‘ધુંધ’ અને ‘ઘરૌંદા’ પરથી મારા મનમાં એક નવી વાર્તાએ જન્મ લીધો

31 October, 2022 04:20 PM IST  |  Mumbai | Sanjay Goradia

જોકે એ વાર્તાને બન્ને ફિલ્મોની સ્ટોરી સાથે સંબંધ નહોતો એ તમે પણ ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ નાટક જોઈને કહેશો

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં

મારે એ કબૂલવું પડશે કે અમે બહુ ઓછાં નાટકો પ્રવીણભાઈ પાસે લખાવ્યાં છે, એનું એક દેખીતું કારણ એ છે કે અમારી પાસે અમારી પોતાની ઘણીબધી વાર્તાઓ હતી એટલે અમને એવા લેખક જોઈતા હતા જે અમારા કહેવા પર નાટક લખી આપે.

આપણી વાત ચાલતી હતી અમારા હોમ-પ્રોડક્શનમાં બનેલા પ૪મા નાટક ‘સખણાં રે’તો સાસુ નહીં’ની. આ નાટકની વાતમાં મારાથી એક સરતચૂક થઈ ગઈ છે. ગયા સોમવારે તમને કહ્યું એમ, નાટકમાં રિન્કુ પટેલે શ્રુતિ ઘોલપનું રિપ્લેસમેન્ટ નહોતું કર્યું. અમારાં લીડ ઍક્ટ્રેસ મીનળ પટેલને કોઈક કારણસર ફ્રૅક્ચર થયું હતું જેને કારણે મીનળબહેન શો કરી શકે એમ નહોતાં એટલે તેમનું રિપ્લેસમેન્ટ રિન્કુ પટેલે કર્યું હતું. આ વાત મારા ધ્યાન પર કવિ-ગીતકાર અને આ જ નાટકમાં મામાનું મહત્ત્વનું કૅરૅક્ટર કરનારા દિલીપ રાવલ લાવ્યા, જેને માટે તેમનો આભાર.

‘સખણાં રે’તો સાસુ નહીં’ નાટકનાં રિહર્સલ્સ દરમ્યાનની જ વાત છે. છેલ્લા થોડા સમયથી મારા મનમાં એક વાર્તા રમતી હતી જે બી. આર. ચોપડાની ફિલ્મ ‘ધુંદ’ અને ગુલઝારની ફિલ્મ ‘ઘરૌંદા’ જોયા પછી મેં ડેવલપ કરી હતી. અફકોર્સ, એમાં મેં મારી રીતે પાત્રો રચ્યાં હતાં અને મારી રીતે એ આખી વાર્તાને શેપ આપ્યો હતો. સસ્પેન્સ-થ્રિલર એવી એ સ્ટોરીમાં ઇમોશન્સ પણ ભારોભાર હતાં. હું કહીશ કે એ વાર્તાને સીધી કે આડકતરી રીતે ક્યાંય ‘ધુંદ’ કે ‘ઘરૌંદા’ સાથે લાગેવળગે નહીં, પણ એ ફિલ્મો જોયા પછી આ વાર્તા સૂઝી હતી એટલે મારે એનો ઉલ્લેખ કરવો જ રહ્યો.

મેં એ વાર્તાનું ડિસ્કશન અમારા હોમ-ડિરેક્ટર વિપુલ મહેતા સાથે કર્યું. વિપુલને પણ વાર્તા ગમી એટલે નક્કી થયું કે ‘સખણાં રે’તો સાસુ નહીં’ પછી આપણે તરત જ આ નાટક શરૂ કરવું, પણ પ્રશ્ન એ આવ્યો કે હવે આ નાટક લખે કોણ?

મારા બધા જ લેખકો બિઝી હતા અને બીજું એ કે આ સસ્પેન્સ-થ્રિલર નાટક હતું જેમાં ઇમોશન્સ પણ ભારોભાર હતાં એટલે સબ્જેક્ટને પૂરેપૂરો ન્યાય આપી શકે એવો જ લેખક જોઈએ. અમને લાગ્યું કે આ નાટક પ્રવીણ સોલંકી પાસે જ લખાવવું જોઈએ. મિત્રો, પ્રવીણભાઈ વિશે વાત કરવી એટલે સૂરજને દીવો દેખાડવાનું કામ કર્યું કહેવાય, પણ એમ છતાં મારાથી રહેવાતું નથી એટલે કહું છું કે પ્રવીણભાઈ સિદ્ધહસ્ત લેખક છે અને ગુજરાતી રંગભૂમિ પાસે તેમનું હોવું એ ગુજરાતી રંગભૂમિના અહોભાગ્ય છે.
મારે એક વાત કબૂલવી પડશે કે અમે લોકોએ બહુ ઓછાં નાટક પ્રવીણભાઈ પાસે લખાવ્યાં છે, જેની પાછળનું કારણ શોધવા જાઓ તો કોઈ એવું મેજર કારણ નથી, પણ એક દેખીતું કારણ એ કે અમારી પાસે અમારી પોતાની ઘણીબધી વાર્તાઓ હતી એટલે અમને એવા લેખક જોઈતા હતા જે અમારા કહેવા પર નાટક લખે, જ્યારે પ્રવીણભાઈ પાસે એવા નિર્માતાઓ અઢળક હતા જેનું નાટક પૂરું થતું હોય એટલે પ્રવીણભાઈને મળીને તેમને કહે કે અમને નાટક આપો અને મિત્રો, પ્રવીણભાઈ પાસે નાટક હંમેશાં તૈયાર જ હોય. નૅચરલી એ હોવાનું જ, એમ ને એમ જ કંઈ તેઓ ૨૦૦+ નાટકના લેખક બન્યા ન હોય. જોકે અમારામાં વાત જુદી હતી, અમારી પાસે જે સ્ટોરી હતી એના પર કામ કરવાનું હતું, જેના માટે તેઓ માને એ પણ જરૂરી હતું.
હું પ્રવીણભાઈ પાસે ગયો અને જઈને તેમને મેં ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ની વાર્તા સંભળાવી. આ ટાઇટલ તો અમે નાટકનાં રિહર્સલ્સ શરૂ થઈ ગયા પછી આપ્યું, પણ તમારો રસભંગ ન થાય એટલે એ ટાઇટલ અત્યારે કહી દઉં છું. મેં પ્રવીણભાઈને સ્ટોરી સંભળાવી.  તેમને વાર્તા ગમી એટલે તેમણે પણ તરત જ હામી ભણી અને આમ કામ આગળ વધ્યું.
‘સખાણાં રે’તો સાસુ નહીં’ નાટક અમે ૨૦૧૦ની ૭ માર્ચે ઓપન કર્યું હતું અને અમારું પંચાવનમું નાટક ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ ૬ઠ્ઠી મેએ એટલે કે બે જ મહિનાના ટૂંકા ગાળામાં અમે ઓપન કર્યું. 

નાટકના કસબીઓ તો અમારા ઑલમોસ્ટ નક્કી જ રહેતા. દિગ્દર્શક વિપુલ મહેતા, મ્યુઝિક લાલુ સાંગો, પ્રકાશ-આયોજન રોહિત ચિપલૂણકર, પ્રચાર દીપક સોમૈયા અને કળા છેલ પરેશ. હવે વાત આવી કાસ્ટિંગની.

આ જ દિવસોમાં એક સાવ નવી છોકરી મારી પાસે આવી અને મને કહ્યું કે મારે નાટકમાં કામ કરવું છે અને એ છોકરીનો કૉન્ફિડન્સ ગજબનાક હતો, તો છોકરી દેખાવડી પણ હતી. મને થયું કે આ છોકરીને નાટકમાં કાસ્ટ કરવી જોઈએ. તેના સદ્ભાગ્યે અમારા આ નવા નાટકમાં તેને લાયક રોલ પણ હતો એટલે મેં વિપુલ સાથે વાત કરી. વિપુલ પણ તેને મળ્યો અને તેણે પણ એ છોકરીને કાસ્ટ કરવાની હા પાડી અને આમ એ છોકરી પહેલી વાર ગુજરાતી રંગભૂમિ પર આવી. એ છોકરીનું નામ ભક્તિ રાઠોડ. ભક્તિ અત્યારે તો ટીવી-સિરિયલોમાં બહુ મોટું નામ થઈ ગયું છે. જે. ડી. મજીઠિયાની સબ ટીવી પર આવતી સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં પણ તે એક મહત્ત્વનો રોલ કરે છે, તો અગાઉ પણ તે અનેક ટીવી-સિરિયલો કરી ચૂકી છે. અમારી સાથે તે સતત કામ કરતી રહી. મારી અને ભક્તિની દોસ્તી પણ ખૂબ સારી. અમારા પ્રોડક્શનમાં કામ કરવામાં તે કમ્ફર્ટ રહે એટલે તેને અમારી ઑફર થાય તો તરત જ તે હા પાડી દે. ભક્તિ પછીના કાસ્ટિંગની વાત કરતાં પહેલાં હવે તમને સહેજ વાર્તાની વાત કરું.

એક ગુજરાતી છોકરો-છોકરી છે, જેમને એક બિલ્ડર દગો આપે છે એટલે તેમને ફ્લૅટ મળતો નથી અને બિલ્ડરને આપેલા બધા પૈસા ડૂબી જાય છે. પ્રશ્ન એ છે કે હવે મુંબઈ જેવા શહેરમાં રહેવું ક્યાં અને પ્રેમિકાને રાખવી ક્યાં? આ જ પ્રેમિકા છે તેને એક ઘરમાં નર્સ તરીકે કામ મળે છે. સ્ટોરી આગળ વધારતાં પહેલાં કહી દઉં આ જે નર્સનો રોલ હતો એ ભક્તિને અમે આપ્યો હતો.
ભક્તિ ઘરમાં આવે છે અને એક દિવસ સાવ જ અનાયાસ તે ઘરના માલિકને ફોન પર વાત કરતાં સાંભળી જાય છે અને ભક્તિને ખબર પડે છે કે માલિકને કૅન્સર છે અને તેની પાસે હવે માત્ર ચાર જ મહિના બચ્યા છે. એ માણસ અતિશય ધનાઢ્ય છે. આ નર્સને છુપાઈ-છુપાઈને મળવા આવતા બૉયફ્રેન્ડને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તે પ્લાન બનાવે છે અને ભક્તિને કહે છે કે તું આ માણસ સાથે મૅરેજ કરી લે, તે ચાર મહિનામાં મરી જવાનો છે એટલે તેના મર્યા પછી તેની બધી મિલકત આપણી થઈ જશે અને આપણે સુખેથી રહી શકીશું. પહેલાં તો ભક્તિ માનતી નથી, પણ બૉયફ્રેન્ડના આગ્રહને વશ થઈ ફાઇનલી તે માની જાય છે અને બન્નેનાં મૅરેજ થાય છે, પણ મૅરેજની પહેલી રાતે ખબર પડે છે કે પેલી ફોનમાં જે વાત થતી હતી એ આ ધનાઢ્ય માણસની નહીં, તેનાં મધરની વાત હતી. એ શ્રીમંતનાં મધર ચાર મહિનામાં ગુજરી જવાનાં છે, તે પોતે નથી મરવાનો. અહીંથી પેલા બૉયફ્રેન્ડનું ફ્રસ્ટ્રેશન શરૂ થાય છે અને એક દિવસ અચાનક પેલા ધનાઢ્ય માણસનું ડેડ બૉડી હૉલમાંથી મળે છે. 

પોલીસ-ઇન્ક્વાયરી શરૂ થાય છે અને એ ઇન્ક્વાયરીમાં નર્સથી માંડીને ઘરમાં ચોરીછૂપી મળવા આવેલા પેલા બૉયફ્રેન્ડ બન્નેની ઇન્ક્વાયરી કરવામાં આવે છે, જેમાં પેલી કહે છે કે મેં ખૂન કર્યું છે અને બૉયફ્રેન્ડ કહે છે કે આ મર્ડર મેં કર્યું છે. ખરેખર ખૂન કોણે કર્યું અને શું કામ કર્યું એનો જવાબ શોધવાની જહેમત એટલે આ નાટક. કાસ્ટિંગની વાત પર આગળ વધતાં પહેલાં તમને કહીશ કે ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં’ નાટક પણ અમે થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કર્યું છે અને શેમારૂની ઍપ પર છે, જોજો તમે. આ નાટક તમને પ્રવીણ સોલંકીના રાઇટિંગથી માંડીને ભક્તિ અને અન્ય સાથી-કલાકારોની ઍક્ટિંગ માટે જોવાની મજા પડશે.

જોક સમ્રાટ

અઠવાડિયા સુધી ભાતભાતના નાસ્તા કરતી વાઇફને જોયા પછી આજે સવારે વાઇફને સેવ-મમરાનો ડબ્બો લઈને બેઠેલી જોઈને મેં પૂછ્યું, ‘આવી ગઈને ઔકાત પર?’ (હું હજી હૉસ્પિટલમાં છું)

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia