ભાઈ, કંઈક કરવું પડે. આ જોઈને તો ઑડિયન્સ ગાળો દેશે

22 August, 2022 05:26 PM IST  |  Mumbai | Sanjay Goradia

‘મિસ ફૂલગુલાબી’નાં રિહર્સલ્સમાં રન-થ્રૂ જોયા પછી મારી પહેલી પ્રતિક્રિયા આ હતી અને એવું જ થયું હોત જો સમયસર ભાવેશ માંડલિયા નાટક બચાવવા માટે અમારી સાથે જોડાયો ન હોત. જોકે એ પછી પણ નાટક તો અમે બચાવી ન જ શક્યા

‘મિસ ફૂલગુલાબી’ જોઈને ડૉ. નયના પટેલ, તેમનો સ્ટાફ અને સરોગસી મધર બધાં ખુશ થઈ ગયાં કે તમે અમારા મનની વાત લોકો સુધી પહોંચાડી.

અમારા નવા નાટકના લીડ કૅરૅક્ટરનું નામ હતું ગુલાબી અને તેના નામ પરથી અમે નાટકનું ટાઇટલ રાખ્યું ‘મિસ ફૂલગુલાબી’. નાટકની લીડ ઍક્ટ્રેસ તરીકે પ્રણોતી પ્રધાન આવી તો તેની સાથે અમે ફાલ્ગુની દવે, રિન્કુ પટેલ, સંજીવની, દીપમાલા, શિલ્પા મહેતાને લાવ્યા. પુરુષ કલાકારોમાં અમે યોગેશ પગારે અને પ્રતીક જાદવને ફાઇનલ કર્યા. પ્રતીકે ઓરિજિનલ એકાંકીમાં કંકુ નામની છોકરીનો રોલ રોલ કર્યો હતો. આ સિવાય નાટકમાં એક ડ્રાઇવરની ભૂમિકા બહુ મહત્ત્વની હતી. એ કૉમેડિયન પણ હતો અને વિલન પણ હતો. આ રોલમાં અમે નીતિન ત્રિવેદીને કાસ્ટ કર્યો. કાસ્ટિંગ પૂરું થયું અને નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. કરમની કઠણાઈ એ હતી કે નાટક ઓપન થવાનું હતું એના એક વીક પહેલાં સુધી હું ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકની ટૂર પર હતો. એ ટૂર પૂરી કરીને હું મુંબઈ પહોંચ્યો અને સીધો ગયો રિહર્સલ્સ પર, જ્યાં વિપુલે બૉમ્બ ફોડ્યો. 

‘નૌશિલભાઈની સ્ક્રિપ્ટમાં મને બહુ મજા નથી આવતી.’

હા, હું અને વિપુલ મળ્યા ત્યારે વિપુલે સૌથી પહેલી વાત મને આ જ કરી. તે નૌશિલ મહેતાની સ્ક્રિપ્ટથી બહુ ખુશ નહોતો. નૌશિલભાઈની એક વાત કહું તમને. નૌશિલભાઈએ કમર્શિયલ નાટક બહુ ઓછાં કર્યાં છે, એ ખૂબ જ સારા રાઇટર અને મારી આ વાત કોઈ નકારી શકે નહીં અને બીજી વાત, જેટલા સારા રાઇટર એટલા જ સારા એ માણસ પણ. તેમણે લખેલાં અનેક નાટકો પૃથ્વી થિયેટરમાં ધૂમ મચાવી ચૂક્યાં હતાં, પણ કમર્શિયલ રંગભૂમિ પર તેમનું યોગદાન ઓછું છે. કમર્શિયલ રંગભૂમિનું જે પ્રોજેક્શન હોય છે એ વિશે તેમની સમજણ ઓછી હશે એવું મને પણ લાગવા લાગ્યું છે. આ નાટક અગાઉ મેં જ પ્રોડ્યુસ કરેલું નાટક ‘ચોકટ રાણી, ચાર ગુલામ’ સુપરફ્લૉપ રહ્યું હતું અને એમાં મને ભારે આર્થિક નુકસાની સહન કરવી પડી હતી. ‘ચીની મિની’ લખવાની પણ ઑફર પહેલાં મેં તેમને જ કરી હતી. તેમણે હા પણ પાડી અને પછી અચાનક જ લખવાની ના કહી દીધી અને હવે આવી વાત આ નાટકની.
‘મિસ ફૂલગુલાબી’માં વિપુલ તેમનાથી બહુ ખુશ નહોતો. મેં એમ જ ચૂપચાપ સાંભળી લીધું અને રિહર્સલ્સમાં રન-થ્રૂ જોવા બેસી ગયો. રન-થ્રૂ જોતાં જ મને સમજાઈ ગયું કે આમ તો મરી જઈશું, નાટકમાં ઘણી ગરબડ હતી. હું બીજી માર્ચ અને સોમવારના રિહર્સલ્સ જોવા ગયો હતો અને ૨૦૦૯ની ૮મી માર્ચે નાટક ઓપન થવાનું હતું. મારી પાસે હવે માત્ર ૬ દિવસ હતા અને બીજા શબ્દોમાં કહું તો, મારી પાસે હજુ ૬ દિવસ છે!

