...અને લોરીનાં પોસ્ટર રસ્તા પર ચોંટાડવાનો અનુભવ મળ્યો

23 July, 2019 01:15 PM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

...અને લોરીનાં પોસ્ટર રસ્તા પર ચોંટાડવાનો અનુભવ મળ્યો

લોરી

જે જીવ્યું એ લખ્યું

આપણે વાત કરતા હતા ફિલ્મ ‘લોરી’ની. આ ફિલ્મ જાણીતા ફિલ્મ-ડિરેક્ટર રમેશ તલવારના ભાઈ વિજય તલવારે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, સ્વરૂપ સંપટ, ફારુક શેખ હતાં અને પરેશ રાવલની પણ નાનકડી ભૂમિકા હતી. ‘લોરી’ લતેશ શાહે જોઈ અને તેમણે નક્કી કર્યું કે તેઓ ફિલ્મનું બૉમ્બેમાં ડિસ્ટ્રિબ્યુશન કરશે. મારો આ વાત સામે વિરોધ હતો. મેં તેમને ખૂબ સમજાવ્યા કે જે બિઝનેસની કોઈ ગતાગમ ન હોય, સમજણ ન હોય એ બિઝનેસ આપણે શું કામ જ કરવો જોઈએ? લતેશભાઈ સાથે હું લાંબા સમયથી જોડાયેલો હતો એટલે અમારી વચ્ચે વૈચારિક મતભેદ તો પહેલેથી જ શરૂ થઈ ગયા હતા. ‘લોરી’ના ડિસ્ટ્રિબ્યુશન બાબતના અમારા બન્નેના જુદા-જુદા મતને કારણે મતભેદોની તિરાડ વધારે મોટી થઈ. બન્યું શું એ જરા વિગતવાર તમને કહું.

હું પોતે ‘લોરી’ના ડિસ્ટ્રિબ્યુશનના કામે લાગી ગયો હતો. જે ડિસ્ટ્રિબ્યુટર થ્રૂ અમે કામ કરવાના હતા તેમની ઑફિસ નાઝ બિલ્ડિંગમાં હતી. હું રોજ નાઝ બિલ્ડિંગમાં જાઉં અને લતેશભાઈ દરરોજ અહીંયાં-ત્યાંથી પૈસા ભેગા કરવાનું કામ કરે. મારા મનમાં રઘવાટ હજી પણ હતો. મેં લતેશભાઈને કહ્યું કે આપણે આની પબ્લિસિટી કેવી રીતે કરીશું. લતેશભાઈ પાસે જવાબ તૈયાર હતો. તેમણે કહ્યું કે રસ્તા પર જે પોસ્ટરો લાગે છે એ આપણે આપણી રીતે બાંદરાથી ટાઉન વચ્ચે રાતે લગાડી દઈશું.

મને આ વાત એ સમયે બહુ જચી નહોતી, પણ લતેશભાઈનો હુકમ મારે માથે ચડાવ્યા વગર છૂટકો નહોતો. હું ચર્ચગેટ પહોંચ્યો. અત્યારે જે ચર્ચગેટ છે એની બહાર એ સમયે એક મોટો ચોક હતો. અત્યારે તો એ ચોક કવર કરીને અન્ડરપાસ બનાવી નાખ્યો છે, જેનો ઉપયોગ કરીને તમે નીચેથી એશિયાટિક સ્ટોર તરફ જવું હોય તો જઈ શકો. એ વખતે ત્યાં આ અન્ડરપાસ નહોતો, ચોક જ હતો અને એ ચોકમાં ખિખારીઓના છોકરાઓ પડ્યાપાથર્યા રહેતા. મેં ત્યાં જઈને એ લોકોને બોલાવ્યા અને કહ્યું કે મારે આખા મુંબઈમાં પોસ્ટર ચોંટાડવાં છે. મને તમે મદદ કરશો? હું તમને હું પૈસા આપીશ. એ લોકોએ કહ્યું કે અમારું કામ આ જ પ્રકારનું છે. એ કામ મારે માટે થોડું આસાન બન્યું. પોસ્ટર ચોંટાડવા માટે અમારે લાય એટલે કે ગૂંદર અને સીડીની જરૂર હતી. ગૂંદર સીધો વાપરવો મોંઘો પડે એટલે લાય તમારે જાતે બનાવવાની હોય. આ લાય બનાવવા માટે મેં તેમને લોટ અને ગૂંદર લાવી આપ્યો. મોટી સીડી અમે ભાડેથી લીધી. લાય અમારે બનાવવાની હતી એટલે પતરાના તેલના ડબા પણ લઈ આપ્યા અને લાય લગાડવા માટે મોટું બ્રશ પણ લઈ આવ્યા.

ચોકમાં જ અમે નાની આગ લગાડીને લાય બનાવી અને પછી લતેશભાઈની ઍમ્બૅસૅડરમાં લાયનો ડબો, ફિલ્મનાં પોસ્ટર, સીડી અને બે છોકરાઓ સાથે અમે નીકળ્યા. જોકે ખાટલે મોટી ખોડ. અમે જ્યાં જઈએ ત્યાં બીજી ફિલ્મોનાં પોસ્ટરો લાગેલાં હોય. માહિમથી બાંદરા સુધીમાં અમને પોસ્ટર લગાડવા માટે ક્યાંય જગ્યા મળી નહીં. લતેશભાઈની ધીરજ ખૂટવા માંડી હતી. તેમણે મને કહ્યું કે સંજય, ચિંતા ન કર, બીજાં પોસ્ટરો પર આપણાં પોસ્ટર લગાડવા માંડ. હું અને પેલા બન્ને છોકરાઓ બીજી ફિલ્મો પર અમારાં પોસ્ટર લગાડવા માંડ્યા. આ કામ અમે છેક દાદર સુધી કર્યું અને પછી સવાર પડવા આવી એટલે અમે ઘરે પાછા આવ્યા. બીજો દિવસ. ફરી પાછા અમે એ જ લાય, સીડી અને પોસ્ટર લઈને નીકળી પડ્યા. હવે અહીંથી નવો પ્રૉબ્લેમ શરૂ થયો.

જે પોસ્ટરો પર અમે અમારી ફિલ્મનાં પોસ્ટર ચીટકાવ્યાં હતાં એ કોઈ ગોલા નામનો માણસ હતો તેણે લગાડ્યાં હતાં. આ ગોલાનું કામ પોસ્ટર લગાડવાનું જ હતું અને તેણે પણ બે દિવસ પહેલાં જ લગાડ્યાં હતાં. બીજા દિવસે દાદરમાં અમે પોસ્ટર લગાડતા હતા ત્યાં રસ્તામાં જ ગોલા પોતાના બેચાર ગુંડા લઈને આવી ગયો. ઝઘડો બરાબરનો ચાલુ થયો અને ચાલુ ઝઘડે તેણે અમારી સીડી રેલિંગની વચ્ચે નાખીને એના ત્રણ ટુકડા કરી નાખ્યા. અમારી લાય ઢોળી નાખી અને અમારી જે ફિલ્મ હજી રિલીઝ નહોતી થઈ એ ‘લોરી’નાં પોસ્ટર પણ ફાડી નાખ્યાં. આ ઝઘડાને લીધે અમારું પોસ્ટર લગાડવાનું કામ અટકી ગયું અને એ પછી પોસ્ટર લાગ્યાં જ નહીં. ઝઘડો એ અમારું કામ નહોતું. બહુ બહુ તો આપણે કોઈ સાથે બોલાચાલી કરી શકીએ, પણ ઝપાઝપી અને મારામારી એવુંબધું આપણાથી થાય નહીં.

શુક્રવારે તો ફિલ્મ રિલીઝ થવાની હતી. ફિલ્મ રિલીઝ થઈ અને સુપરફ્લૉપ થઈ ગઈ. બધા પૈસા ડૂબી ગયા. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો તો બીજી બાજુ અમારા બન્ને વચ્ચેના એટલે કે મારા અને લતેશભાઈ વચ્ચેના મતભેદોની ખાઈ પણ વધારે ને વધારે ઊંડી થવા માંડી.

સમય જ્યારે તમારી પરીક્ષા લે ત્યારે આવડતો હોય એ દાખલો પણ યાદદાસ્તમાંથી ભૂંસાઈ જાય. એવો જ ઘાટ હતો એ સમયનો. ‘લોરી’ સુપરફ્લૉપ અને એવામાં અમને ખબર પડી કે દીપક ઘીવાલા ‘ચિત્કાર’ ઉપરાંત બીજું નાટક પણ કરશે. આની પાછળનું કારણ હતું સુજાતા મહેતાનો નિર્ણય. જેના વિશે મેં તમને ગયા વીકમાં વાત કરી છે. એક દિવસમાં ‘ચિત્કાર’નો એક જ શો કરવો એવો નિર્ણય સુજાતાએ કર્યો એટલે દીપક ઘીવાલાએ ‘કાનખજૂરો’ નામનું નાટક લઈ લીધું. દીપકભાઈએ નાટક લેતાં પહેલાં મને કહ્યું કે આ નવા નાટકને કારણે તમારે એ નાટકની થોડી ડેટ ઍડ્જસ્ટ કરવી પડશે. મિત્રો, આ ‘કાનખજૂરો’ નાટકના લેખક હતા અનાદિ અમ્રિત અને નિર્માતા-દિગ્દર્શક હતા અમૃત પટેલ. અમૃતભાઈ પોતે નાટકમાં એક પાત્ર પણ ભજવતા હતા, જ્યારે નાટકના લીડ સ્ટાર હતા દીપક ઘીવાલા, રાગિણી અને તેમની સાથે હતાં પ્રતાપ સચદેવ અને એક નવી છોકરી સોનિયા મહેતા. આ સોનિયા મહેતાએ માત્ર બે જ નાટકો કર્યાં અને એ પછી ક્યારેય દેખાઈ નહીં. ‘કાનખજૂરો’ની અને અમૃત પટેલની વધુ વાતો કરીશું આવતા મંગળવારે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

ફૂડ ટિપ્સ

મિત્રો, આજે વાત કરીએ ફરી પાછી વલસાડની. ગયા વીકમાં મેં કહ્યું એમ, હું મારા નાટકના શો માટે વલસાડ ગયો હતો. વલસાડમાં મેં ખાધેલી પૅટીસની વાત આપણે કરી પણ આપણે આજે વાત કરવી છે વલસાડની ‘કોહિનૂર’ની કચોરીની. કોહિનૂરની કચોરી ખૂબ જ ફેમસ છે. આને લીલવાની કચોરી કહે છે, પણ ખરેખર તો લીલવાની કચોરીમાં તુવેરના દાણા હોય, પણ આ કચોરીમાં તુવેરના દાણાને બદલે લીલા વટાણા નાખવામાં આવે છે. એનું કારણ પણ છે. લીલવા લાંબો સમય ટકતા નથી. કોહિનૂરવાળા વલસાડથી સુરત અને આ બાજુએ છેક આપણે ત્યાં મુંબઈ સુધી આ કચોરી કાચા ફોર્મમાં મોકલે છે, જે પછી ત્યાં તળીને તમને પીરસવામાં આવે છે. આ કચોરી માટે વલસાડમાં જ સેન્ટ્રલાઇઝ્ડ કિચન પણ બનાવવામાં આવ્યું છે. તમે મુંબઈના ફૂડ-સ્પૉટ કે છેડા સ્ટોરમાં જે કચોરી ખાઓ છો એ આ વલસાડના કોહિનૂરની જ કચોરી છે. અદ્ભુત છે એનો સ્વાદ. એના પૂરણમાં પડતા મસાલાની આ કમાલ છે. તમને ભલે અહીં, આપણા મુંબઈમાં પણ કોહિનૂરની કચોરી ખાવા મળતી હોય, પણ વલસાડ જાઓ તો અચૂક એક વખત કોહિનૂરમાં જજો અને ત્યાં જઈને આ કચોરી ટેસ્ટ કરજો. સ્થાનિક હવા સાથે ખાધેલી આ કચોરીનો સ્વાદ તમને કંઈક જુદો જ લાગશે.

Sanjay Goradia columnists