કૉલમ : નાયર હૉસ્પિટલની પેશન્ટના જીવનમાંથી મળ્યું ચિત્કાર

સંજય ગોરડિયા | Apr 16, 2019, 11:02 IST

અમારા આ નવા નાટકની ડેટ્સનું કામ કોને સોંપવું એની વાત ચાલતી હતી. એમાં મારાથી કહેવાઈ ગયું, હું સંભાળી લઈશ ડેટ્સનું. ખબર કશી નહીં અને એ પછી પણ જોશમાં આવીને મેં કહી દીધું અને રંગભૂમિની દુનિયાની એક નવી દિશા જોવાની તક મળી

કૉલમ : નાયર હૉસ્પિટલની પેશન્ટના જીવનમાંથી મળ્યું ચિત્કાર
રિવાઇવલ ‘રાફડા’: મિત્રો આપણે ગયા વીકમાં ‘રાફડા’ નાટકની વાત કરી, પણ એ વાંચ્યા પછી અનેક મિત્રોના ફોન આવ્યા, જેમાં જાણવા મળ્યું કે આ નાટક હકીકતમાં રિવાઇવલ હતું. ઓરિજિનલ નાટકનો શુભારંભ ૧૯મી નવેમ્બર, ૧૯૭૮ની સાંજે સાડાસાત વાગ્યે હિન્દુજા ઑડિટોરિયમથી થયો હતો, જેના ઓરિજિનલ નિર્માતા હતા લતેશ શાહ, પણ એમાં નિર્માતા તરીકે નામ આપવામાં આવ્યું હતું પરેશ રાવલનું.

જે જીવ્યું એ લખ્યું

આપણી વાત ચાલતી હતી સુજાતા મહેતાની. લોકો તેને બૂંધિયાળ કે અનલક્કી માનવા માંડ્યા હતા, પણ મિત્રો, કળાકાર ક્યારેય પણ પનોતી કે બૂંધિયાળ કે અનલક્કી નથી હોતો. એવું બને કે કોઈ વાર નાટક ઉપરાઉપરી ફ્લોપ જાય, પણ એમાં કદાચ કળાકાર એક જ દોષિત નથી હોતો. નાટકની વાર્તા, દિગ્દર્શન, પ્રોડક્શન અને કોઈ વાર તો નાટક રિલીઝ કરવાનો સમય પણ મહત્વનો ભાગ ભજવે છે. નાટક એક સહિયારું સર્જન છે અને એમાં સૌ કોઈની મહેનત અને નસીબ સહિયારું પરિણામ આપતું હોય છે. કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ કે ક્યારેય આ પ્રકારનું વિચારવું નહીં અને આવી અંધશ્રદ્ધા મનમાં રાખવી પણ નહીં. આની બહુ માઠી અસર સામેવાળી વ્યક્તિના મનમાં રહેતી હોય છે. એ સમયે આ વાતનો ડંખ સુજાતાને પણ ક્યાંક ને ક્યાંક મનમાં હતો જે હું જોઈ શકતો હતો. લતેશ શાહ અને સુજાતા સારાં મિત્રો અને મારે લતેશભાઈ સાથે સારું એવું બને, જેને લીધે મારે સુજાતાને પણ મળવાનું બહુ બધી વાર બનતું અને એને લીધે આ વાત મારા ધ્યાનમાં આવી હતી.

બિપિન મહેતાવાળી વાતનું અનુસંધાન જોડી દઈએ.

બિપિન મહેતા સુજાતા મહેતાને મળ્યા અને સુજાતા મહેતાને લઈને નાટક કરવાની તેમણે વાત કરી. સુજાતાને વાંધો નહોતો, પણ તેની એક શરત હતી કે જો નાટક લતેશભાઈ લખે અને ડિરેક્ટ કરે તો જ તે કામ કરે. બિપિનભાઈને પણ એવો કોઈ વાંધો નહોતો અને એ મીટિંગ એ રીતે ફળીભૂત રહી.

- અને આ રીતે ‘ચિત્કાર’નું ગર્ભાધાન શરૂ થયું. એ સમયે બિપિન મહેતાએ કલ્પના પણ નહીં કરી હોય કે અનાયાસે જોયેલા ‘રાફડા’ને કારણે એ નિર્માતા બનશે અને એક યુગસર્જક નાટકની સાથે સાવ જ અનાયાસે જ જોડાઈ જશે. એ દિવસોમાં લતેશભાઈ નાયર હૉસ્પિટલમાં ડૉક્ટર-સ્ટુડન્ટ્સને લઈને એક નાટકની તૈયારી કરતા હતા. નાયર હૉસ્પિટલનું કોઈ ફંક્શન હતું, જેમાં આ ઇન્ટર્ન ડૉક્ટરો નાયર હૉસ્પિટલના ઑડિટોરિયમમાં પર્ફોર્મન્સ આપવાના હતા. લતેશભાઈ આ ભાવિ-ડૉક્ટરોને રિહર્સલ કરાવતા અને સાથોસાથ નાયર હૉસ્પિટલમાં રહેલા માનસિક રીતે અસ્થિર પેશન્ટના વૉર્ડમાં કેવા-કેવા પેશન્ટ્સ આવે એની પણ વાતો પૂછતા. આ વિશે ત્યારે કોઈને ખબર નહોતી, એકલા લતેશભાઈ જ જાણે. અમને બધાને તો આ વાતની ખબર મોડેથી પડી હતી. મારો કહેવાનો ભાવાર્થ એ જ કે સારો નિર્માતા કે ડિરેક્ટર એ જ કહેવાય કે એ કામ ન કરતો હોય તો પણ સારા સબ્જેક્ટ માટે તેનાં આંખ-કાન ખુલ્લાં હોય અને એ સબ્જેક્ટને સૂંઘતો રહેતો હોય.

નાયર હૉસ્પિટલના માનસિક રીતે અસ્થિર પેશન્ટ્સના વૉર્ડમાં રત્ના સોલંકી જેવી એક પેશન્ટ હતી. પૅરૅનોઇડ સિક્ઝોફ્રેનિક એવી આ પેશન્ટના જીવન પરથી સરસ નાટક બની શકે એવું લતેશભાઈને લાગતું હતું અને તેમના મનમાં તાણાવાણા પણ ગૂંથાવા માંડ્યા હતા અને આમ આ કામની દિશામાં પહેલું પગલું મંડાયું.

એ પછી લતેશભાઈએ ઇરોઝ સિનેમા પાસે શોભિત દેસાઈને મળવા માટે બોલાવ્યા. હું તો લતેશભાઈ સાથે જ હતો. શોભિતને મળીને લતેશભાઈએ વાત કરી કે એક ફાઇનૅન્સર આવ્યા છે, નાટક બનાવવા માગે છે તો હવે આગળ કેમ વધવું. અત્યારે જેમ નાટકના પ્રસ્તુતકર્તા હોય છે અને એનું ઑફિશ્યલ નામ આવે છે એવું એ સમયે નહોતું, એ સમયમાં થિયેટરની ડેટ્સ મૅનેજ કરવાનું કામ થોડા માણસો કરતા જે તમને થિયેટરની ડેટ્સ અરેન્જ કરી આપે અને તમારે તેમને શો દીઠ કવર આપી દેવાનું. થિયેટરની ડેટ્સ મેળવવાનું કામ અભિમન્યુના સાત કોઠા ભેદવા જેવું અઘરું અને કપરું હતું. એ કોઠાને પાર કરવાનું કામ લગભગ અશક્ય જ હતું. અમારી મીટિંગ વખતે લતેશભાઈએ પૂછયું કે ડેટ્સ મૅનેજ કરવાનું કામ કોને આપવું છે અને મેં તરત જ લતેશભાઈને કહ્યું હતું કે એ બધું હું મૅનેજ કરી લઈશ. ડેટ્સ હું મૅનેજ કરીશ એવું બોલતાં તો બોલાઈ ગયું, પણ એ કેવી રીતે કરીશ એની ખબર નહોતી, પણ એક જોશ હતો, નિષ્ઠા હતી અને કામ કરવાની ઇચ્છા હતી. મેં હા પાડી અને કામ આગળ વધ્યું.

નાટકનાં રિહર્સલ્સ શરૂ થાય એ પહેલાં અમે કાસ્ટિંગ પર બેઠા. લતેશભાઈએ પૂછયું કે સુજાતાની સામે ડૉક્ટરની ભૂમિકા માટે કોને લેવા જોઈએ અને મેં તરત જ દીપક ઘીવાલાનું નામ આપ્યું. એ સમયે દીપકભાઈ ગુજરાતી રંગભૂમિના બહુ મોટા સ્ટાર, તેમનાં એકસાથે બે નાટકો ચાલતાં. દીપકભાઈને કાસ્ટ કરવા પ્રોડ્યુસરો લાઇનમાં ઊભા રહે, જેવું તેમનું આગલું નાટક પૂરું થાય કે તરત જ તે બીજું નાટક શરૂ કરી દે. એ સમયે દીપક ઘીવાલા અને રાગિણીની જોડી સુપરહિટ હતી. મને થયું કે એક વખત આપણે તેમની સાથે નાટકની વાત તો કરીએ. મેં દીપકભાઈનો નંબર શોધ્યો. મને હજુ પણ યાદ છે કે એ દિવસોમાં છ ડિજિટના ફોન નંબર હતા અને એ છ ડિજિટમાં પહેલા બે આંકડા ‘૮૨’ હતા. તેઓ ગામદેવીમાં તેજપાલ ઑડિટોરિયમની બાજુમાં રહેતા. અમે તેમને ફોન કર્યો અને તેમણે ઘરે મળવા બોલાવ્યા. અમે પહોંચ્યા તેમને રૂબરૂ મળવા.

(રૂબરૂ અમારી મીટિંગ કેવી રહી અને આગળનું કાસ્ટિંગ કેવી રીતે થયું એની વાતો કરીશું આવતા અઠવાડિયે)

ફૂડ-ટિપ્સ

sanjay goradiya food tips, સંજય ગોરડિયા ફુડ ટિપ્સચૉકલેટ બોમ્બ: હું, ચૉકલેટ એક્સ-ફાઇવ અને અમારી સ્વાદિષ્ટ દુનિયા.

મિત્રો, આજથી આપણે હવે અમેરિકન ફૂડ ટિપ્સ માણવાના છીએ. અમેરિકામાં અમારો પહેલો શો હતો ઓર્લાન્ડોમાં. શો પૂરો થયા પછી મારા મિત્ર સુશ્રુત પંડ્યાએ મને કહ્યું કે આપણી પાસે એક કલાક છે, તમે ફટાફટ રેડી થઈ જાવ, મારે તમને એક જગ્યાએ લઈ જવા છે. હું મેક-અપ ઉતારીને ફટાફટ રેડી થઈ ગયો અને સુશ્રુત મને લઈ ગયો યુનિવર્સલ સ્ટુડિયોઝમાં. આ યુનિવર્સલ સ્ટુડિયોઝમાં એક સિટીવૉક નામનો એરિયા બનાવવામાં આવ્યો છે, જેમાં ખાણીપીણીની ખૂબ બધી અને મોટી-મોટી કહેવાય એવી રેસ્ટોરાં છે. એમાં એક રેસ્ટોરાં એનું નામ ‘પ્રોફેસર ડૉક્ટર પેનેલોપી ટુથસમ ચૉકલેટ એમ્પોરિયમ’. મિત્રો, તમને જણાવી દઉં કે આ પ્રોફેસર ડૉક્ટર પેનેલોપી ટુથસમ યુનિવર્સલ સ્ટુડિયોઝનું પોતાનું એક કાલ્પનિક કૅરૅક્ટર છે. આ કૅરૅક્ટર અને એનો રોબો(ટ)ની સાથે દુનિયાના અલગ-અલગ દેશોમાં જાય અને ચૉકલેટની જાતજાતની વરાઇટી ચાખે. આ બધું કર્યા પછી એ નક્કી કરે છે કે આપણે ત્યાં એક એવી રેસ્ટોરાં હોવી જોઈએ જેમાં તમને બધું ખાવાનું ચૉકલેટ કે પછી ચૉકલેટ બેઝનું જ મળે અને આ ઉપરાંત જાતજાતનાં આઇસક્રીમો, જાતજાતનાં ચૉકલેટ આઇસક્રીમ પણ તમને મળે. એ પછી જે રેસ્ટોરાં બની એ આ રેસ્ટોરાં. આઇટમોનો તો જાણે કે પર્વત આખો, આમાંથી સંજીવની કેમ શોધવી એ મને સમજાય નહીં એટલે મારા યજમાન સુશ્રુતભાઈએ એ જવાબદારી લીધી અને મારા માટે આર્ડર કર્યો ચૉકલેટ એક્સ-ફાઇવનો.

આ પણ વાંચો : કૉલમ : સુપરફ્લૉપ રાફડાના ગર્ભમાં હતું એક સુપરહિટ નાટક

આ ચૉકલેટ એક્સ-ફાઇવમાં પાંચ જાતની ચૉકલેટ હોય. ચૉકલેટ આઇસક્રીમ, ચૉકલેટ ચન્કસ, સ્ટ્રોબેરી વિથ ચૉકલેટ સૉસ, ફ્રેશ વિપ્ડ ક્રીમમાં પણ ચૉકલેટ હોય અને ચૉકલેટ સ્પાઇરલ પણ હોય. અભિભૂત થઈ જવાય એવી વરાઇટી. એકલા માણસથી તો પતે પણ નહીં. એ તમને મોટી બરણીમાં આપે. આ બરણી કાચની નહીં, પણ એક્રેલિકની હોય, પણ લાગે ડિટ્ટો કાચની બરણી જેવી જ. મને ખરેખર અફસોસ થયો કે આ આઇટમને આટલી વધારે ક્વૉન્ટિટીમાં કેમ આપતા હશે. જો ક્વૉન્ટિટી ઓછી હોય તો મારા જેવા બકાસુરને બેચાર આઇટમ ટેસ્ટ કરવી હોય તો કરી શકાયને? દરિયાના એક ટીપા જેવી મેં એક આઇટમ ચાખી અને પછી અમે નીકળી ગયા. પણ હા, એ એક આઇટમ પણ પૈસા વસૂલ, સોરી, ડૉલરવસૂલ. ઓર્લાન્ડો જવાનું બને તો યુનિવર્સલ સ્ટુડિયોઝમાં પ્રોફેસર ડૉક્ટર પેનેલોપી ટુથસમ ચૉકલેટ એમ્પોરિયમમાં જવાનું બિલકુલ ચૂકતા નહીં. જિંદગી આખી ખાધી હોય એ ચોકલેટનો ટેસ્ટ અને આ એમ્પોરિયમની ચોકલેટનો ટેસ્ટ, એમ્પોરિયમ સો ટકા ચડી જાશે. ગૅરેન્ટી મારી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK