સરદાર - ધ ગેમ-ચેન્જર - પ્રકરણ ૩૫

22 April, 2019 01:53 PM IST  | 

સરદાર - ધ ગેમ-ચેન્જર - પ્રકરણ ૩૫

 


ગીતા માણેક

‘મિ. ગાંધીની સ્મશાનયાત્રાની સ્પેશ્યલ ટ્રેન દોડાવી દેશભરમાં ફેરવીએ. જે કરોડો લોકો તેમને ચાહતા હતા તેઓ તેમનાં છેલ્લાં દર્શન કરી લે.’ શોકમગ્ન સરદાર અને જવાહરલાલને માઉન્ટબેટને સૂચન કર્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે હજુ ઘણી ફરજો નિભાવવાની હતી, નર્ણિયો લેવાના હતા. પરંતુ એના માટે બાપુનું માર્ગદર્શન મળવાનું નહોતું.

બાપુએ કહ્યું હતું કે મારા મૃત્યુ બાદ મારા દેહને ૨૪ કલાકમાં જ અિગ્નદાહ આપી દેજો. ચુસ્ત હિન્દુ રિવાજ મુજબ. ગાંધીજીના સંકોચશીલ સેક્રેટરી પ્યારેલાલે ધીમા, છતાં મક્કમ અવાજે ગાંધીજીની ઇચ્છાની જાણ કરી. બાપુની ઇચ્છાની ઉપરવટ જવાનો સવાલ જ નહોતો.

અંતિમસંસ્કાર માટે દિલ્હીમાં રાજઘાટનું સ્થળ પસંદ કરવામાં આવ્યું. રાતભર તૈયારીઓ, ગોઠવણો થતી રહી. બીજા દિવસે સવારે તેમના પાર્થિવ દેહને જનતાનાં દર્શન માટે મૂકવામાં આવ્યો. સવારના લગભગ અગિયારેક વાગ્યે અંતિમયાત્રા શરૂ થવાની હતી એ પહેલાં સરદારે કંપતા હાથે બાપુના દેહ પર સફેદ શાલ ઓઢાડી. પાંચ માઈલનો પ્રવાસ કરીને પાંચ કલાકે આ અંતિમયાત્રા રાજઘાટ પહોંચી. મુઠ્ઠી હાડકાંનું એ શરીર ચિતાના અãગ્નમાં ભડભડ સળગી રહ્યું હતું. આકાશ તરફ ઊઠતી એ જ્વાળાઓને જોઈ રહેલી સરદારની આંખોમાં ભૂતકાળ તાદૃશ્ય થઈ રહ્યો હતો.

ગોધરામાં એકત્રીસ વર્ષ પહેલાં જે મોહનદાસ કરમચંદ ગાંધીને તેઓ મળ્યા હતા તે તેમના જીવનનો અવિભાજ્ય હિસ્સો થઈ ગયા હતા. કંઈકેટલાય પ્રસંગો માનસપટ પર ઊપસી આવ્યા હતા. સત્યાગ્રહના, જેલવાસના, આઝાદીની લડતના, જાહેર અને અંગત જીવનના પ્રસંગો. હજુ ગઈ કાલની જ આ વાત. ૩૦મી જાન્યુઆરીની સાંજે વાતો કરતાં-કરતાં બાપુનો પ્રાર્થના માટે જવાનો સમય થઈ ગયો હતો. મનુએ જ્યારે બાપુને ઘડિયાળ બતાવી ત્યારે તેઓ સાદડી પરથી એકદમ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું, ‘ઓહ! મને તમારે રજા આપવી પડશે. ઈશ્વરની બેઠકમાં જવાનો મારો સમય થઈ ગયો છે.’ સરદારના કાનમાં અત્યારે ફરી ગાંધીજીના શબ્દો ગુંજ્યા. શું બાપુને અણસાર આવી ગયો હતો કે તેમનો આખરી યાત્રાએ જવાનો સમય આવી ગયો છે? શું તેમના એ શબ્દો દ્વારા કુદરતે આગોતરો સંદેશો આપ્યો હતો? કે એ માત્ર યોગાનુયોગ હતો?

આ બધા અંગે અસમંજસ હોઈ શકે, પણ બાપુ હયાત નહોતા અને પોતાની નજર સામે ચિતાની જ્વાળાઓ નર્લિજ્જતાથી એ મહામાનવના દેહને ભસ્મીભૂત કરી રહી હતી એ વાસ્તવિકતા સ્વીકારવા સિવાય તેમની પાસે કોઈ પર્યાય નહોતો. મૃત્યુ પામતાં પહેલાં બાપુએ વચન લીધું હતું કે કોઈ પણ સંજોગોમાં તમારે રાજીનામું આપવાનું નથી. આ વચન નિભાવવાનું હતું. બાપુ માનતા હતા કે જવાહરને તેમના ટેકાની જરૂર હતી, પણ શું જવાહર એવું માનતા હતા?

જવાહર માટે તેમના મનમાં કોઈ દ્વેષ નહોતો. તે જાણતા હતા કે પોતાની અને જવાહરલાલની કાર્ય કરવાની રીત સદંતર અલગ છે. જ્યાં સુધી બન્નેનો ઉદ્દેશ્ય અંગ્રેજોના હાથમાંથી દેશને આઝાદ કરવાનો હતો ત્યાં સુધી ખાસ કોઈ વાંધો નહોતો આવ્યો. જેમ-જેમ આઝાદીનો દિવસ નજીક આવવા માંડ્યો અને વચગાળાની સરકાર અને ત્યાર બાદ સ્વતંત્ર દેશનો વહીવટ સંભાળવાનો સમય આવ્યો તો કેટલીક બાબતો અંગે મતભેદ દેખાવા માંડ્યા. ૧૯૪૬માં મુસ્લિમ લીગે વચગાળાની સરકારમાં જોડાવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ એ વખતના વાઇસરૉય વેવલે કૉન્ગ્રેસી સરકાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો. રોજબરોજનો વહીવટ ચલાવવામાં પ્રધાનોને સ્વતંત્રતા આપવામાં આવશે એવા વાઇસરૉયના નિવેદનથી જવાહરને સંતોષ નહોતો થયો. વાઇસરૉયનું સ્થાન એક પૂતળા જેવું જ રહે એવું તેઓ ઇચ્છતા હતા. જો બ્રિટિશરો આવી બાંયધારી ન આપે તો આ પ્રસ્તાવ સ્વીકારવો કૉન્ગ્રેસ માટે અશક્ય છે એવું જવાહરે કહી દીધું.

જવાહરના નર્ણિયથી તદ્દન વિપરીત એવો મત પોતે અપ્યો હતો. વાઇસરૉયે સરકાર રચવાનો પ્રસ્તાવ આપ્યો એ માત્ર સ્વીકાર્યો નહોતો, પણ કૉન્ગ્રેસ પક્ષ પાસે પણ એ મંજૂર રખાવશે એવો દાવો કર્યો હતો. જો કૉન્ગ્રેસ આ માન્ય નહીં કરે તો પોતે કારોબારીમાંથી રાજીનામું આપશે એવું પણ સ્પક્ટપણે જણાવ્યું હતું.

જવાહરના વિરોધ છતાં કૉન્ગ્રેસની કારોબારીએ પોતાના કહેવા મુજબ આ પ્રસ્તાવ મંજૂર કર્યો. તેઓ જાણતા હતા કે પોતાની આ વાત મંજૂર રહી એટલે જવાહરને માઠું લાગ્યું હતું. કારોબારીમાંથી પક્ષના મહામંત્રી કૃપલાણીના સ્થાને જવાહરે બે નવા મંત્રીઓ-કેસ્કર અને મૃદુલા સારાભાઈને નીમ્યાં. દુભાયેલા જવાહરની આ બાલિશ પ્રતિક્રિયા હતી એ પણ તેમને સમજાયું હતું. જવાહર સારી રીતે જાણતા હતા કે મૃદુલા (સારાભાઈ) સાથે પોતાને અને મણિબહેનને પણ કેવો ઘરોબો હતો. જોકે એકલા જવાહરનો વાંક કાઢવાનો પણ મતલબ નહોતો. સત્તા ભલભલા સાધુઓને પણ વિચલિત કરે છે તો મૃદુલાની શું વિસાત! વેદના તો એ વાતની હતી કે મિરજાપુરી લોટા જેવી મૃદુલા ત્યાર પછી જવાહરના કાન ભંભેરી તેને ગેરમાર્ગે દોરી રહી હતી. આ બધું જ સમજતા હોવા છતાં જવાહરને તેઓ મદદરૂપ થઈ શકતા નહોતા, કારણ કે અન્ય કોઈનો જુદો અભિપ્રાય હોઈ શકે એ સ્વીકારવું જવાહરની તાસીર નહોતી.

તમારે જે કરવું હોય તે શાંતિ અને પ્રેમની રીતે કરો તો કદાચ તમને સફળતા મળશે, પણ તલવારનો જવાબ તલવારથી અપાશે. મેરઠમાં પાકિસ્તાનતરફી મુસ્લિમોને જાહેરમાં સોઈઝાટકીને જે કહ્યું હતું એનો જવાહર આવો ઉપયોગ કરશે એ તો તેમણે ક્યારેય વિચાર્યું જ નહોતું. જવાહર મુસ્લિમો પ્રત્યે વધુ કૂણું વલણ અપનાવતા હતા એ પોતાની નજર બહાર નહોતું, પણ હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનો દેશદ્રોહ કરે એ કઈ રીતે સાંખી લેવાય? હિન્દુસ્તાનમાં રહેતા મુસ્લિમો અહીં રહીને પાકિસ્તાનના ટેકેદારો તરીકેનું વલણ ન જ રાખી શકે. મારા શબ્દો મુસલમાનો કરતાં પણ વધુ જવાહરને શા માટે ખારા લાગવા જોઈએ? આ આખો મામલો ગાંધીજી સુધી તોડીમરોડીને પહોંચાડવામાં આવ્યો હતો. પોતાની સામેની આ ફરિયાદથી વ્યથિત થઈને તો બાપુએ પત્ર લખ્યો હતો.

ચિ. વલ્લભભાઈ,
તમારા અંગેની ઘણી ફરિયાદો સાંભળી. તમારાં ભાષણો ઉશ્કેરણીજનક છે અને લોકરંજક છે. તમે હિંસા-અહિંસાનો ભેદ પાળતા નથી અને લોકોને તલવારનો મુકાબલો તલવારથી કરવાનું શીખવો છો. આ બધું સાચું હોય તો ભારે નુકસાનકારી થશે.

તેઓ કહે છે કે તમે હોદ્દાને ચીટકી રહેવાની વાત કરો છો. આ સાચું હોય તો ચિંતા ઊપજાવે છે. જે મેં સાંભળ્યું છે તે તમને જણાવી રહ્યો છું. આપણે સત્યનો સીધો સાંકડો માર્ગ ચાતરીશું તો આપણે ખતમ થઈ જવાના છીએ.
કારોબારી સમિતિનું કામ ચાલવું જોઈએ તેટલા સુમેળથી ચાલતું નથી...

લિ. બાપુના આશિષ

અત્યાર સુધી પોતાના પર અનેક વાર ટીકા-ટિપ્પણીઓ કે આરોપ થયા હતા. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિએ આવું બધું સાંખી જ લેવું પડે એટલું તો પોતે સમજતા હતા, પરંતુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ નહીં, ખુદ બાપુ એટલે કે ગાંધીજીએ શંકાની નજરે જોયું એ વાત દિલ પર તીરની જેમ વાગી હતી. એ દિવસે ફરી-ફરી બાપુનો પત્ર વાંચ્યો. પોતાની સામે કોણે ફરિયાદ કરી હશે એનું અનુમાન કરવું કંઈ અઘરું નહોતું. તે ફરિયાદ કરે એ સમજી શકાય એમ હતું, પણ બાપુ પણ એ વાત માની લે? શું બાપુને પણ પોતાની દાનત પર ભરોસો નહોતો? મેરઠમાં પોતે નિશ્ચિતપણે એ બોલ્યા હતા કે તલવારનો મુકાબલો તલવારથી કરવામાં આવશે, પરંતુ આમ સંદર્ભવિહીન વાતને બાપુ પણ માની લે? દેશમાં રહીને કોઈ એક જૂથ દેશદ્રોહનાં કારસ્તાન કરે તો તેને ચલાવી લેવો એ બાપુની અહિંસા હતી? પોતાના મનને જો કદાચ સૌથી વધુ પીડા થઈ હોય તો પત્રમાંના એ શબ્દોથી થઈ હતી કે - તમે હોદ્દાને ચીટકી રહેવાની વાત કરો છો. જો હોદ્દો જ મહkવનો હોત તો બાપુના ફક્ત એક ઇશારા પર હિન્દુસ્તાનના પ્રથમ વડા પ્રધાનપદને તાસક પર ધરી દીધું ન હોત. સત્તાના જે મુગટ પર પોતાનો હક હતો, કૉન્ગ્રેસ પક્ષે જેના માટે પોતાને લાયક ગણ્યા હતા એ મુગટ બાપુના કહેવાથી અન્યને માથે પહેરાવવામાં જેનો હાથ સહેજ પણ કંપ્યો નહોતો એના પર ‘હોદ્દાને ચીટકી રહેવા માગો છો’ જેવું આળ મૂકવામાં આવ્યું અને બાપુએ એ માની પણ લીધું? ખૂબ જ જાણીતા પત્રકાર અને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ જેવા માતબર અંગ્રેજી અખબારના તંત્રી દુર્ગા દાસે બાપુને પૂછ્યું હતું કે ‘તમે સરદારને બાજુ પર ખસેડી નેહરુને વડા પ્રધાન બનાવવાનો નર્ણિય શા માટે કર્યો?’ બાપુએ હસતાં-હસતાં જવાબ આપ્યો હતો કે, મારી પાસે એકમાત્ર જવાહર જ છે જે અંગ્રેજ છે.’ જ્યારે પોતાના કાન સુધી આ વાત પહોંચી હતી ત્યારે તેમણે આને બાપુની એક રમૂજ તરીકે હસી કાઢી હતી, પરંતુ આજે ખુદ બાપુનો આવો આક્ષેપભર્યો પત્ર વાંચીને મન વ્યથિત થઈ ગયું હતું.

આ પણ વાંચોઃ સરદાર - ધ ગેમ-ચેન્જર - પ્રકરણ 34

એ આખી રાત ઊંઘ નહોતી આવી. ગાંધીજીના આ પત્રનો શું જવાબ આપવો એ સમજાતું નહોતું અથવા એવી મન:સ્થિતિ નહોતી કે જવાબ લખી શકાય. ઉતાવળિયું કે આવેશભર્યું પગલું લેવું પહેલેથી જ સ્વભાવમાં નહોતુ એટલે જ તો એ પત્રનો જવાબ આપતાં અઠવાડિયું વીતી ગયું હતું.

પૂજ્ય બાપુ,
હું હોદ્દા પર ચીટકી રહેવા માગું છું તે નરી બનાવટ છે. જવાહરલાલ અવારનવાર રાજીનામાની પોકળ વાતો કર્યા કરે છે. મેં તેમની સામે વાંધો ઉઠાવ્યો છે... આવી ખોટી ધમકીઓ વારંવાર અપાય છે તેથી વાઇસરૉય પાસે આપણી છાપ ખરાબ થાય છે.
હું લોકોને રાજી કરવા માટે ભાષણો કરું છું તે સમાચાર મારા માટે નવા છે. ઊલટું કડવું સત્ય કહેવું એ મારી આદત છે...
હિંસાનો સામનો હિંસાથી થશે તે વાક્ય લાંબા પૅરામાંથી લેવાયું છે અને તેનો સંદર્ભ તોડીને ટાંકવામાં આવ્યું છે.
આ ફરિયાદ મૃદુલાએ કરી હોવી જોઈએ, કારણ કે મને ઉતારી પાડવાનો ધંધો તેણે શરૂ કર્યો છે. હું તેની પ્રવૃત્તિથી થાકી ગયો છું... જવાહરલાલથી કોઈનો મત જુદો પડે તે મૃદુલા સાંખી શકતી નથી.
કારોબારી સમિતિમાં મતભેદ થાય એ નવું નથી... મારા કોઈ સાથીએ ફરિયાદ કરી હોય તો મને જણાવજો. મને તો કોઈએ કંઈ કહ્યું નથી.
વલ્લભભાઈના પ્રણામ.
(ક્રમશ:)

columnists