટીલની બનેલી પ્લેટ પર મૂનલાઇટનું સીધું રિફ્લેક્શન આવતું હોવાથી એ ચળકતી હતી. 
ચળકતી નેમપ્લેટ પર ચાર ફ્રેન્ડ્સનું ધ્યાન ગયું અને હૉર્સનું નામ વાંચીને તેમની આંખો ફાટી ગઈ.
B... I... N... G... O
જિમ્મીને અચાનક જ અહેસાસ થયો કે તેનું પૅન્ટ ભીનું થવા માંડ્યું છે. જોકે એ પછી પણ તેની નીચે જોવાની હિંમત નહોતી તો પ્રિયા બેહોશ થઈ ગઈ હતી અને અમરે તેને પકડી લીધી હતી, 
જ્યારે ઝોયાના આખા શરીરે પરસેવો વળી ગયો હતો અને તે ધ્રૂજતી હતી. તેના હાથમાં રહેલો મોબાઇલ જમીન પર પડી ગયો હતો.
અત્યારે ઝોયાની સામે એ દૃશ્ય આવી ગયું હતું જેના માટે તે લાંબા સમયથી રાહ જોતી હતી. તે આ પરિસ્થિતિને 
નરી આંખે જોવા માગતી હતી અને દુનિયાને દેખાડવા માગતી હતી, પણ તેનામાં હિંમત નહોતી કે તે આ કશું રેકૉર્ડ કરી શકે.
આગળ વધતો બિંગો એક તબક્કે ધીમો પડ્યો અને ચારેય ફ્રેન્ડ્સથી સો મીટરના અંતરે પોતાના આગલા બન્ને પગ પર ઊભો થયો. પાછળના બે પગ પર ઊભા થયેલા બિંગોની હાઇટ અચાનક જ વધારે પડતી લાંબી થઈ ગઈ હતી જે ઝોયા નરી આંખે જોઈ શકતી હતી. અમર અને જિમ્મીને ત્યાંથી ભાગવું હતું, પણ તેમના શરીરની બધી તાકાત ઓસરી ગઈ હતી.
અચાનક જંગલમાંથી ચામાચીડિયાનું એક મોટું ટોળું આવ્યું અને એણે બિંગોની આસપાસ મંડરાવાનું શરૂ કરી દીધું.
lll
સેસિલની બહાર અંધકારે પોતાનો કબજો કરી લીધો હતો, પરંતુ 
અંધકાર વચ્ચે પણ મધુ પોતાના 
કામમાં વ્યસ્ત હતો.
સેસિલના ગેટની ડાબી બાજુએ સાત ઝાડ પછી જમીન પર બેસીને મધુ ખાડો ખોદતો હતો. ખાડો ખોદવાથી ઊડતી માટી મધુનાં કપડાંને મેલાં કરતી હતી, પણ મધુને એની પરવા નહોતી. 
જેટલી ઝડપથી મધુના હોઠ ફફડતા હતા, હાથ પણ એટલી જ ઝડપ સાથે કામ કરતા હતા. 
ખાડો ખોદાઈ ગયો એટલે મધુએ પોતાના બે પગ વચ્ચે દબાવી રાખેલી ચીજ બહાર કાઢીને એ ખાડામાં મૂકી. પછી તે ઊભો થયો અને ઊભા થઈને તેણે પોતાના લેંઘાના ખિસ્સામાંથી કપડું ખેંચી કાઢ્યું અને એને હવામાં ખોલીને જોયું.
એ પરઝાનનું ટી-શર્ટ હતું. પરઝાનના આ ટી-શર્ટને મધુએ ખાડામાં પડેલા પરઝાનના જ સૉફ્ટ ટૉય પર પાથરી દીધું અને પછી જાણે કે તે દફનવિધિ કરતો હોય એ રીતે તેણે ફરી ખાડો પૂરવાનું કામ ચાલુ કરી દીધું.
હવે મધુનો ગણગણાટ વધી ગયો હતો. તેના મોઢામાં શ્લોક હતો, જે તેને તાંત્રિકબાબાએ આપ્યો હતો.
