હવે તું નિર્માતા બની જા

19 February, 2019 10:43 AM IST  |  | સંજય ગોરડિયા

હવે તું નિર્માતા બની જા

સંજય ગોરડિયાને જ્યારે મળી ફર્સ્ટ ક્રેડિટ

જે જીવ્યું એ લખ્યું

‘બાઝાર’ની ક્લાઇમૅક્સ માટે ક્રીએટિવલી અમે પાલઘરને વીટી સ્ટેશન બનાવીને શૂટિંગ પૂરું કર્યું અને હવે અમારે ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનના કામમાં લાગી જવાનું હતું. આ કામ આમ પણ થોડું તો શરૂ કરી દેવામાં આવ્યું જ હતું. હૈદરાબાદમાં શૂટ પૂરું કરીને આવ્યા ત્યારથી જ અમારું પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટિંગની વાત કરું તો અમારી ફિલ્મનું ૮૦ ટકા શૂટિંગ હૈદરાબાદમાં થયું હતું; જ્યારે બાકીના વીસ ટકામાં મુંબઈ, બૅન્ગલોર અને ખંડાલામાં થયું હતું.

પોસ્ટ-પ્રોડક્શનનું કામ નવરંગ લૅબમાં થતું હતું. તુલસી પાઇપ રોડ પર લોઅર પરેલનો અત્યારનો જે પૉશ એરિયા છે ત્યાં આ નવરંગ લૅબ આવી હતી. અહીં મારે રોજ એડિટિંગ માટે જવાનું રહેતું. હું રોજ સવારે આઠ વાગ્યે મારા ખેતવાડીના ઘરેથી નીકળું અને અપ્સરા ટૉકીઝ પાસેથી ૬૬ નંબરની બસ પકડીને પહેલાં સાયન જવા રવાના થઉં. એ સમયે બસ આખી ખાલી મળે એટલે હું ડબલ ડેકર બસના ઉપરના માળે ચડીને પહેલી સીટ પર બેસી જાઉં, જ્યાં સામે જે બારી પડે એમાં ફરફર હવા આવે. ખેતવાડીથી સાયન પહોંચવામાં અડધો કલાક લાગે. આ અડધો કલાક મારી પોતાની માલિકીનો. દુનિયાભરની તકલીફો ભૂલીને હું આ અડધા કલાકમાં મારા આવનારા દિવસોનાં અવનવાં સપનાં જોતો બેસી રહું. આંખો બસની બારીમાંથી દેખાતા મુંબઈને જોતી હોય અને દૃષ્ટિ દૂરથી આવી રહેલા ભવિષ્ય પર મંડાયેલી હોય.

સાડાઆઠ વાગ્યે બસ સાયન પહોંચે એટલે બસમાંથી ઊતરીને હું ચાલતો-ચાલતો ગુરુ તેગબહાદુર નગરના પાટા ક્રૉસ કરીને કોલીવાડા જઉં. એ સમયે ત્યાં ફુટઓવર બ્રિજ બન્યો નહોતો એટલે બધા આ રીતે પાટા ક્રૉસ કરીને જ જતા. કોલીવાડામાં અમારા પ્રોડ્યુસર વિજય તલવાર અને ડિરેક્ટર સાગર સરહદીનું ઘર હતું. ત્યાંથી હું અને વિજયસાબ બન્ને નવરંગ લૅબ જવા માટે નીકળીએ. લોઅર પરેલમાં અમારી ફિલ્મ એડિટ થાય એ જોઉં, વિજયસાબ બીજાં કોઈ કામ સોંપે તો એ કરવા જવાનું અને આમ સાંજ પડી જાય. સાંજે પાંચ-છ વાગ્યે કામ પૂરું થાય એટલે હું તેમનાથી છૂટો પડીને ફરીથી મારી નાટકમંડળી સાથે જૉઇન થઈ જાઉં અને પછી અમારી ગપ્પાગોષ્ઠિ ચાલુ થઈ જાય.

આ દિવસોમાં મારી અને શશી વાડિયાની મિત્રતા વધવા માંડી હતી એટલે મોટા ભાગનો સમય હું તેની સાથે જ રહેતો. મને તેની સાથે ખૂબ ભળવા માંડ્યું હતું. અમારી મિત્રતાની હદ કેવી હતી એની એક વાત કહું. કોઈ દિવસ મારે બહુ કામ હોય કે તેને બહુ કામ હોય અને હું તેને મળી ન શકું તો આકુળવ્યાકુળ થઈ જવાય. ખબર નહીં, પણ બેચેની લાગ્યા કરે અને મજા ન આવે. એ બેચેની શું હતી એની સમજણ હવે આવી ગઈ છે. હકીકતમાં એ બેચેની બુદ્ધિના ખોરાકની બેચેની હતી. જે રીતે તમને સાંજ પડ્યે બે વાર, ત્રણ વાર ખાવા જોઈએ એવી જ રીતે તમારા મગજને પણ એને ઉપયોગી ખોરાક જોઈતો હોય છે અને એ ખોરાક એને મળવો પણ જોઈએ. જો તમને એ ખોરાક ન મળે તો બેચેની લાગે, મજા ન આવે.

આ જ દિવસોમાં અમે જે શેરીનાટક કર્યું હતું એ ‘ચોર ચોર પકડો પકડો’ નાટકને જાગૃતિ ઇન્ટર-કૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં ત્રીજું ઇનામ મળ્યું. ગવર્નમેન્ટ લૉ કૉલેજ તરફથી એ નાટક શશીએ ડિરેક્ટ કર્યું હતું. એ પછી તો આ જ નાટક ત્ભ્વ્ખ્ કૉમ્પિટિશનમાં પણ ભજવાયું. ત્ભ્વ્ખ્ કૉમ્પિટિશનની ફાઇનલ સુધી નાટક પહોંચ્યું. એ ફાઇનલમાં કુલ છ નાટક હતાં અને ફાઇનલ જજ પણ બધા ધુરંધરો હતા. સંઈ પરાંજપે, અરવિંદ જોષી અને ગિરેશ દેસાઈ. અમે આ કૉમ્પિટિશન જીતી ગયા. ‘ચોર ચોર પકડો પકડો’ને પહેલું પ્રાઇઝ મળ્યું અને શશી વાડિયાને બેસ્ટ રાઇટર તથા બેસ્ટ ડિરેક્ટરનું પ્રાઇઝ પણ મળ્યું. મિત્રો, અમને બધાને એ સમયે શશીની ખૂબ ઈર્ષ્યા થવા માંડી હતી. જોકે આ ઈર્ષ્યામાં ક્યાંય બળતરા નહોતી અને એ હોવી પણ ન જોઈએ. જો બળતરા કરો તો તમે તમારી ઈર્ષ્યાને ક્યારેય હકારાત્મક બનાવી નથી શકતા. આજે પણ હું કોઈ બહુ સારી ફિલ્મ કે નાટક જોઉં તો મને એના પ્રોડ્યુસર કે ક્રીએટિવ ટીમની ઈર્ષ્યા આવે. થાય કે આવું નાટક સાલ્લુ મારાથી કેમ નથી બન્યું. જોકે એ ઈર્ષ્યા પછી હું એવું નાટક બનાવવાની દિશામાં કામ કરવાનું શરૂ કરું. એ સમયે પણ મારો સ્વભાવ એવો જ હતો. સારી વાત, સારી આદત કે સારો સ્વભાવ જોઈને ઈર્ષ્યા કરવાની; પણ પછી તરત જ એ જે સારું જોયું હોય એ અપનાવવાની કોશિશ કરવા માંડવાની.

મૂળ વાત પર આવીએ.

એડિટિંગનું કામ પણ ધીમે-ધીમે પૂરું થવાનું શરૂ થયું અને ફરીથી હું નવરો પડવાનો શરૂ થયો. મને ફિલ્મ ‘બાઝાર’ના પ્રોડક્શનના કામ માટે લઈ જનારા આપણા ગુજરાતી રંગભૂમિના ડિરેક્ટર લતેશ શાહ એ ફિલ્મમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા, જે મેં અગાઉ કહ્યું છે. હું નવરો પડ્યો એમ લતેશભાઈ પાસે પણ હવે ખાસ કંઈ કામ હતું નહીં એટલે હું અને લતેશભાઈ ફરી નિરાંતે બેઠા અને લતેશભાઈએ મને કહ્યું કે ચાલ, આપણે બાળનાટક બનાવીએ. આજે બાળનાટક બનતાં જ નથી અને એની પાછળનું એક કારણ આ મોબાઇલ અને ટીવી છે. જોકે એ સમયે બાળનાટકો બનતાં, લોકો જોવા આવતા અને એ નાટકો સુપરહિટ પણ થતાં. લતેશભાઈ જે બાળનાટક બનાવવાની વાત કરતા હતા એનું નામ હતું ‘છેલ અને છબો’. લતેશભાઈ મને કહે કે સંજય તેં જે રીતે ફિલ્મનું પ્રોડક્શન સંભાળ્યું એ જોતાં મને લાગે છે કે તું આ નાટકનો નિર્માતા બની જા. અઘરું હતું સાહેબ આ નિર્માતા બનવું. મને એટલી તો ખબર પડી ગઈ હતી કે નિર્માતા બનવા માટે તમારી પાસે બીજી કોઈ આવડત હોય કે નહીં, પણ પૈસા તો હોવા જ જોઈએ અને આપણી પાસે એ જ વાતની કમી હતી. હું કંઈ કહું કે આનાકાની કરું એ પહેલાં તો લતેશભાઈએ કહ્યું, ‘પૈસા મારા અને નિર્માતામાં નામ તારું.’

ફૂડ-ટિપ્સ

અન્નપૂર્ણા : પર્થના એલિઝાબેથ કી વિસ્તારમાં આવેલી આ અન્નલક્ષ્મી રેસ્ટોરાં જમાડ્યા પછી એક પણ પૈસો માગતી નથી. આ રેસ્ટોરાંનો લાભ આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ખૂબ મળે છે.

મિત્રો, પર્થનો શો પતાવ્યા પછી બીજા દિવસે અમારે નિરાંત હતી. શો હતો નહીં એટલે અમને ફરવાની આઝાદી હતી. બીજા દિવસે હું મારા મામાના દીકરા જય વોરા સાથે પર્થમાં ફરવા માટે નીકળ્યો અને પર્થમાં ડાઉનટાઉનના CBD એટલે કે કમર્શિયલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ ફરવા ગયા. મિત્રો, આ જે CBD વિસ્તાર છે એની ખાસિયત કહી દઉં તમને. જો તમે પરામાં રહેતા હો તો ત્યાં તમને બંગલાઓ જ જોવા મળે, બંગલા સિવાય બીજું કશું દેખાય નહીં; પણ જો તમે મેં કહ્યું એમ CBD વિસ્તારમાં આવો તો તમને ભાતભાતની હાઇરાઇઝ ઇમારતો જોવા મળે. CBD પાસે જ એલિઝાબેથ-કી નામનો વિસ્તાર છે. આ વિસ્તારને દરિયાકાંઠો લાગુ પડે છે. મિત્રો, આ વિસ્તારમાં રિયલ એસ્ટેટના ભાવ આખા પર્થમાં સૌથી હાઇએસ્ટ છે. અમે એમ જ દરિયાકિનારે ફરતા હતા ત્યારે મને એક સુખદ આર્ય જોવા મળ્યું. આ સુખદ આર્યનું નામ એટલે અન્નલક્ષ્મી રેસ્ટોરાં. પર્થ જેવું શહેર અને એ શહેરના સૌથી મોંઘાદાટ એરિયામાં ઇન્ડિયન રેસ્ટોરાં. સ્વાભાવિક રીતે મારા જેવાને રસ પડે જ. મેં જઈને તપાસ કરી તો ખબર પડી કે એ તો છેલ્લાં પચીસ વર્ષથી ચાલે છે અને ત્યાં સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખવડાવવામાં આવે છે અને એ પણ પાછી તદ્દન ફ્રીમાં. હા, સાવ જ મફતમાં. જો પૈસા હોય તો તમને જે મનમાં આવે, જે ઇચ્છા થાય એ મૂકવાના અને નહીં તો તમારે કોઈ જાતના સંકોચ વિના ‘થૅન્ક યુ’ કહીને ત્યાંથી નીકળી જવાનું. એ વાત જુદી છે કે સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયામાં રહેતા લોકો અહીં મફતમાં ખાતા નથી, પણ ભણવા માટે ઑસ્ટ્રેલિયા આવતા સ્ટુડન્ટ પાસે મહિનાના અંતે જ્યારે પૈસા ખૂટી જાય કે ઘરેથી ખૂબ જ ઓછા પૈસા આવતા હોય અને એમાં જ તેણે ચલાવવાનું હોય તો તે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અહીં આવે છે. એ લોકો જમીને કાં તો ટોકન અમાઉન્ટ એટલે કે બહુ ઓછા ડૉલર આપે અને કાં તો ‘થૅન્ક યુ’ કહીને નીકળી જાય. હવે વાત કરું બીજા લોકોની. બીજા લોકો પેમેન્ટ કરે છે અને એ પણ એવી રીતે કે તેમણે પચીસ ડૉલરનું ખાધું હોય પણ મૂકી દે ૫૦ ડૉલર, જેથી જરૂરિયાતમંદવાળા લોકોને પણ આ મફતનું ખાવાનું આપી શકાય.

આ પણ વાંચો : અને પાલઘર બન્યું વિક્ટોરિયા ટર્મિનસ

મિત્રો, આ લખવા પાછળનું કારણ એના ઉપરની ખાસિયત તો છે જ, પણ ‘અન્નલક્ષ્મી’નું ફૂડ બહુ સ્વાદિષ્ટ છે. પેમેન્ટ ન લેવાની માનસિકતા સાથે જ શરૂ કરવામાં આવેલી આ રેસ્ટોરાંમાં જરા પણ બેદરકારી કે ફૂડમાં કરકસર કે કંજૂસાઈ કરવામાં નથી આવતી. હું માનું છું કે આપણે ત્યાં પણ આ પ્રકારની રેસ્ટોરાં શરૂ થવી જોઈએ, જેથી મુંબઈ આવતા લોકોને એનો લાભ મળે. પર્થ આવો તો એક વખત અચૂક આ અન્નલક્ષ્મી રેસ્ટોરાંની મુલાકાત લેજો.

Sanjay Goradia columnists