ન તૂટેગા કભી, ન ઝુકેગા કભી

22 December, 2018 06:48 PM IST  |  | Sanjay rawal

ન તૂટેગા કભી, ન ઝુકેગા કભી

પ્રતીકાત્મક તસવીર

સંજયદૃષ્ટિ - સંજય રાવલ

આખો દિવસ ગળાડૂબ કામ પતાવીને રાત્રે તમે થાક્યા-પાક્યા ઘરે જાઓ ત્યારે ઘરમાં દાખલ થતી વખતે તમને સૌથી પહેલાં કોણ યાદ આવે?

મા, બૈરી, જમવાનું કે પછી સોફાસેટ; જેના પર પડીને તરત તમને પીઠ લાંબી કરીને આરામ કરવો હોય? કોણ સૌથી પહેલાં તમને યાદ આવે? જરા વિચારો જોઈએ. બીજો સવાલ, તમે ભણતા હો અને તમને ઊંઘ આવવા માંડે એટલે તમને રાત્રે કૉફી પીવાની ઇચ્છા થાય ત્યારે તમે કૉફી બનાવવાનું કોને કહો? મમ્મીને કે પછી પપ્પાને કે પછી બહેનને? કોને કહો તમે? ધારો કે તમે કૉલેજમાં છો અને તમને કોઈ વસ્તુની પરમિશન જોઈતી હોય ત્યારે તમારે કોને મસકા મારવા પડે છે? મમ્મીને કે પછી પપ્પાને કે પછી બહેનને?

આ બધા માટે તમને મમ્મીની જરૂર પડે છે અને આ એક જ જવાબ સાચો છે. મમ્મીને કહો એટલે કામ થઈ જાય. જોકે જરાક એ કહેશો કે તમારું આ કામ કરે છે કોણ? તમને ગમતી બાઇક કે પછી તમને ગમતો નવો આઇફોન ટેન-મેક્સ મોબાઇલ લઈ આપવાની પરમિશન ભલે મમ્મી લઈ આપે, પણ તમને એ લઈ આપવાનું કે પછી લેવા માટે તમને જે પૈસાની જરૂર હોય છે એ પૈસા આપવાનું કામ તો પપ્પા જ કરે છે અને પપ્પાએ જ એ કરવાનું હોય. સ્કૂલની ફી ભરવાથી માંડીને દિવાળી પર તમને જોઈતા ફટાકડા લઈ આપવાનું કામ, તમે સ્કૂલની કે કૉલેજની કોઈ ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરો એ પણ પપ્પા જ પૂરી કરવાના છે અને કૉલેજમાં તમારા તમામ ખર્ચાઓ પણ પપ્પા જ ફુલફિલ કરવાના છે. તમારા એકેએક કમિટમેન્ટનું ધ્યાન આર્થિકપણે પપ્પા જ રાખે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે તે શું કામ આ બધાં કમિટમેન્ટ્સ પૂરાં કરવાની જવાબદારી પોતાની ગણે છે અને શું કામ એ પૂરાં કરે છે? શું એ પપ્પાની જવાબદારી છે? શું એ પપ્પાની ફરજમાં આવે છે? ના, બિલકુલ નહીં. તે ના પાડી જ શકે છે અને તે ના પાડે તો તમારા બાપુજીનું પણ કંઈ ન આવે. બિલકુલ ચાલે નહીં, પણ તે ના પાડતાં પહેલાં પાંચસો વખત વિચારે છે અને સાચું કહું તો તે પાંચસો વખત વિચારી લીધા પછી પણ ના તો પાડતા જ નથી. પોતાની ઇચ્છા કે જરૂરિયાતને મારીને પણ તમારા મોજશોખ કે તમારી ઇચ્છા પૂરી કરે છે અને એને તે પોતાની જવાબદારી ગણીને હસતા મોઢે, દેખાડ્યા વિના ચલાવી પણ લે છે. જો એ રીતે જોવા જઈએ તો તમને મોટા કર્યા અને હવે તમે તમારા કામ માટે સક્ષમ છો એ પછી ફૉરેનના દેશોની જેમ તમને પાર્ટટાઇમ જૉબ માટે બહાર મોકલી જ શક્યા હોત અને ઘરમાં પૈસા આપવાનો નિયમ પણ કરી શક્યા હોત, પણ તેમણે મોકલ્યા નથી અને તમને જે કરવું છે એ કરવાની આઝાદી તેમણે તમને આપી રાખી છે. તમને હંમેશાં મમ્મી યાદ આવે છે, પણ જે કામ મમ્મીને આટલું ઇમ્પોર્ટન્સ આપી જાય છે એ કામ પણ હકીકતમાં તો પપ્પા જ કરે છે અને એમ છતાં આપણને લાગી કોની વાતનું આવે? કોની વાતથી આપણો મૂડ બગડી જાય?

તો કહે, પપ્પા.

તમે રાત્રે મોડા આવો અને પપ્પા સહેજ ખીજાય તો ખોટી વાત, તમને બાઇક ફાસ્ટ ચલાવતા જોઈ લે અને ગુસ્સો કરે તો ખોટું; એવું તો તેમનાથી કરાય જ નહીં. તમે મોબાઇલમાં આખો દિવસ પબજી નામની ગેમ રમીને મારામારી-કાપાકાપી કર્યા કરો અને તે તેમને મોબાઇલ મૂકીને ભણવાનું કહે તો ખોટું અને તમને એક વખત ના પાડે, માત્ર એક વખત એ પણ ખરેખર જરૂરી હોય અને તે ના પાડે તો ખોટું. પપ્પાની ના, પપ્પાનો નનૈયો, પપ્પાનો નકાર આપણે સાંભળવા આદી જ નથી, એ માટેની તૈયારી જ નથી. પપ્પા ના પાડે એટલે તરત જ મોઢું ચડાવી લેવાનું, તેમની સાથે બોલવાનું બંધ કરી દેવાનું કે પછી વાત વધી ગઈ હોય અને પપ્પા આકરા થયા હોય તો તરત જ રસ્તો ટૂંકાવી નાખવાનો અને સુસાઇડનો માર્ગ અપનાવી લેવાનો, જિંદગી ટૂંકાવી દેવાની. પાછળના લોકોનું જે થવું એ થાય, આપણે શું? પપ્પાની હિંમત જ કેમ થઈ કે મને ના પાડે, મારી વાત સાથે સહમત ન થાય? ભલે, હવે તેમને પણ ખબર પડે.

આ જ ફૅશન આજકાલ બધી જગ્યાએ ચાલે છે; પણ મારે તમને કહેવું છે કે યાદ રાખજો, બાપ ભી કભી બેટા હોતા હૈ અને બેટા ભી કભી બાપ બનને વાલા હૈ. તમે એક વખત માત્ર એ માર્ક કરજો કે તમે જે ઉંમરમાંથી પસાર થઈ રહ્યા છો એ ઉંમર પછી તમે પણ ક્યારેક સંતાનના બાપ બનવાના છો અને એ વખતે કદાચ તમે પણ એ જ કરશો જે તમારા બાપુજી આજે કરે છે અને એનું કારણ એ જ છે કે આ જ સાચું છે. તમે ક્યારેય એ નથી વિચારતા કે તે માણસ તમને જે પણ કહે છે એ બધું તમારી ભલાઈ માટે છે અને તેનું ગુસ્સે થવું પણ વાજબી છે, કારણ કે ડર હોવો જ જોઈએ અને એ ડર તમને ઘણા પ્રકારનાં ખોટાં કામો કરતાં અટકાવી દેવાનો છે. સંતાનોની સ્પીડલિમિટ બાંધવાનું કામ પપ્પા છે. મારધાડ ભાગતા દીકરાઓની ગાડી ધીમે પાડનારું સ્પીડબ્રેકર પપ્પા છે. તમારા દરેક શોખ તે પૂરા કરી શકે છે, પણ તેમણે એ વાતનુંય ધ્યાન રાખવાનું છે કે જો તમારી લાયકાત કરતાં વધારે તમને મળી જશે તો તમે બગડી જશો. દરેક બાપની ઇચ્છા હોય છે કે તેનાં સંતાનોને દરેક સુખ મળે જે તેમને નથી મળ્યું અને એટલા માટે જ જ્યારે રાત્રે ઓવરટાઇમ કરવાનો વારો આવે ત્યારે એ કરવામાં તેમને તમારી ખુશી કરતાં વધારે બીજું કંઈ નથી દેખાતું. રાતે ઉજાગરા કરતા બાપના ચહેરા પર બીજા દિવસે થાક નથી હોતો તો એનું કારણ પણ તમે છો.

આ જ વાત આપણે નવા ઍન્ગલ સાથે જોઈએ. તમે ક્યારેય તમારા પપ્પાને તેમના માટે કંઈ ખરીદી કરતા જોયા છે? કોઈ મોંઘો ફોન કે પછી આઇવૉચ જેવી મોંઘીદાટ સ્માર્ટવૉચ કે પછી બ્રૅન્ડેડ કપડાં? ના, કારણ કે તેમને પોતાની જરૂરિયાત કરતાં વધારે કંઈ જોઈતું નથી હોતું. જરૂરિયાત પૂરતી ખરીદી કર્યા પછી તેમની નજર તરત જ એ બધી વસ્તુઓ પર જાય છે જે તેમનાં સંતાનો ઇચ્છે છે. પપ્પા શા માટે નથી લેતા એના વિશે વિચાર કરજો. શું નથી લઈ શકતા? શું તે કંજૂસ છે? શું તેમને કરકસર ગમે છે? ના, એવું જરાય નથી કે તે લઈ નથી શકતા, પણ તે એટલા માટે નથી લેતા કારણ કે તે તમને પોતાના ગણે છે અને પ્રેમ કરે છે. તમારી ખુશી કરતાં વધારે તેમના માટે બીજું કંઈ નથી. તમે ક્યારેય તમારા પપ્પાને ઘરે આવે ત્યારે ટેન્શન કે પછી ડિપ્રેશનમાં નહીં જોયા હોય. બાપને ક્યારેય ટેન્શન ન હોય એવું બને જ નહીં, પણ તે ક્યારેય તમને એ ટેન્શન દેખાવા જ નથી દેતા. બાપ ઘરનો રાજા છે અને રાજા માટે એક શરત છે. તે જ્યારે પોતાના ઘરમાં પગ મૂકે ત્યારે ટેન્શનમાં ન હોઈ શકે. તમારા પપ્પા પાસે દિવાળી માટે કદાચ ફટાકડા ખરીદવાના પૈસા નહીં હોય તો પણ તે ઉછીના રૂપિયા લઈને પણ તમારા ફટાકડાની વ્યવસ્થા કરશે, કારણ તેમને ખબર છે કે મારો દીકરો બીજા બધા દીકરા સાથે ફટાકડા ફોડવા જાય ત્યારે તેને ઓછું ન લાગવું જોઈએ. કદાચ તમારા પપ્પા બાઇક નહીં બદલાવે; પણ તમારા માટે નવી બાઇક કે નવો મોબાઇલ ચોક્કસ લઈ આવશે, કારણ કે તમે તેની પ્રાયોરિટી છો. દરેક બાપ માટે તેનાં સંતાનો જ હંમેશાં પ્રાયોરિટી રહેવાનાં છે અને સંતાનોએ પણ એ સમજવાની જરૂર છે.

જો ખરેખર તમારે જીવવું હોય અને આગળ વધવું હોય તો તમારા બાપ જેવું જીવતાં શીખો. બાપને હજાર ટેન્શન હશે ત્યારે પણ તે પોતાનાં સંતાનોને કહેશે કે તું ટેન્શન ન કર, ચિંતા ન કર; કારણ કે એ માણસ માટે તમે જ સવર્સ્વપ છો અને તમારી ખુશીથી વધારે તેના માટે કશું નથી. બાપ ક્યારેય દુખી ન થઈ શકે, બાપ ક્યારેય ઉદાસ ન થઈ શકે, બાપ ક્યારેય થાકી ન શકે, બાપ ક્યારેય હારી ન શકે અને બાપ ક્યારેય ઝૂકી ન શકે; કારણ કે તેને ખબર છે કે તે થાકી જશે, હારી જશે કે ઝૂકી જશે તો તેનાં સંતાનો પણ એ જ કરતાં શીખશે અને એટલે જ તેને જોનારા પોતાના દીકરાઓને ધ્યાનમાં રાખીને જ તે તૂટવાનું પણ ટાળે છે અને ઝૂકવાનું પણ ટાળે છે. મર્દાનગી અકબંધ રાખીને પણ તે સતત દેખાડ્યા કરે છે કે મર્દાનગી આવી જ રાખજો અને તમારે પણ એવી જ મર્દાનગી રાખવાની છે.

બાપને ક્યારેય ટેન્શન ન હોય એવું બને જ નહીં, પણ તે ક્યારેય તમને એ ટેન્શન દેખાવા જ નથી દેતા. બાપ ઘરનો રાજા છે અને રાજા માટે એક શરત છે. તે જ્યારે પોતાના ઘરમાં પગ મૂકે ત્યારે ટેન્શનમાં ન હોઈ શકે

columnists