સલામ અરવિંદ રાઠોડ, સલામ

13 June, 2022 11:46 AM IST  |  Mumbai | Sanjay Goradia

અરવિંદભાઈ સાથે નાટક કરવાની મારી લાંબા સમયથી ઇચ્છા હતી, જે તક મને અમારા આ નવા નાટકથી મળી ગઈ. જોકે સાહેબ, એક વાત કહીશ કે અરવિંદભાઈ જેવો માણસ થયો નહોતો અને ક્યારેય થશે નહીં. પ્રેમ અને લાગણી માટે તેણે પોતાની જાત ખુવાર કરી દીધી

અરવિંદ રાઠોડ અને પદ્‍મારાણીના સંબંધો ખરા અર્થમાં દૃષ્ટાંતરૂપ હતા એવું કહું તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય.

ફિલ્મ ‘ઍઝ ગુડ ઍઝ ઇટ ગેટ્સ’નું પેલું એક્સ્ટ્રીમ ડિગ્રી OCD ધરાવતું કૅરૅક્ટર અમને ગમી ગયું અને એ કૅરૅક્ટરની આસપાસ વાર્તા ગૂંથવાનું કામ વિપુલ મહેતા અને રાઇટર ભાવેશ માંડલિયાએ શરૂ કરી દીધું. ધીમે-ધીમે અમને ક્લૅરિટી આવવા માંડી અને લાગ્યું કે સારી વાર્તા ઊભી થશે એટલે અમે નક્કી કરી લીધું કે આપણે આ નાટક કરીએ છીએ. નાટકની વાર્તામાં શું હતું અને એમાં અમે કોને-કોને કાસ્ટ કર્યા એની વાત કરતાં પહેલાં હું તમને ભાવેશની વાત કહીશ. ગયા સોમવારે તમને કહ્યું એમ, ભાવેશ માંડલિયા અત્યારે બહુ મોટું નામ છે. આપણે ત્યાં ખૂબ હિટ ગયેલું નાટક ‘કાનજી વિરુદ્ધ કાનજી’ તેણે લખ્યું, જેમાં સચિન ખેડેકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જ નાટક પરથી પછી પરેશ રાવલે હિન્દીમાં ‘કિશન વર્સસ કનૈયા’ નાટક બનાવ્યું અને એ પછી ‘ઓહ માય ગૉડ’ ફિલ્મ પણ બનાવી. ત્યાર પછી તો ભાવેશે અનેક ફિલ્મો લખી. બહુ ઓછા લોકોને ખબર છે એવી એક વાત તમને કહું. આપણા ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ ધુની માંડલિયા ભાવેશના સગા દાદા. આપણે ત્યાં કહેવત છેને કે ‘મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે.’ એ કહેવત ભાવેશને પણ લાગુ પડે છે.
ભાવેશ અત્યારે તો ફિલ્મો અને વેબ-સિરીઝ લખવામાં બહુ વ્યસ્ત છે. એ વખતે પણ તે સિરિયલ લખવામાં બિઝી હતો, પણ અમારું નાટક લખવા તૈયાર થયો. ભાવેશ અને વિપુલે જે વાર્તા તૈયાર કરી એમાં એક કાકા અને તેના ઘરે આવતી રસોયણ બાઈની લવ-સ્ટોરી હતી. 
કાકા તેમના ભત્રીજા સાથે રહે અને તેમને એક્સ્ટ્રીમ લેવલ પર OCD છે, જેને લીધે તેઓ ઘરમાં પણ મોજાં પહેરીને જ ફરે છે. એ કાકા રેસ્ટોરાંમાંથી ફૂડ મગાવવા ફોન કરે તો રેસ્ટોરાંવાળા પણ ના પાડીને કહી દે કે અમે હોટેલ બંધ કરી દીધી છે. આનું કારણ છે કાકાનો પેલો પ્રૉબ્લેમ. ફાઇવસ્ટાર રેસ્ટોરાંમાંથી પણ ફૂડ આવ્યું હોય તો તેઓ એ ફૂડમાંથી પણ વાંધાવચકા કાઢ્યા કરે. ફૂડ બરાબર નથી કે પછી સાથે કટલરી મોકલી હોય એ મેલી છે કે જે ડિલિવરી કરવા આવ્યો તે નાહ્યો નહોતો એવું બધું. કાકાના આ સ્વભાવને લીધે નાછૂટકે તેમને માટે એક રસોયણ બાઈ રાખવાનું નક્કી થાય છે અને એ બાઈ સાથે કાકાનું અફેર શરૂ થાય છે. નાટકમાં કાકાનો ભત્રીજો કાકાને ખૂબ પ્રેમ કરે છે, તો પાડોશમાં અમે કાકાના ફ્રેન્ડને પણ લાવ્યા. કાકાની જ ઉંમરના એ ફ્રેન્ડનું કૅરૅક્ટર જગેશ મુકાતીએ કર્યું હતું.
રસોયણ બાઈના રોલમાં અમે પ્રણોતી પ્રધાનને કાસ્ટ કરી હતી. પ્રણોતીએ અમારાં અનેક નાટકોમાં કામ કર્યું છે. પ્રણોતીની મોટી બહેન પણ છે, પલ્લવી પ્રધાન. પલ્લવી અને પ્રણોતી બન્ને બહેનોએ અમારાં અઢકળ નાટકોમાં કામ કર્યું છે. અમારી સાથે કામ કરવા બન્ને હંમેશાં તત્પર હોય. વિપુલ મહેતાને પ્રધાન બહેનો સાથે ઘરોબો બહુ સારો એટલે તેને કન્વિન્સ કરવામાં બહુ વાંધો આવે નહીં. આ નાટકમાં પણ એવું જ થયું. પ્રણોતીને તેણે વાત કરી અને પ્રણોતી તૈયાર થઈ ગઈ. પ્રણોતી જે રસોયણ બાઈનું કૅરૅક્ટર કરતી હતી એ બાઈની એક ફ્રેન્ડ હતી, જેને માટે વિપુલ મહેતા માનસી જોષી નામની એક નવી છોકરીને લઈ આવ્યો. આ માનસી બહુ સારી સિંગર પણ હતી, તેણે ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં અનેક નાટકો કર્યાં હતાં. માનસી હવે ગુજરાતી નાટકો નથી કરતી, મરાઠી થિયેટરમાં તેણે બહુ મોટું નામ બનાવ્યું છે, પણ એ સમયે માનસી નવી-નવી હતી. ટીમ ઊભી થવા માંડી, પણ અમારા માટે પ્રાણપ્રશ્ન એ હતો કે કાકાના મેઇન રોલ માટે કોને લેવા? મારું નાટક ‘પરણેલાં છો તો હિંમત રાખો’ હજી ચાલતું હતું એટલે હું આ રોલ કરી શકું એમ નહોતો, પણ હા, આજે હું એક વાત કહીશ. મેં ન કર્યા હોય એવા મારા ફેવરિટ રોલ પૈકીનો એક રોલ એટલે આ કાકાનો રોલ.
કાકાના રોલ માટે ઍક્ટરના નામની વિચારણા ચાલતી હતી એ દરમ્યાન અમને અરવિંદ રાઠોડ યાદ આવ્યા. હું કેટલાય વખતથી અરવિંદભાઈ સાથે કામ કરવાનું વિચારતો હતો અને મેં એ તક ઝડપી લીધી. મેં અરવિંદભાઈને ફોન કર્યો. તેમને નાટકની વન-લાઇન કહી અને તેઓ તરત તૈયાર થઈ ગયા. મિત્રો, એક વાત હંમેશાં યાદ રાખવી કે જો તમે નિયમિત રીતે સારાં અને સફળ નાટકો બનાવતા હો તો તમને ક્યારેય કલાકાર મળવામાં તકલીફ ન પડે. મને ક્યારેય ઍક્ટર માટે તકલીફ પડી નથી. અમે એકધારા નાટક બનાવતા રહ્યા અને અમને સારામાં સારા કલાકાર મળતા રહ્યા. અધૂરામાં પૂરું, અમને સંજય ગોરડિયા પણ ઍક્ટર તરીકે મળી ગયો હતો એટલે વર્ષે અમે ચાર-પાંચ નાટકો બનાવતા હોઈએ તો અમારે ઍક્ટર શોધવાની મહેનત ઓછી કરવી પડતી. સંજય તૈયાર જ હોય, પણ હા, હું કહીશ કે પ્રોડ્યુસર હોવાને કારણે મારી પાસે રોલની બહુ ચૉઇસ આવી નહીં. ડિરેક્ટર જે રોલ આપે એ મારે કરવો જ પડે. ઍનીવે, નાટકની વાત પર ફરી પાછા આવીએ.
નાટકના લીડ રોલ માટે અરવિંદ રાઠોડ તૈયાર થયા અને અમે બધા રાજી થઈ ગયા. ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો એ સમયથી અરવિંદ રાઠોડનું બહુ મોટું નામ. ખૂબ સારા ઍક્ટર અને એટલા જ સારા માણસ. ગુજરાતી રંગભૂમિ પર પણ તેમને માટે ખૂબ આદર. દોઢેક વર્ષ પહેલાં જ તેમનો દેહાંત થયો. આપણાં લેજન્ડરી ઍક્ટ્રેસ પદ્‍મારાણીના સાથી. પદ્‍માબહેન તેમને માટે મા, બહેન, ફ્રેન્ડ, સાથી જે નામ આપો એ સંબંધ તેમણે પદ્‍માબહેન સાથે નિભાવ્યો હતો. પદ્‍માબહેનને કૅન્સર નીકળ્યું એ પછી તેમણે પદ્‍માબહેનની ખૂબ સેવા કરી. એક સમય પછી તો એવું હતું કે દુનિયામાં તેમને માટે પદ્‍માબહેન સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ નહોતું. પદ્‍માબહેનના અવસાન પછી તેઓ એકદમ તૂટી ગયા. તેમણે થોડુંઘણું કામ કરવાની કોશિશ કરી, પણ કોવિડના પિરિયડમાં તેઓ સાવ એકલા પડી ગયા અને એ એકલતા તેમને ડિપ્રેશનમાં લઈ ગઈ. આ જ ડિપ્રેશનમાં તેમનું અવસાન થયું. બહુ ઓછા લોકોને ખબર છે કે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ સાથે તેમને ખૂબ સારી દોસ્તી, કહો કે તેઓ રશ્મિનને દીકરો જ માને. તેને મળવા માટે ખાસ રાજકોટ જાય અને બેત્રણ દિવસ તેની સાથે રહે. રશ્મિન પાસે તેમણે આત્મકથા લખાવવાનું પણ શરૂ કર્યું, પણ કોવિડના લૉકડાઉનમાં એ કાર્ય અટક્યું અને પછી અરવિંદભાઈ આપણને બધાને છોડીને ચાલી ગયા. અરવિંદ રાઠોડ માટે હું એક વાત કહીશ કે તેમના જેવો પ્રેમ કરનારો માણસ મેં મારા જીવનમાં આજ સુધી જોયો નથી. સલામ અરવિંદ રાઠોડ, લાખ લાખ સલામ. તમે પ્રેમ અને લાગણીને એક નવી જ ઊંચાઈ પર લઈ ગયા હતા. લોકો જ્યારે પણ પદ્‍માબહેનને યાદ કરશે ત્યારે અચૂક તમને પણ યાદ કરશે.
અરવિંદભાઈ અખરોટ જેવા હતા. ઉપરથી એકદમ કડક અને અંદરથી એકદમ નરમ. અમારા આ નાટક દરમ્યાન મને તેમની અંદરની એ નરમ સાઇડ પણ જોવા મળી. અરવિંદ રાઠોડ એટલે ડિરેક્ટર’સ ઍક્ટર. આટલું મોટું નામ અને તો પણ તેઓ યુવા કહેવાય એવા ડિરેક્ટરને પોતાની જાત સંપૂર્ણ સમર્પિત કરી દે.
અરવિંદ રાઠોડ અને નાટકમાં તેમના ભત્રીજાનું કૅરૅક્ટર કરતા ઍક્ટર માટે અમે કોને લાવ્યા એની વાતો કરવી છે, પણ રાબેતા મુજબ જ સ્થળસંકોચનો પ્રશ્ન છે એટલે આ વાતને કન્ટિન્યુ કરીશું હવે આવતા સોમવારે. ત્યાં સુધી વધતા કોવિડના આ કેસ વચ્ચે તમે નવેસરથી સાવચેતી રાખવાની શરૂ કરી દેશો એવો નમ્રતા સાથે અનુરોધ.

Sanjay Goradia columnists