‘યચાયિકા કાલી વિચ તસ્મૈ ભવતુ સ્વાહ’
ખાડો પુરાઈ ગયો એટલે મધુએ ફરી લેંઘાના ખિસ્સામાં હાથ નાખ્યો અને બે લીંબુ કાઢ્યાં. લીંબુ હાથમાં લઈને મધુએ પોતાની ગરદન પર હાથ ફેરવ્યો. ગરદનમાં લટકતો કાળા દોરો તેના હાથમાં આવ્યો એટલે મધુએ દોરાના છેડે લટકતું નાનું ચપ્પુ કાઢ્યું અને લીંબુના ચાર ઊભા ભાગ કર્યા. લીંબુના આ ચાર ટુકડામાંથી એક ટુકડાનો રસ તેણે પરઝાનના ટી-શર્ટની ઉપરના ભાગ પર નિચોવ્યો તો એક ટુકડાનો રસ ડાબા હાથ તરફ, એકનો રસ જમણા હાથ તરફ અને ચોથા લીંબુનો રસ પગના ભાગ તરફ કરીને તેણે ચારેય લીંબુ સાથે મળીને હથેળીમાં મસળી નાખ્યાં. લીંબુમાંથી જે રસ નીતર્યો એ રસ બન્ને હથેળી ભેગી કરીને તેણે હાથમાં ત્યાં સુધી ઘસ્યો જ્યાં સુધી તેની હથેળી ગરમ ન થઈ.
હવે મધુએ બીજું લીંબુ હાથમાં લઈને એ લીંબુ ખાડો કર્યો હતો એ જગ્યાએ બરાબર મધ્યમાં મૂક્યું અને પછી બાજુમાં પડેલી કપડાની થેલીમાંથી થોડો પાઉડર કાઢીને એ લીંબુ પર છાંટી દીધો. એ પાઉડર સી-સૉલ્ટ હતું. 
નિમક ભરેલી એ થેલી લઈને મધુ હવે સેસિલ વિલાના દરવાજા તરફ આવ્યો.
દરવાજા પાસે આવીને મધુએ એક વખત આકાશ સામે જોયું અને ફરી એ જ શ્લોકનું રટણ કર્યું. આ વખતે તેની આંખો બંધ હતી અને અવાજ જરા મોટો હતો.
‘યચાયિકા કાલી વિચ તસ્મૈ 
ભવતુ સ્વાહ’
મધુએ આંખો ખોલી અને થેલીમાં હાથ નાખી થોડું મીઠું કાઢીને સેસિલ ફરતે લાઇન કરવાની શરૂ કરી. એવી લાઇન જેવી લાઇન લક્ષ્મણે ભાભીના રક્ષણ માટે જંગલમાં કુટિરની બહાર કરી હતી. ફરી એક વાર શ્લોકનું રટણ તેણે મનમાં ચાલુ કરી દીધું હતું.
લાઇન હજી તો માંડ પાંચેક ફૂટ થઈ હશે ત્યાં મધુના કાને ઘોડાની હણહણાટીનો અવાજ પડ્યો અને મધુના હાથ અટકી ગયા. જોકે તેણે ફરીથી હિંમત ભેગી કરીને હાથ કામે લગાડ્યા અને શ્લોક પણ એવી રીતે બોલવાનું શરૂ કર્યું જાણે કે તે આજુબાજુના વાતાવરણને સંભળાવી રહ્યો હોય.
‘યચાયિકા કાલી વિચ તસ્મૈ 
ભવતુ સ્વાહ’
જાણે કે પ્રત્યુત્તર આપવાનો હોય એમ ઘોડાની હણહણાટી ફરી સંભળાઈ. 
આ વખતે ઘોડાની હણહણાટીની સાથોસાથ મધ્યમ ગતિએ દોડતાં આવતાં ઘોડાનાં પગલાં પણ મધુને સંભળાયાં.
મધુના હાથ અટકી ગયા અને આંખો પહોળી થઈ ગઈ.
ઘોડાનાં ડાબલાંનો અવાજ ધીમે-ધીમે મોટો થવા માંડ્યો હતો.
તબડક... તબડક...
મધુએ અવાજની દિશામાં જોયું.
lll
‘હેરાન થવાની જરૂર નહોતી સુરેશ...’
રાજે વધુ એક વાર સુરેશને કહ્યું હતું. સુરેશના ઘરેથી તે બહાર નીકળ્યો અને બે જ મિનિટમાં સુરેશ તેની પાછળ ઘોડા સાથે આવ્યો હતો.
‘બાબા, બૈઠ જાઓ...’
‘અરે ના, નીકળી જઈશ હું...’
‘બાબા, ફ્રી હી હૂં... બૈઠો ના આપ...’
રાજે વધારે આગ્રહ કરાવ્યો નહીં. તેના મનમાં સીધો હિસાબ આવી ગયો હતો કે સુરેશને દેશી દારૂની આવક થઈ જતી હોય તો એમાં કશું ખોટું પણ નથી. એ બહાને સુરેશના મનમાંથી પેલા ભૂત-બૂતના ખોટા વિચારો તો જશે.
‘વૈસે ક્યા ચલ રહા હૈ લાઇફ મેં?’ રાજે વાત ચાલુ કરી, ‘કોરોના પછી તો લોકો ઓછા આવતા હશેને?’
‘હા બાબા, આવક પણ ઘટી ગઈ. વચ્ચે તો ચારેક મહિના કોઈ ઇન્કમ જ નહોતી.’ સુરેશે સંકોચ વિના જ કહી દીધું, ‘અમે ખાઈએ કે ઘોડાને ખવડાવીએ એ પ્રશ્ન હતો.’
‘હં...’
છૂટીછવાઈ વાતો સાથે બન્ને સેસિલ તરફ આગળ વધ્યા અને બે કિલોમીટરનું અંતર કાપીને સેસિલ પહોંચ્યા.
બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે તેમના ઘોડાના અવાજે સેસિલ પાસે લક્ષ્મણરેખા બનાવતા મધુને ગભરાવી દીધો હતો.
તબડક... તબડક...
ઘોડાનાં ડાબલાંના અવાજથી બિંગોને યાદ કરતા મધુને એકને બદલે બે ઘોડા ઓળખતાં જરા વાર લાગી, પણ જેવું તેને બે ઘોડાનો પડછાયો દેખાયો કે તે મનમાં ને મનમાં રાજી થયો હતો અને રાજી થતો સેસિલની દીવાલ પાછળ સરકી ગયો હતો.
રાજ અને સુરેશ તેને ઓળખાઈ ગયા એટલે તે સમજી ગયો કે હવે પોતાનું કામ આ બન્ને જશે એ પછી જ શક્ય બનશે.
સેસિલના દરવાજે પહોંચીને રાજ ઘોડા પરથી ઊતર્યો અને તેણે વૉલેટમાંથી પાંચસોની નોટ કાઢી. સુરેશે લેવાની આનાકાની કરી, પણ રાજે હકપૂર્વક પાંચસોની એ નોટ સુરેશના ઉપરના ખિસ્સામાં મૂકી દીધી. 
‘થૅન્ક્સ... વાતો કરતાં-કરતાં 
ક્યારે રસ્તો કપાઈ ગયો એની 
ખબર જ ન પડી.’
‘હં...’ સુરેશ હજી પણ ઊભો 
હતો, ‘બાબા...’
રાજ સમજી ગયો કે સુરેશ શું કહેવા માગે છે, પણ તેને એ વિષય પર કોઈ ચર્ચા કરવી નહોતી એટલે પગ ઉપાડ્યા.
‘નીકળ, વધારે મોડું થશે. કાલે મળીએ...’
સુરેશે રાજની પીઠ પર જોયું અને પછી બન્ને ઘોડા સાથે તે રવાના થઈ ગયો.
સુરેશ દેખાતો બંધ થયો એટલે દીવાલ પાછળથી મધુ બહાર નીકળ્યો. બહાર આવીને મધુએ સેસિલ તરફ પણ નજર કરી લીધી. રાજ દેખાતો નહોતો અને બચ્ચાંઓનો બહાર આવતો અવાજ કહેતો હતો કે રાજ એ લોકો પાસે પહોંચી ગયો હતો.
મધુએ એક ઊંડો શ્વાસ લીધો. ફરી વખત આકાશ સામે જોઈને શ્લોકનું રટણ કર્યું અને પોતાનું કામ ચાલુ કરી દીધું. તેણે થેલીમાં હાથ નાખીને સી-સૉલ્ટ લીધું અને પહેલેથી રેખા બનાવવાનું ચાલુ કર્યું. જોકે તેને ખબર નહોતી કે તે જે સેસિલને બચાવવાની ફિરાકમાં વ્યસ્ત થયો છે એ જ સેસિલથી પાછા જતા સુરેશ પર જોખમ આવવાનું છે.
lll
રમૈયા વસ્તાવયા, રમૈયા વસ્તાવયા...
મૈંને દિલ તુઝ કો દિયા...
પોતાના બન્ને હૉર્સ સાથે આગળ વધતા સુરેશના હાથમાં દેશી દારૂની નાની બૉટલ હતી. ઘરેથી નીકળતી વખતે તેણે એ બૉટલ સાથે લઈ લીધી હતી. તલબ બહુ લાગી હતી અને એ તલબને લીધે જ તેણે રાજ સાથે આગ્રહપૂવર્ક વાત કરવાનું ટાળ્યું હતું.
સુરેશે બૉટલનું ઢાંકણું ખોલીને 
દારૂની એક સીપ મારી અને ફરીથી ગીત શરૂ કર્યું...
રમૈયા વસ્તાવયા, રમૈયા વસ્તાવયા...
મૈંને દિલ...
સુરેશ હજી તો ગીતને આગળ વધારે એ પહેલાં તો તેને દૂરથી લેડી વૉઇસમાં આ જ ગીત આગળ વધતું સંભળાયું.
તુઝ કો દિયા, મૈંને દિલ તુઝ કો દિયા...
સુરેશના પગ અટકી ગયા. તેણે કાન માંડ્યા અને ખાતરી કરી કે ખરેખર કોઈનો અવાજ આવે છે કે પછી એ તેનો ભ્રમ છે.
ના, અવાજ જ છે આ.
સુરેશે આજુબાજુમાં જોયું અને ફરીથી કાન માંડ્યા, પણ આ વખતે અવાજ અટકી ગયો. સુરેશે ફરી આજુબાજુમાં જોયું, પણ કોઈ દેખાયું નહીં એટલે તેણે ફરી બૉટલ ખોલીને એક સીપ લીધી અને ચાલવાનું ચાલુ કર્યું.
એક, બે, ત્રણ અને ચાર...
હજી તો માંડ તે ચાર ડગલાં ચાલ્યો હશે ત્યાં તો ફરીથી એ જ અવાજ આવવો શરૂ થયો. આ વખતે ગીત નહીં પણ ગળામાંથી કરવામાં આવતા હમિંગ સાઉન્ડ જેવો અવાજ હતો. સુરેશ અટક્યો કે તરત જ એ અવાજ પણ અટક્યો. સુરેશે ફરી ચાલવાનું શરૂ કર્યું અને અવાજ પણ ફરીથી શરૂ થયો. આ વખતે અવાજ જરા મોટો હતો. 
સુરેશ આગળ વધતો રહ્યો અને એની સાથે-સાથે અવાજ પણ મોટો થવા માંડ્યો.
અવાજ જેમ-જેમ મોટો થતો જતો હતો એમ-એમ સુરેશની દારૂ પીવાની સ્પીડ પણ વધતી જતી હતી. સુરેશે બૉટલમાંથી છેલ્લો ઘૂંટ લીધો, જે મોટો હતો. મોટો ઘૂંટ લીધા પછી એ દારૂને ગળાની નીચે ઉતારવાને બદલે સુરેશે એને ગલોફામાં ભરી રાખ્યો અને જાણે કે કોગળા કરવા હોય એમ દારૂ ગલોફાંની બન્ને સાઇડ પર રમાડ્યો.
દારૂનો કરન્ટ ગાલની રગ-રગમાં ઊતરી ગયો.
સુરેશના મસ્તક પર ચડતો મદ હવે તે પારખી શકતો હતો, પણ પરખાઈ રહેલા મદ વચ્ચે પણ સુરેશે આજુબાજુમાં જોવાનું ચાલુ કર્યું. અવાજ આસપાસમાંથી જ આવતો હતો. 
કૌન હૈ યે?
સુરેશે આસપાસમાં જોયું અને તેને દૂર ચંદ્રના પ્રકાશમાં ચળકતું પાણી દેખાયું. પાણીનો રંગ બ્લુ હતો. સુરેશની આંખો સહેજ મોટી થઈ. તેણે ચળકતા પાણીને ધ્યાનથી જોયું. એ સ્વિમિંગ-પૂલ હતો અને એમાં કોઈ તરતું હતું.
ઓહ આ... 
સુરેશે બન્ને ઘોડાને બાજુના ઝાડ સાથે બાંધવાનું ચાલુ કર્યું. તે નજીક જઈને જોવા માગતો હતો કે તે કોણ છે?
સુરેશને ક્યાં ખબર હતી કે 
તેને અત્યારે દૂર બેઠેલાં શહેનાઝ અને પરઝાન પણ જોઈ રહ્યાં છે. શહેનાઝની આંખો ઝીણી થવા માંડી હતી અને પરઝાન એકીટશે સુરેશની ગતિવિધિઓ જોતો હતો.

વધુ આવતા શનિવારે

columnists