વ્યસનના રાક્ષસી પંજામાં સપડાતી યુવા પેઢીને કેવી રીતે ઉગારશો?

01 March, 2019 07:22 PM IST  |  | સંજય પંડ્યા

વ્યસનના રાક્ષસી પંજામાં સપડાતી યુવા પેઢીને કેવી રીતે ઉગારશો?

પ્રતીકાત્મક તસવીર

યંગ વર્લ્ડ

૧૯૯૬થી ૨૦૧૦ સુધી હું પોતે ડ્રગ્સનો ઍડિક્ટ હતો અને એમાંથી મુક્ત થઈ રીહૅબિલિટેશન માટે મારું પોતાનું ફાઉન્ડેશન ‘આશા કી કિરન’ શરૂ કર્યું...

બશીર કુરેશી વાત માંડે છે અને આગળ કહે છે, ‘ફૅમિલીના સપોર્ટ અને રીહૅબિલિટેશન પછી હું એમાંથી બહાર આવ્યો. આલ્કોહૉલ કે ડ્રગ્સ તરફ વળનારાં બાળકો કે યુવાનોમાં એક વાત કૉમન છે કે તેમને પરિવારનો પ્રેમ નથી મળતો કે તેમનું ફૅમિલી સાથે બોન્ડિંગ નથી! એટલે એ વ્યક્તિ જ્યાં પ્રેમ જુએ એ દિશામાં, પછી ભલે એ ડ્રગ્સની ખોટી દુનિયા હોય, જતી રહે છે. પછીથી એ માણસને એ પણ ખબર નથી પડતી કે પોતે કેટલો ઊંડો ઊતરી ગયો છે! પરિવારને એની જાણ સૌથી છેલ્લે થાય છે. મારા કિસ્સામાં પણ પરિવારને સાત વર્ષે ખબર પડી. શરૂમાં ઍડિક્ટને આનંદ આવે છે, પણ પછી એવો સમય આવે છે જ્યારે તે રડે છે કે કોઈ મને આમાંથી બચાવો. ૧૯૯૬થી આજના સમયને જોઉં છું તો જણાય છે કે ડ્રગ-ઍડિક્ટ્સ ઘણા વધી ગયા છે અને ડ્રગ્સની વિવિધતા પણ વધી ગઈ છે. આ એક એવું ઝેર છે જે તમારી માનસિક શક્તિઓને કુંઠિત કરે છે. ઍડિક્ટ પોતાનું કાર્ય નથી કરી શકતો અને નિર્ણય પણ નથી લઈ શકતો. મારા ઍડિક્શનની વાત ઘરમાં બધાએ જાણી તો પ્રથમ તો તેમને ગુસ્સો આવ્યો, મને પૂછ્યું, ‘આવું તે કેમ કર્યું?’

મેં જવાબ આપ્યો, ‘તમારા કારણે!’

બ્લેમ કરવું સરળ છે ઍડિક્ટ માટે, પણ મારાં માતા-પિતા સમજદાર હતાં. તેમણે મારા માટે રસ્તો શોધ્યો. આમાંથી બહાર આવવા માટે ફૅમિલી સપોર્ટ બહુ જરૂરી અને અગત્યનો છે.’

આજની યુવા પેઢીમાં ઘર કરી રહેલા વ્યસનનો મુદ્દો ગંભીર છે. ઍડિક્શન કાઉન્સેલર તરીકે દાયકાઓથી સક્રિય જતીશ શાહ કહે છે, ‘અમે મુંબઈમાં ડ્રગ-ઍડિક્ટ હોય તેને કાઉન્સેલિંગ આપીએ છીએ. ડિટૉક્સ કરવાની જરૂર હોય તો હૉસ્પિટલમાં દાખલ કરીએ અને ત્યાં પણ તેમને કાઉન્સેલિંગ આપીએ. રીહૅબિલિટેશન માટે અમે દરદીને બૅન્ગલોર લઈ જઈએ છીએ. આલ્કોહૉલ અને ડ્રગના નશાને અમે સમાન ગણીએ છીએ, જેમાં વ્યક્તિ બીજા પર આધાર રાખતી થઈ જાય છે. તકલીફ આમાં એ છે કે ડ્રગ-ઍડિક્ટની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે અને

સાથે-સાથે નાની ઉંમરે વ્યસન વળગતાં જાય છે. વળી જેમની પાસે ખૂબ પૈસો છે એવા અમીરો અને જેમની પાસે કંઈ નથી એવા ગરીબો એવાં બે સેગમેન્ટ આ ચુંગાલમાં વધુ ફસાયાં છે. મધ્યમ વર્ગને સંઘર્ષ કરી પોતાની જાતને સાબિત કરવાની હોય છે અને તેમનું ફૅમિલી બોન્ડિંગ પણ સારું હોય છે એટલે તેમનાં સંતાનો આ લતમાં ઓછાં જણાય છે.’

વ્યસન તરફ સંતાન જાય એનાં બે કારણો હોઈ શકે. પહેલું જિનેટિક છે. કુટુંબમાં કાકા, મામા આલ્કોહૉલિક હોય કે ડ્રગ-ઍડિક્ટ હોય તો એની અસર હેઠળ બાળકો કે યુવાનો આલ્કોહૉલ કે ડ્રગ્સ તરફ વળી શકે. કોઈ વર્કોહૉલિક હોય એ પણ એક જાતનું ઍડિક્શન જ છે. એ સમાજને નુકસાન ભલે ન કરે, પણ વ્યક્તિ પરિવારને સમય ન આપીને સંબંધોને નુકસાન પહોંચાડે! તેના સંતાનને પણ મા-બાપનો પ્રેમ ન મળે. જિનેટિક સિવાયનું બીજું કારણ એન્વાયર્નમેન્ટલ છે. એટલે કે મિત્રો કે બીજી કંપની એવી હોય કે લોકાલિટી એવી હોય કે વ્યક્તિ ડ્રગ્સ સુધી સરળતાથી પહોંચી જાય. કોઈ પણ ઍડિક્ટના રીહૅબિલિટેશન કાર્યક્રમ માટે તેણે સેન્ટરમાં ત્રણથી ચાર મહિના કે છ મહિના ગાળવા પડે. ઘરે રહીને ઍડિક્શનથી છુટકારો મળતો નથી. તે લોકો માનસિક રીતે એટલા તૂટી ગયા હોય છે કે આખી ચારથી છ મહિનાની ટ્રીટમેન્ટ પછી પણ તેમનું કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે. કાઉન્સેલર અલગ-અલગ રીતે તેમના આત્માને જાગૃત કરે છે, તેમનો વિલપાવર અને આત્મવિશ્વાસ ફરી જાગૃત કરે છે. આલ્કોહૉલ દસ વર્ષે પોતાની ખરાબ અસર દેખાડે છે. એ શરીર અને મન બન્ને માટે ખરાબ છે. ડ્રગ્સની આદતમાંથી વ્યક્તિ વરસમાં બહાર આવી જાય છે, પણ આલ્કોહૉલ સામાજિક જીવનમાં એવો વણાયેલો છે કે એમાંથી બહાર આવતાં વર્ષો નીકળી જાય છે.

પેરન્ટ્સ આ વિશે શું કહે છે?

બાળકના જીવનમાં માતા-પિતાએ શિક્ષક તથા ગુરુ બન્ને જવાબદારી નિભાવવાની છે. તેમણે સંતાનને દિશાસૂચન કરીને તેમનું ધ્યેય સિદ્ધ કરવામાં મદદ કરવાની છે, પણ પોતાના વિચારો બળજબરીથી સંતાન પર લાદવાના નથી. સંતાનને એવા પ્રશ્નો પણ ન કરો જેના જવાબ તે ખોટા જ આપે! તેના ખોટા જવાબ તમને વધુ દુ:ખી કરશે. પેરન્ટ્સે સમજદારી દાખવી જાણવું પડશે કે તમારા સંતાનના જીવનમાં શું ઊથલપાથલ થઈ રહી છે! તેને વિશ્વાસ અપાવવો પડશે કે તમે ખરેખર તેનું ભલું ઇચ્છો છો. તમારે કદાચ તેની માફી પણ માગવી પડે કે તેની સાઇકોલૉજી કે માનસિક હૂંફની જરૂરિયાત તમે અગાઉ ન સમજી શક્યા. તમે તેને અહેસાસ કરાવો કે તમે તેને ખરેખર ચાહો છો અને તમે બધા સાથે મળીને વ્યસનની ચુંગાલમાંથી તેને મુક્તિ અપાવશો! - પૂજા અને જગેશ શુક્લ, કાંદિવલી

સૌથી પહેલાં તો આમાંથી સંતાનને બહાર કાઢવા માટે ખૂબ જ ધીરજ અને સંયમથી કામ કરવું પડશે. વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને સંતાનની મનોદશા સમજવાની કોશિશ કરવી પડશે. વાલી તરીકે જાણ્યેઅજાણ્યે આપણી તો કોઈ ફરજચૂક નથી થઈને એ શોધવું પડશે. ઘણી વાર ગૃહક્લેશના વાતાવરણમાં પણ સંતાન ડિપ્રેશનનો ભોગ બનીને આવા માર્ગે ચડી જાય છે. સાથે-સાથે સંતાન કુસંગતનો શિકાર બન્યું નથીને એ જાણવાની કોશિશ કરવી. ખૂબ જ ધીરજપૂવર્કણ શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કે પ્રયાસ કરવો. જરૂર પડે તો સારા કાઉન્સેલરની પણ સેવા અને સલાહ લેવી જોઈએ. ઘણી વાર સમસ્યા હલ કરતાં- કરતાં વકરી પણ જઈ શકે છે, પરંતુ ખંતપૂર્વક શાંતિથી પ્રયત્નો કરવામાં જ સમાધાન છે એવું મારું માનવું છે. - પ્રજ્ઞેશ દેસાઈ, થાણે

ભારતીય સામાજિક વ્યવસ્થા, વાતાવરણ, સાંસ્કૃતિક માહોલને કારણે ઘરપરિવારમાં મોટા ભાગે પિતા કે દાદા બીડી-સિગારેટનું સેવન કરતા હોય એવું સામાન્ય છે. પોતાના માટે બાળકોને પાનના ગલ્લે બીડી-સિગારેટનું બંડલ લેવા મોકલતા હોય એ પણ ખરું. જ્યારે આ જ વ્યસની પિતાનાં પુત્ર-પુત્રી કે દાદાનાં પૌત્ર-પૌત્રી સિગારેટના વ્યસની થાય ત્યારે ‘ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે’વાળો ઘાટ ઘડાય છે. પરિવારમાં કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં જેવી પરિસ્થિતિ નર્મિાણ થાય છે. આ એક કડવું સત્ય છે. જીવનભર અનેક સંસ્કારી અને સિદ્ધાંતવાદી નિયમો ઘડ્યા હોય, સંતાનોને એ પાલન કરવા પ્રેયાર઼્ હોય અને અંતે એક દિવસ એ જ સંતાન વ્યસન કરતું થઈ જાય ત્યારે માતા ચોક્કસ નિષ્ફ્ળતાની લાગણી અનુભવે. એના માટે શું કહેવું અને કોને કહેવું જેવી મૂંઝવણ અનુભવવી સ્વાભાવિક છે. - નીલા સોની-રાઠોડ, બોરીવલી

આ પણ વાંચો : હેલ્થ કો કર લો મુઠ્ઠી મેં

પેરન્ટ્સે શું કરવું જોઈએ?

તમારા બાળક પર ધ્યાન આપો. તમારા સંતાનના મિત્રો વિશે સજાગ રહો.

તમારી આજુબાજુના વર્તુળ પર પણ ધ્યાન રાખવાની જરૂર છે. પાડોશીના બાળકની કોઈ વિચિત્ર વર્તણૂક દેખાય તો તેના પેરન્ટ્સના ધ્યાનમાં લાવવી.

સંતાનને પરિવારના પ્રેમ, લાગણી, અટેન્શન વગેરે નથી મળતાં ત્યારે તે અજુગતા વ્યસન તરફ વળે છે એ ધ્યાનમાં રાખવું.

સંતાન સાથે સંવાદ કરતા રહો. તેના મિત્રોને ઓળખો. ક્યારેક તેના મિત્રોને ઘરે પણ બોલાવતા રહો.

તમારું સંતાન ક્યારે, કોની સાથે, ક્યાં જાય છે-આવે છે એ જાણતા રહેવું.

સંતાન ડ્રગ-ઍડિક્ટ બની ગયું હોય તો સહાનુભૂતિપૂર્વક તેની સાથે વરતો. તેને એમાંથી બહાર કાઢવા ફૅમિલી સપોર્ટ બહુ જરૂરી છે.

વહેલામાં વહેલી તકે સંતાનનું કાઉન્સેલિંગ કરાવો અને જરૂર હોય તો રીહૅબિલિટેશન સેન્ટરમાં રાખો.

માતા-પિતા સંતાનને ડ્રગ્સનું વ્યસન છે એ કઈ રીતે જાણી શકે?

સંતાનના જાગવાના અને સૂવાના સમયમાં ફેરફારની નોંધથી

તેની બિહેવિયરલ પૅટર્નથી એટલે કે વર્તનના ફેરફારથી

સંતાનની અનિર્ણીત અવસ્થાથી

સંતાનના મિત્રો સાથે સતત સંપર્ક જાળવીને

સંતાનનું મિત્રવતુર્ળ સાવ બદલાઈ જતું હોય ત્યારે ચોકસાઈ રાખીને

columnists