લે, પ્રસાદ છે, કૃપા થશે માતાજીની

11 January, 2022 12:25 PM IST  |  Mumbai | Sarita Joshi

આવું કહ્યું એટલે મેં ડાન્સ-માસ્ટરના હાથમાં જે થાળી હતી એમાંથી પ્રસાદ લીધો, પણ પ્રસાદ ખાધાની પાંચ મિનિટમાં જ મને ચક્કર આવવાનું શરૂ થઈ ગયું. આજુબાજુનું બધું ફરવા માંડ્યું, એ રૂમમાં હું એકલી, રૂમનું બારણું અંદરથી બંધ

આ છે અમારી નાટક-કંપનીના માલિક ફરીદુન ઈરાની અને તેમનાં દીકરા-દીકરી, અરુણા ઈરાની અને ઇન્દ્રકુમાર. ઈરાની શેઠનો ફોટો કેટલો જૂનો હશે એ જરા વિચારજો.

તા થૈ, તત્ થૈ...
આપણે વાત કરતાં હતાં મારા કથકના ક્લાસની. મેં ક્લાસ શરૂ કર્યા અને હું બહુ ઝડપથી પિકઅપ પણ કરવા માંડી. મેં તમને ગયા મંગળવારે કહ્યું હતું કે પદ્‍માને બહુ નવાઈ લાગી હતી કે મારી ફી શું કામ લેવાતી નથી. મેં બધેબધા સવાલના જવાબ આપ્યા અને તેને કહ્યું પણ ખરું કે આપણે નાટકમાં કામ કરીએ છીએ એ વાત તેમને બહુ સારી લાગી છે. પદ્‍માએ પછી કશું વધારે પૂછ્યું નહીં અને આમ મારા ક્લાસ આગળ વધ્યા. તે મારા ક્લાસનું ધ્યાન પણ રાખે. થોડું વધારે કામ તેણે કરવું પડે તો કરી લે અને ક્લાસમાંથી પાછી આવું તો મારે માટે ગરમાગરમ નાસ્તો પણ તૈયાર કરી રાખે.
એક દિવસ હું ગઈ ક્લાસમાં. મારી સાથે એ દિવસે મારી એક બહેનપણી હતી. બહેનપણી સાથે હું તો પહોંચી ગઈ ડાન્સ-ક્લાસમાં. એ દિવસે કોઈ તહેવાર જેવું હતું એટલે સાડાત્રણ વાગ્યાના ક્લાસ વહેલા પૂરા થઈ ગયા હતા. આવ્યા પણ ઓછા લોકો હતા અને જેઓ આવ્યા હતા તેઓ પોતાની પ્રૅ​ક્ટિસ કરીને નીકળી ગયા હતા. હું અને મારી બહેનપણી બન્ને પહોંચ્યાં તો ક્લાસ આખો ખાલી, પણ મને જોઈને ડાન્સ-માસ્ટર તરત બહાર આવ્યા અને આવીને મને કહે કે ‘ઇન્દુ, તું અહીં બેસજે. આમ પણ તારે તો રાતે ૯ વાગ્યાનો શો છેને?’
મેં તેમને સમજાવ્યું કે શો રાતે ૯ વાગ્યાનો છે, પણ મારે જવું પાંચ વાગ્યે પડે. કલાક પહોંચવામાં થાય અને ૬ વાગ્યે મેકઅપ શરૂ થાય. એ પછી અમારા કૉસ્ચ્યુમ અને જ્વેલરી ને એ બધું સરખું કરવાનું ને જેમ-જેમ એ પહેરવાનાં હોય એમ-એમ બધી તૈયારીઓ પણ કરતાં જવાનું. એ પછી પણ મને એ ડાન્સ-માસ્ટર આગ્રહ કરવા માંડ્યા. 
‘અરે, થશે એ બધું, તું બેસને નિરાંતે...’
કોણ જાણે કેમ, પણ મને તેઓ આગ્રહ જ કર્યા કરે અને એ આગ્રહ દરમ્યાન મારી બહેનપણી નીકળી ગઈ. હું એકલી જ ત્યાં રહી ગઈ અને બીજું પણ કોઈ મને દેખાય નહીં ત્યાં. હું અને પેલા ડાન્સ-માસ્ટર બે જ જણ. ડાન્સ-માસ્ટર મારી સાથે નાટકને લગતી, કથકને લગતી વાતો કરતા જાય. હું જવાબ આપતી જાઉં, પણ મારી નજર ચારે બાજુએ ફર્યા કરે. થોડી વાર થઈ ત્યાં ડાન્સ-માસ્ટર ઊભા થઈને પૂજાના પ્રસાદ જેવો થાળ લઈને આવ્યા અને મારી સામે ધર્યો,
‘પ્રસાદ છે, લે...’
મેં થાળીમાં જોયું.
લાડવા કેવા હોય એવા જ લોટમાંથી એ પ્રસાદ બન્યો હોય એવું લાગતું હતું, પણ લાંબી-લાંબી સ્ટિક જેવો એ દેખાતો હતો. આપણી આંગળી હોય એટલાં લાંબા અને એ પણ લોટમાંથી બનેલા. 
‘અરે, જુએ છે શું? લે, પ્રસાદ છે, કૃપા થશે માતાજીની.’
મેં સહેજ ખચકાટ સાથે એ પ્રસાદ હાથમાં લીધો. જો ત્યાં બહુ બધા હોત અને ક્લાસ ચાલુ હોત તો મારો કૉન્ફિડન્સ જુદો હોત અને મેં વધારે પ્રસાદ લીધો હોત, પણ હું એકલી હતી અને એકલાં હોઈએ ત્યારે તમારે તમારી સજાગતા વધારી દેવાની હોય. મારી સાથે એવું જ બન્યું હતું. હું સજાગ થઈ ગઈ હતી. સાવ અનાયાસ જ, પણ છોકરીઓને હું કહીશ કે આવી સજાગતા હોવી જોઈએ. સમય બહુ ખરાબ ચાલે છે ત્યારે તમારામાં સમયને પારખવાની અને સંજોગોને ચકાસવાની ક્ષમતા ડેવલપ કરજો. કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે એટલે એ ભેદરેખાને પણ સમય મુજબ ઓળખતાં શીખજો. 
lll
પ્રસાદ મેં મોઢામાં મૂક્યો, મીઠો હતો એ પ્રસાદ. જરાઅમસ્તો ખાધો અને ગળા નીચે ઉતાર્યો કે પાંચેક મિનિટમાં જ મને ચક્કર આવવા માંડ્યાં. ધીમાં પણ સ્થિર ઊભાં ન રહી શકીએ એવાં. કોણ જાણે કેમ પણ ભગવાને મારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત કરી દીધી કે શું પણ મારા મનમાં એ અવસ્થા વચ્ચે પણ વિચારોનાં ઘોડાપૂર ઊમટ્યાં. આ માણસે મને એકલી જ બેસાડી છે. બધા ચાલ્યા ગયા છે તો પણ મને બેસવાનું કહે છે. કંઈક તો છે, કંઈક એવું છે જે સામાન્ય નથી લાગતું. 
એ ચાલ જેવો એરિયા હતો. લાંબી ચાલી હોય અને એમાં લાઇનસર બધાની રૂમ હોય. ચાલમાં બધાના દરવાજા ખુલ્લા હોય એટલે જો એક વાર હું ક્લાસનો દરવાજો ખોલી નાખું તો હું સલામત છું. મને આટલું સમજાયું એટલે હું દરવાજો ખોલવા પાછળ હટી, પણ મને તરત જ પેલા ડાન્સ-માસ્ટરે પૂછ્યું,
‘શું થયું, ક્યાં જાય છે?’
‘ઊલટી જેવું લાગે છે...’
તેણે મને રોકવાની કોશિશ કરી, તેઓ કંઈક બોલતાં-બોલતાં ઊભા થયા, પણ હું તો એકદમ ભાગી. સાહેબ, મારી જિંદગીમાં એટલાં ચક્કર મને ક્યારેય નથી આવ્યાં અને ચક્કર આવતાં હોવા છતાં હું આટલી ઝડપથી ક્યારેય ભાગી નથી, પણ કહોને, ઈશ્વર. ભગવાને જ મને અંદરથી ધક્કો માર્યો હતો બહાર નીકળવા અને એ ધક્કા પછી હું સીધી અટકી મારા ઘરે.
ઘરે ઉપર પહોંચી ત્યાં સુધીમાં તો મારા પગમાંથી બધી તાકાત ઓસરી ગઈ હતી. માથું એકદમ ચકરાવા લેવા માંડ્યું હતું અને એમ જ લાગતું હતું કે આ જ ઘડીએ હું બેહોશ થઈ જઈશ. રૂમમાં જેઓ અમારી સાથે રહેતા હતા એ લોકો બધા જોવા લાગ્યા કે આને થયું શું. ઘરમાં જઈને મેં સીધું પથારીમાં પડતું મૂક્યું. થોડી વારમાં મને ઊલટી જેવું લાગવા માંડ્યું. પદ્‍મા પણ થોડી વાર માટે ગભરાઈ ગઈ. તે દોડીને મારે માટે લીંબુપાણી લઈ આવી. મને ઊલટી જેવું થાય, પણ ઊલટી થાય નહીં. બધાએ પદ્‍માને કહ્યું કે આણે કંઈક ખાઈ લીધું લાગે છે, ઊલટી થઈ જશે તો રાહત થશે. પદ્‍માએ મોઢામાં આંગળાં નાખીને મને ઊલટી કરાવી અને બે કે ત્રણ ઊલટી કર્યા પછી મને રાહત થઈ ગઈ.
મને ભાંગ જેવું કશુંક ખવડાવી દીધું હતું, જેને લીધે મને ચક્કર ચાલુ થયાં હતાં. ઊલટી પછી એ ચક્કર ઓછાં થયાં અને હું સૂઈ ગઈ. મને આજે પણ યાદ છે કે હું છેક સાંજે ૭ વાગ્યે જાગી. પદ્‍‍મા અધ્ધરશ્વાસે ત્યાં જ બેઠી હતી. પછીથી મને ખબર પડી કે તેણે અમારી નાટક-કંપનીમાં આજે નહીં આવી શકે એવું કહેવડાવ્યું હતું. અમારી સાથે જેઓ રહેતા હતા એ બધા અમારી નાટક-કંપનીવાળા જ હતા. એ લોકોએ પણ જઈને મારી તબિયત વિશે વાત કરી હતી એટલે ઈરાની શેઠે એ દિવસે સાચવી લીધું.
જાગીને મેં પદ્‍માને બધી વાત કરી. તે મને કશું બોલી નહીં ને આખી વાત સાંભળીને તેણે મને એક લાફો માર્યો. હું કંઈ કહું એ પહેલાં મને કહે, ‘ચાલ, મને લઈ જા તારા એ ડાન્સવાળાને ત્યાં.’ મેં કહ્યું ‘ના, એવું નથી કરવું આપણે.’
મેં એ દિવસે પદ્‍‍માને બાંયધરી પણ આપી કે હું હવે ક્યારેય એ બાજુએ નહીં જાઉં અને એ પછી હું ક્યારેય ડાન્સ શીખવા નહોતી ગઈ, ક્યારેય નહીં.
lll
આ ઘટના સાથે જોડાયેલી આગળની ઘણી વાત મારે તમને કહેવી છે, પણ એ પહેલાં તમને જરા ચેતવવાના છે. પેલો કોરોના પાછો આવી ગયો છે. જરા સાવચેત રહેજો અને ઘરમાં સૌકોઈનું ધ્યાન રાખજો અને કોઈ હેરાન ન થાય અને કોઈને તમારા થકી હેરાનગતિ ન થાય એની ચીવટ રાખજો. આ કોરોના સામેનો આપણો છેલ્લો જંગ છે એવું બધા ન્યુઝવાળા કહે છે અને એવું જ હોય તો આ છેલ્લા જંગમાં કોરોનાને બરાબરની હાર આપીને માનવસમુદાયને જિતાડવામાં સહભાગી બનીએ.

છોકરીઓમાં સજાગતા હોવી જોઈએ. સમય બહુ ખરાબ ચાલે છે ત્યારે તમારામાં સમયને પારખવાની અને સંજોગોને ચકાસવાની ક્ષમતા ડેવલપ કરજો. કૉન્ફિડન્સ અને ઓવર-કૉન્ફિડન્સ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે એટલે એ ભેદરેખાને પણ સમય મુજબ ઓળખતાં શીખજો.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists sarita joshi