બિછડે સભી બારી બારી...

20 November, 2020 08:11 PM IST  |  Mumbai | J D Majethia

બિછડે સભી બારી બારી...

જે ડી મજિઠીયા, આતિશ કાપડિયા

નાનપણથી મારી સાથેના ઘણા લોકોથી છૂટો પડ્યો એનો મને ખૂબ વસવસો રહેતો, પણ સાથોસાથ જીવનમાં આગળ વધતો ગયો અને નવા સાથી, નવું જીવન અને નવી વાર્તાઓ બનવા માંડી. થોડા સમય સુધી છૂટા પડવાનો અફસોસ રહે પછી માણસને ધીમે-ધીમે આદત પડતી જાય. આપણે આ જ રીતે બન્યા અને ઘડાયા છીએ, પણ જે બહુ જ સુંદર ઘડીઓ, યાદો, વાતો હોય એ વારંવાર પાછી આવ્યા કરે આપણી સામે. ઘણા વિખૂટા પડ્યા અને હયાત છે. ઘણા હયાત નથી એવા નજીકના લોકો પણ વિખૂટા પડી ગયા છે, પણ આજે મૃત્યુ વિશેની વાત નથી. પ્રેમમાં છૂટા પડેલા લોકો વિશેની વાત પણ નથી. એના વિશે પણ લખવું છે એકાદ વાર મારે. ચોક્કસ સમય જોઈને લખીશ. જે હૅટ્સ ઓફ પ્રોડક્શન્સ અને જેડી મજીઠિયાને જાણતું હોય તે આતિશ કાપડિયાથી અજાણ ન હોય.
૧૩ વર્ષ પછી હું અને આતિશ છૂટા પડ્યા.
જો આટલું જ લખું તો મુંબઈનાં ઘણાંબધાં છાપાની હેડલાઇન અને ઘણી ન્યુઝ-ચૅનલના બ્રેકિંગ ન્યુઝ થઈ જાય એટલે પૂરું સમજાવું. અમે બન્ને આકસ્મિક કહી શકાય એવી રીતે છેલ્લાં ૧૩ વર્ષથી સેમ સોસાયટીમાં ઘર લેતા અને સેટલ પણ થતા ગયા. તમે માનશો કે શૉપિંગ કરતા હોય એવી રીતે થયું બધું. બે મિત્રો શૉપિંગમાં જાય અને બીજા મિત્રને પૂછે કે આ કેવું લાગે છે તને. બીજો મિત્ર કહે કે બહુ સરસ લાગે છે આ તને. પછી પોતે પણ ટ્રાય કરે એટલે પછી પેલો મિત્ર પણ કહે કે લે, તને પણ સરસ લાગે છે અને બન્ને જણ શૉપિંગ કરીને બહાર આવે. લગભગ આવું જ. શર્ટ-પૅન્ટ કે નાનાં-મોટાં ઇલેક્ટ્રૉનિક્સ કે કાર સુધી સમજી શકાય, પણ ઘર?
અમારું એવું જ થયું અને છેક ઘર સુધી ચાલ્યું. પહેલી વાર બન્ને એક જ સોસાયટીમાં શિફ્ટ થયા. તેનું ઘર બહુ જ સરસ હતું અને મારી વાઇફ નીપા જ ડિઝાઇન કરતી હતી. ચૌદમા માળે તેનું ઘર અને પંદરમા માળે બીજી દિશામાં મારું ઘર. તે વાસ્તુમાં માને અને હું વાસ્તુ, ફેંગસુઈ કે જ્યોતિષશાસ્ત્ર કોઈ ચીજમાં ન માનું. આતિશનું ઘર જોવા માટે વાસ્તુશાસ્ત્રી આવ્યા. અમારી એક કલાકારમિત્રના ભાઈ બહુ જાણકાર વાસ્તુશાસ્ત્રી છે. મને પણ ઓળખતા હતા. આતિશનું ઘર જોઈને તેણે અમુક સજેશન સૂચવ્યાં અને પછી મારા ઘરનું પૂછ્યું તો આતિશે કહ્યું, ‘જેડીનું ઘર ઉપરના માળે છે, પણ એક્ઝૅક્ટલી અપૉઝિટ સાઇડમાં છે. વાસ્તુશાસ્ત્રીના મોઢામાંથી નીકળી ગયુંઃ
‘ઓહ...’
મારી વાઇફ ત્યાં જ ઊભી હતી. તેણે પૂછ્યું કે તમે ‘ઓહ’ કેમ કહ્યું તો કહે કે કંઈ નહીં. હું એક જગ્યાએ ગુજરાતમાં શૂટિંગ કરતો હતો અને મારી પત્નીએ ફોન કર્યો કે તું જલદી ઘરે આવ. આપણા ઘરને વાસ્તુશાસ્ત્રીએ ‘ઓહ’ કહ્યું છે. હું બે દિવસનો બ્રેક લઈને આવ્યો. અમારા ઘરનું પણ ડિઝાઇનનું કામ શરૂ થઈ ગયું હતું. મેં તેને કહ્યું કે જો હું આમાં માનતો નથી, પણ હવે શું છે, જે ઘરમાં આપણે પત્ની સાથે જવાનું હોય એમાં એક જણ માનતો હોય અને બીજો ન માનતો હોય તો તમારે એનો ઇલાજ કરવો જ પડે. તમને શું લાગે છે મેં શું કર્યું હશે? વિચાર કરો, વિચાર કરો શું કર્યું હશે.
ફાઇનલી, એ ઘર અડધુંપડધું મેં મૂકી દીધું. માણસ છેને બધી ચીજમાં માનતો કે ન માનતો હોય, પણ વાત સંતાન પર આવે ત્યારે માણસ કોઈ પણ નિર્ણય બદલી નાખતો હોય છે. તેણે એવું પૂછ્યું કે તમારી દીકરીની રૂમ કઈ બાજુએ છે. કેસર એ સમયે જન્મી નહોતી. કેસરની રૂમ મારી વાઇફે દેખાડી એટલે તેમણે કહ્યું કે આ રૂમ બચ્ચાને નહીં આપતા, કારણ કે બીમારી બહુ રહેશે. આવું કહે પછી કોઈ માબાપ તૈયાર થાય જ નહીં, હિંમત કરે જ નહીં.
મેં નીપાને કહ્યું કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈએ.
બીજા જાણકારને પૂછ્યું તો તેણે તો કહ્યું કે તમારે તો આ સોસાયટીમાં જ ન જવાય, બોલો?
ઍક્ચ્યુઅલી એ ઘરમાં નહીં જવા માટેનું કારણ વાસ્તુશાસ્ત્ર નહોતું અને હું એમાં તો આજે પણ માનતો નથી, પણ મારી દીકરીની વાત હતી એટલે હું સહેજ ખચકાટ અનુભવતો હતો. જો મારી દીકરીને જોગાનુજોગ કંઈ થશે, સાજીમાંદી રહેશે તો મને અફસોસ એ થશે કે મને વાઇફે કહ્યું તો પણ હું એ ન માન્યો. અફસોસ જોઈતો નહોતો એટલે મેં વાઇફને કહ્યું કે આપણે થોડો સમય રાહ જોઈએ, પણ વધારે નહીં. આતિશ એ ઘરમાં શિફ્ટ થઈ ગયો, હું ન થયો અને થોડા સમય પછી મને એ જ બિલ્ડિંગમાં પણ બીજી વિન્ગમાં ઘર મળ્યું, આનાથી પણ મોટું ઘર. બહુ જ સુંદર ઘર હતું અને મેં વાસ્તુમાં માન્યા વિના, પૂછ્યા વિના મારી વાઇફને કહ્યું કે હવે આપણે આ જ ઘરમાં રહેવું છે. અમે એ ઘરમાં શિફ્ટ થયાં.
૨૦૦૭થી ૨૦૧૦ સુધી હું અને આતિશ એ જ સોસાયટીમાં રહ્યા. આતિશને એ ઘર નાનું લાગતું હતું, મારું ઘર એનાથી મોટું હતું એટલે મને વાંધો નહોતો. આતિશ ઘર શોધતો હતો. અમારા કામધંધા સરસ ચાલતા હતા એટલે આતિશે મોટું ઘર શોધ્યું. હમણાં અમે જ્યાં રહેતા હતા ત્યાં આતિશે ત્રણ-ત્રણ બેડરૂમની જોડીવાળા ફ્લૅટ લીધા. મને કહે કે આવને, જોવા. મારે આ ઘર લેવું છે. હું જોવા ગયો એટલે આતિશે મને પૂછ્યું કે આપણી વ્યવસ્થા કેવી છે. આતિશ કંઈ પણ લેવાનો હોય એ પહેલાં મને આટલું પૂછે. મેં તેને કહ્યું કે લે, લે બિન્દાસ લે. તેણે લીધું અને મેં કહ્યું કે ચાલ, હું પણ એક લઉં છું. ખરેખર, આ જ રીતે મેં એ ઘર લીધું. ચાલ, હું પણ એક ઘર લઉં.
તમે માનશો, જે બીજું હમણાં વાત કરીએ છીએ એ રુસ્તમજી ઓઝોનવાળું ઘર મેં વેચી નાખ્યું હતું. એક વર્ષ હું શિફ્ટ ન થયો અને મેં એનું ટોકન લઈ લીધું હતું. મેં વેચી નાખ્યું, પણ પેલો ભાઈ આવે જ નહીં, ફોન ન ઊંચકે. બ્રોકર ફોન કરે તો પણ ફોન ઊંચકે નહીં. ખબર નહીં શું હશે, પણ એની સાઇડથી કોઈ રિસ્પૉન્સ આવે જ નહીં. શું કામ રિસ્પૉન્સ નહોતો આવતો એની એક અલગ સ્ટોરી છે, પણ એ વાત પછી ક્યારેક કરીશું આપણે, અત્યારે વાત કરીએ મારા એ શૉપિંગની જેમ ખરીદેલા ઘરની.
હું એમ જ એક બપોરે એ ઘર જોવા ગયો. ઘર જોયું, નીચે આખી સોસાયટી જોઈ અને મને થયું કે આ ઘર છોડાય જ નહીં. મને એટલા પૉઝિટિવ વાઇબ્સ આવ્યા કે એક મહિનામાં કોઈ પણ કામ કરાવ્યા વિના હું ત્યાં શિફ્ટ થઈ ગયો. આ ડેસ્ટિનીનો કૉલ હતો, અમારો કૉલ નહોતો. હું અને આતિશ ફરી પાછા સેમ કૉમ્પ્લેક્સમાં. ટાવર પાંચમાં આતિશ રહે અને ટાવર સિક્સમાં હું રહું. મજાની વાત જુઓ, અમે બે ફ્લૅટ લીધા હતા ત્યારની વાત કહું. એક સત્તરમા માળે અને બીજો બારમા માળે. હું પહેલાં હાયર ફ્લોર પર રહેતો હતો એટલે મેં કહ્યું કે હું આ લઈશ. અમારે જ નક્કી કરવાનું હતું કે કોણ કયો ફ્લૅટ લેશે. અહીં અમારી દોસ્તીની મિસાલ આવે. ખાસ કરીને આતિશની. તો અમે નક્કી કર્યું કે હું હાયર ફ્લોર પર રહેતો હતો તો મારી ઇચ્છા છે કે હું સત્તરમા ફ્લોર પર લઉં છું, તારો ખર્ચ પણ ઓછો આવશે. પૈસા પણ ૧૭ અને ૧૨ના અલગ હોય.
અમે વિચારતા હતા એમાં મને સૂઝ્‍યું કે ચાલ ચિઠ્ઠી પાડીએ. જેને જે ફ્લોર આવે એ ફ્લોર તેણે લેવાનો. બન્નેના ટાવર અલગ અને ફ્લોર પણ અલગ. હવે ચિઠ્ઠી પાડવા ગયાને ત્યારે આતિશે કહ્યું કે ના, ના. તું હાયર ફ્લોર પર રહ્યો છોને, તું હાયર ફ્લોર લઈ લે. હું બારમા ફ્લોર પર લઈ લઉં છું. મેં કહ્યું કે ના, એવું નથી કરવું, પણ આતિશે એ વાત પકડી રાખી. મને કહે કે આપણે એક કૉમ્પ્લેક્સમાં જોડે છીએ એ મહત્ત્વનું છે. તું લઈ લે ૧૭, હું ૧૨ લઈ લઉં છું.
સંસ્મરણો ક્યારેય ઇરાદાપૂર્વક ઊભાં નથી કરી શકાતાં. એ પોતાની મેળે કુદરતી રીતે ઊભા થાય, જન્મે. રુસ્તમજી ઓઝોનમાં હું કયા માળે રહેવા ગયો અને એણે કયો માળ પસંદ કર્યો એની વાતમાં હજુ ઇન્ટરેસ્ટિંગ પૉઇન્ટ છે, પણ એ પૉઇન્ટ પર આવતાં પહેલાં અહીં એક નાનકડો વિરામ લેવાનો છે. આ અને આવાં અનેક સંસ્મરણો અમારી સાથે જોડાયેલાં છે. આજે યાદ કરું છું તો એ બધું મારી આંખ સામે આવી રહ્યું છે. આંખો આછીસરખી ભીની થાય છે અને મનમાં ડૂમો ભરાય છે, પણ એને અત્યારે અટકાવી રાખીએ. કારણ છે સ્થળસંકોચ. આ જ વિષયને આપણે આગળ વધારીશું આવતા શુક્રવારે.

હમ બને તુમ બને, એક દૂજે કે લિએ: આતિશ સાથેની સફર માટે અમારા બેમાંથી કોઈએ ક્યારેય ઇરાદાપૂર્વક પ્રયાસ નથી કર્યા, પણ ડેસ્ટિની, કુદરત અમને સાથે રાખવાનું કામ કરે છે
એવું મને લાગે છે.

JD Majethia columnists