જો વાર્તા મને સરસ રીતે સમજાવીશ તો વાર્તાદીઠ તને સો રૂપિયા આપીશ

29 August, 2022 05:52 PM IST  |  Mumbai | Sanjay Goradia

દીકરો વાંચતો થાય એ માટે મેં આ પ્રકારની શરત લાલુ પાસે રાખી હતી અને આ શરતમાં બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ હતી કે તેને જે સો રૂપિયા મળે એનો હિસાબ પણ તેણે મને નહીં આપવાનો, એ પૈસાનું તેને જે કરવું હોય એ કરવાનું

કાં તો યુજીન ઓ’નીલની સ્ટોરી-સ્ટાઇલ અને કાં તો સો રૂપિયાની લાલચ, પણ અમાત્ય વાંચતો થયો અને પછી લખતો થયો એ મારે સ્વીકારવું જ રહ્યું.

૨૦૦૯ અને ૮મી માર્ચે અમારું ૪૯મું નાટક ‘મિસ ફૂલગુલાબી’ ઓપન થયું અને માત્ર ૨૯ શોમાં નાટક બંધ થઈ ગયું. ગયા સોમવારે તમને કહ્યું એમ, નાટકના કારણે મારી શાખથી અને આર્થિક રીતે પણ મને બહુ નુકસાની ગઈ પણ મેં જીવનમાં બહુ સરળ નિયમ રાખ્યો છે. કામ કરે તેને સફળતા કે નિષ્ફળતા મળે, કામ કરતાં રહેવાનું અને સારા-નરસા પરિણામને મન પર હાવી નહીં થવા દેવાનું.

‘મિસ ફૂલગુલાબી’ ઓપન થયા પછી અમે બધા એમાં લાગેલા હતા એ જ દરમ્યાન વિપુલ મહેતાને બહારના એક પ્રોડકશન હાઉસ તરફથી નાટકની ઑફર આવી અને વિપુલ એમાં બિઝી થઈ ગયો. બન્યું એમાં એવું હતું કે લોકોમાં ગેરસમજ ફેલાઈ હતી કે સંજય ગોરડિયા અને વિપુલ મહેતા વચ્ચે એવું ઍગ્રીમેન્ટ છે કે સંજય ગોરડિયાએ બહારના ડિરેક્ટર સાથે કામ નહીં કરવાનું અને વિપુલ મહેતાએ બહારના કોઈ પ્રોડકશન માટે કામ નહીં કરવાનું. અમારા વચ્ચે આવું કોઈ ઍગ્રીમેન્ટ ક્યારેય હતું જ નહીં. બન્ને પોતપોતાની રીતે, મરજી પડે તેની સાથે કામ કરવા માટે સ્વતંત્ર હતા. એ સમયે પણ આ સ્પષ્ટતા કરી હતી અને આજે, આ જાહેરમાં, લેખિતમાં સ્પષ્ટતા કરી દીધી.

વિપુલે બહારનું નાટક ડિરેક્ટ કરવાનું હાથમાં લીધું અને મારા પક્ષે પણ નવા નાટકની જરૂરિયાત ઊભી થઈ. મને થયું કે હું ફટાફટ ડિરેક્ટ કરી શકું એવું નવું નાટક મારે તાત્કાલિક મૂકવું જોઈએ. ‘મિસ ફૂલગુલાબી’ ફ્લૉપ ગયું તો ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકના શો પૂરા થયા અને અમારું ત્રીજું નાટક ‘ચીની મિની’ અમેરિકાની ટૂર પર હતું તો ‘જંતરમંતર’ પણ પૂરું થઈ ગયું હતું. મારી પાસે થિયેટરની ડેટ્સ લાઇનબંધ હતી, જેને સાચવવા માટે પણ નવું નાટક જરૂરી હતું.

હું અવઢવમાં લાગ્યો કે કયું નવું નાટક મૂકવું. એ વખતે ભાવેશ માંડલિયાએ એક વાર્તા મને સજેસ્ટ કરી, મેં એની ના પાડી દીધી અને એ નાટકે કેવો ઇતિહાસ રચ્યો એની વાતો આપણે આવતા અઠવાડિયે કરીશું. મારા મનમાં એટલું સ્પષ્ટ હતું કે એવું નાટક મૂકવું કે જેની સ્ક્રિપ્ટ એકદમ રેડી હોય અને કલાકારો પણ સરળતાથી મળી જવાના હોય. બે-ચાર દિવસ મેં નવું નાટક બહાર શોધ્યું પણ કોઈ પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ હતી નહીં તો જે સ્ક્રિપ્ટ હતી એમાં કંઈ મને મજા નહોતી આવતી એટલે પછી મેં જોવાનું ચાલુ કર્યું, અમારાં જ જૂનાં નાટકો અને એ નાટકોમાં મને યાદ આવ્યું ‘પતિ નામે પતંગિયું’. આ એ જ નાટક જેના માટે મેં પરેશ રાવલ પર કેસ કર્યો હતો, જે વાત તમને અગાઉ કહી છે. આ નાટક છેલ્લે બે દશકા પહેલાં થયું હતું એટલે મને થયું કે આ નાટક કરી શકાય એમ છે અને એ નાટક માટે મેં કલાકારોની શોધ શરૂ કરી અને આ જ પિરિયડ દરમ્યાન મારા પર્સનલ ફ્રન્ટમાં પણ એક મોટો ફેરફાર આવ્યો.

હવે પહેલાં એ વાત કરીએ, કારણ કે એ વાત પણ ખૂબ જ મહત્ત્વની છે.

મેં તમને કહ્યું હતું કે હું ઇચ્છતો હતો કે મારો દીકરો અમાત્ય ફૉરેન ભણવા જાય અને તે એ દિશામાં મહેનત પણ કરતો હતો, જેનું પરિણામ એ આવ્યું કે અમાત્યને લંડનની બ્રુનેલ યુનિવર્સિટીમાં ઍડમિશન મળી ગયું. બૅચરલ ઑફ આર્ટ્સ ઇન સ્ટડીઝ ઑફ ટેલિવિઝન ઍન્ડ ફિલ્મમેકિંગ. ત્રણ વર્ષનો કોર્સ અને એક વર્ષનો ખર્ચ વીસ લાખ રૂપિયા.
ઍડમિશન મળી ગયા પછી મેં બે-ત્રણ જાણકાર સાથે વાત કરી તો તેમણે સલાહ આપી કે જો ગ્રૅજ્યુએશન પછી લંડન જાય તો તેના માટે સારું રહેશે. અત્યારે એ નાનો છે, આ ઉંમરે તેને ન મોકલવો જોઈએ અને મિત્રો, અમાત્ય ખરેખર એ સમયે નાનો જ હતો. તેણે હજુ અઢાર વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં પણ મેં એ લોકોની વાત માની નહીં અને લાલુને લંડન મોકલવાનું નક્કી કરી તેની સ્કૂલ અને હૉસ્ટેલની એક વર્ષની ફી ભરી. જોકે લાલુને મેજર થવામાં હજુ ચાર મહિનાની વાર હતી એટલે મારે યુનિવર્સિટીને લંડનના સ્થાનિક એવા મારા બે ફ્રેન્ડ્સ તરફથી અન્ડરટેકિંગ આપવું પડ્યું હતું. મારા મનમાં એક જ ભાવ હતો કે આગળ જતાં લાલુને આ એજ્યુકેશન તેની લાઇફમાં બહુ કામ લાગશે. આ જ ભાવ સાથે મેં તેને અહીંથી મોકલી દીધો. એ સમયે ન તો મને, ન તો મારા દીકરાને રિયલાઇઝ થયું કે અમે ઉતાવળિયું પગલું ભરીએ છીએ, કારણ કે અમે બન્ને ઉત્સુક હતા.

અહીં મને મારી અને લાલુની બીજી પણ એક વાત કહેવી છે.

મેં હંમેશાં તેને વાંચનનું મહત્ત્વ સમજાવ્યું છે. લાલુને વાંચનનો શોખ જાગે અને તે નિયમિત વાંચવાની આદત કેળવે એ માટેના પ્રયાસો હું હંમેશાં કરતો. તે નાનો હતો ત્યારે મેં તેને યુજીન ઓ’નીલ નામના એક સુપ્રસિદ્ધ લેખકની બુક આપી હતી. ઓ’નીલની શૉર્ટ સ્ટોરી બહુ પૉપ્યુલર છે. ઓ’નીલની એક બુક હું તેના માટે લઈ આવ્યો અને મેં તેને એ બુક આપીને કહ્યું કે તારે આમાંથી રોજ એક સ્ટોરી વાંચવાની અને હું રાતે ઘરે આવું એટલે તારે મને એ સ્ટોરી ગુજરાતીમાં તારી રીતે કહેવાની. જો તું મને પ્રૉપર રીતે એ વાર્તા સંભળાવશે, સમજાવશે તો તને વાર્તાદીઠ હું સો રૂપિયા આપીશ. એ સો રૂપિયાનો હિસાબ પણ તારે મને નહીં આપવાનો. હા, હિસાબ. કારણ કે હું મારા દીકરાને પૉકેટ-મની આપ્યા પછી તેની પાસેથી હિસાબ લેતો. આવું મેં શું કામ કર્યું હતું એ વાત પણ તમને મારે કહેવી છે પણ અત્યારના ટૉપિકમાં રસક્ષતિ ન થાય એટલે એ વાત ભવિષ્યમાં ક્યારેક કરીશું, પણ અત્યારે વાત કરીએ આપણે પેલી બુકમાંથી સ્ટોરી કહેવાની વાત.

મારો સિમ્પલ આશય હતો કે આ બહાને તે વાંચતો થાય અને તેની પોતાની સ્ટોરી કહેવાની સ્ટાઇલ ડેવલપ થાય. સો રૂપિયાની લાલચે કે પછી ઓ’નીલની રસપ્રદ સ્ટોરીના કારણે, પણ લાલુએ પોતાનો આ નિયમ પાળ્યો. જેવી રાત પડે કે તે એક્સાઇટ થઈને રાહ જુએ કે હમણાં પપ્પા આવે અને હમણાં તેમને સ્ટોરી સંભળાવું. આ જ એક્સાઇટમેન્ટ વચ્ચે તે બીજી કિતાબો તરફ પણ આગળ વધ્યો અને ધીમે-ધીમે તેને વાંચનનો શોખ જાગ્યો.

લાલુ જ્યારે લંડન ભણવા માટે અહીંથી ગયો ત્યારે પણ મેં તેને કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ દિવસમાં જે કંઈ તારી સાથે બન્યું છે એ અને ત્યાં જઈને પણ જે કંઈ બને છે એ બધું તારે મને લખીને મોકલવાનું. ગુજરાતીમાં નહીં લખે તો ચાલશે, ઇંગ્લિશમાં લખજે, પણ તારે મને એ બધું ભૂલ્યા વિના મોકલવાનું અને મિત્રો, તેણે એ નિયમ પાળ્યો. તે બધું મને લખીને મોકલે. તેની એ બધી વાતોમાં ભારોભાર ઇમોશન્સ હતાં.

મુંબઈથી લંડનની તેની સફર, લંડન પહોંચ્યા પછીની તેની વાતો, હૉસ્ટેલ અને તેના રૂમની વાતો, લંડનનું વાતાવરણ, ત્યાંના લોકો. ખરેખર એક વાત કહીશ. ભલભલા છોકરાઓ ત્યાં જઈને તૂટી જતા હોય છે અને મારો દીકરો ગયો ત્યારે તો તે માંડ સાડાસત્તર વર્ષનો હતો. લડંનની વાત કહું તમને. વર્ષમાં લગભગ આઠેક મહિના તો ત્યાં વરસાદી વાતાવરણ જ હોય અને ઠંડી પણ ખૂબ રહે. બહુ ઓછા સમય માટે તમને સનલાઇટ જોવા મળે. આ પ્રકારના વાતાવરણને સાઇકોલૉજીમાં મૉન્સૂન બ્લુ કહે છે. એક તો હોમ-સિકનેસ અને એની ઉપર મૉન્સૂન બ્લુ. જાણીતા સાઇકોલૉજિસ્ટ અને મારા મિત્ર ડૉ. મુકુલ ચોકસી કહે છે કે મૉન્સૂન બ્લુ જો લાંબો સમય રહે તો માણસ ડિપ્રેશનનો શિકાર બની જાય અને ડિપ્રેશન એવી ભયાનક બીમારી છે જે કોઈ જોઈ શકતું નથી.

અમાત્યની લંડનયાત્રા અને અમારા નવા નાટકની તૈયારીની સાથોસાથ આપણે માબાપની ભૂલ વિશે પણ વાત કરવાની છે પણ એ કરીશું આવતા સોમવારે.

જોક સમ્રાટ

એક ભાઈ ગોરબાપાને રોજ ફોન કરે અને પૂછેઃ જમી લીધું?
ગોરબાપાઃ હા...
ગોરબાપા હા પાડે એટલે પેલા ભાઈ ફોન મૂકી દે. આવું પંદર દિવસ ચાલ્યું એટલે ગોરબાપાએ એક દિવસ પૂછી લીધું.
ગોરબાપાઃ એલા રોજ પૂછીને ફોન કાં મૂકી દે છે?
ભાઈઃ દાદા, મેં નિયમ લીધો છે કે રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવાનું.

મુંબઈથી લંડનની સફર, લંડન પહોંચ્યા પછીની વાતો, હૉસ્ટેલ અને રૂમની વાતો, લંડનનું વાતાવરણ, ત્યાંના લોકો. ભલભલા છોકરાઓ આ રીતે ફૉરેન ભણવા ગયા પછી માનસિક રીતે તૂટી જતા હોય છે અને મારો દીકરો ગયો ત્યારે તો તે માંડ સાડાસત્તર વર્ષનો હતો.

columnists Sanjay Goradia