ચિત્કારની ઓપનિંગ ડેટમાં રાજેન્દ્ર બુટાલા કેવી રીતે મદદગાર બન્યા?

સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું | Jun 11, 2019, 10:39 IST

એ સમયે બુટાલાનું નાટક રમત શૂન ચોકડીની મારમાર ચાલે,પહેલાં આ નાટક સંઘર્ષના નામે ત્રણ શોમાં બંધ થઈ ગયું હતું

ચિત્કારની ઓપનિંગ ડેટમાં રાજેન્દ્ર બુટાલા કેવી રીતે મદદગાર બન્યા?
ગરવો ઇતિહાસ : 'ચિત્કાર' રિલીઝ થયું ત્યારે 'રમત શૂન ચોકડીની' મારમાર ચાલતું હતું, એ નાટકની અવિસ્મરણીય બે તસવીર.

જે જીવ્યું એ લખ્યું 

‘ચિત્કાર’ના ત્રીજા અંકમાં મહારાજનો રોલ મેં શરૂઆતમાં તો એમ જ કરી નાખ્યો, પણ પછી એ રોલ એટલોબધો સરસ ઊપસી આવેલો કે એ રોલમાં હું ફક્ત બે કે ત્રણ શબ્દો જ બોલતો, પણ માત્ર મારા હાવભાવ અને ચાલવાની ઢબછબને કારણે હું ખૂબબધી તાળીઓ અને લાફ્ટર લઈ જતો. આમ મેં મારા ઍક્ટર બનવાના વિચારને જે બીજી વાર તિલાંજલિ આપી દીધી હતી એ તકદીર ફરી વખત ઍક્ટર બનવા તરફ આગળ લઈ ગયું. પહેલી વાર ‘છેલ અને છબો’ નાટકનું નિર્માણ કરતો હતો ત્યારે કલાકારે ના પાડ્યા બાદ લતેશભાઈએ મને છબોની ભૂમિકા આપી અને આ વખતે ફરી પાછું હું જ્યારે પ્રોડક્શન પર ધ્યાન આપવા માંડ્યો હતો, ઍક્ટર બનવાનું સપનું છોડીને આગળ નીકળી ગયો હતો ત્યારે ‘ચિત્કાર’ની મહારાજની ભૂમિકા મારા ખોળામાં આવી પડી. મિત્રો, આ બીજી વારનો યોગાનુયોગ પણ છેલ્લી વાર નહોતો બન્યો, મારા જીવનમાં અનેક વખત એવું બન્યું છે કે જ્યારે પણ મેં ઍક્ટિંગને તિલાંજલિ આપી હોય છતાંય એવા સંજોગો ઊભા થાય કે મારે ઍક્ટિંગ તરફ વળવું પડ્યું હોય. આ બધી વાતો પણ આપણે આવતા સમયમાં કરીશું, પણ અત્યારે આપણી વાતનો વિષય છે ‘ચિત્કાર’ની સર્જનયાત્રા.

‘ચિત્કાર’ના પ્રોડક્શન મૅનેજરની સાથે-સાથે હું ઍક્ટર તરીકે નાટક સાથે જોડાયેલો રહ્યો. આગળ કહ્યું એમ, એ રોલ મારો એવો તે પૉપ્યુલર બન્યો કે હું ચારે બાજુ છવાઈ ગયો. નવસારીની વાત મને હજી પણ યાદ છે. એ સમયે નવસારીમાં છાપામાં જાહેરખબરો બહુ આવતી નહીં. નાના શહેરમાં જો તમે નાટકનો શો કરતા હો તો તમારે આખા ગામમાં બોર્ડ મૂકવાં પડે. નવસારીમાં ‘ચિત્કાર’નો શો હતો ત્યારે નાટકના બોર્ડમાં એવું લખેલું આવતું કે દીપક ઘીવાલા, સુજાતા મહેતા અને મહારાજની ભૂમિકામાં સંજય ગોરડિયા. જોકે હું નમ્રતા સાથે સ્વીકારીશ કે આ વાત લતેશ શાહને ગમતી નહોતી અને એ સ્વાભાવિક પણ છે. એ નાટકની વાર્તામાં હું ક્યાંય કેન્દ્રસ્થાને નહોતો એટલે એમાં મારું નામ ન હોવું જોઈએ, પણ ગુજરાતી પ્રેક્ષકોને કૉમેડી વધારે ગમતી હોય છે એટલે ઑર્ગેનાઇઝરે મારું નામ બોર્ડમાં મૂક્યું હતું. નવસારીની વાત નીકળી એટલે બીજી પણ એક વાત કહી દઉં તમને કે નવસારીના ઇતિહાસમાં એકમાત્ર ‘ચિત્કાર’ એવું નાટક છે જેના પચીસથી વધારે શો થયા છે, બીજા કોઈ નાટકના આટલા શો આજ સુધી નવસારીમાં થયા નથી.

મૂળ વાત પર આવીએ.

અમારો ત્રીજો અંક ઝડપથી તૈયાર થતો હતો, પણ થિયેટરની ડેટ્સની કોઈ વ્યવસ્થા થતી નહોતી. બહુ પ્રયત્નો કર્યા, પણ કશું વળે નહીં, થિયેટર મળે નહીં. મારી મૂંઝવણ વધતી જતી હતી અને એવામાં અમારી મદદે આવ્યા રાજેન્દ્ર બુટાલા. એ વખતે તેમનું નાટક ચાલતું હતું ‘રમત શૂન ચોકડીની.’ આ નાટકના લેખક-દિગ્દર્શક અને મુખ્ય ભૂમિકામાં શૈલેશ દવે હતા. ‘રમત શૂન ચોકડીની’નું પહેલાં ટાઇટલ હતું ‘સંઘર્ષ’, જે શિરીષ પટેલે પ્રોડ્યુસ કર્યું હતું, પણ એ સમયે નાટક સુપરફ્લૉપ થયું એટલે બંધ કરી દેવામાં આવ્યું. તરલા જોષીએ શૈલેશ દવેને એક ઇંગ્લિશ નૉવેલ આપી હતી, ‘વુમન ઑફ સ્ટ્રૉ’. જે નૉવેલ પરથી હૉલીવુડમાં ‘સેમ’ નામે ફિલ્મ પણ બની, જેમાં ચાર્લ્સ રિચમન્ડ અને સૉન કૉનેરીએ કામ કર્યું હતું. થોડા સમય પછી આ નાટક નવી કાસ્ટ સાથે રિવાઇવ કરવામાં આવ્યું. લીડ રોલ તો શૈલેશ દવે જ કરતા પણ બીજી મહત્ત્વની ભૂમિકામાં હોમી વાડિયાને લેવામાં આવ્યા અને જે ભૂમિકા મૂળ નાટકમાં તરલા જોશી ભજવતાં એને બદલે સરિતા જોષીને લેવામાં આવ્યા. મિત્રો, એ સમયે સરિતાબહેન માત્ર ને માત્ર આઇએનટીનાં નાટકો જ કરતાં, બહારનાં નાટકોમાં કામ કરતાં નહીં. પ્રવીણ જોષીના અવસાન પછી પણ સરિતાબહેન આઇએનટીને જ વફાદાર રહ્યાં. ‘રમત શૂન ચોકડીની’ સમયે સરિતા જોષી બહુ મોટાં સ્ટાર બની ચૂક્યાં હતાં. ‘રમત શૂન ચોકડીની’ સરિતાબહેનનું પહેલું નાટક હતું જે તેમણે આઇએનટીની બહાર કર્યું હોય. તેમણે જ્યારે નાટકમાં કામ કરવાની હા પાડી ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. ટૂંકમાં કહું તો આ રીતે શૈલેશ દવે, હોમી વાડિયા, સરિતા જોષી, અજિત વાચ્છાની ‘રમત શૂન ચોકડીની’માં આવ્યાં અને નાટક સુપરડુપર હિટ નીવડ્યું. દર શનિવારે હું જોતો કે એ નાટક હાઉસફુલ જ હોય, રવિવારે તમને કરન્ટમાં ટિકિટ મળે જ નહીં. અદ્ભુત લોકપ્રિયતા હતી એ સમયે આ નાટકની. મારમાર ચાલતું હતું નાટક.

એ સમયે રાજેન્દ્ર બુટાલા પાસે પાટકર હૉલની બપોરની એક ડેટ એક્સ્ટ્રા હતી. તેમણે અમને સામેથી કહ્યું, તમારે ‘ચિત્કાર’ના ઓપનિંગ માટે પાટકર ઑડિટોરિયમની આ ડેટ જોઈતી હોય તો તમે એ લઈ લો. મિત્રો, હવે પાટકરમાં શો નથી થતા. અગાઉની થોડી વાત કરી દઉં તમને. એ જમાનામાં જયહિન્દ કૉલેજમાં ખૂબબધા શો થતા, ત્યાં આગળ મોટા ભાગે આઇએનટીના જ શો થતા, બિરલા ક્રીડા કેન્દ્રમાં પણ શો થતા અને કે. સી. કૉલેજમાં પણ શો થતા. આનું કારણ હતું. મોટા ભાગની ગુજરાતી વસ્તી ‘સી’ વૉર્ડ અને ‘ડી’ વૉર્ડમાં જ રહેતી. પશ્ચિમી પરાંમાં મોટા ભાગના લોકો સ્થળાંતર કરી ગયા હતા છતાં ‘સી’ વૉર્ડ અને ‘ડી’ વૉર્ડમાં ગુજરાતીઓની ખૂબબધી વસ્તી હતી, જેને લીધે આ બધા થિયેટરની બોલબાલા હતી. ટાઉનનાં આ બધાં થિયેટરોમાં અગ્રેસર હતું તેજપાલ. તેજપાલની ડેટ હોય એટલે તમારા હાથમાં બ્લૅન્ક ચેક આવી ગયો એવું ધારી લેવાનું. એ સમયે બપોરના શો પણ બધી જગ્યાએ થતા. આજે તો બપોરના શો માત્ર ને માત્ર તેજપાલમાં ભજવાય છે, થોડાઘણા બપોરના શો ભારતીય વિદ્યા ભવનમાં થાય છે અને અમુક શો નેહરુમાં નિર્માતાએ નાછૂટકે કરવા પડે છે.

ફરી મૂળ વિષય, ‘ચિત્કાર’.

અમને પાટકર હૉલની બપોરની ડેટ ઓપનિંગ માટે મળી, તારીખ હતી ૧૬મી જાન્યુઆરી અને વર્ષ હતું ૧૯૮૩. હવે સમય આવ્યો ગ્રૅન્ડ રિહર્સલ્સનો. અમે પાંચ દિવસ માટે પાટકર હૉલ ગ્રૅન્ડ રિહર્સલ્સ માટે બુક કર્યું. આખી રાત અમે ગ્રૅન્ડ રિહર્સલ્સ કરતા. ગ્રૅન્ડ રિહર્સલ્સનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો મને અત્યારે યાદ આવે છે પણ સમય અને સ્થળની મર્યાદા સાથે અહીં અટકીએ છીએ, એ કિસ્સા સાથે વાત આગળ વધારીશું આવતા મંગળવારે.

ફૂડ ટિપ્સ

Sanjay Goradia loved to eat Rava Masala Dhosa

મિત્રો, કેન્યા આવીને શું ન ખાવું એની વાત આપણે ગયા વીકમાં કરી. સ્વાભાવિક રીતે આપણને ગુજરાતીઓને તરત જ એમ થાય કે આ ન ખાવું ને પેલું ન ખાવું, તો પછી કેન્યામાં ખાવું શું? મિત્રો, ગુજરાતી જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં તે પોતાનું ગુજરાત ઊભું કરી જ નાખતા હોય છે. નૈરોબીમાં પણ એવું જ બન્યું છે અને ગુજરાતીઓને મજા પડી જાય એવી રેસ્ટોરાં વર્ષોથી ચાલે છે. નામ છે એનું ‘ચોપાટી.’ નૈરોબીમાં જ એની ત્રણ બ્રાન્ચ છે. આ બ્રાન્ચના નામ છે વેસ્ટલૅન્ડ, ડાયમન્ડ પ્લાઝા અને હાઇપાર્ક. આમ તો આ ત્રણેત્રણ નૈરોબીના વિસ્તારો છે અને એ જ વિસ્તારમાં આ ‘ચોપાટી’ રેસ્ટોરાં આવેલી છે. ‘ચોપાટી’માં તમને ૧૫૦ પ્રકારની ભારતીય વાનગી મળશે; જેમાં પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી આઇટમ આવી ગઈ.

આ પણ વાંચો : મહારાજનું એ પાત્ર અને અક્ટિંગ ફીલ્ડમાં મારી રી-એન્ટ્રી

‘ચોપાટી’ની સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ વાનગીઓ મને ખૂબ ભાવી. અહીં રવા મસાલા ઢોસામાં મુંબઈ જેવી જ મજા આવી. એકદમ કરકરા રવાના ઢોસા, અદ્ભુત સંભાર અને ચટણી. નૈરોબી જાઓ તો ‘ચોપાટી’માં અને ‘ચોપાટી’માં જાઓ તો અહીંનો પૅશન ફ્રૂટનો જૂસ પીવાનું તો બિલકુલ ભૂલતા નહીં. પૅશન ફ્રૂટ જૂસ આમ તો તમને કૅનમાં પીવા મળે, પણ જે મજા ફ્રેશ જૂસની છે એ પૅક્ડ કૅનના જૂસમાં નથી. ફ્રેશ જૂસ થોડું વધારે પલ્પી અને સ્વાદમાં ટેસ્ટી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK