જુગારે તો કુટુંબોનાં કુટુંબ ખતમ કરી નાખ્યાં છે

16 August, 2022 05:07 PM IST  |  Mumbai | Sarita Joshi

ઘરમાં પાનાં રમવાની આદતને તો મેં સહજ માની લીધી, પણ એ પછી મને જ્યારે ક્લબની ખબર પડી ત્યારે હું અંદરથી ધ્રૂજી ગઈ. જુગાર તમારો શોખ હોય, વારતહેવારે તમે રમતા હો તો સમજી શકાય, પણ સવાર-બપોર-સાંજ તમારા મનમાં એ જ ચાલ્યા કરે તો તમારી ખુવારી કોઈ રોકી ન શકે

જૂના જમાનાની સુવિખ્યાત ઍક્ટ્રેસ શ્યામા. શ્યામા સાથે રાજકુમારે એક ફિલ્મ બનાવી હતી પણ એ ફિલ્મ ચાલી નહીં અને બહુ મોટી આર્થિક ખુવારી સહન કરવી પડી.

સમય પસાર થતો ગયો અને ધીરે-ધીરે હું ખટાઉ પરિવારની નજીક આવી, એ કુટુંબ વિશે પણ ખબર પડવાની શરૂ થઈ. તમે જેમ વધારે નજીક રહો એમ તમારી આત્મીયતા વધે અને જેટલું વધારે રહો એટલી તમને માણસની બીજી બાજુઓની પણ ખબર પડે. મારી સાથે પણ એવું જ થયું હતું. પરિવાર માટે આત્મીયતા વધતી ગઈ તો સાથોસાથ એવી વાતો પણ ખબર પડવાની શરૂ થઈ, જે મને ક્યારેય ખબર નહોતી. અરે, એ વિશે તો પૂછવાનું મેં વિચાર્યું સુધ્ધાં નહોતું.
સમય જતાં મને ખબર પડી કે મારા રાજકુમારે પોતાના પૈસે એક ફિલ્મ બનાવી હતી, જેમાં તે હીરો તરીકે હતા. ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ શ્યામા હતી, પણ ફિલ્મ ચાલી નહીં અને રાજકુમારને બહુ બધી મોટી આર્થિક નુકસાની ગઈ. શ્યામાનું નામ બહુ મોટું હતું, તેણે અનેક ફિલ્મો કરી, પણ ખબર નહીં, રાજકુમારવાળી ફિલ્મ કેમ પિટાઈ ગઈ. હશે, મેં એમાં કંઈ વધારે મગજમારી કરવાનું પસંદ કર્યું નહીં, પણ હા, જેમ-જેમ વાત ખબર પડતી ગઈ એમ-એમ અચરજ તો મને ચોક્કસ થતું હતું.
રાજકુમારના મોટા ભાઈનો કોઈ બિઝનેસ હતો, એમાં બધા ભાગીદાર, પણ પછી જેમ-જેમ આવક વધતી ગઈ એમ બધા છૂટા પડવાના શરૂ થઈ ગયા. રાજકુમાર સૌથી નાનો ભાઈ અને એને લીધે તે બહુ લાડકા પણ ખરા અને એટલે જ કદાચ મેં તેમને કામ વિશે વધારે વાતો કરતાં કોઈને જોયા નહોતા. એ પણ હું કહીશ કે તે મમ્માના એટલે કે તેમની મમ્મીના બહુ લાડકા. લાડકા એટલે સાચા અર્થના લાડકા. આ ઉંમરે પણ તેમના માટે તે નાના દીકરા જેવા જ હતા. 
મને તો ઘણી વાર નવીન પણ લાગતું કે આવી રીતે કેમ રહી શકાય. તમારા કામની તમને ખબર નથી, કામ ક્યાં થાય અને શું કરે છે એની કોઈને ખબર નથી અને એ પછી તમે ઘરમાં શાંતિથી રહી કેવી રીતે શકો?
થોડા સમય પછી મને ખબર પણ પડવા માંડી કે પૈસાની જરૂર પડે ત્યારે કંઈ ને કંઈ વેચવાની વાત ચાલતી રહેતી. હું તો શું બોલું આ બધામાં. મને તો કંઈ ખબર પડતી નહોતી. અરે, રૂપિયાની જે નોટો હોય એની પણ ખબર પડતી નહીં. રૂપિયાની નોટો પરથી યાદ આવ્યું કે એ સમયમાં મોટી-મોટી નોટો હતી. અત્યારે છે એના કરતાં તો ક્યાંય મોટી નોટો. સૌથી મોટામાં મોટી નોટ હજાર રૂપિયાની હતી. જો મારી ભૂલ ન થતી હોય તો એ એ હજારવાળી નોટ લાલ રંગની આવતી. હું તો બસ, એ ઘરમાં આવે અને ઘરમાંથી જાય એ જ જોયા કરું. હા, મારે કહેવું રહ્યું કે મને કોઈ વાતની તકલીફ નહોતી. જે જોઈતું હોય એ બધું મળી જતું, પણ દરેક વખતે ભૌતિક સુખ-સુવિધા જ મહત્ત્વનાં નથી હોતાં. જીવનમાં ઘણી વાર સાથ અને સહવાસ પણ બહુ મહત્ત્વના નથી રહેતા.
lll
સમય જતાં ઘણી વાર એવું બનતું કે બબ્બે દિવસ સુધી રાજકુમાર ઘરે ન આવે. આપણે જે પ્રકારની ફૅમિલીમાંથી આવતા હોઈએ એ જ મુજબની ધારણા સ્વાભાવિક રીતે બાંધી લઈએ. મને એમ જ હતું કે કામકાજના કારણે તેણે આ રીતે બહાર રહેવું પડતું હશે, પણ સમય જતાં ધીમે-ધીમે વાતો થવા માંડી. હું પણ ઘરના સદસ્ય તરીકે પ્રસ્થાપિત થઈ એટલે પછી રાજકુમાર આવે નહીં એટલે હું બીજા દિવસે પૂછું કે મમ્મી, એ આવ્યા કેમ નથી તો જે જવાબ મળ્યો એ સાંભળીને હું ખરેખર હેબતાઈ ગઈ.
‘એ પાનાં રમવા ગયો છે... આવી જશે.’
ઘરમાં પાનાં રમાતાં એ તો મેં જોયું હતું, પણ આમ બહાર?
વાત દરમ્યાન જ મને પહેલી વાર ખબર પડી કે પાનાં રમવા એ ક્લબમાં ગયો છે.
ક્લબ. 
સાહેબ, આ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો. એ શું હોય એની પણ ખબર નહીં અને ત્યાં જઈને શું કરવાનું હોય એની પણ કોઈ જાણકારી નહીં. એ દિવસે પહેલી વાર ખબર પડી કે ક્લબમાં જઈને પાનાં રમવાનાં હોય, પણ આ વાત મારે મન આકરી હતી એ તો હું અત્યારે પણ કહીશ. આજે આ વાત સાંભળીને ઘણાને નવાઈ લાગે, ઘણાને એમ પણ થાય કે એમાં શું છે, પણ આ એ સમયની વાત છે જે સમયે ક્લબ કલ્ચર ડેવલપ નહોતું થયું. એ બધું એંસીના દશક પછી ડેવલપ થયું. આજે લોકો ક્લબમાં જઈને પાનાં રમે છે એ હું જાણું છું, પણ સાવ સાચું કહું, મને આજે પણ આ વાત જ્યારે યાદ આવે ત્યારે થોડી બીક લાગે, થાય કે એવું ન કરવું જોઈએ. જે પૈસાને તમે પરસેવાની કમાણી કહો છો, જે ધનને તમે લક્ષ્મી કહો છો એને તમે જુગારમાં વચ્ચે રાખીને કેવી રીતે રમી શકો, તમારાથી એવું કામ થાય જ કેવી રીતે?
lll
નાની હતી ત્યારે મેં મારી આઈ પાસેથી મહાભારત અને રામાયણની વાર્તાઓ સાંભળી છે. મને આજે પણ યાદ છે કે મહાભારતની 
વાત કરતાં-કરતાં આઈ કહેતી કે જગતમાં સૌથી ખરાબ જો કોઈ હોય તો એ જુગાર છે. જગતનું સૌથી મોટું દૂષણ છે આ. કુટુંબોનાં કુટુંબ ખલાસ થઈ ગયાં આ જુગારમાં. અરે, મહાભારતમાં જ કેવડું મોટું દૃષ્ટાંત જુગારનું આપ્યું છે. એમાં પાનાં નહોતાં, ચોપાટ હતી, પણ હતો તો જુગાર જ અને એ જુગારમાં જ પાંડવોનું રાજપાટ ગયું. અરે, દરદાગીના ગયા અને કુટુંબની આબરૂ કહેવાય એવી દ્રૌપદીનું ચીરહરણ પણ આ જ જુગારના કારણે થયું હતું.
તમને યાદ હોય તો સાહેબ, મેં કહ્યું હતું તમને કે હું તો ‘લવકુશ’માં લવનું પાત્ર ભજવતી. ‘મહાભારત’માં પણ મેં પાત્રો ભજવ્યાં છે. હું નાની હતી એટલે મને નાનાં-નાનાં પાત્રો મળતાં અને શરીરે ભરાવદાર થઈ એટલે મને મહત્ત્વનાં પાત્રો મળતાં પણ થયાં. નળ-દમયંતીમાં હું દમયંતી બની છું. આ બધાં પાત્રો એવાં પાત્રો હતાં કે જે તમને જીવનમાં સાચી શીખ આપીને જાય અને એ જ શીખ તો મારા જીવનનું ભાથું હતું. એના આધારે તો મને સમજાયું હતું કે જીવનમાં કુટેવથી દૂર રહેવું એ એટલું જ હિતાવહ છે જેટલું રાક્ષસથી દૂર રહીએ. આ કુટેવ કોઈ દાનવથી સહેજ પણ નાની નથી.
જુઓ તો ખરા તમે, આપણાં કેટકેટલાં રજવાડાંઓ આ જ જુગારમાં ખતમ થઈ ગયાં, ધનોતપનોત નીકળી ગયું એમનું અને આ જ વાત, મારા મનમાં સતત ઘૂમરાયા કરે.
તમે મારી માનસિક હાલત જરા વિચારજો. મનમાં આ જ વાત ફર્યા કરે અને એને લીધે હું સતત ડર્યા કરું. સાહેબ, એક વાત યાદ રાખજો, દરેક માણસના મનમાં એક બાળક હોય છે જે તમને સતત ડરાવ્યા કરે. જો એનું નિરાકરણ ન થાય તો એ ડરની આવૃત્તિ મોટી થઈ જાય અને જો એ આવૃત્તિ મોટી થઈ તો પછી એ પોતાનું કામ ચાલુ કરી દે. તમને કોઈ જગ્યાએ ચેન લેવા ન દે, પરેશાની સતત તમારી આસપાસ ઊભી રાખ્યા કરે અને તમને સતત જગાડ્યા કરે. બસ, એવું જ થયું હતું મારી સાથે. 
હું સુખસાહ્યબી વચ્ચે હતી અને એ પછી પણ હું સતત ડર વચ્ચે જીવતી હતી. મને સતત કહેવાનું મન થયા કરે કે આ બધું બંધ કરો. નથી જોઈતી આવી કોઈ કુટેવ, પણ હું કહું કેવી રીતે, કેવી રીતે મારા મનની વાત કરું એની મને સમજ પડે નહીં અને સમજ પડે નહીં એટલે, પેલી ડરની આવૃત્તિ મોટી થયા કરે.

દરેક માણસના મનમાં એક બાળક હોય છે જે તમને સતત ડરાવ્યા કરે. જો એનું નિરાકરણ ન થાય તો એ ડરની આવૃત્તિ મોટી થઈ જાય અને જો એ આવૃત્તિ મોટી થઈ તો પછી એ પોતાનું કામ ચાલુ કરી દે. તમને કોઈ જગ્યાએ ચેન લેવા ન દે, પરેશાની સતત તમારી આસપાસ ઊભી રાખ્યા કરે અને તમને સતત જગાડ્યા કરે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi