ગુજરાતી રંગભૂમિ પર ભાભુ વધી ગયાં હતાં એટલે મેં એ વિષય હાથ પર લીધો

26 September, 2022 05:05 PM IST  |  Mumbai | Sanjay Goradia

ભારતીય વિદ્યાભવનની કૉમ્પિટિશન માટે કરેલું નાટક ‘ભાભુ રિટાયર થાય છે’ હળવાશ સાથે પ્રવર્તમાન રંગભૂમિની વ્યથા વિશે વાત કરતું હતું

૨૦૦૬માં બનેલી ફિલ્મ ‘ધ પ્રોડ્યુસર’ આ જ ટાઇટલના નાટક પર આધારિત હતી અને ઉમેશ શુક્લની ફિલ્મ ‘ઢૂંઢતે રહ જાઓગે’ આ ફિલ્મ પર આધારિત હતી.

નાટક ફ્લૉપ જ બનાવવું હતું એટલે એ બન્નેએ એવા જ લોકોને સાથે લીધા જે બધા ફ્લૉપ હતા. ફ્લૉપ ઍક્ટર, ફ્લૉપ ડિરેક્ટર, ફ્લૉપ હિરોઇન, જે ક્યાંય ચાલતા નહોતા, પણ કરમની કઠણાઈ જુઓ, નાટક હિટ થાય છે

આપણે વાત કરી ‘આ કોકિલાનું કંઈક કરો’ની અને એ પછી આપણે વાત ચાલુ કરી, આ જ નાટકનાં રિહર્સલ્સ દરમ્યાન મેં શરૂ કરેલા એક નવા નાટકની, જે ભવન્સ કલાકેન્દ્રની કૉમ્પિટિશન માટે કરવાનું હતું. આ કૉમ્પિટિશનનું મુંબઈના કલાકારોમાં બહુ મહત્ત્વ નથી, પણ ગુજરાતના કલાકારોને મન એનું બહુ મહત્ત્વ છે. ગયા અઠવાડિયે મેં એક વાત કરી હતી જેનું વિસ્તરણ કરવાની ઇચ્છા છે. મેં કહ્યું હતું કે ભવન્સ (અંધેરી)માં બસ્સો સીટનું ઍમ્ફી થિયેટર બનાવ્યું હતું. પહેલી વાત તો એ કે એ બસ્સો સીટનું નહીં, પણ ઘણું મોટું હતું, જેનું નામ રાખ્યું હતું પ્રાણગંગા. બે કરોડના ખર્ચે બંધાયેલું એ ઍમ્ફી થિયેટર કોઈ જ કારણ વગર તોડી પાડ્યું. પંડિત બિરજુ મહારાજના હસ્તે ૨૦૦૭માં આ થિયેટરનું લોકાર્પણ થયું હતું. મોટા-મોટા કલાકારો અહીં પર્ફોર્મ કરી ચૂક્યા છે, જેમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી સહિતના દેશના ઉચ્ચ પુરસ્કાર ધરાવતા લોકો પણ આવી ગયા. મિત્રો, જ્યારે પણ કોઈ નાટકનું થિયેટર તૂટે છેને ત્યારે કોઈ પણ કલાકારની અંદરનો એક ભાગ મરી જતો હોય છે. આવી જઈએ આપણી મૂળ વાત પર.

ગુજરાતમાં નાટકની પ્રવૃત્તિ જોઈએ એવી ખાસ વિકસી નથી અને પ્રોફેશનલિઝમ તો નહીંવત્ કહો એવું જ છે. આ જ કારણ છે કે ગુજરાતમાં મુંબઈનાં નાટકોની જ બોલબાલા રહે છે. એવામાં આ કૉમ્પિટિશન થકી ફુલ-લેન્ગ્થ નાટકનું આયોજન થવું એ ખરેખર રણમાં મીઠી વીરડીસમાન હતું. ઘણા સમયથી ચાલતી આ પ્રવૃત્તિ અને એ પણ સફળતાપૂર્વક એ ખરેખર કાબિલ-એ-તારીફ કહેવાય. મોટું મીડિયા હાઉસ પણ એની સાથે જોડાયું તો રિલાયન્સ જેવી કંપની પણ લાઇવ આર્ટને જીવંત રાખવા માટે સ્પૉન્સરશિપ આપતી એટલે કામ બધું એકદમ સરસ ચાલતું હતું. મારી વાત કરું તો મને સમય મળે ત્યારે હું પણ કૉમ્પિટિશનમાં નાટકો જોવા જતો. બહારની સંસ્થાનું નાટક હોય અને ખરેખર સરસ કામ થયું હોય તો હું બૅકસ્ટેજમાં જઈને બધા કલાકારોને બિરદાવતો પણ ખરો. નાની અમસ્તી તારીફ પણ ઘણી વાર લોકોને બહુ મોટી ખુશી આપી જતી હોય છે અને આપણે એ તારીફમાં જ કંજૂસાઈ કરી બેસીએ છીએ. ઍની વેઝ, જ્યારે પણ હું જાઉં ત્યારે લલિત શાહ અને આપણા પ્રવીણ સોલંકીની ફરિયાદ હોય કે મુંબઈનું કોઈ નાટક આવતું નથી. 

એક વખત લલિતભાઈએ જ મને કહ્યું કે તું તો એસ્ટાબ્લિશ પ્રોડ્યુસર છે. તું કૉમ્પિટિશન માટે નાટક કર. લલિતભાઈના કહેવાથી જ મેં એમાં ભાગ લેવાનું નક્કી કર્યું. 
કૉમ્પિટિશનના કેટલાક વણલખ્યા નિયમ છે. એમાં સિનિયર-જુનિયર ન ચાલે, એમાં તો રણમાં જે જીતે એ શૂર જેવો જ નિયમ ચાલે.

મારા મનમાં એક વાર્તા હતી જે મેં વિનોદ સરવૈયાને સંભળાવી. આ એ સમયની વાત છે જ્યારે વિનોદે અમારાં નાટકો રેગ્યુલર લખવાનાં શરૂ કર્યાં નહોતાં. વિનોદે છેલ્લાં ચાલીસ નાટકો મારા અને વિપુલ મહેતા માટે લખ્યાં છે, પણ એ વખતે વિનોદે હજુ સુધી અમારી સાથે કામ કરવાનું શરૂ કર્યું નહોતું. મેં એને વાર્તા કહી અને કહ્યું કે તું કૉમ્પિટિશન માટે આ નાટક લખ.

મિત્રો, કૉમ્પિટિશનમાં નાટક કરવા કોઈ બહુ જલદી તૈયાર થાય નહીં. એનાં કારણો પણ છે. એમાં પૈસા મળે નહીં, ત્રણ-ચાર કે પછી વધીને પાંચ શોથી વધારે શો થાય નહીં, પણ વિનોદે એવું કારણ સામે ધર્યા વિના જ મને હામી ભણી દીધી. ઍક્ચ્યુઅલમાં તેને મેં જે વાર્તા કહી હતી એ બહુ સારી હતી. એ વાર્તાની વનલાઇન અમે લીધી હતી, બ્રૉડવેના નાટક ‘ધી પ્રોડ્યુસર’ પરથી. 
ન્યુ યૉર્કના મૅનહટનમાં બ્રૉડવે છે, એ બ્રૉડવેની ૪૨મી સ્ટ્રીટની આસપાસ ઘણાં થિયેટરો છે. હું અમેરિકા ગયો હોઉં ત્યારે ત્યાં જઈને નાટકો જોઉં. ‘ધી પ્રોડ્યુસર’ નાટક મેં ત્યાં જ જોયું હતું. આ જ નાટક પરથી હૉલીવુડની એક ફિલ્મ પણ બની હતી તો ડિરેક્ટર ઉમેશ શુક્લે પણ પરેશ રાવલ અને કુણાલ ખેમુને લઈને એના પરથી ‘ઢૂંઢતે રહે જાઓગે’ ફિલ્મ બનાવી હતી. વાર્તા એવી હતી કે બે લુખ્ખા પ્રોડ્યુસર બ્રૉડવે પર નાટક બનાવવાનો પ્રયત્ન કરે છે, એ લોકો અનેક ફાઇનૅન્સર પાસેથી પૈસા લે છે. એ બન્ને લુખ્ખાનાં નસીબ જુઓ તમે, ક્યારેય તેમણે હિટ નાટક બનાવ્યું જ નથી, બધાં ફ્લૉપ જ નાટકો આપ્યાં છે. આ વખતે બન્ને મસ્ત પ્લાન બનાવે છે અને નક્કી કરે છે કે આપણે ફ્લૉપ જાય એવું જ નાટક બનાવીએ અને પછી ફાઇનૅન્સરોને હિસાબ આપી દઈશું એટલે આપણને બધા પાસેથી પૈસા મળશે એટલે પણ આપણે તો ફ્લૉપ નાટકમાંથી પણ નફો રળી લઈશું.

નાટક ફ્લૉપ જ બનાવવું હતું એટલે એ બન્નેએ એવા જ લોકોને સાથે લીધા જે બધા ફ્લૉપ હતા. ફ્લૉપ ઍક્ટર, ફ્લૉપ ડિરેક્ટર, ફ્લૉપ હિરોઇન અને બીજા પણ બધા એવા જ, જે ક્યાંય ચાલતા નહોતા, પણ કરમની કઠણાઈ જુઓ, નાટક હિટ થાય છે અને બધા ફાઇનૅન્સર તેમની પાછળ પડી જાય છે કે નાટક હિટ થયું છે, હવે અમારા પૈસા નફા સહિત પાછા આપો. આ નાટક બ્રૉડવે પર ચાલતાં નાટકોના બૅકડ્રૉપ પર હતું, જેને મેં મુંબઈમાં ગુજરાતી પરિપ્રેક્ષ્યમાં બનાવવાનું નક્કી કર્યું.

ગુજરાતી રંગભૂમિમાં પણ અમુક લોકો એવા થઈ ગયા છે જે એક નાટકનો શો બે લોકોને વેચી દે. બુકિંગ આવવાનું જ નથી અને બન્ને પાસેથી લૉસ લઈ લે. આ રેફરન્સ મારા મનમાં હતો એટલે મેં નક્કી કર્યું કે આપણે આ વિષય પર નાટક બનાવવું જોઈએ. રંગભૂમિ માટેના અંદરના જે બધા ગેગ્સ હતા એ બધાં નાટકમાં નાખવા અને નાટકને એકદમ સાંપ્રત બનાવવું. મૂળ આ નિજાનંદ માટેનું નાટક હતું એમ કહું તોય ચાલે. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે આ નાટક યુટ્યુબ પર અવેલેબલ છે, ટાઇટલ એનું ‘ભાભુ રિટાયર થાય છે’. તમે જોજો, બહુ મજા આવશે અને જો તમે ગુજરાતી રંગભૂમિને જાણતા હશો તો તમને એમાં એ બધાં કૅરૅક્ટર પણ દેખાશે જે ગુજરાતી રંગભૂમિએ કમનસીબે જોયાં છે. 

‘ભાભુ રિટાયર થાય છે’ કૉમ્પિટિશન માટે થવાનું હતું એટલે એમાંથી કોઈ કલાકારને પૈસા તો મળવાના જ નહોતા. રાઇટર-ડિરેક્ટર વિનોદ સરવૈયાને પણ પેમેન્ટ મળવાનું નહોતું, પણ એ સિવાયના ખર્ચાઓ તો ઊભા જ હતા. રિહર્સલ્સ-રૂમનું ભાડું, દરરોજનો ચા-નાસ્તો, ગ્રાન્ડ રિહર્સલ્સ. આ બધા ખર્ચાઓ ગાંઠનું ગોપીચંદન જેવા હતા અને એની મારી તૈયારી પણ હતી. મેં વાત કરી મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને તો તેણે પણ ખુશી-ખુશી હા પાડી અને અમે લોકો લાગ્યા નાટકનાં રિહર્સલ્સમાં. તમે માનશો નહીં મિત્રો, પણ ગુજરાતી રંગભૂમિના બધા જ કલાકારોએ મને સાથ આપ્યો.

નાટકમાં કલાકાર-કસબીઓની વાત કરું તો દર વખતની જેમ લાઇટ રોહિત ચિપલૂણકરે કરી તો કલા છેલ-પરેશ, મ્યુઝિક લાલુ સાંગો તો પ્રચારની જવાબદારી રાબેતા મુજબ જ દીપક સોમૈયાએ સંભાળી, જ્યારે કોરિયોગ્રાફી કિંજલ ભટ્ટ, જે હવે વિનોદ સરવૈયાની વાઇફ છે તેને સોંપવામાં આવી. હવે વાત કરીએ કલાકારોની. નાટકમાં કલાકારોની બહુ મોટી ટીમ હતી એટલે અમે લોકોએ બધાની સાથે વાત કરવાનું શરૂ કર્યું, પણ અમુક લોકોએ સમયના અભાવે અમને ના પાડી તો ઘણા કલાકારોએ ખુશી-ખુશી કામ કરવાની તૈયારી દર્શાવતાં હા પાડી. કલાકારો કોણ-કોણ હતું એની વાત કરીશું, પણ આવતા સોમવારે. યુ સી, સ્થળસંકોચ...

જોક સમ્રાટ

કહે છે કે અંજીર ખાવાથી માણસ મજબૂત બને અને બદામ ખાવાથી મગજ તેજ બને.
અખરોટ અને બદામનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે અને ત્યાં મૂરખાઓની કમી નથી. બદામ અને અંજીર પરથી હવે વિશ્વાસ ઊઠી ગયો છે.
અદાણી અને અંબાણીનું મગજ અને પ્રગતિ જોઈને થાય છે કે જલેબી-ફાફડા જ સારા છે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia