ગુજરાતી માતૃભાષા, હિન્દી કર્મભાષા અને સંસ્કૃત મારી ધર્મભાષા

18 September, 2020 03:30 PM IST  |  Mumbai | Manoj Joshi

ગુજરાતી માતૃભાષા, હિન્દી કર્મભાષા અને સંસ્કૃત મારી ધર્મભાષા

પ્રતીકાત્મક તસવીર

સંસ્કૃત વિશે વાંચ્યા પછી અનેક લોકોએ મેસેજ કરીને સંસ્કૃતની તારીફ કરવા બદલ મીઠો ઠપકો આપ્યો હતો, તો કેટલાક લોકો એવા પણ હતા જેમણે ભારતની રાષ્ટ્રીય ભાષા હિન્દીનો પ્રચાર કરવો જોઈએ એવી સલાહ પણ આપી હતી. મને આ સલાહ આપનારાઓ ભૂલી ગયા કે હું હિન્દી રંગમંચ સાથે જોડાયેલો છું અને કદાચ એકમાત્ર એવો કલાકાર રહ્યો છું જે લૉકડાઉન પહેલાં મહિનેદહાડે નિયમિત રીતે નાટકના ૧૦થી ૧૨ શો કરતો. ગુજરાતી મારી માતૃભાષા છે અને હિન્દી મારે માટે મારી કર્મભાષા છે. આ બન્ને ભાષા ઉપરાંત સંસ્કૃત મારે માટે મારી ધર્મભાષા છે. મારી જ શું કામ, આ દેશની એ ધર્મભાષા છે.
ટીકા કરવામાં કાંઈ ખોટું નથી, પણ ટીકા કરવાની બાબતમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે જો પૂરું જ્ઞાન ન હોય તો કોઈ પણ વ્યક્તિ કે વિષયની ટીકા ન કરવી જોઈએ. આપણે ત્યાં એક પ્રથા રહી છે કે આપણે કોઈને પણ કંઈ પૂછ્યા વિના તરત જ ટીકા શરૂ કરી દઈએ છીએ. વિષય અને વ્યક્તિ કે તેની આભા વિશે આગળ-પાછળનું કંઈ વિચારવાની પણ આપણે દરકાર નથી કરતા. આ લોકશાહીનો પ્રતાપ છે અને લોકશાહીમાં આ પ્રકારની આઝાદી મળવી પણ જોઈએ, એમાં કશું ખોટું નથી, પણ ચાણક્ય કહેતા કે લોકશાહીનો ઉપયોગ કરતાં જેમને ન આવડતો હોય એવી વ્યક્તિને કે પછી લોકશાહીનો દુરુપયોગ કરતાં સંપૂર્ણપણે આવડતું હોય એવી વ્યક્તિને પૂર્ણ લોકશાહી આપવી એ જે-તે વ્યક્તિનું જ અહિત કરવા બરાબર છે.
યોગ્ય વ્યક્તિની ટીકા અને લાયક વ્યક્તિ દ્વારા મળનારું ટિપ્પણ ઉચિત ગણીને વ્યક્તિત્વમાં કે પછી કામમાં સુધારા-વધારા કરવા જોઈએ, પણ જો કોઈ ઑફિસનો ચપરાસી આવીને લેખ કેવી રીતે લખવો એ શીખવવા માંડે તો એ ખોટી વાત છે. ઑફિસની ફાઇલો વ્યવસ્થિત કેવી રીતે મૂકવી જોઈએ એ એક જ કામ તેણે કરવાનું છે અને એ જ તેણે કરવાનું હોય. એ ફાઇલની અંદર ભરાયેલાં કાગળો વાંચવાની અને એને પારખવાની ક્ષમતા તેની નથી એ તેણે પણ સ્વીકારી લેવું જોઈએ. સ્વીકારી પણ લેવું જોઈએ અને એ સ્વીકારની સાથે તેણે પોતાનામાં સુધારો પણ કરી લેવો જોઈએ.
સંસ્કૃત શું છે, એની તાકાત કેટલી છે અને એ સંસ્કૃતની ઘનતા કેવી મજબૂત છે એ વિશે જો તમને જાણકારી ન હોય તો તમે ચૂપ જ સારા લાગો. એવી પરિસ્થિતિમાં કંઈ બોલવું ન જોઈએ. તમે જો ન જાણતા હો કે સંસ્કૃત આજે પણ કયા સ્તર પરથી પ્રકાશિત થઈ રહી છે તો તમારે એ જાણવાનો પ્રયાસ પહેલાં કરવો જોઈએ, જેથી તમારા જનરલ નૉલેજમાં વધારો થાય અને કેટલુંક સામાન્ય જ્ઞાન એ પ્રકારનું હોય છે જે તમને ગૂગલ પણ આપી નથી શકતું.
જેમને સંસ્કૃતના પ્રચારથી મનમાં આછાસરખા પ્રશ્ન જન્મ્યા હતા એ સૌને સંસ્કૃતની તાકાત શું છે એની જાણકારી આવતી કાલે અહીંથી જ મળશે, સ્ટે ટ્યુન.

manoj joshi columnists