કૉલમ : સુપરફ્લૉપ રાફડાના ગર્ભમાં હતું એક સુપરહિટ નાટક

09 April, 2019 12:05 PM IST  |  | સંજય ગોરડિયા

કૉલમ : સુપરફ્લૉપ રાફડાના ગર્ભમાં હતું એક સુપરહિટ નાટક

નિમિત્ત: ગુજરાતી રંગભૂમિનાં શ્રેષ્ઠ સર્જનો પૈકીનું એક એવા ‘ચિત્કાર’ના સર્જનમાં ‘રાફડા’ નિમિત્ત બન્યું હતું, જેની જૂજ લોકોને જ ખબર છે.

જે જીવ્યું એ લખ્યું

ટાઇટલ વિના નાટક રિલીઝ કરવાની હિંમત પ્રવીણ જોશીએ કરી અને પહેલાં શો પછી નાટકનું નામ ‘ઘેર, ઘૂઘરો અને ઘોટાલો’ નક્કી થયું. રંગભૂમિના ઇતિહાસમાં આવું ક્યારેય અગાઉ થયું નહોતું, એ પછી થયું નથી અને ભવિષ્યમાં પણ આવી હિંમત કોઈ કરી નહીં શકે. રંગભૂમિ પર પ્રયોગો થવા જોઈએ, જો પ્રયોગો થાય તો જ રંગભૂમિ પોતાનું મૂળ કલેવર અકબંધ રાખી શકશે. મારે કહેવું છે કે સિત્તેર અને એંસીના દશકમાં રંગભૂમિ પ્રયોગાત્મક હતી, પણ એ પછી સમય જતાં એમાંથી પ્રયોગાત્મકતાનો ક્ષય થવા માંડ્યો. આવું થવાનું કારણ શું છે એની ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું, અત્યારે મારે વાત કરવી છે આપણે બે વીક પહેલાં કરી હતી એ ‘રાફડા’ નાટકની.

મિત્રો, મેં તમને કહ્યું હતું એમ, દિનકર જાની દિગ્દર્શિત ‘રાફડા’ નાટકના બે નિર્માતા હતા: કિરીટ મહેતા અને બિપિન મહેતા. બિપિન મહેતાના નામે કેવો ગજબનો સંયોગ ઊભો કર્યો હતો એ જોવા જેવું છે.

નિર્માતા બિપિન મહેતા ઉપરાંત એક બિપિન મહેતા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ હતા. નાટક ‘રાફડા’માં પેલા નિર્માતાનું નામ આવે, પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીના અને બીજા બધા લોકો એવું માને કે આ નિર્માતા એટલે તેમના પેલા કેમિકલના વેપારી બિપિન મહેતા જ છે અને હવે તેમણે નાટક પણ નિર્માણ કરવાનું શરૂ કર્યું છે. એ વેપારી બિપિન મહેતા ખૂબ જ બહોળું મિત્રવતુર્ળ ધરાવતા હતા. બધા મિત્રો તેમની પાછળ પડી ગયા કે તું પ્રોડ્યુસર બની ગયો એટલે તારે હવે અમને નાટક દેખાડવું પડે. બિપિન મહેતાએ બહુ સ્પષ્ટતા કરી કે પોતે પ્રોડ્યુસર નથી એટલે બધા એવું કહેવા માંડ્યા કે તારે નાટક દેખાડવું નથી એટલે તું આવું બહાનું કાઢે છે. બહુ લપ થઈ, પણ છેવટે થાકીહારીને બિપિન મહેતાએ કહ્યું કે તમને નાટક દેખાડવામાં મને કોઈ વાંધો નથી, પણ હું પ્રોડ્યુસર નથી જ નથી.

બિપિનભાઈ બધાને નાટક ‘રાફડા’ જોવા લઈ ગયા, નાટક તો તેમને ગમ્યું નહીં, પણ નાટકમાં સુજાતા મહેતાની ઍક્ટિંગ ખૂબ ગમી ગઈ. નાટક પૂરું થયા પછી બધા મિત્રો સાથે ઊભા હતા ત્યારે નક્કી કર્યું કે આપણે સુજાતા મહેતાને લઈને એક મસ્ત નાટક બનાવીએ. સુજાતા મહેતા સાથે વાત કરવા માટે તેમણે સુજાતાના નંબરની શોધખોળ શરૂ કરી અને થોડી મહેનત પછી તેમને સુજાતાના ઘરનો નંબર મYયો. તેમણે વાત કર્યા બાદ રૂબરૂ મળવા ગયા. એ જે મીટિંગ થઈ એમાં લતેશ શાહ પણ હાજર હતાં. બિપિન મહેતાએ સુજાતાને વાત કરી એટલે સુજાતા કહ્યું કે હું તમારા નાટકમાં કામ કરીશ, પણ જો એ નાટક લતેશ લખે અને ડિરેક્ટ કરે તો. એ સમયે સુજાતાને લોકો અનલક્કી આર્ટિસ્ટ એટલે કે પનોતી કલાકાર ગણતાં હતાં. તેમણે નાટકમાં કામ તો લાંબા સમયથી શરૂ કરી દીધું હતું, પણ એ જે નાટકમાં કામ કરે એ નાટક ચાલતાં નહોતાં. લોકો તેમને બહુ મહેણાં મારતાં અને કહો કે લગભગ એ નાટક-ઇન્ડસ્ટ્રીમાંથી આઉટ જ થઈ ગયાં હતાં. તેમનાં લાઇનબંધ નાટકો ફ્લૉપ ગયાં હતાં. કાન્તિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ એ તેમનું સુપરહિટ નાટક, પણ એ સિવાયનાં બધાં નાટકો ફ્લૉપ. કાન્તિ મડિયાએ રિવાઇવ કરેલું ‘સાવ રે અધૂરું મારું આયખું’ ફ્લૉપ, ઉત્તમ ગડાએ લખેલું અને અરવિંદ ઠક્કરે ડિરેક્ટ કરેલું ‘વિષરજની’ ફ્લૉપ. આ ‘વિષરજની’ નાટક વિશે જાણવા જેવું છે. આપણે ત્યાં લગ્ન પછીની પહેલી રાતને મધુરજની કહેવામાં આવે છે. નાટકનું ટાઇટલ આ મધુરજનીથી ઊલટું એટલે કે વિષરજની રાખવામાં આવ્યું હતું. નાટકના મુખ્ય કલાકારોમાં રસિક દવે, ચંદ્રકાન્ત ઠક્કર અને સુજાતા મહેતા હતાં. આ નાટકનો એકમાત્ર શો સોફિયામાં થયો હતો અને મેં એ જોયો હતો. આ નાટક એક જ શોમાં બંધ થઈ ગયું હતું.

‘વિષરજની’ની વાર્તા વિકૃત હતી. બે ભાઈઓમાં નાનો ભાઈ રસિક દવે સુજાતા મહેતાના ગળાડૂબ પ્રેમમાં હતો, પણ સુજાતા તેને તરછોડી દે છે એટલે રસિક ગાંડો થઈ જાય છે. એ પછી ભાઈનો બદલો લેવા માટે તેનો મોટો ભાઈ એટલે કે ચંદ્રકાન્ત ઠક્કર સુજાતા સાથે લગ્ન કરીને મધુરજનીની રાતે તેના ગાંડા ભાઈને લઈ આવે છે કે જો, તારે લીધે મારો ભાઈ ગાંડો થયો. હવે આ તારી સાથે મધુરજની ઊજવશે, જે તારા માટે વિષરજની બની જશે. આ પ્રકારની વાર્તા પર આધારિત ફિલ્મ ‘બેમિસાલ’ પણ આવી હતી, પણ એ બહુ પછી. એ સમયે અમે સાંભળતા કે દિગ્દર્શક પ્રવીણ જોશી પછી જો કોઈ ટૅલન્ટડ ડિરેક્ટર હોય તો એ અરવિંદ ઠક્કર છે, પણ મિત્રો, આ નાટક પછી અરવિંદભાઈની પડતી શરૂ થઈ. આ નાટક બંધ થઈ ગયા પછી અરવિંદભાઈ લાંબો સમય સુધી ગાયબ થઈ ગયા અને લોકો સુજાતા મહેતાને કાસ્ટ કરતાં ડરવા માંડ્યા. બધાને મનમાં એવું આવી ગયું હતું કે તે પનોતી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વાતની સુજાતાને પણ ખબર પડી ગઈ હતી. તેણે પણ ઑલમોસ્ટ નક્કી કરી લીધું હતું કે તે હવે આ લાઇન છોડી દેશે અને પોતાને ગમતાં બીજા ફીલ્ડ એવા ટ્રાવેલના બિઝનેસમાં ઝંપલાવશે. એ દરમ્યાન ‘રાફડા’ આવ્યું અને એ નાટક પણ ફ્લૉપ. સુજાતાને લાગ્યું કે હવે તેની કરીઅરનું પૅક-અપ થઈ ગયું. જોકે મારે આજની વાત અહીંયાં અટકાવતાં પહેલાં એક વાત કહેવી છે. કલાકાર ક્યારેય પણ પનોતી કે બુંધિયાળ કે અનલક્કી નથી હોતો. બને કે કોઈક વાર નાટક ઉપરાઉપરી ફ્લૉપ જાય પણ એમાં કદાચ કલાકાર એક જ દોષિત નથી હોતો. નાટકની વાર્તા, દિગ્દર્શન, પ્રોડકશન અને કોઈ વાર તો નાટક રિલીઝ કરવાનો સમય પણ મહત્વનો ભાગ ભજવે છે(આવતા અઠવાડિયે વાત કરીશું યુગસર્જન એવા ‘ચિત્કાર’ અને એના પ્રોડક્શનની અંદરની વાતો)

ફૂડ-ટિપ્સ

સિમ્પલી સુપર્બ: જુગાડી અડ્ડાના વડાપાંઉ એટલે સિમ્પલી એક નંબર. વડાપાંઉ સાથે જાતજાતના સૉસનું કૉમ્બિનેશન તમને બીજે ક્યાંય જોવા નહીં મળે.

મિત્રો, અત્યારે હું અમેરિકા છું, પણ આપણી આ ફૂડટિપ્સ અમેરિકાના વિઝા માટે હું કૉન્સ્યુલેટમાં ગયો એ સમયની આપણા મુંબઈની જ છે. વિઝા માટે હું બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સની અમેરિકન કૉન્સ્યુલેટ ગયો અને ત્યાં વિઝાનું કામ પતાવીને હું એક બીજા કામ માટે સાઉથ મુંબઈ જતો હતો. રસ્તમાં ટાઇમપાસ કરવાના ઇરાદે મેં ફેસબુક ઓપન કર્યું અને મારું ધ્યાન એક વિડિયો પર ગયું, જેમાં એક વ્યક્તિ વડાપાંઉ ખાતી હતી અને એનાં ખૂબ વખાણ કરતી હતી. ખાવાનું જોઈને મારી અંદરનો બકાસુર જાગ્યો. મેં વિડિયો બરાબર ચેક કર્યો અને જોયું તો એ વડાપાંઉની જગ્યાનું નામ હતું, જુગાડી અડ્ડા. આપણે તો નાખ્યું ગૂગલમેપમાં નામ અને જોયું તો ખબર પડી કે દસ જ મિનિટનો રસ્તો છે. આપણે નક્કી કરી લીધું કે જવું તો પડે જ.

વરલી સીલિંક ક્રૉસ કરીને ગ્લેક્સોવાળા રસ્તા પર ગ્લેક્સોના બિલ્ડિંગ પછી ડાબી બાજુએ તરત જ મુંબઈ દૂરદર્શન આવે. ત્યાંથી સીધા આગળ જઈએ એટલે જમણી બાજુએ જીસઝનો ક્રૉસ આવે છે અને એની પાછળની બાજુએ આવે જુગાડી અડ્ડા.

આ પણ વાંચો : કૉલમ : કોઈ આ નાટકને નામ આપો

તમને થાય કે મુંબઈમાં તો દરેક ચોથો માણસ વડાપાંઉ વેચતો હોય છે તો પછી આમાં ખાસ શું છે. પ્રfન થાય એ સ્વાભાવિક છે, પણ હું કહીશ કે આના વડાપાંઉ ખરેખર જુદાં જ છે. ‘જુગાડી અડ્ડા’માં તમને તંદૂરી મેયો વડાપાઉં અને તંદૂરી ચીઝ મેયો વડાપાંઉ પણ મળે. બીજા વડાપાંઉની વાત કરું એના પહેલાં તમને હું આ તંદૂરી એટલે શું એ સમજાવી દઉં. આ તંદૂરી સોસ હોય એમાં ચીઝ અને મેયોનીઝ હોય. એનો ટેસ્ટ અદ્ભુત હોય છે. આ ઉપરાંત એને ત્યાં સેઝવાન ચીઝ મેયો વડાપાંઉ, સેઝવાન મેયો વડાપાંઉ, પેરીપેરી ચીઝ મેયો વડાપાંઉ, પેરીપેરી મેયો વડાપાંઉ, બાર્બેક્યુ વડાપાંઉ અને બીજાં અનેક વડાપાઉં હતાં. ખરેખર સ્વાદિક્ટ વડાપાઉં બનાવે છે. વડાપાંઉ ખાતાં હો તો એક વાત ધ્યાન રાખજો. વડાપાંઉની અંદરનું જે વડું હોય એનું સૌથી વધારે મહkવ છે. એ વડાપાંઉની મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એવું કહું તો પણ ચાલે. ‘જુગાડી અડ્ડા’નું વડું ખરેખર સારું છે. મેં તો માત્ર બટેટાવડું લઈને ખાસ ટેસ્ટ પણ કર્યું છે એટલે કહું છું. આ વડામાં મેયોનીઝ કે પેરીપેરી કે ચીઝ તંદૂરી જેવા બધા સૉસ પડે તો એનો ટેસ્ટ સાવ જ બદલાઈ જાય છે અને સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે અને એનો ભાવ પણ માત્ર વીસ રૂપિયા જ છે. જો તમારે વરલી તરફ જવાનું થાય અને ભૂખ લાગી હોય તો અહીંયાં આવી જજો, મજા પડી જશે. આખો દિવસ વડાપાંઉ મળે અને એ પણ કહી દઉં, એક કે બે વડાપાંઉથી પેટ ભરાશે પણ મન નહીં ભરાય. ગૅરન્ટી. હવે આવતા અઠવાડિયેથી અમેરિકાની ફૂડટિપ્સનો રસાસ્વાદ કરાવીશ.

Sanjay Goradia columnists Gujarati food