મેં વિપુલને કહ્યું કે આપણે નાટકમાં કંઈક કરવું પડશે, નહીં તો આપણી હાલત ખરાબ થઈ જશે અને લોકો ગાળો આપશે. અમે નૌશિલભાઈને ફોન કર્યો તો તેમણે હાથ ઊંચા કરી નાખ્યા અને કહી દીધું કે મેં જે લખી આપ્યું છે એ ફાઇનલ છે, હવે હું એમાં કશું નહીં કરું.

મેં તેમને વાત સમજાવવાની કોશિશ કરી, પણ તે માને જ નહીં અને ફાઇનલી તેમણે મને કહ્યું કે તમારે બીજા કોઈ પાસે રિપેર કરાવવું હોય તો તમે ખુશીથી કરાવી શકો છો, પણ મારું વર્ઝન તો આ જ છે. અમે તરત જ ગયા ભાવેશ માંડલિયા પાસે કે હવે તું જ અમને આમાં કંઈક હેલ્પ કર. વાત આગળ વધારતાં પહેલાં તમને કહી દઉં કે વિપુલ પોતે બહુ સારો રાઇટર. તમને ખબર હશે કે વિપુલે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી...’ અને ‘કોશિશઃ એક આશા’ જેવી અસંખ્ય સિરિયલો લખી છે, પણ અહીં વિપુલનો રોલ ડિરેક્શનનો હતો ત્યારે એ ડિરેક્શનમાં ધ્યાન આપે કે નાટક લખવામાં રહે? 

રાઇટર હોય ત્યારે વિપુલ આઇડિયા થ્રો કરી શકે, પણ લખવાનું કામ તો રાઇટરે જ કરવું પડે અને એ કામ નહોતું થયું. એવું નહોતું કે વિપુલે નૌશિલભાઈને આઇડિયા થ્રો નહોતા કર્યા પણ નૌશિલભાઈ સિનિયર એટલે તેમની સાથે વધારે દલીલબાજી ન થઈ શકે. અમે જઈને મળ્યા ભાવેશને અને અમે અમારા પૉઇન્ટ્સ રજૂ કર્યા. ભાવેશે બધું ચૂપચાપ સાંભળી લીધું અને પછી તેણે નાટકને રિપેર કરવાનું બીડું ઝડપ્યું, જેના માટે હું આજ દિન સુધી ભાવેશ માંડલિયાનો આભારી છું. આ જ વાત મેં તેને પણ કહી છે અને આજે, પબ્લિકલી પણ હું આ જ વાત કહું છું.
ભાવેશે લખવાનું ચાલુ કર્યું પણ સમહાઉ નાટકમાં મજા આવતી નહોતી, પણ હા, મારે કહેવું જ જોઈએ કે નાટકમાં અમારા આઇડિયા ઉમેર્યા પછી નાટક કમસે કમ જોવાલાયક તો બન્યું અને અમને ખાતરી થઈ કે હવે ઑડિયન્સ અમને ગાળો તો નહીં જ આપે. 

અગાઉ કહ્યું હતું, એમ અમારી પાસે માત્ર છ જ દિવસ હતા અને ફાઇનલી એ દિવસ આવી ગયો જ્યારે અમારે નાટક ઓપન કરવાનું હતું.

૨૦૦૯ અને ૮મી માર્ચે અમારું ૪૯મું નાટક ઓપન થયું અને નાટક ફ્લૉપ થઈ ગયું. આ નાટકના માત્ર ૨૯ જ શો થયા અને નાટક અમારે બંધ કરી દેવું પડ્યું. આ નાટકને કારણે અમને આર્થિક અને શાખની દૃષ્ટિએ ખૂબ જ નુકસાની થઈ, પણ નકારાત્મક સાઇડ જોવાને બદલે આપણે આ નાટકની સકારાત્મક સાઇડ જોઈએ.

આ નાટકના કેન્દ્રમાં જે ડૉ. નયના પટેલ હતાં તેમણે તેમના ઇનર સર્કલ, હૉસ્પિટલના સ્ટાફ અને આણંદની આસપાસ રહેતી સરોગેટ માતાઓ માટે શો કરવાનું અમને આમંત્રણ આપ્યું અને અમે બે શો કરવા માટે આણંદ ગયા. ગામડાંઓમાંથી બધી સરોગેટ મધર નાટક જોવા આવી અને આખું ઑડિટોરિયમ છલકાઈ ગયું. સામાન્ય રીતે જો હું નાટકમાં ઍક્ટિંગ ન કરતો હોઉં તો ટૂરમાં જતો નથી, પણ ‘મિસ ફૂલગુલાબી’ના આ બન્ને શો માટે હું આણંદ ગયો હતો એટલે એ બધાં દૃશ્યો મેં મારી સગી આંખે જોયાં છે. નાટક જોવા આવેલી એ મહિલાઓ નાટક જોઈને ભાવવિભોર થઈ ગઈ હતી. 

અમારી સરપ્રાઇઝ વચ્ચે બીજા શોમાં મલ્લિકા સારાભાઈ નાટક જોવા આવ્યાં. નૌશિલ મહેતા અને મલ્લિકા સારાભાઈ બન્ને સારાં મિત્ર અને એટલે જ તેઓ નાટક જોવા આવ્યાં હતાં. નાટક એમને કેવું લાગ્યું એ પૂછવાની મારી હિંમત તો હતી નહીં, પણ હું ધારું છું કે નાટક કેવું લાગ્યું એ તેમણે નૌશિલભાઈને તો કહ્યું જ હશે, પણ હા, ડૉ. નયનાબહેન નાટક જોઈને ખુશ થયાં અને મને કહ્યું કે તમે અમારી વાત લોકો સુધી પહોંચાડી એની અમને ખુશી છે. તેમણે અમારો આભાર પણ માન્યો હતો. 

મિત્રો, અહીં હું એક વાત કહેવા માગીશ. સામાન્ય રીતે નાટકનું વિડિયો શૂટિંગ થાય એવું હું ઇચ્છતો હોઉં છું, પણ જો અમને નુકસાની ગઈ હોય તો વિડિયો રાઇટ્સ વેચીને અમે નુકસાની સરભર કરી શકીએ એના માટે બધાની તૈયારી હોય છે. ‘મિસ ફૂલગુલાબી’માં પણ અમને એમ જ હતું કે નાટક થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કરીને એના ડિજિટલ રાઇટ્સ વેચીએ, પણ એ સમયે નૌશિલ મહેતાએ મને ના પાડી. તેમણે કહ્યું કે આ નાટક પરથી મારે ફિલ્મ બનાવવી છે, એટલે તું એ શૂટ નહીં કરતો અને આમ થોડાઘણા પૈસા રિકવર કરવાની મારી જે આશા હતી એના પર પણ પાણી ફરી વળ્યું અને થોડાક વખત પહેલાં ક્રિતી સેનનની ‘મિમી’ નામની ફિલ્મ આવી, જેમાં આ જ વિષય હતો, જેના લેખક કોઈ બીજા જ હતા એ સહેજ તમારી જાણ ખાતર.
ઍક્ટિવ રીતે નાટકો શરૂ કર્યા પછી ત્રીસથી પણ ઓછા શો થયા હોય એવાં નાટક મારી કરીઅરમાં ઓછાં આવ્યાં છે પણ ‘મિસ ફૂલગુલાબી’ એ પૈકીનું એક નાટક.
‘મિસ ફૂલગુલાબી’ પછીની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.

‘મિસ ફૂલગુલાબી’માં અમને હતું કે નાટક થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કરીને એના ડિજિટલ રાઇટ્સ વેચીએ, પણ નૌશિલ મહેતાએ ના પાડી. તેમણે કહ્યું કે આ નાટક પરથી મારે ફિલ્મ બનાવવી છે, એટલે તું એ શૂટ નહીં કરતો અને આમ થોડાઘણા પૈસા રિકવર કરવાની મારી જે આશા હતી એના પર પણ પાણી ફરી વળ્યું.

જોક સમ્રાટ

પતિઃ તું તૈયાર થવામાં કલાક કરે છે, જો મને. હું કેવો બે મિનિટમાં તૈયાર થઈ ગયો. પત્નીઃ મૅગી અને શાહી પનીરમાં આ જ તો ફરક છે.

columnists Sanjay Goradia