અમારે હવે નથી કરવું નાટક, તમારે કરવું હોય તો કરો

18 June, 2019 11:16 AM IST  |  | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

અમારે હવે નથી કરવું નાટક, તમારે કરવું હોય તો કરો

તમારા મોઢામાં ઘી-સાકર: પહેલો અંક પૂરો થયા પછી સૌથી પહેલા મળેલા શફીભાઈએ મને કહ્યું, 'નાટક બહુત બઢિયા હૈ.' શફીભાઈના આ શબ્દોએ મારો બધો શાક ઓગાળી નાખ્યો.

જે જીવ્યું એ લખ્યું

‘ચિત્કાર’નો ત્રીજો અંક ઝડપથી તૈયાર થતો હતો અને અમને ઓપનિંગ માટે ડેટ રાજેન્દ્ર બુટાલાએ આપી. બુટાલા પાસે પાટકર હૉલની બપોરની એક ડેટ એક્સ્ટ્રા હતી. તેમણે અમને કહ્યું કે તમારે ‘ચિત્કાર’ના ઓપનિંગ માટે આ ડેટ જોઈતી હોય તો લઈ લો. અમે હા પાડી દીધી. તારીખ હતી ૧૬મી જાન્યુઆરી અને વર્ષ હતું ૧૯૮૩. ગ્રૅન્ડ રિહર્સલ્સ માટે અમે પાંચ દિવસ પાટકર હૉલ બુક કર્યો.

ગ્રૅન્ડ રિહર્સલ્સ શરૂ કર્યાં એ પહેલાં મ્યુઝિકનું રેકૉર્ડિંગ કરવાનું હતું. સંગીત અજિત મરચન્ટનું હતું. મ્યુઝિક માટે અજિતભાઈએ તાડદેવમાં એક સ્ટુડિયો બુક કરી લીધો અને મને કહ્યું કે રેકૉર્ડિંગના દિવસે મ્યુઝિશ્યનને આપવાના સાડાપાંચ હજાર રૂપિયા તું લેતો આવજે. એ સમયના સાડાપાંચ હજાર એ આજના દોઢ લાખ થાય. પૈસા લેવા માટે હું અમાર પ્રોડ્યુસર બિપિન મહેતા પાસે ગયો, પણ તેમની પાસે ત્યારે હતા નહીં એટલે તેમણે મને નાટકમાં તેમની સાથે પાર્ટનરશિ પ કરનારા બીજા મિત્રો પાસે પૈસા લેવા મોકલ્યો, પણ એ વખતે તેમના મિત્રોએ હાથ ઊંચા કરી લીધા કે અમારે નાટકમાં રહેવું નથી એટલે તમે તમારી રીતે જોઈ લો. હવે કરવું શું? પૈસા હતા નહીં એટલે હું ખાલી હાથે અજિતભાઈ પાસે સ્ટુડિયો ગયો અને કહ્યું કે પૈસાની વ્યવસ્થા થઈ નથી. અજિતભાઈએ કોઈ જાતના વાંધાવચકા કાઢ્યા વિના પોતાના અકાઉન્ટમાંથી સાડાપાંચ હજારનો ચેક લખીને મ્યુઝિશ્યનોને આપી દીધો. આ પૈસા છેક નાટક ઓપન થયા પછી મેં અજિતભાઈને પાછા આપ્યા. એ પહેલાં અજિતભાઈનો એક પણ વખત પૈસા માટે ફોન આવ્યો નહોતો એ પણ મને હજી યાદ છે.

નાટક ઓપન થવામાં મોડું થયું એને લીધે ખર્ચ વધવા માંડ્યા હતા. પૈસા આવવાનો ફ્લો એટલોબધો હતો નહીં. એ સમયે ‘મુંબઈ સમાચાર’માં અમારી દસ હજારની ઉધારી ચડી ગઈ હતી. મુંબઈ સમાચારવાળાં વીણાબહેને મારા પર ભરોસો રાખીને આ પૈસા બાકી રાખ્યા અને વગરપૈસે જાહેરખબર છાપી હતી. બિપિનભાઈને ત્યાંથી પૈસાનો ફ્લો અનિયમિાત થઈ ગયો અને તેમના બીજા ભાઈબંધોએ પાર્ટનરશિપની ના પાડી દીધી એટલે આ બધા પૈસાની અરેન્જમેન્ટ કરવાની અને ખર્ચનું બૅલૅન્સિંગ કરવાનું બધું મારા માથે આવ્યું અને એ જેમતેમ કરીને હું મૅનેજ કરતો. હું બને ત્યાં સુધી ખર્ચો ઓછો થાય એનું ધ્યાન રાખતો. ગ્રૅન્ડ રિહર્સલ્સનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો મને અત્યારે યાદ આવે છે.

ગ્રૅન્ડ રિહર્સલ્સના દિવસે મને કહેવામાં આવ્યું કે જલદી જઈને બે ફ્રૉસ્ટેડ ગ્લાસ લઈ આવ. ફ્રૉસ્ટેડ ગ્લાસની આપણને ખબર પડે નહીં એટલે મેં તો અમારા સેટ-ડિઝાઇનર વિજય કાપડિયાને પૂછ્યું. કાચના ગ્લાસને ઘસીને એને દૂ‌ધિયો બનાવવામાં આવે એને ફ્રૉસ્ટેડ ગ્લાસ કહેવાય એવું મને વિજય કાપડિયાએ સમજાવ્યું. હું તો દોડ્યો સીધો ગુલાલવાડીની બાજુની ગલીમાં આવેલા કાચબજારમાં અને ત્યાં જઈને ત્રણ ફુટ બાય બે ફુટના બે ફ્રૉસ્ટેડ ગ્લાસ લઈ આવ્યો. એ બન્ને ગ્લાસ વિજય કાપડિયાએ અમારા નાટકના સેટમાં બનાવવામાં આવેલા ડ્રૉઇંગરૂમની બે બારીમાં લગાડ્યા. એ પછી હું તો નીકળી ગયો બીજાં બધાં કામ પૂરાં કરવા અને મારી ગેરહાજરીમાં એ સીન સેટ થઈ ગયો. કામ પતાવીને હું પાછો આવ્યો ત્યારે એ સીનનું રિહર્સલ્સ ચાલતું હતું. આ અમારો ક્લાઇમૅક્સ હતો. ચાલુ રિહર્સલે સુજાતાએ ટેબલ પર પડેલા ફ્લાવરવાઝનો છુટ્ટો ઘા કર્યો અને વાઝ સીધો બારીના ગ્લાસ સાથે અથડાયો અને ગ્લાસ તૂટીને નીચે પડ્યો. ગ્લાસ તૂટ્યા પછી સુજાતાએ એ બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

સીન જોઈને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. હું મનોમન બોલ્યો કે આ નાટક સુપરહિટ છે. મિત્રો, ‘ચિત્કાર’ના ક્લાઇમૅક્સનું જે ઇમ્પૅક્ટ હતું એ અકલ્પનીય હતું. એ વખતે જેણે આ નાટક જોયું હશે તેને ખબર હશે કે નાટકનો અંત કેટલો હૃદયદ્રાવક હતો. મિત્રો, અમે દરેક શોમાં આ રીતે સાચો ગ્લાસ તોડ્યો છે. એને લીધે અમારા પ્રોડક્શન-કૉસ્ટમાં તો કંઈ બહુ વધારો ન થયો, પણ અમારા પર શોની કૉસ્ટ વધી ગઈ. એ કાચ એ વખતે ૭૫ રૂપિયામાં આવતો. ગુજરાતી રંગભૂમિ પર એ વખતે બૅકસ્ટેજ આર્ટિસ્ટને ૭૫ રૂપિયાનું કવર મળતું. અમે જ્યારે આ નાટક મરાઠીમાં કર્યું ત્યારે મરાઠીના પ્રોડક્શન મૅનેજરે કહ્યું કે આપણે ત્યાં કુલ ૧૧ કલાકારો છે એટલે મેં કીધું કે ના ૧૦. તો તેણે કહ્યું કે પેલો જે કાચ તૂટે છે અમારે માટે તો કલાકાર જ છે. અમારે ત્યાં કલાકારને ૭૫ રૂપિયાનું કવર આપીએ છીએ.

એ સમયમાં પચ્ચીસથી ત્રીસ હજારમાં નાટક બનતાં, પણ ‘ચિત્કાર’નું કૉસ્ટિંગ છેક પાંસઠ હજારની ઉપર પહોંચી ગયું હતું. અમે પ્રોડક્શનમાં કોઈ કચાશ રહેવા નહોતી દીધી.

એ સમયે નાટકની ટિકિટના દર હતા પચ્ચીસ, વીસ, પંદર, દસ અને પાંચ રૂપિયા. બરજોર પટેલે તેમનું નાટક ‘પેઇંગ ગેસ્ટ’ કર્યું ત્યારે તેમણે ટિકિટના ભાવ વધારીને ૩૦ રૂપિયા કર્યા અને અમે ‘ચિત્કાર’ની ટિકિટનો દર ૩૫ રૂપિયા કરી નાખ્યો. ઘણાને અંદરખાને ડર હતો, પણ સાચું કહું તો મને વિશ્વાસ હતો કે આ રીતે પાંચ રૂપિયા વધાર્યા પછી પણ નાટક જોવા લોકો આવશે અને આ નાટકની માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી ખૂબ થશે. પહેલા શોના કલેક્શનનો આંકડો આજે પણ મને યાદ છે.

પાટકર હૉલમાં પહેલા શોનું કલેક્શન 7300 રૂપિયા આવ્યું હતું. નાટકનો પહેલો અંક પૂરો થયો. નાટક જોવા આવેલા શફી ઈનામદાર ઍક્ટરોને મળવા મેકઅપ-રૂમ જતી વખતે મને રસ્તામાં મળ્યા. તેમણે મને કહ્યું હતું, ‘નાટક બહોત બિ ઢ‌યા હૈ, બહોત અચ્છા બના હૈ.’

‘ચિત્કાર’નો આ હતો પહેલો રિવ્યુ.

ફૂડ ટિપ્સ

મિત્રો ૬૮ દિવસની અમેરિકા અને આફ્રિકાની ટૂર પતાવીને હું મુંબઈ આવ્યો. આ દિવસોમાં અમેરિકા, કૅનેડા, નૈરોબી, કિસુમુ બધી જગ્યાએ મને આપણું ફૂડ મળતું હતું, પણ તોય જે આપણો મુંબઈનો સ્વાદ એ તો મુંબઈનો સ્વાદ, એના જેવું કંઈ નહીં. પાછા આવતી વખતે મેં તો રસ્તામાં જ લિસ્ટ બનાવી લીધું હતું કે મુંબઈ આવીને કયા દિવસે હું શું ખાવા જઈશ. જોકે એ લિસ્ટ અમલમાં મુકાય એ પહેલાં જ મને અચાનક જ ખબર પડી કે આપણા મુંબઈમાં ‘હાઉસ ઑફ મિસળ’ નામની રેસ્ટોરાં શરૂ થઈ છે. દાદરમાં એન. સી. કેળકર માર્ગ પર જ્યાં શિવાજી મંદિર ઑડિટોરિયમ છે એની બરાબર સામે આ ‘હાઉસ ઑફ મિસળ’ છે. આપણાથી રહેવાયું નહીં એટલે મેં તો ઑનલાઇન જ આખું મેન્યૂ ચેક કરી લીધું. હું તો આભો થઈ ગયો. મિત્રો, તમને એક આડવાત કહી દઉં કે હું અને મારો મિત્ર-પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી ઉસળ-મિસળના બહુ મોટા શોખીન છીએ. ઉસળ-મિસળ ખાવા માટે અમે ૧૦-૧૫ કિલોમીટર ગાડી ડ્રાઇવ કરીને જઈ શકીએ. ‘હાઉસ ઑફ મિસળ’નું મેન્યૂ વાંચતાં-વાંચતાં જ મારા મોઢામાં પાણી આવવા માંડ્યું હતું. બંદા તો પહોંચ્યા આ ‘હાઉસ ઑફ મિસળ’માં.

આ પણ વાંચો : ચિત્કારની ઓપનિંગ ડેટમાં રાજેન્દ્ર બુટાલા કેવી રીતે મદદગાર બન્યા?

ત્યાં અનેક જાતનાં મિસળ મળે છે. બમ્બૈયા મિસળ તો હતું જ, પણ સાથોસાથ પુણેરી મિસળ, કોલ્હાપુરી મિસળ અને વરાહળી મિસળ પણ હતું. આ વરાહળી મિસળ એટલે નાગપુરનું મિસળ. કોલ્હાપુરી મિસળ ખૂબ જ તીખું હોય, નાગપુરનું મિસળ કોલ્હાપુરી કરતાં ઓછું તીખું હોય તો પુણેરી મિસળમાં બટેટાની ભાજી નાખે. આ બધામાં મસાલા પણ અલગ-અલગ પડતા હોય છે. માલવણી મિસળ, પૌઆ મિસળ, જૈન મિસળ, વડા મિસળ, દહીં મિસળ, સમોસાં મિસળ, પાણીપૂરી મિસળ પણ અહીં છે. પાણીપૂરી મિસળમાં પાણીપૂરીની પૂરી હોય અને એની અંદર ચણા, બટેટા અને ચટણી નાખે અને પાણીપૂરીના પાણીની ચટણી નાખે અને સાઇડમાં મિસળ આપે. મિસળ એમાં ભરીને પૂરી ખાવાની. ‘હાઉસ ઑફ મિસળ’માં સૌથી વધારે મને ભાવ્યું હોય તો એ છે કોલ્હાપુરી મિસળ. અહીં રેટ પણ વાજબી અને ક્વૉન્ટિટી પણ સારીએવી. મિસળનો ભાવ ૫૦ રૂપિયા અને દહીં સાથે મગાવો તો ૬૦ રૂપિયા. જો તમને આ પ્રકારનું ફૂડ ભાવતું હોય તો હું કહીશ કે એક વખત ‘હાઉસ ઑફ મિસળ’માં અચૂક જજો. તબિયત ખુશ થઈ જશે.

Sanjay Goradia columnists