સંવાદ અને ચર્ચા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે

20 September, 2022 05:35 PM IST  |  Mumbai | Sarita Joshi

જે સંબંધોમાં એ ભેદરેખા રહેતી નથી એ સંબંધોની કુમાશ અને મીઠાશ આપોઆપ હણાતી જાય છે. રાજકુમાર સાથેના સંબંધો પણ આ સ્તરે પહોંચવા માંડ્યા હતા, પણ મને એમ હતું કે આપણે આગળ વધતા જવાનું છે; જીવનમાં પણ, કરીઅરમાં પણ અને સંબંધોમાં પણ

એ સમયે આ વિસ્તાર બહુ પ્રાઇમ કહેવાતો, આજે તો સુપર-પ્રાઇમ થઈ ગયો છે, પણ એ સમયે બ્રીચ કૅન્ડી પાસે આજ જેટલું ક્રાઉડ નહોતું. પદ્‍માએ બ્રીચ કૅન્ડી પાસે ફ્લૅટ લીધો અને મને પણ ત્યાં જવાનું મન થયું.

હું વડોદરા આઈ પાસે રહેવા ગઈ અને ૬ મહિના તેમની પાસે રહી. એ ૬ મહિના દરમ્યાન મારું શરીર ભરાયું, વજન વધ્યું અને વજન વધવાને કારણે એક નવી જ રોનક મારા ચહેરા પર આવી ગઈ, મારો ઑરા જ બદલાઈ ગયો.

હું મુંબઈ પાછી આવી. મારે કામ કરવું હતું, પૈસા કમાવા હતા. મારી ફૅમિલી હજી પણ તકલીફમાં તો હતી અને હવે તો એમાં મારું એક બાળક પણ ત્યાં રહેતું હતું એટલે એ ખર્ચ પણ ઉમેરાયો હતો. મેં તમને અગાઉ કહ્યું છે એમ, તકલીફ વચ્ચે પણ ક્યારેય રાજકુમારે મને એ ઘરના ખર્ચ વિશે કોઈ રોકટોક કરી નહોતી. રાજકુમારના ઘરમાં પ્રશ્નો શરૂ થયા એટલે મેં ત્યાંથી પૈસા લેવાનું બંધ કરી દીધું હતું, તો પણ રાજકુમાર એ બાબતમાં મારા પર અકળાયા હતા.
‘એવા બધા હિસાબો નહીં જોવાના, એ લોકોની જવાબદારી આપણી છે...’
તેણે ગુસ્સે થઈને કહ્યું ત્યારે મેં સમજાવીને જવાબ આપ્યો હતો.
‘હા, મને ખબર છે અને હું એ નિભાવું જ છું એટલે તમે ટેન્શન ન લો.’
‘ટેન્શન થાય. તું તારી ઇન્કમમાંથી પૈસા મોકલે તો એ નૅચરલી ઓછા જ હોવાના...’ રાજકુમારે બહુ પ્રેમથી મને જવાબ આપ્યો અને પછી કહ્યું, ‘અહીંની બધી ચિંતા છોડી તું ત્યાં પૈસા મોકલતી રહેજે.’

સાહેબ, આ પ્રકારનો સ્વભાવ હોવો એ પણ ઈશ્વરની દેન છે અને એ દેન રાજકુમારને મળી હતી. ઍનીવેઝ, આપણે મૂળ વાત પર આવીએ...
વડોદરામાં ૬ મહિના રોકાયા પછી હું ફરી મુંબઈ આવી. વજન વધ્યું હતું, શરીર ભરાવદાર બન્યું હતું અને આત્મવિશ્વાસ પણ ખીલ્યો હતો. આ જ કારણ હતું કે પાછી આવ્યા પછી મને સતત મનમાં થતું કે હું શા માટે આ પ્રકારનાં કૉમેડી નાટક અને રોલ કરું છું. સતત મનમાં થયા કરે અને એ ભાવને લીધે જ મને થાય કે મારે ના પાડતાં પણ શીખવું જોઈશે. જરૂરિયાતો ઘટાડીશું, પણ માત્ર કામ માટે કે પછી પૈસા માટે હા પાડવાની માનસિકતા મારે કાઢવી જોઈશે. આ જ વાત હું આજે તમને સૌને કહીશ કે જીવનમાં એક નિયમ રાખજો. ગમે એ કરવું અને ગમે એટલું કરવું. તમે મશીન નથી, તમે માણસ છો અને દરેકેદરેક માણસને હક છે કે તે પોતાને ગમે એવું કરે. સંજોગો અને પરિસ્થિતિને માન આપવું પડે એ સમજી શકાય, પણ એ પાર કર્યા પછી માણસે પોતાને માટે જીવવું જ જોઈએ.

એ દિવસોમાં હું પહેલી વાર ના પાડતાં શીખી અને ના પાડવાની એ માનસિકતા મેં આજ સુધી જાળવી રાખી છે. જે નથી ગમતું એ કરવું નથી, જે પસંદ નથી એ બાજુએ જવું નથી. તમે માનશો નહીં પણ સાહેબ, આજે હું દરરોજ ઓછામાં ઓછી બે ફિલ્મ કે વેબ-શોની ના પાડું છું. મારે એવું કામ નથી કરવું જે કામમાં મને ખુશી ન મળવાની હોય.
lll
આ જ વાતની સાથોસાથ હું એ પણ કહીશ કે જો તમને તમારી ઇચ્છાનું કરવાની છૂટ મળતી હોય તો તમારી ઇચ્છાઓને પણ એક જગ્યાએ થોભવાનું કહેજો અને એવી ઇચ્છાઓની 
દિશામાં આગળ ન વધતા, જ્યાં પરિવારનું સુખ હણાતું હોય. 

રાજકુમારને લાગેલી લત, કહો કે દૂષણો માટે ક્યાંક ને ક્યાંક એ સૌ પણ જવાબદાર હતા જેઓ તેમની નજીક હતા. હું તેમનાં નામ નહીં લઉં. ડરને કારણે નહીં, પણ તેમની હવે હયાતી નથી એને કારણે. પણ તેમણે રાજકુમારમાં દૂષણો પોષવાનું શરૂ કર્યું હતું એવું કહું તો ખોટું નહીં કહેવાય. તમે મહાભારત વાંચશો તો તમને દેખાશે, સમજાશે કે દુર્યોધન એટલો મૂર્ખ નહોતો જેટલો તે આપણને દેખાય છે, પણ એમ છતાં તેણે જે મૂર્ખામી કરી હતી એમાં ક્યાંક ને ક્યાંક બે વ્યક્તિનો દોષ હતો. એક તો તેનાં માતા-પિતા. સંતાનસુખમાં માણસે એટલા અંધ ન બનવું જોઈએ કે તમે તેને સારા-ખરાબ અને સાચા-ખોટાનું જ્ઞાન આપવાનું પણ ચૂકી જાઓ. બીજી વ્યક્તિ એટલે શકુનિ. શકુનિના ભાણેજપ્રેમે તેનામાં દૂષણનો ઢગલો કર્યો અને એ જ દૂષણ દુર્યોધનને અધોગતિ તરફ લઈ ગયો.
રાજકુમારની આજુબાજુમાં રહેલા એ લોકોને રેસ, જુગાર, પત્તાં એ બધાનો શોખ. તેમણે એ શોખને પૂરો કરવા માટે રાજકુમારનો આડકતરો ઉપયોગ કર્યો હતો, જે મેં મારી નરી આંખે જોયું હતું. હું એ કહેવાનો પ્રયાસ કરતી, પણ રાજકુમાર એ વાત સાંભળવા રાજી નહીં અને એમાં તેમનો કોઈ વાંક પણ નહોતો. 
તમે લાંબો સમય જે આભા વચ્ચે જીવ્યા હો એ આભા રાતોરાત કેવી રીતે તૂટે?
કહેવાનો અર્થ માત્ર એટલો કે લાઇફમાં ક્યારેય એટલી હદે આંખે પટ્ટી નહીં બાંધી દેવાની કે તમને સવાર અને રાતનું ભાન જ ન રહે. આંખ ખોલવા આવનારી વ્યક્તિનો હેતુ ખરાબ જ હોય એવું નથી હોતું. એ તમારા જીવનમાં આવનારી ખરાબી કાઢનારો પણ હોઈ શકે છે, પણ એને માટે તમારે સભાનતા સાથે તેની વાત સાંભળવી પડે.
lll
હું વડોદરાથી પાછી આવી એ દરમ્યાન મારી બહેન પદ્‍માએ પોતાનો ફ્લૅટ લઈ લીધો હતો, બ્રીચ કૅન્ડી પાસે. આજે પણ એ ફ્લૅટ છે. અગાઉ તમને કહ્યું હતું એમ, પદ્‍મા લગ્ન કરીને મુંબઈ સેટ થઈ ગઈ હતી, પણ ઘર ન હોવાને કારણે તે અમારી સાથે રહેતી હતી, પણ ઘર લીધા પછી તે પોતાના ઘરે શિફ્ટ થવાની તૈયારીમાં લાગી. 
જો હું ભૂલતી ન હોઉં તો એ ફ્લૅટ એ સમયે ૨૬ લાખ રૂપિયાનો આવ્યો હતો. ફ્લૅટ બહુ સરસ હતો અને આ ઘરમાં ઘણા પ્રશ્નો શરૂ થયા હતા. મારે એ પ્રશ્નોને આગળ વધારવા નહોતા. મેં એને આગળ વધવા ન દીધા હોત, જો મારી વાત સાંભળવામાં આવી હોત, પણ કાન ખુલ્લા રાખીને કોઈને એ વાત સાંભળવી નહોતી અને સાચું કહું, મારે એ વાતોને વિવાદ બનાવવી નહોતી એટલે એક દિવસ મેં જ રાજકુમારને કહ્યું,

‘મને પદ્‍મા સાથે રહેવું ગમે છે, ત્યાં રહેવું મને વધારે ગમશે... ચાલોને, આપણે ત્યાં જઈએ રહેવા.’
અફકોર્સ પદ્‍માના ઘરની વાત નહોતી, પણ ત્યાં ફ્લૅટ લેવાની વાત હતી. મને આ માહોલમાંથી તેમને બહાર લઈ જવા હતા. તેમને દુનિયા અને દુનિયાની જવાબદારી સમજાવવી હતી, જે અહીં શક્ય નહોતું, પણ સાહેબ, એ જ બન્યું જે મેં ધાર્યું હતું. તેમણે બહુ સ્પષ્ટતા સાથે કહી દીધું કે ‘ના, આપણે ક્યાંય નથી જવું.’
‘મારું આટલું મોટું ઘર મૂકીને હું ત્યાં કેમ જાઉં?’

મારી પાસે એના જવાબ હતા, એને માટે તર્ક હતા, પણ એ સમજવાની તેમની તૈયારી નહોતી અને માણસ જ્યારે દલીલ-અપીલના રસ્તે ચાલતો હોય ત્યારે તેને વાત સમજાતી નથી. સંવાદ અને ચર્ચા વચ્ચે બહુ માર્મિક ભેદ છે અને એ ભેદ હું સમજવા તૈયાર હતી, પણ...
સંવાદ સામે ત્યાંથી તો ચર્ચા જ આવતી અને આવો તબક્કો આવે ત્યારે તમારી પાસે ચૂપ રહેવા સિવાય કોઈ ઑપ્શન રહેતો નથી. મારા માટે પણ એવું જ બન્યું હતું. વાતનો ભાવાર્થ સમજવામાં નહોતો આવતો અને ભાવાર્થ વિના મારે વાત કરવી નહોતી.

માણસ જ્યારે દલીલ-અપીલના રસ્તે ચાલતો હોય ત્યારે તેને વાત સમજાતી નથી. સંવાદ અને ચર્ચા વચ્ચે બહુ માર્મિક ભેદ છે અને એ ભેદ હું સમજવા તૈયાર હતી, પણ સંવાદ સામે ત્યાંથી તો ચર્ચા જ આવતી અને આવો તબક્કો આવે ત્યારે તમારી પાસે ચૂપ રહેવા સિવાય કોઈ ઑપ્શન રહેતો નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi