તું આઇસક્રીમ ખાઈશ?!

30 May, 2023 05:06 PM IST  |  Mumbai | Sarita Joshi

ભાષા તમને ગળથૂથીમાં મળે. એ માતૃભાષા કેવી રીતે ભુલાય જે સાંભળીને તમે મોટા થયા હો, જેનો પહેલો શબ્દ તમે ‘આઇ’ શીખ્યા હો અને માને બોલાવવાની તમે શરૂઆત કરી હોય. હું હંમેશાં કહેતી હોઉં છું કે મરાઠી મારી દેવકી મા છે અને ગુજરાતી મારી યશોદામૈયા છે.

ચાલો ત્યારે, આ બધામાંથી પ્રવીણ જોષીને ઓળખી બતાવો જોઈએ.

સહેજ ચાળા પાડીને હસતાં-હસતાં પ્રવીણ જોષીએ મને પૂછ્યું અને હું તરત જ સમજી ગઈ કે આ વાત મારાથી ટિપિકલ મરાઠી લહેકા સાથે કહેવાઈ છે અને એટલે જ પ્રવીણ આમ મજાક કરે છે. પ્રવીણની એ મજાકમાં નાના બાળક જેવી લાગણી હતી. પ્રવીણે ભાગ્યે જ આવી રીતે કોઈ સાથે વાત કરી હશે

હોટેલ તાજ.

આપણે વાત કરતા હતા હોટેલ તાજમાં થયેલી મારી અને પ્રવીણ જોષીની મીટિંગની. પેલી ફ્રાન્સની ડિઝાઇનર આવવાની હતી તેને મળવા માટે મને પ્રવીણે હોટેલ તાજની રેસ્ટોરાંમાં બોલાવી અને હું ત્યાં ગઈ. તાજની જે બેકરી હતી એ બેકરીના આગળના ભાગમાં રહેલા ટેબલ પર પ્રવીણ બેઠા હતા. તે કંઈ લખતા હતા અને લખતાં-લખતાં વિચાર પણ કરતા જતા હતા. વિચારોમાં જ અચાનક તેનું ધ્યાન મારા પર ગયું અને તેણે તરત જ ઊભા થઈને મને આવકારો આપ્યો.

‘અરે આવો... આવો...’ મને અત્યારે, આ ક્ષણે એ પણ યાદ છે કે હું એ ટેબલ પાસે ગઈ કે તરત જ તેણે અદબ સાથે મને ખુરસી ખેંચી દીધી. હું બેઠી એ પછી તે પોતાની જગ્યા પર ગયા અને બેઠા. આ જે તહઝીબ છે, આ જે શિષ્ટાચાર છે એ માત્ર ને માત્ર એક ડિરેક્ટર અને એક ઍક્ટ્રેસ વચ્ચેના સંબંધો જ નથી દર્શાવતા, પણ આ જે શિષ્ટાચાર છે એ એક પુરુષનો સ્ત્રી પ્રત્યેનો આદર પણ દર્શાવે છે અને એ જ સૌથી વધારે મહત્ત્વનું છે.

ઍનીવે, મીટિંગની વાત પર આવીએ. 
એ સમયે ત્યાં કૉસ્ચ્યુમ-ડિઝાઇનર આવવાની હતી, જે પૅરિસની હતી અને નાટકમાં મારે એ કૉસ્ચ્યુમ્સ પણ પહેરવાનાં હતાં તો મારી લૅન્ગ્વેજમાં પણ મારે એક ડિઝાઇનરની હોય એ પ્રકારની છાંટ રાખવાની હતી. પ્રવીણ પોતાની વાત કરતા રહ્યા કે મારે શું-શું ઑબ્ઝર્વ કરવાનું છે. ‘હું તો એ કરીશ જ, પરંતુ તમે પણ એ બધી વાત પર ધ્યાન રાખજો... તમારું કૅરૅક્ટર ઑથેન્ટિક થઈ જશે...’ મારું ધ્યાન પ્રવીણ પર અને તેની પાછળ રહેલા પેલા પેઇન્ટિંગ પર સ્થિર થઈ ગયું હતું. સાત ઘોડા દેખાડતું એ પેઇન્ટિંગ પણ અદભુત હતું. એના કલર કૉમ્બિનેશન, એનું બૅકગ્રાઉન્ડમાં રહેલું પાણી અને પાણી પર રહેલું આસમાની રંગનું આકાશ અને ફ્રન્ટ ભાગમાં રહેલા એ શ્વેત રંગના અશ્વો. એવું જ લાગે જાણે કે એ હમણાં જ બહાર આવશે અને આપણી પાસે આવીને ઊભા રહી જશે.

‘અરે, પૂછતાં ભૂલી ગયો...’ પ્રવીણે મને પૂછ્યું, ‘તમે શું લેશો? ચા, કૉફી કે પછી... તમને આઇસક્રીમ...’ વાત કરતાં-કરતાં જ તેને અચાનક યાદ આવ્યું એટલે તેણે તરત જ કહ્યું.
‘અરે, અહીં કૉફી આઇસક્રીમ બહુ સરસ મળે છે. નૅચરલ કૉફીમાંથી આઇસક્રીમ બનાવે છે એ આઇસક્રીમ આ લોકોની સ્પેશ્યલિટી છે.’ પ્રવીણે સ્પષ્ટતા પણ કરી, ‘ઍક્ચ્યુઅલી એવું મને લાગે છે. જો તમને આઇસક્રીમ જોઈતો હોય તો કૉફી આઇસક્રીમ મગાવો, ખરેખર બહુ મજા આવશે....’ આઇસક્રીમનું નામ સાંભળીને કોણ ના પાડી શકવાનું?! આઇસક્રીમનું નામ મારી સામે પડે ત્યારે હું તો નાના બાળક જેવી થઈ જઉં. આજે પણ, અત્યારે પણ મને આ વાત કહેતી વખતે પણ આઇસક્રીમની વાતથી મોઢામાં પાણી આવવા માંડ્યું છે, પણ સાચું કહું તો મોઢામાં આવતા આ પાણી કરતાં પણ મનમાં જૂની યાદોની મીઠાશ હૈયામાં વધારે પ્રસરેલી છે.

‘હા...’ મેં તરત જ કહ્યું, ‘હું આઇસક્રીમ ખાઈશ...’ પ્રવીણ મારી સામે જોઈ રહ્યા અને પછી તેણે ધીમેકથી કહ્યું... ‘તું આઇસક્રીમ ખાઈશ...’ આ તેમની મજાક હતી, જે મારા બોલવાના લહેકા પરથી તેમણે કરી હતી. મને અત્યારે પણ યાદ છે કે એ સમયે મારો લહેકો ટિપિકલ મહારાષ્ટ્રિયન જેવો થઈ ગયો હતો. આજે પણ તમે જોતા હશો સાહેબ, મારા અમુક-અમુક શબ્દો એવા આવતા હોય જે ટિપિકલ ગુજરાતી ન હોય. હું અગાઉ કહી ચૂકી છું અને અત્યારે પણ કહું છું કે હું કર્મે ગુજરાતી છું, પણ મારી માતૃભાષા તો મરાઠી જ છે અને આ બન્ને ભાષા સાથે મારી આત્મીયતા રહી હોવાનું મને ગૌરવ છે.

lll

ભાષા તમને ગળથૂથીમાં મળે. એ માતૃભાષા કેવી રીતે ભુલાય જે સાંભળીને તમે મોટા થયા હો, જેનો પહેલો શબ્દ તમે ‘આઇ’ શીખ્યા હો અને માને બોલાવવાની તમે શરૂઆત કરી હોય. હું હંમેશાં કહેતી હોઉં છું કે મરાઠી મારી દેવકી મા છે અને ગુજરાતી મારી યશોદામૈયા છે. એકે મને જન્મ આપ્યો અને બીજાએ મને પોતાની પાસે રાખીને મોટી કરી, બળવત્તર બનાવી. યશોદાનું ઋણ ભૂલી ન શકું એમ મા દેવકીનું ઋણ પણ ક્યારેય વિસરી ન શકું. આજે જે હું લખું છું એ ગુજરાતી યશોદામૈયાના આશીર્વાદ છે, ગુજરાતી રંગભૂમિ પર જુઓ છો એ યશોદામૈયાના શુભાશિષ છે. તમે મને જે ટીવી-ફિલ્મોમાં જુઓ છો એ મારી મરાઠીની કૃપા છે. આ બધા માટે જેમ હું અત્યારે મારી એ બન્ને માઓની આભારી છું એટલી જ આભારી હું તમારી પણ છું મારા પ્રેક્ષકો. જો તમે ન હોત, જો તમે એવી અપેક્ષા ન રાખતા હોત કે હું સ્ક્રીન પર આવું અને તમે મને પર્ફોર્મ કરતા જુઓ તો એ શક્ય ન બન્યું હોત. નાનપણથી આજ સુધી તમે એ અપેક્ષા રાખી અને એ અપેક્ષાઓને ફળીભૂત કરવાની મેં કોશિશ કરી. સાહેબ, તમારા દરેકનો ખરા મનથી, ખરા દિલથી આભાર.
lll

અમે આઇસક્રીમ મગાવ્યો અને એ જ સમયે પેલી ફ્રાન્સની જે લેડી હતી તે આવી ગઈ એટલે આઇસક્રીમ ખાતાં-ખાતાં અમારી વાત શરૂ થઈ. એ લેડી દરેક વાત કરે. કપડાંની, એના કલર કૉમ્બિનેશનની, એની ડિઝાઇનની અને એ ડિઝાઇન કેવી રીતે વ્યક્તિને કમ્ફર્ટેબલ રહે એની. દરેક વાતનો તેની પાસે જવાબ હોય અને એ જવાબ પણ એકદમ ઉચિત હોય. તેણે જે-જે ડિઝાઇનો બનાવી હતી એ બધાના તેની પાસે સ્કેચ હતા. સ્કેચ હાથમાં લઈને પ્રવીણને તે દેખાડતી જાય અને કહેતી પણ જાય કે આ નાઇટી આવશે, આ એના પરનો હાઉસકોટ. નાઇટીનું મટીરિયલ આવું રહેશે અને હાઉસકોટનું મટીરિયલ આવું રહેશે. હું તે ડિઝાઇનરની ડિઝાઇન જોતી જઉં, તેની વાત સમજતી જઉં અને તેના એકેએક શબ્દ સાથે બદલતા જતા એક્સપ્રેશન પણ એકદમ ધ્યાનથી જોતી જઉં. સાથોસાથ હું એ શબ્દોની પણ મનમાં નોંધ કરતી જઉં જેનો ઉપયોગ તે વારંવાર કરતી હતી.

માણસને અમુક આદત હોય છે. વાત કરતાં-કરતાં ઘણા લોકો જાતજાતના એક્સપ્રેશન આપે તો સાથોસાથ અમુક શબ્દોનું રિપીટેશન બહુ કરે. ઘણાને એવું હોય કે તે લાંબી વાત કરે તો વચ્ચે-વચ્ચે બોલ્યા કરે ‘સાચું કહું છું’, તો ઘણાને વાતચીત દરમ્યાન એક શબ્દ બબ્બે વાર બોલવાની આદત હોય. કોઈ-કોઈ વાતચીત દરમ્યાન વારંવાર આંગળીના ટચાકા ફોડ્યા કરે તો કોઈ-કોઈ વાત કરતાં-કરતાં પોતાના નાકને વારંવાર સ્પર્શ કર્યા કરે. પ્રવીણની પણ એક આદત હતી, જે કદાચ કોઈએ નોટિસ કરી નહીં હોય.

તે આંખમાં આંખ નાખીને વાત કરે. વ્યક્તિ કોઈ પણ હોય, પ્રવીણ વાત કરતી વખતે આંખોમાં જ જુએ અને એ પણ એવી રીતે જુએ જાણે કે તેની દૃષ્ટિ આરપાર પસાર થઈ જવાની હોય. પ્રવીણની આંખમાં આંખ નાખીને જોવાની એ જે રીત હતી એમાં નરી પ્રામાણિકતા હતી. જો કોઈ તેની સાથે છેતરપિંડી કરવાનું વિચારતું સુધ્ધાં હોય તો પણ પ્રવીણની એ નજરમાં રહેલી પ્રામાણિકતાથી ડરીને તે મનના વિચારો બદલી નાખતો અને ખરું કહું, પ્રવીણ ભારોભાર પ્રામાણિક હતા, ભારોભાર. તેનામાં લેશમાત્ર કપટ નહોતું અને તેની એ જ લાગણીઓએ પ્રવીણને ગુજરાતી રંગભૂમિના સરતાજ બનાવ્યા. ખોટું કહેતી હોઉં તો સાહેબ, તમારું જૂતું ને મારું માથું હં...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi