ગમતું કામ અને જવાબદારીઓ સાથેનું કામ

22 November, 2022 05:30 PM IST  |  Mumbai | Sarita Joshi

એ ઘરમાં એક નિયમ હતો કે જેમ દાળ-શાકમાં કોથમીર ફરજિયાત હોય એમ ઘરમાં નોકરચાકર પણ હોય જ. આર્થિક પરિસ્થિતિ સાથે આ નોકરચાકરના પગારને કંઈ લાગેવળગે નહીં

સરિતા જોશી અને કેતકી દવે

મેં બન્ને રસ્તા પકડી રાખ્યા અને આટલાં વર્ષે હું તમને પણ કહું છું કે જ્યારે જીવનમાં વિટંબણા આવે ત્યારે ગમતા રસ્તાની સાથે જવાબદારીનો માર્ગ પણ પકડી લેજો. અપાર આત્મસંતોષ મળશે અને જ્યારે જીવનને પાછળ ફરીને જોતા હશો ત્યારે ખુશી થશે કે તમે જાત સાથે પણ અન્યાય નથી કર્યો અને જવાબદારીઓથી પણ ભાગ્યા નથી.

મેં તમને ગયા મંગળવારે કહ્યું એમ, જૂની રંગભૂમિના નાટકના શો મોટા ભાગે બહારગામ થતા અને એ માટેની જે ટૂર હોય એ સીધી દોઢ-બે કે ત્રણ મહિનાની જ હોય. નવી રંગભૂમિમાં પણ ટૂર આવતી, પણ એ નાટકોનો શુભારંભ તો મુંબઈથી જ થાય અને પછી શનિ-રવિમાં એના શો હોય. નાટક સારું હોય તો એક-દોઢ વર્ષ આરામથી ચાલે અને એ પછી આઠ-દસ મહિને એ નાટક અમદાવાદ અને રાજકોટ એમ બીજાં શહેરોમાં જવાનું બને, પણ જૂની રંગભૂમિનો જોનારો વર્ગ જ નાનાં શહેરોનો એટલે એનાં નાટક તો તમારે સીધાં ત્યાં જ ઓપન કરવાં પડે. 

મારા મનમાં એમ કે જો ઈરાની શેઠનું નાટક હું કરું તો હાલત એવી થઈને ઊભી રહે કે મારે બધું છોડીને ફરીથી મોટી ટૂર પર જવું પડે અને જો એવું બને તો મારે મારાં બાળકોને સંપૂર્ણપણે આયાને હવાલે કરવાં પડે, જેને માટે મારું મન માનતું નહોતું અને મારી મનોદશા સમજવા કોઈ રાજી નહોતું.

મારાં બાળકોની વાત કરું તો તેઓ હજી નાનાં હતાં. ભગવાનની મહેરબાનીથી તેમને બીજી કોઈ તકલીફ નહોતી, પણ એનો અર્થ એવો પણ નહીં કરવાનો કે તેમને માની જરૂર ન હોય.
જે સમયે મેં થિયેટરની નવેસરથી શરૂઆત કરી એ સમયે મારો મોટો દીકરો ત્રણેક વર્ષનો હતો, જે વડોદરા મારી આઈ પાસે રહેતો હતો. જેમ તમને અગાઉ કહ્યું હતું એમ, મારા એ દીકરાને ભેજવાળું વાતાવરણ માફક આવતું ન હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી. ડૉક્ટરે જ ડ્રાય વાતાવરણ હોય એવી જગ્યાએ તેને શિફ્ટ કરવો જોઈએ એવી સલાહ આપી એ પછી મારી આઈ પોતાની સાથે તેને વડોદરા લઈ ગઈ હતી. હવે તેને બીમારી નહોતી, પણ સાવધાનીરૂપે અમે તેને મુંબઈ નહોતા લાવ્યા, પણ વારતહેવારે તે મુંબઈ આવે અને અમારી સાથે રહે. મુંબઈ આવે ત્યારે તેને હું જોઉં જ જોઉં. મારો એવો લાડકો અને સાથોસાથ એટલો સમજુ પણ ખરો કે વડોદરામાં તે આઈને જરા પણ હેરાન ન કરે અને આઈ પણ તેની મા બનીને તેને સાચવે.
મારા એ દીકરા પછી મને એક દીકરી થઈ હતી, જેને તમે ઓળખો છો.

કેતકી. હા, કેતકી રસિક દવે.

મેં નાટકની શરૂઆત કરી ત્યારે કેતકી માત્ર દોઢેક વર્ષની હતી.

મેં તમને કહ્યું હતું એમ, મેં નાટકોની શરૂઆત પૈસાની દૃષ્ટિએ કરી હતી, પણ એમ છતાં ઘરમાં જૂના રીતરિવાજ મુજબની અમુક જાહોજલાલીઓ અકબંધ હતી. હું એ દૂર કરવા માટે તૈયાર હતી, પણ મમ્મા એટલે કે મારાં સાસુને કારણે એ થઈ શકતું નહોતું. ઘર આખું મમ્માના કહેવા મુજબ અને તેમની સિસ્ટમ મુજબ જ ચાલતું અને એટલે જ ઘરમાં હજી પણ નોકરચાકર અકબંધ હતા. નાટકો શરૂ કર્યા પછી મેં મારા અંગત ખર્ચ માટે રાજકુમાર સામે હાથ લંબાવવાનું છોડી દીધું હતું. હું મારી આવક મારાં બાળકો પાછળ જ ખર્ચતી અને વધે તો એમાંથી મારી જેકોઈ જરૂરિયાત હોય એ પૂરી કરવામાં વાપરતી. આ કોઈ ઈગો નથી, ઘમંડ નથી, પણ આ વાસ્તવિકતાનું પ્રમાણપત્ર છે. સાહેબ, તમને ખબર હોય કે હવે કુબેરનો ખજાનો ખાલી થઈ ગયો છે ત્યારે તમે કેવી રીતે એ કુબેરદેવતા પાસેથી અપેક્ષા રાખી શકો કે એ ધન આપ્યા કરે.

જો મારું ચાલ્યું હોત તો મેં એ ઘરના મોટા ભાગના ખોટા ખર્ચા, જે મને લાગતા હતા એ બંધ કરાવી દીધા હોત, પણ મારા હાથમાં કશું નહોતું અને જ્યારે તમારા હાથમાં કંઈ ન હોય ત્યારે સાહેબ, તમારે તમારો રસ્તો ચાતરવાનો હોય અને મેં એ જ કર્યું હતું.

હું મારો કે પછી મારાં બાળકોનો કોઈ ભાર પરિવાર પર ન આવે એનું ધ્યાન રાખવા માંડી હતી અને એ પછી પણ હું એ પરિવારની તમને કેટલીક વાત કરું. એ વાતો સાંભળીને તમે મૂંઝાઈ જશો કે તમારે કેવો પ્રતિભાવ આપવો જોઈએ. ખુશ થવું જોઈએ કે દુખી થવું જોઈએ? lll

છોકરાઓ માટે ઘરમાં આયા હોય, મોટાઓ માટે ઘરમાં નોકરચાકર હોય અને એ બધું જાણે કે કમ્પલ્સરી હોય એ રીતે હોય. તમે ઘરે દાળ-ભાત અને શાક-રોટલી બનાવો તો કેવી રીતે એ દાળ-શાકમાં કોથમીર નાખો એ કમ્પલ્સરી હોય એ જ રીતે. ડિટ્ટો એ જ રીતે આ ઘરમાં પ્રથા હતી કે નોકરચાકર વિનાનું ઘર હોય જ નહીં અને એવી પ્રથા પણ ખરી કે ઘરના દરેક નાના બાળક સાથે એક સર્વન્ટ તો હોય જ.

છોકરા સાથે એક નોકર અને જો છોકરી હોય તો તેની સાથે આયા એટલે એ રીતે કેતકી માટે આયા સતત ઘરમાં રહેતી. એ જે આયા હતી એ આયા ક્રિશ્ચિયન હતી, જે છેક બાંદરાથી આવતી હતી. બહુ સરસ રીતે તે બાળકોને સાચવે અને બાળકની સાથે જ રહે. કેતકીની જે આયા હતી એ લાંબા સમય સુધી સંપર્કમાં રહી, પણ પછી ધીમે-ધીમે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો.
હું ઘરમાં હોઉં ત્યારે કેતકીને આયા સાથે બહુ રાખતી નહીં. કેતકીનું મોટા ભાગનું કામ મેં જ જાતે કર્યું છે. આયા મને કહેતી પણ ખરી કે હું છું તો તમે શું કામ કરો છો. તેનો આ સવાલ સાંભળીને હું કહેતી, ‘મારી દીકરી છે, મારે જ તેનું કામ કરવાનું હોય...’
‘તો પછી હું અહીં શું કરું છું?’ આયા મને સ્વાભાવિક રીતે આ જ સવાલ કરતી અને પછી કહેતી, ‘મૅડમ, મને કરવા દો... બેબીનાં બધાં કામ હું કરીશ...’
મારા મોઢે એક જ વાત આવે.

‘ના, કામ બધાં હું કરીશ... હું ન હોઉં ત્યારે તું તેને તકલીફ ન પડે એ જોઈ લેજે... બાકી કામ તો મારે જ કરવાનાં હોય, હું તેની મા છું.’
‘પણ તો હું શું કરું?’
‘બસ, મારી સાથે વાતો કર...’
lll

મૉરલ ઑફ ધ સ્ટોરી, કેતકીના મુદ્દે મને બહુ ચિંતા નહોતી. મને હતું કે આયા બધું સંભાળી લેશે, પણ મારા માટે બે પ્રશ્નો હયાત હતા.

એક એ કે હું ન હોઉં અને કેતકીને મારી જરૂર પડી તો મારે શું કરવું અને પ્રશ્ન નંબર બીજો, મહામહેનતે હું જે શીખી છું એ બધું ફરી છોડીને મારે પાછું એ જ દિશામાં જવાનું, જે દિશાને હું પાછળ છોડીને આવી છું? 

- પણ સાહેબ, મારી પાસે ઑપ્શન નહોતો. બીજો કોઈ રસ્તો જ નહોતો જેના આધારે હું ના પાડી શકું કે પછી મને આવેલી ઑફરને હું ઠુકરાવી દઉં. બહુ લાંબી મથામણ પછી મને નાનકડો રસ્તો દેખાયો, જરાઅમસ્તી લાઇટ દેખાઈ કે જો એવું કરું તો કદાચ હું બન્ને રસ્તાને અપનાવી શકું અને બન્ને માર્ગ પર ચાલી શકું અને સાહેબ, મેં એવું જ કર્યું. મેં બન્ને રસ્તા પકડી રાખવાનું કામ કર્યું અને આજે, આટલાં વર્ષે હું તમને પણ કહું છું કે જ્યારે જીવનમાં વિટંબણા આવે ત્યારે ગમતા રસ્તાની સાથોસાથ તમારી જવાબદારીનો માર્ગ પણ પકડી લેજો. અપાર આત્મસંતોષ મળશે અને જ્યારે જીવનને પાછળ ફરીને જોતા હશો ત્યારે ખુશી થશે કે તમે તમારી જાત સાથે પણ અન્યાય નથી કર્યો અને તમે જવાબદારીઓથી ભાગવાનું કામ પણ નથી કર્યું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi