એકસામટા ૨પથી વધારે સોલ્ડ-આઉટ શો અને એ પછી શુભારંભ પ્રયોગ

21 November, 2022 06:00 PM IST  |  Mumbai | Sanjay Goradia

હા, ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’માં એવું જ બન્યું અને મજાની વાત એ કે મોડે-મોડેથી શુભારંભ પ્રયોગ કરવાથી નાટક એવું જામ્યું કે એના અમે પોણાત્રણસોથી વધારે શો કર્યા

ખરેખર, આ ફૅમિલી ફૅન્ટૅસ્ટિક હતું અને સદાય રહેશે.

નાટકના શુભારંભ પહેલાં જ અમે પચીસથી પણ વધારે સોલ્ડ-આઉટ શો કર્યા અને એ પછી અમે એ પબ્લિક માટે ઓપન કર્યું. એક નાટ્યકારની લાઇફમાં આવું જવલ્લે જ બને કે આટલા બધા સોલ્ડ-આઉટ શો પછી પબ્લિક શો થાય.

આપણે વાત કરીએ છીએ અમારા નવા નાટકની, જેના લેખક પ્રવીણ સોલંકી હતા અને ‘ચિત્રલેખા’ મૅગેઝિન એ નાટક સ્પૉન્સર કરવા માગતું હતું. નાટકની વાર્તા મને બહુ ગમી એટલે મેં વિપુલને વાત કરી. વિપુલને પણ સ્ટોરી બહુ ગમી એટલે અમે નક્કી કર્યું કે કોઈ સ્પૉન્સર ન હોય તો પણ આપણે આ નાટક કરવું અને અમે કામે લાગ્યા.

નાટકમાં અમે પ્રતાપ સચદેવ, નયન શુક્લ, કેતન સાગર, દિશા સાવલાને કાસ્ટ કર્યાં તો નયનને જેની સાથે અફેર હતું એ છોકરીના રોલમાં હેતલ દેઢિયા અને તેની બહેનના રોલમાં પ્રાર્થી ધોળકિયાને કાસ્ટ કરી, તો નાટકમાં નોકરનું જે કૅરૅક્ટર હતું એ કૅરૅક્ટર અમે અમારું બૅકસ્ટેજ કરતા કૈલાશ વ્યાસને સોંપ્યું. ગયા સોમવારે તમને કહ્યું હતું કે અમે નાટકમાં પ્રતાપ સચદેવનાં વાઇફના રોલમાં વૈશાલી ત્રિવેદીને કાસ્ટ કરી હતી, પણ એ મારી સરતચૂક છે. શરૂઆતમાં અમે આ રોલમાં વંદના વિઠલાણીને કાસ્ટ કરી હતી અને પછી તેનું રિપ્લેસમેન્ટ કરીને વૈશાલીબહેનને લાવ્યા. ઍની વેઝ, આ મુજબના કાસ્ટિંગ પછી પણ પ્રતાપ સચદેવના ફ્રેન્ડનું એક કાસ્ટિંગ બાકી હતું, જે પાત્ર ખૂબ જ મહત્ત્વનું હતું અને કૉમિકની બધી જવાબદારી એ કૅરૅક્ટર પર હતી એવું અમને ત્યારે લાગતું હતું.

અમારા કાસ્ટિંગ વિશે મેં જ્યારે અમારા રાઇટર અને ‘ચિત્રલેખા’ સાથે સેતુબંધની ભૂમિકા કરતા પ્રવીણ સોલંકીને વાત કરી ત્યારે તેઓ આ બધાં નામથી બહુ કન્વિન્સ થયા નહીં. કલાકારો બહુ સારા એ તો તેમણે પણ સ્વીકાર્યું, પણ સાથોસાથ એ પણ કહ્યું કે આ બધાં નામ સાથે પ્રોજેક્ટમાં જે વજન પડવું જોઈએ એ વજન નથી પડી રહ્યું.

‘સંજય, મને લાગે છે કે આ કાસ્ટિંગ સાથે કદાચ ‘ચિત્રલેખા’ મૅનેજમેન્ટ નાટક સ્પૉન્સર કરવા તૈયાર ન થાય...’

પ્રવીણભાઈએ મને કહ્યું અને બીજી જ સેકન્ડે મારા મનમાં વિચાર ઝબકી ગયો.
‘જો એવું હોય તો પ્રતાપભાઈના ફ્રેન્ડવાળો જે રોલ છે એ પાત્રમાં હું આવી જાઉં.’
પ્રવીણભાઈની આંખો મોટી થઈ. તેમણે તરત જ મને કહ્યું,
‘તો તો સંજય, આપણો પ્રોજેક્ટ બની ગયો... સમજી લે કે આપણને ‘ચિત્રલેખા’ની સ્પૉન્સરશિપ મળી ગઈ...’
અને મિત્રો, આમ નાટકના છેલ્લા કાસ્ટિંગ તરીકે હું આ નાટકમાં ઉમેરાયો.

અગાઉ મેં જે નાટકો કર્યાં હતાં એ બધાંમાં હું લીડ રોલમાં હતો, પણ આ નાટકમાં મારો મેઇન રોલ નહોતો. મારું સપોર્ટિંગ કૅરૅક્ટર હતું, પણ મેં તમને કહ્યું છે એમ, મારો અંદરનો નિર્માતા જીવતો રહે, એ સતત શ્વસતો રહે એ બહુ જરૂરી હતું. ત્યારે પણ અને અત્યારે પણ. નિર્માતા સંજય ગોરડિયાને લીધે ઍક્ટર સંજય ગોરડિયાએ ઘણી વાર ગુમાવવાનો વારો આવ્યો છે, પણ મેં ક્યારેય એની પરવા નથી કરી અને કરવી પણ ન જોઈએ. એ જ નાટકના હિતમાં છે.

પ્રવીણભાઈ સાથે વાત થયા પછી મેં તરત જ જાતને મનાવી લીધી હતી કે આ એક નાટકમાં સાઇડ રોલ કરવાનો આવ્યો તો શું થયું, બીજા નાટકમાં ફરીથી મેઇન રોલમાં આવી જઈશ. બસ, વાત અહીં પૂરી થઈ ગઈ અને આ રીતે અમારા નાટકની આખી ટીમ પૂરી થઈ, રિહર્સલ્સ શરૂ થયાં. સાહેબ, મેકિંગની એ પ્રોસેસથી લઈને નાટકના શો દરમ્યાન અમે શું એન્જૉય કર્યું છે, શું જલસા કર્યા છે. વાત ન પૂછો.

પ્રવીણ સોલંકીનું અદ્ભુત રાઇટિંગ અને સોનામાં સુગંધ ભળે એવું વિપુલ મહેતાનું સુપર્બ ડિરેક્શન. એકેક કૅરૅક્ટરને જે રીતે તેણે ઉપસાવ્યાં હતાં, જે રીતે કૅરૅક્ટર સ્કેચ થયાં હતાં એ બહુ સરસ હતાં. આ બધાં કૅરૅક્ટરને જોઈને જ અમે નાટકને ટાઇટલ આપ્યું, ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’. જો કૅરૅક્ટરની જ વાત આગળ વધારું અને સ્પેસિફિક થઈને કહું તો કેતન સાગરનું હેન-પૅક હસબન્ડનું કૅરૅક્ટર બહુ સરસ બન્યું હતું, તો સામે દિશા સાવલાનું જે કૅરૅક્ટર હતું એ પણ જબરદસ્ત બન્યું હતું. હું તો નાટકમાં કૉમેડી જ કરતો હતો, પણ દિશાએ પણ નાટકમાં બહુ સરસ રીતે કૉમેડી તત્ત્વ પૂરું પાડ્યું હતું. કોઈ જાતની શેહ કે સંકોચ વિના હું તો કહીશ કે નાટકના અમુક સીનમાં તો દિશા મને પણ ભારે પડતી હતી. 

હેતલ દેઢિયા અને પ્રાર્થી ધોળકિયાએ પણ પોતાનું કામ સરસ રીતે કર્યું હતું તો નયન શુક્લનો તો રોલ જ ઑથર-બૅક હતો. ગયા સોમવારે કહ્યું હતું કે આજે રિપીટ કરીને કહું છું કે નયન ખૂબ પ્રૉમિસિંગ ઍક્ટર છે, જો તે રોલના સિલેક્શનમાં ધ્યાન આપશે તો ડેફિનેટલી તેના માટે સ્કાય ઇઝ ધ લિમિટ પુરવાર થઈ શકે છે. વૈશાલી ત્રિવેદીએ ખૂબ જ સરસ કામ કર્યું, પણ મિત્રો, પ્રતાપ સચદેવે રીતસર સૌની બોલતી બંધ કરી દીધી હતી. પ્રતાપ, હૅટ્સ ઑફ. આજે, આટલા વખતે પણ તને આ જ કહેવાનું મન થાય છે.

વિપુલ મહેતાએ જે રીતે ઇન્ટરવલ સીન સેટ કર્યો હતો એ બીજું કોઈ વિચારી પણ ન શકે. ઇન્ટરવલ પડ્યા પછી પણ ઑડિયન્સ બહાર જવા તૈયાર નહોતી. ઑડિયન્સને એમ જ થતું કે બહાર જઈને નાસ્તો કરવામાં સમય બગાડીએ અને જો નાટક ચાલુ થઈ ગયું તો ખોટું આપણે મિસ કરીશું. વિપુલના ડિરેક્શનમાં સુગંધ ભેળવવાનું કામ રોહિત ચિપલૂણકરની લાઇટ-ડિઝાઇનિંગે કર્યું હતું. મ્યુઝિક સ્ટૉકમાંથી લીધું હતું, પણ એને વિપુલે સરસ રીતે નાટકમાં યુઝ કર્યું હતું એ પણ મારે કહેવું પડશે. 

ટૂંકમાં, નાટક સર્વાંગી સરસ બન્યું હતું. આ નાટક અમારે ઓપન કરવાનું હતું રાજકોટથી, કારણ કે ‘ચિત્રલેખા’નાં ૬૦ વર્ષનું સેલિબ્રેશન પણ રાજકોટથી જ શરૂ થવાનું હતું અને આમ અમે ‘ચિત્રલેખા’ના વાચકો માટે પહેલો શો રાજકોટમાં કર્યો અને એ પછી ગુજરાતમાં અમે ઘણા શો કર્યા. એમાંના એક શોમાં કૉન્ગ્રેસના સદ્ગત અહમદ પટેલ પણ આવ્યા હતા અને આપણાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ પ્રતિભા પાટીલે પણ આ નાટક જોયું અને માણ્યું હતું. મને હજી પણ યાદ છે, નાટકના મનમોહન સિંહના જોક પર અહમદ પટેલ ખડખડાટ હસ્યા હતા. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કહું. નાટકના શુભારંભ પહેલાં જ અમે પચીસથી પણ વધારે સોલ્ડ-આઉટ શો કર્યા અને એ પછી અમે એ પબ્લિક માટે ઓપન કર્યું. એક નાટ્યકારની લાઇફમાં આવું જવલ્લે જ બને કે આટલા બધા સોલ્ડ-આઉટ શો પછી પબ્લિક શો થયા. મને નાટકની ઓપનિંગ ડેટ યાદ નથી, પણ હા, મને એવું યાદ છે કે દિવાળી પછી અમે એ નાટક મુંબઈમાં ઓપન કર્યું હતું. 

નાટક ઓપન થયું અને માર-માર ચાલ્યું. 

‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ અમારું પ૬મું નાટક. આ નાટકના અમે ૨૭પથી પણ વધારે શો કર્યા. હા, એનાથી પણ વધારે અને એનો પાક્કો આંકડો એટલે નથી કહેતો, કારણ કે ૨૭પ પછી થોડા શોની અમે ગણતરી સુધ્ધાં નહોતી કરી. સામાન્ય રીતે આવું બનતું નથી, પણ ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’માં એવું બન્યું કે અમે એને પેટ ભરીને માણ્યું. અમારાં બધાં નાટકની જેમ આ નાટક પણ અમે થ્રી-કૅમેરા સેટઅપ સાથે શૂટ કર્યું અને એ નાટક યુટ્યુબ પર અવેલેબલ છે, જરૂર જોજો.

જોક સમ્રાટ

લાલુ : પપ્પા મને સ્કૂલના ઍન્યુઅલ ફંક્શનમાં હસબન્ડનો રોલ મળ્યો.
સાંગો : અરે બેટા, ડાયલૉગ્સ હોય એવો રોલ લેવો હતોને!

(સત્યઘટના પર આધારિત)

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia