કૉલમ : વાર્તા નક્કી, કાસ્ટિંગ નક્કી, પણ નાટકનું ટાઇટલ નહોતું અમારી પાસે

23 April, 2019 10:28 AM IST  |  | સંજય ગોરડિયા

કૉલમ : વાર્તા નક્કી, કાસ્ટિંગ નક્કી, પણ નાટકનું ટાઇટલ નહોતું અમારી પાસે

રોબર્ટમની હાઈ સ્કૂલ

જે જીવ્યું એ લખ્યું

દીપક ઘીવાલા, ૮૦ના દસકાના સુપરસ્ટાર.

મને થયું કે ‘ચિત્કાર’ માટે એક વાર તેમની સાથે વાત કરવી જોઈએ. મેં દીપકભાઈનો નંબર શોધ્યો. એ દિવસોમાં ૬ ડિજિટના ફોન-નંબર હતા અને એ ૬ ડિજિટમાં પહેલા બે આંકડા ‘૮૨’ હતા. તેઓ ગામદેવીમાં તેજપાલ ઑડિટોરિયમની બાજુમાં રહેતા. અમે તેમને ફોન કર્યો અને તેમણે ઘરે મળવા બોલાવ્યા.

મળીને અમે તેમને ‘ચિત્કાર’ની વાર્તા સંભળાવી અને તેમણે તરત જ હા પાડીને કહ્યું કે હું નાટક કરવા તૈયાર છું, પણ મારું એક નાટક બીજું ‘પેઇંગ ગેસ્ટ’નાં રિહર્સલ્સ ચાલે છે એટલે એના શો ઍડ્જેસ્ટ કરવાના. મિત્રો ‘પેઇંગ ગેસ્ટ’ એક મરાઠી નાટક હતું અને એ જ નાટકની ગુજરાતી આવૃત્તિ બની રહી હતી. બરજોર પટેલ પ્રોડક્શન્સના આ નાટકના દિગ્દર્શક અરવિંદ ઠક્કર હતા અને નાટકમાં દીપકભાઈ સાથે રાગિણીબહેન હતાં. અરવિંદ ઠક્કરની પડતી શરૂ થઈ ચૂકી હતી અને એટલે જ કદાચ દીપકભાઈને એ નાટકમાં ભલીવાર નહીં લાગ્યો હોય માટે જ તેમણે અમને હા પાડી હશે, એવું મારું માનવું છે.

દીપક ઘીવાલાએ ‘ચિત્કાર’ માટે હા પાડી એટલે અડધો જંગ અમે ત્યાં જ જીતી ગયા. મેં તમને ગયા વીકમાં જ કહ્યું હતું કે દીપક ઘીવાલા બહુ મોટા સ્ટાર હતા. તેમના જેવા મોટા સ્ટારે નાટક માટે હા પાડી એ ખુશીની વાત જ હતી. બિઝનેસની દૃષ્ટિએ પણ હવે અમારું સાહસ ‘દુ:સાહસ’માંથી બહાર નીકળી રહ્યું હતું. બીજું એ કે દીપક ઘીવાલાએ વાર્તા સાંભળીને અમને હા પાડી હતી, જેને લીધે અમારો વાર્તા માટેનો કૉન્ફિડન્સ પણ વધ્યો હતો. અમને ઑથેન્ટિક કહેવાય એવો સેકન્ડ ઓપિનિયન પણ મળી ગયો હતો કે અમારી વાર્તામાં દમ છે.

દીપક ઘીવાલા હીરો અને સાથે હિરોઇન તરીકે સુજાતા મહેતા. એ પછી સુજાતાની કઝિન સિસ્ટરનું જે પાત્ર હતું એને માટે મેં લતેશભાઈને ભૈરવી વૈદ્યનું નામ સૂચવ્યું. ભૈરવી વૈદ્ય લગ્ન પહેલાં મહેતા હતી, પણ લગ્ન પછી ભૈરવી વૈદ્ય થઈ. એ સમયે તેનાં તાજાં-તાજાં લગ્ન થયાં હતાં. ભૈરવીને મેં ‘પિતૃદેવો ભવ:’ નાટકમાં જોઈ હતી અને મને તેની ઍક્ટિંગ ખૂબ ગમી હતી. લતેશભાઈને ભૈરવી વિશે કંઈ જાણ નહોતી. તેમણે મીટિંગનું કહ્યું એટલે અમે મીઠીબાઈ કૉલેજની બાજુમાં આવેલી રસરાજ રેસ્ટોરાંમાં મીટિંગ કરી. મીટિંગ પછી ભૈરવી વૈદ્ય નક્કી થઈ ગઈ. સુજાતાના એટલે કે રત્ના સોલંકીના સાસુના પાત્ર માટે ભૈરવીએ જ અમને ખ્યાતિ દેસાઈનું નામ સૂચવ્યું અને આ રીતે નાટકના બોર્ડ પર ખ્યાતિ આવી, જ્યારે દીપક ઘીવાલાએ સસરાના રોલ માટે માધવ પ્રધાનનું નામ સૂચવ્યું એટલે તેઓ પણ ફાઇનલ થઈ ગયા.

નાટકમાં એક સિનિયર ડૉક્ટરનું પાત્ર હતું જેના માટે સુજાતા મહેતાના રિયલ કાકા હંસુ મહેતાને લીધા. હંસુભાઈની પર્સનાલિટી જબરદસ્ત પ્રભાવશાળી હતી. હવે તેઓ આપણી વચ્ચે હયાત નથી. નાટક માટે અમને એક મેટ્રનની જરૂર હતી. એવી મેટ્રન જે એકદમ રિયલ લાગે. આ મેટ્રન માટે નાયર હૉસ્પિટલમાંથી જ એક નૉન-ગુજરાતી કૅથલિક લેડીને લતેશભાઈ લઈ આવ્યા. આ લેડી એકદમ જાડી અને અતિશય સ્ટ્રિક્ટ હતી. તેનો અવાજ એવો તો પ્રચંડ કે એ સાંભળીને ભલભલા ધ્રૂજી જાય. આ રિયલ લેડી અમારી મેટ્રનના કૅરૅક્ટરમાં એકદમ ફિટ બેસતી હતી. મેટ્રન પણ ફાઇનલ થઈ અને આ રીતે અમારું ‘ચિત્કાર’ માટેનું શરૂઆતનું કાસ્ટિંગ નક્કી થયું.

મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, પણ નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં ત્યાં સુધી આ નાટકનું ટાઇટલ નક્કી નહોતું. નાટકના ટાઇટલની વાત નીકળતી, પણ અમે ટાઇટલ પર બહુ મથામણ નહોતા કરતા. વિચાર્યું હતું કે ટાઇટલ પછી ફાઇનલ કરી લઈશું. ટાઇટલ વિના જ અમે મુરતનો દિવસ નક્કી કર્યો. એ દિવસોમાં નાટકોનાં રિહર્સલ્સ મોટા ભાગે બે જ જગ્યાએ થતાં.

ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે આવેલી રૉબર્ટ મની હાઈ સ્કૂલ રિહર્સલ્સ માટે પૉપ્યુલર હતી. સાંજે ૬ વાગ્યા પછી રિહર્સલ્સ માટે જગ્યા આપે. તમારે ક્લાસમાંથી બધી બેન્ચ હટાવીને રિહર્સલ્સ કરવાનાં અને ૧૦ વાગ્યે રિહર્સલ્સ પૂરાં થાય એટલે બધી બેન્ચ હતી એમ મૂકીને જવાનું. આ જગ્યાની એક તકલીફ હતી, ત્યાંનું વાતાવરણ બહુ ડિપ્રેસિવ હતું. આખા ક્લાસમાં એક જ ટ્યુબલાઇટ, જેને લીધે વાતાવરણ મોટા ભાગનું અંધારિયું લાગે. મને એ જગ્યા ક્યારેય ગમી જ નહોતી. રિહર્સલ્સ માટે બીજી જગ્યા એનાથી જરા આગળ જાઓ એટલે કૉન્ગ્રેસ હાઉસ આવે. ત્યાંથી આગળ લૅમિંગ્ટન રોડ તરફ વધો એટલે જમણી બાજુએ ફાર્બસ સભાગૃહ આવે, જેના હૉલમાં રિહર્સલ્સ થતાં પણ પ્રૉબ્લેમ એ હતો કે ત્યાં એક જ હૉલ હતો એટલે જો કોઈનાં રિહર્સલ્સ ચાલતાં હોય તો તમારી પાસે પેલી ડિપ્રેસિવ રૉબર્ટ મની હાઈ સ્કૂલ જ બાકી રહે. મને હજી યાદ છે કે રૉબર્ટ મની હાઈ સ્કૂલનું એ વખતે ભાડું એક સેશનના ૧૭ રૂપિયા હતું.

એ વખતે કાંતિ મડિયાનાં રિહર્સલ્સ વાલકેશ્વરના તીનબતીમાં ચાલતાં હતાં, જે જગ્યા યોગેન્દ્ર દેસાઈએ મડિયાને આપી હતી. આ યોગેન્દ્ર દેસાઈ વિશે તમને થોડી વાત કરી દઉં. યોગેન્દ્ર દેસાઈએ આપણે ત્યાં નૃત્યનાટિકાઓ ખૂબ કરી હતી. તેઓ પોતે ખૂબ જ સારાં ડાન્સર હતા. યોગેન્દ્ર દેસાઈએ આશા પારેખ સાથે ‘ચૌલાદેવી’ કર્યું હતું અને ‘સંતુ રંગીલી’ના નામે પણ એક નૃત્યનાટિકા કરી હતી. એ પછી પ્રવીણ જોષીએ ‘સંતુ રંગીલી’ ટાઇટલ વાપરીને આ જ નામનું નાટક બનાવ્યું હતું. યોગેન્દ્ર દેસાઈએ કાંતિ મડિયાને રિહર્સલ્સ માટે પોતાની જગ્યા આપી હતી અને મડિયા રિહર્સલ્સ ત્યાં જ કરતા. આઇએનટીની પોતાની વર્કશૉપ હતી બાબુલનાથમાં. એ લોકો ત્યાં રિહર્સલ્સ કરે. મડિયા અને આઇએનટી સિવાયના જે કોઈ હતા એ બધા માટે રિહર્સલ્સની બે જ જગ્યા. એકાદ પ્રોડ્યુસર હોય તો એ ફાર્બસ હૉલમાં રિહર્સલ્સ કરે અને પ્રોડ્યુસર વધી જાય તો તે રૉબર્ટ મની હાઈ સ્કૂલમાં રિહર્સલ્સ કરે. રૉબર્ટ મનીમાં ઘણા ક્લાસ હતા એટલે વધારે પ્રોડ્યુસર ત્યાં સચવાઈ જતા. (‘ચિત્કાર’ની આગળની વાતો આવતા અઠવાડિયે)

ફૂડ-ટિપ્સ

હમણાં અમેરિકાના ટેક્સસ સ્ટેટના અલગ-અલગ સિટીમાં અમારા નાટકના શો ચાલી રહ્યા છે. પહેલાં અમે ડલાસમાં શો કર્યો, પછી ૬ કલાકની ડ્રાઇવ કરી મિડલૅન્ડ ગયા અને ત્યાંથી બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે સૅન ઍન્ટેનિયો જવા નીકળ્યા. આ સૅન ઍન્ટેનિયો ટેક્સસનું અત્યંત મહત્વનું અને અમેરિકાનું સાતમા નંબરનું મોટું સિટી છે.

આ સૅન એન્ટેનિયોની હિસ્ટરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને લગભગ ત્રણ શતક જૂની છે. જો અલામો યુદ્ધ ન થયું હોત તો એવી હાલત હોત કે આખું ટેક્સસ અને કૅલિફૉર્નિયા અમેરિકાને બદલે આજે મેક્સિકોમાં હોત. આ અલામો યુદ્ધ થયું સૅન એન્ટેનિયોમાં. આ યુદ્ધ વિશે પછી હું તમને નિરાંતે વાત કરીશ. અત્યારે પહેલાં વાત કરીએ ફૂડ ટિપ્સની. સૅન એન્ટેનિયોમાં અમારો શો હતો એટલે જેવા અમે અહીં પહોંચ્યા કે એક લોકલ માણસને મળ્યો. તેને મનાવી-સમજાવીને સાથે લીધો અને અમે પહોંચ્યા સૅન એન્ટેનિયો નામની નદી પાસે. આ નદી પાસે પાળ બનાવીને રિવર-વૉક બનાવવામાં આવ્યું છે જેમાં વચ્ચે નાનકડી નદી વહેતી હોય, નદી ઉપર બ્રિજ હોય, બોટ ચાલતી હોય. એવું જ લાગે જાણે આપણે એકાદ ફિલ્મનો સેટ જોઈએ છીએ. આ રિવર-વૉકની આજુબાજુમાં ઘણી રેસ્ટોરાં અને દુકાનો છે, પણ એ બધામાં ‘કાસા રિયો’ નામની એક બહુ જૂની રેસ્ટોરાં છે. લગભગ ૭૨ વર્ષથી છે એ. આ એરિયામાં મોટા ભાગની મેક્સિકન રેસ્ટોરાં છે. આપણી આ ‘કાસા રિયો’ પણ મેક્સિકન રેસ્ટોરાં જ છે. હું ત્યાં બેઠો એટલે ત્યાંની એક ફૂટડી યુવતી મને સાલસા સૉસ અને ટોર્ટિલા ચિપ્સ એટલે કે મકાઈની ચિપ્સ આપી ગઈ.

આ ચિપ્સ અને સાલસા સૉસ ફ્રી હતાં. આવે એ બધાને આપે. એને ન્યાય આપ્યા પછી મેં વેજિટેરિયન એન્ચિલાડાઝ નામની આઇટમ મગાવી. આ વેજિટેરિયન એન્ચિલાડાઝ શું છે એ જાણવા જેવું છે. મકાઈની એક રોટલી હોય, જેની અંદર સ્ટફિંગ કરવામાં આવે. બેલપેપર નાખ્યાં હોય, કાકડીની નાની બહેન એવી ઝુકીનીના ટુકડા હોય, કાંદા, મશરુમ હોય અને એ બધું નાખીને વણી લેવામાં આવે. ત્યાર પછી એના પર ચીઝ નાખે અને સાથે ખાવા માટે ટૉમેટીનો સૉસ, મેક્સિકન રાઇસ અને બીન્સ આપે. મિત્રો, મેં આટલા ઑથેન્ટિક અને ડિલિસિયસ એન્ચિલાડાઝ મારી જિંદગીમાં કયારેય ખાધા નથી. એન્ચિલાડાઝ સાથે ફ્રોઝન માર્ગારિટા ડ્રિન્ક હોય. આ ડ્રિન્કમાં લેમન સ્ક્વોસ હોય જે ફ્રોઝન હોય અને સાથે એમાં ટકીલાનો એક શૉટ નાખે જેનો ટેસ્ટ અદ્ભુત લાગે.

આ પણ વાંચો : કૉલમ : નાયર હૉસ્પિટલની પેશન્ટના જીવનમાંથી મળ્યું ચિત્કાર

ક્યારેય અમેરિકા જવાનું બને તો બીજી બધી જગ્યાએ જવાનું બને કે ન બને, પણ તમે સૅન એન્ટિનિયો અચૂક જજો. અહીંથી બે કલાકના ડિસ્ટન્સ પર જ મેક્સિકોની બૉર્ડર છે એટલે એ રીતે આ બૉર્ડર-સિટી કહેવાય. એક દિવસ ડાઉનટાઉનમાં વિતાવજો. બધાં જ જૂના સમયનાં બિલ્ડિંગો અને સ્થાપત્યો છે. અલામોની જે લડાઈને કારણે આ સિટી અમેરિકામાં રહી ગયું એ યુદ્ધનાં શસ્ત્રો અને બીજું બધું પણ રાખવામાં આવ્યું છે. આપણે જે રિવર-વૉકની વાત કરી એ રિવર-વૉક એરિયામાં નિરાંતે રોમૅન્ટિક વૉક પણ લઈ શકાય અને બોટમાં આ આખો એરિયા પણ ફરી શકાય. બોટમાં બેસશો ત્યારે તમને બોટનો નાવિક આ વિસ્તારનો ઇતિહાસ કહેશે. એ ઇતિહાસમાં તમને શૌર્યગાથા તો જાણવા મળશે જ મળશે, પણ સાથોસાથ તમને અમેરિકા કેમ આજે મહાસત્તા છે એ પણ સમજાશે અને એ પણ સમજાશે કે ઝૂકવું એ આ દેશના લોહીમાં નથી.

 વો શામ કુછ અજીબ થી : સૅન એન્ટેનિયોના ૩૦૦ વર્ષ જૂના ઇતિહાસ સાથે જો આમ શાંતિથી બેસવા મળે તો ખરેખર રાજેશ ખન્નાનું આ ગીત તમારી અંદર વાગવાનું શરૂ થઈ જાય.

Sanjay Goradia columnists