૨૦૧૯ના વર્ષનું ઇકૉનૉમિક્સ નોબેલ પ્રાઇઝ ભારતીય મૂળના અભિજિત બૅનરજીને

15 October, 2019 05:44 PM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય પંડ્યા

૨૦૧૯ના વર્ષનું ઇકૉનૉમિક્સ નોબેલ પ્રાઇઝ ભારતીય મૂળના અભિજિત બૅનરજીને

ભારતીય મૂળના અમેરિકન અભિજિત બૅનરજી સાથે તેમનાં પત્ની ડુફલો અને માઇકલ ક્રૅપર ત્રણેયને સંયુક્ત રીતે ૨૦૧૯ના વર્ષના ઇકૉનૉમિક્સ વિભાગના નોબેલ પ્રાઇઝની સોમવારે જાહેરાત કરવામાં આવી છે.

નોબેલ પ્રાઇઝની વાત આવે એટલે આપણને ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરનું નામ યાદ આવે જેમને લિટરેચર માટે છેક ૧૯૧૩માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. યુરોપની બહારની વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય એવો એ પ્રથમ પ્રસંગ હતો. ૧૯૩૦માં સી. વી. રામનને ફિઝિક્સ માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. શાંતિ માટેનું ૧૯૭૯નું નોબેલ પ્રાઇઝ મધર ટેરેસાને મળ્યું હતું. ૧૯૯૮માં અમર્ત્ય સેનને ઇકૉનૉમિક્સ માટે નોબેલ પ્રાઇઝ મળ્યું તો કૈલાસ સત્યાર્થીને મલાલા યુસુફઝઈ સાથે સંયુક્ત રીતે શાંતિનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, જેમાં કચડાયેલાં તથા ઉવેખાયેલાં બાળકો માટેના તેમના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા હતા. બાળકો માટે શિક્ષણ એ તેમનો હક છે એ વિચાર ફેલાવવા બદલ પણ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
ભારતીય મૂળના અન્ય ત્રણ જણને અત્યાર સુધી નોબેલ પ્રાઇઝ મળ્યું છે. હરગોવિંદ ખુરાનાને ફિઝિયોલૉજી અથવા મેડિસિન માટે, સુબ્રહ્મન્યન ચંદ્રશેખરને ફિઝિક્સ માટે, વેન્કટરામન રામક્રિષ્નનને કેમિસ્ટ્રી માટે. અભિજિત બૅનરજી ચોથી ભારતીય મૂળની વ્યક્તિ છે (અમેરિકન ઇન્ડિયન) જેમને ૨૦૧૯માં ઇકૉનૉમિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે.
જોકે વિદેશીઓએ કર્મભૂમિ ભારતને બનાવી હોય અને નોબેલ પ્રાઇઝ જીત્યું હોય એવાં ચાર નામ છે. રોનાલ્ડ રૉસ (1902), રુડયાર્ડ કિપલિંગ (1907), ચૌદમા દલાઈ લામા (1989) અને વી. એસ. નાયપોલ (2001).                
૧૯૬૧ની ૨૧ ફેબ્રુઆરીએ મુંબઈમાં જન્મેલા અભિજિત બૅનરજી હાલમાં અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. એસ્થર ડુફલો જે પોતે પણ અમેરિકન નાગરિક છે તેઓ અભિજિતનાં બીજી વારનાં પત્ની છે. બન્નેનાં લગ્ન 2015માં થયાં હતાં.
‘વૈશ્વિક સ્તરે ગરીબી કઈ રીતે ઘટાડી શકાય એના પ્રયોગાત્મક દૃષ્ટિકોણ’ માટે આ દંપતીને માઇકલ ક્રૅમર સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર મળ્યો છે. નોબેલ પ્રાઇઝના અત્યાર સુધીના ઇતિહાસમાં આ છઠ્ઠો પ્રસંગ છે જ્યારે કોઈ દંપતીને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ મળ્યું હોય.
અભિજિત બૅનરજીનો જન્મ મુંબઈમાં થયો હતો, પણ તેમનું શિક્ષણ કલકત્તામાં થયું હતું. સાઉથ પૉઇન્ટ સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ પ્રેસિડન્સી કૉલેજ, કલકત્તામાં તેમણે ઇકૉનૉમિક્સમાં બીએ કર્યું ૧૯૮૧માં. ત્યાર બાદ ઇકૉનૉમિક્સમાં તેમણે એમએ કર્યું દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ૧૯૮૩માં. 1988માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇકૉનૉમિક્સમાં ડૉક્ટરેટની પદવી મેળવી. પીએચડી તેમની થિસિસનો વિષય હતો ‘એસેઝ ઇન ઇન્ફર્મેશન ઇકૉનૉમિક્સ.’
અભિજિત બૅનરજી હાલમાં અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીના ઇકૉનૉમિક્સના પ્રોફેસર છે. 2003માં તેમણે અબ્દુલ લતીફ જમીલ પૉવર્ટી ઍક્શન લેબ (J-PAL)ની સ્થાપના કરી હતી. બ્યુરો ઑફ ઇકૉનૉમિક ઍનૅલિસિસ ઑફ ડેવલપમેન્ટના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલની હાઈ લેવલ પૅનલ જે વિકાસના એજન્ડા પર કાર્ય કરતી હોય છે એમાં પણ તેમનો સમાવેશ હતો. તેમણે અર્થશાસ્ત્ર વિષયક ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાં 2019માં પ્રકાશિત થયેલું ‘વૉટ ધ ઇકકૉનૉમી નીડ્સ નાઉ’, 2011માં આવેલું ‘પુઅર ઇકૉનૉમિક્સ’ તથા 2007માં ‘મેકિંગ એઇડ વર્ક’નો સમાવેશ છે. ‘પુઅર ઇકૉનૉમિક્સ’ અભિજિત તથા એસ્થરનું સહિયારું પુસ્તક છે.
અભિજિત બૅનરજીના કાર્યને વર્ષોથી સરાહના મળતી રહી છે. અમેરિકન ઍકૅડેમી ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સના ફેલો તરીકે 2004ના વર્ષમાં તેમને ચૂંટવામાં આવ્યા હતા. ઇકૉનૉમિક્સની સોશ્યલ સાયન્સ કૅટેગરીમાં અપાતા ઇન્ફોસિસના પ્રાઇઝ માટે 2009માં તેમની વરણી થઈ હતી.
‘પુઅર ઇકૉનૉમિક્સ’ પુસ્તક માટે તેમને અને એસ્થરને ગેરાલ્ડ લોએબ અવૉર્ડ મળ્યો હતો. 2014માં તેમને બર્નાર્ડ હાર્મ્સ પ્રાઇઝ મળ્યું જે કિએલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી વિશ્વની ઇકૉનૉમી વિષય માટે અપાય છે. એસ્થર જ્યારે ઇકૉનૉમિક્સમાં પીએચડી કરી રહ્યાં હતાં ત્યારે અભિજિત બૅનરજી તેમના જૉઇન્ટ સુપરવાઇઝર હતા. એસ્થર પણ હાલમાં MITમાં ઇકૉનૉમિક્સનાં પ્રોફેસર છે.
એસ્થરને પણ ઘણાં ઇનામ મળ્યાં છે. નોબેલ પ્રાઇઝ આપતી સંસ્થા રૉયલ સ્વીડિશ ઍકૅડેમી ઑફ સાયન્સે તેમના છેલ્લા બે દાયકાના આ સંશોધનને અને ખાસ તો વિશ્વની ગરીબીને કઈ રીતે ઘટાડી શકાય એના સંશોધનને બિરદાવ્યું છે. વિશ્વના નેતાઓ તથા તેમના ફેલો પ્રોફેસરોએ પણ સોશ્યલ મીડિયા પર આ સમાચારને વધાવ્યા છે.

columnists