તમે તો સ્ટાર છો, અમને તમારી જરૂર છે

25 April, 2023 05:56 PM IST  |  Mumbai | Sarita Joshi

‘ચંદરવો’ નાટક ફાઇનલ કરતાં પહેલાં મેં ઘણી શરતો મૂકી અને મારી એ બધી શરતો પ્રવીણ જોષીએ મંજૂર રાખી. મારી વાત પૂરી થઈ એટલે તેણે સહજ રીતે આ શબ્દો મને કહ્યા અને હું રીતસર ઊછળી પડી

સરિતા જોષી

હું થિયેટર છોડવા રાજી નથી, મારે નાટકો કરવાં છે, પણ હા, મને એવી ઇચ્છા ચોક્કસ થાય કે નાટક કરું તો એવાં નાટક કરું જે મને તૃપ્ત કરે. મારી અભિનયક્ષમતાને બહાર લાવે. જેડી અને આતિશનાં ઘણાં નાટકો મેં કર્યાં. તેમનાં નાટકોમાં મને મજા આવતી, મારે માટે એમાં ચૅલેન્જ રહેતી. 

‘નાટક માટે તો હું પૉઝિટિવ છું, પણ નાઇટનું કેવી રીતે છે?’
અમારી વાત ચાલતી હતી ‘ચંદરવો’ નાટકની. ગિરેશ દેસાઈએ પ્રવીણ જોષી સામે જોઈને મને જવાબ આપ્યો,
‘પચાસ રૂપિયા આપીએ છીએ અમે...’
નાઇટ સાંભળીને હું હેબતાઈ ગઈ.

‘હોતા હશે?!’ મેં તરત જ કહ્યું, ‘અમારી જૂની રંગભૂમિના બૅકસ્ટેજ આર્ટિસ્ટ આ નાઇટ લે છે...’
જવાબ આપ્યા પછી મેં તરત જ કહી પણ દીધું, ‘મને નથી લાગતું કે આપણું બજેટમાં...’
‘બજેટ આપણે નક્કી કરીએ... તમે જ મને કહો કે તમે કેટલામાં આ નાટક કરશો? આપણે કામ કરવાનું છે એ નક્કી છે, હવે તમે કહો કે તમારે કેટલામાં આ નાટક કરવું છે?’ પ્રવીણે સ્પષ્ટતા સાથે કહ્યું, ‘અમે બધાને ૫૦ આપીએ છીએ. તમે હરિને ઓળખો જ છો...’
હરિ એટલે હરિ જરીવાલા, સંજીવકુમાર.
‘હરિને અમે પહેલાં ૨૦ આપતા હતા, હવે ૫૦ આપીએ છીએ...’ પ્રવીણે સૌજન્યશીલતા સાથે કહ્યું, ‘તમે પૂછી જુઓ તેને.’

પ્રવીણનું મને ‘તમે’ કહેવું જરા વિચિત્ર લાગતું હતું અને લાગે પણ ખરું. તે મારાથી ક્યાંય વધારે ટૅલન્ટેડ. બધા તેમની સાથે માત્ર એક વાર વાત કરવા રીતસર તેની આગળ-પાછળ ફરે અને એ મેં મારી સગી આંખે જોયું હતું. પ્રવીણભાઈ, પ્રવીણભાઈ કરતાં બધા બૅકસ્ટેજમાં તેની આગળ-પાછળ આંટા મારતા ફરતા હતા અને તે મને ‘તમે’નું સંબોધન કરે?
તેની આ શાલીનતાથી જ હું તેના તરફ આકર્ષાઈ હતી એવું કહું તો ખોટું નહીં કહેવાય. મારા મનમાં આ વિચારો ચાલતા હતા એ દરમ્યાન જ મારા અંતરાત્માએ જવાબ આપ્યો કે ના, આ નાટક જવા તો નથી દેવું અને મેં ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સીધી હા પાડી દીધી.
‘નક્કી, હું નાટક કરું છું, પણ મને થોડી ફેવર જોઈએ છે...’ મેં કહ્યું, ‘સેટરડે-સન્ડે હું બિઝી હોઉં છું એટલે તમને હું ઓડ-ડે આપવા તૈયાર છું અને ઓડ-ડેમાં મને નાઇટના ૫૦ રૂપિયા સામે વાંધો નથી, પણ હા...’

નાનકડો પૉઝ લીધો કે તરત જ પ્રવીણે મને કહ્યું, ‘બોલી નાખો, મનમાં જે હોય એ...’
‘શો સમયે જો હું ટ્રેનમાં સફર કરીશ તો ફર્સ્ટ ક્લાસમાં જ કરીશ અને કાં તો મને ફ્લાઇટ જોઈશે...’
‘મંજૂર...’ કો કંઈ બોલે એ પહેલાં જ પ્રવીણે મને હા પાડી દીધી, ‘ઠીક છે, ફર્સ્ટ ક્લાસ મંજૂર છે...’
‘મને એક હેલ્પર જોઈશે અને મેકઅપમૅન મારો જ હશે...’
‘કબૂલ...’ ફરીથી પ્રવીણની હા આવી, ‘તમે કહેજો કોને મેકઅપ માટે કહી દેવાનું છે, હું જ વાત કરી લઈશ ને તમને જે હેલ્પર ફાવે તેની પણ અમારા તરફથી હા છે.’
‘એ લોકોના પૈસા...’

‘નૅચરલી, એ પૈસા કંપની ભોગવશે... એ થોડું તમારે કહેવાનું હોય.’
મેં જે કહ્યું એ બધામાં હા, મારી બધી ટર્મ્સ-કન્ડિશનમાં પણ પ્રવીણે હસતાં-હસતાં હા પાડી અને પછી વાતવાતમાં ટોન્ટ પણ પર માર્યો,
‘તમે તો સ્ટાર છે, મને આપની જરૂર છે.’ 
મને આશ્ચર્ય થયું કે હું સ્ટાર છું, મેં એ ટોન્ટનો જવાબ પણ ત્યારે જ આપી દીધો, ‘ઓહ, આ મને ખબર નહોતી... સારું થયું તમે જાણ કરી.’
‘ના, ખરેખર કહું છું.... તમારી વાતો થાય છે, તમારાં નાટકો સારાં જાય છે, ફિલ્મોમાં તમારું નામ હોય છે એટલે લોકો જોવા જાય છે...’ પ્રવીણે હવે ખરા મનથી જવાબ આપ્યો, ‘અફકોર્સ, તમે સ્ટાર છો અને ગુજરાતી થિયેટરને તમારા જેવા સ્ટાર્સની જરૂર છે. સ્ટાર્સ તો થિયેટર સુધી નવી ઑડિયન્સ લાવે છે. સ્ટાર થકી તો ઑડિટોરિયમને નવો પ્રેક્ષક મળે છે.’
વાત જરા ખોટી પણ નથી.

આજે પાછળ ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે થિયેટર સુધી ઑડિયન્સને લઈ આવવાનું કામ આપણા આ સ્ટાર્સ જ કરતા હોય છે અને એ નવો વર્ગ લઈ આવે છે. તમે જુઓ, પરેશ રાવલ કે પછી મનોજ જોષી જેવા ઍક્ટરની લાઇવ ઍક્ટિંગ જોવા માટે નવી જનરેશન તરત જ તૈયાર થઈ જાય છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ કેવું સરસ માર્કેટ ફિલ્મોમાં ઊભું કર્યું છે, પણ એમ છતાં તેણે થિયેટર કરવાનું ચાલુ રાખ્યું છે અને એની અસર પણ તેનાં નાટકોમાં જોવા મળે છે. મારી બાબતમાં પણ એવું બને છે. હું પણ થિયેટર છોડવા રાજી નથી, પણ હા, મને એવી ઇચ્છા ચોક્કસ થાય કે હવે નાટક કરું તો એવાં કરું જે મને તૃપ્ત કરે. મારી અભિનયક્ષમતાને બહાર લાવે. જેડી અને આતિશનાં ઘણાં નાટકો મેં કર્યાં. તેમનાં નાટકોમાં મને મજા આવતી, મારે માટે એમાં ચૅલેન્જ રહેતી. આવા જ બીજા પણ ડિરેક્ટર-પ્રોડ્યુસર છે જેનાં નાટકો કરીને મને આનંદ થાય, પણ અફસોસ સાથે કહું તો, આજકાલ એવી સ્ક્રિપ્ટ આવતી નથી જે સાંભળીને તમને થઈ આવે કે સાહેબ, આ નાટક તો કરવું જ પડે હોં!
lll
એ દિવસે મેં પહેલી વાર આ ‘સ્ટાર’ શબ્દ સાંભળ્યો હતો.

હું સાચે જ ખૂબ ખુશ થઈ ગઈ હતી. જો શબ્દો ચોર્યા વિના કહું તો હું અંદરથી ગદ્ગદિત થઈ ગઈ હતી. મને ઊછળી પડવાનું મન થયું કે અચ્છા, આ લેવલ મારું થઈ ગયું છે, હું સ્ટાર બની ગઈ છું. આ સ્ટાર શબ્દ તો રાણી પ્રેમલતા સાથે, શાંતા આપ્ટે સાથે જોડાતો હતો. અરે, મારી બહેન પદ્‍મારાણીના નામ સાથે પણ જોડાયો હતો. પદ્‍માનાં ‘મોટા ઘરની વહુ’ અને ‘પાનેતર’ નાટકો બહુ ચાલ્યાં એટલે તે પણ હવે સ્ટાર કહેવાતી. ‘પટરાણી’ નાટકમાં તે પોતે લીડ ઍક્ટ્રેસ હતી. હું તો કૉમિકમાં હતી એટલે એ સમયે પણ લોકો પદ્‍માને જ સ્ટાર કહેતા અને અત્યારે, આ સમયે મને પ્રવીણ કહે છે કે તમે તો સ્ટાર છો, અમને તમારી જરૂર છે.
બહુ નાનપણથી મેં શરૂઆત કરી હતી. કોરસમાં ઊભા રહેવું, પછી બેચાર લાઇન સાથે નાટકના રોલ કરવા અને એ બધાથી આગળ વધતાં-વધતાં અહીં સુધી પહોંચી. નાટકો અને નવી રંગભૂમિનાં નાટકો કર્યાં. એ પછી ફિલ્મો આવી અને એ પછી તો આ યાત્રા બસ આમ જ આગળ વધતી ગઈ અને હવે, હવે મને કોઈ સ્ટાર કહે છે.

સાહેબ, આ સ્ટાર હોવું એ નાની વાત નથી. એને માટે બહુ મહેનત કરવી પડે છે. મારા સમયના હવે તો કોઈ સ્ટાર રહ્યા નથી, પણ આજના આ જેકોઈ સ્ટાર કહેવાય છે તેમને એક વાર પૂછજો. સ્ટાર બનો એટલે બધી જવાબદારી તમારા પર આવી. દોષ પણ તમારો જ ગણાય અને નિષ્ફળતા પણ તમારી જ લેખાય. સફળતાનો આ જ સૌથી મોટો અપજશ છે કે એ આવનારી નિષ્ફળતા પણ તમારા 
શિરે જ મૂકે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists sarita joshi