કૉલમ: જવાબ ન આપવો પણ એક જવાબ છે

29 June, 2019 03:44 PM IST  |  | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

કૉલમ: જવાબ ન આપવો પણ એક જવાબ છે

‘કંઈક નવું કરવા જાઉં તો તરત જ લોકો ઉતારી પાડે છે.’

‘મને તો ગધેડો હોઉં એવું જ દેખાડે છે.’

‘બધી ખબર એ લોકોને પડે અને હું જે કરું એ તો બધું ખોટું જ હોય છે.’

આ અને આવી વાતો પછી બધાના મોઢે એક જ ફરિયાદ હોય છે કે આવી રીતે મનોબળ તોડ્યા પછી કેવી રીતે કંઈ નવું કરવું, કેવી રીતે કશું નવું કરવું?

આ બધા સવાલ સાથે એક યંગસ્ટર મને મળ્યો. મારો સેમિનાર પૂરો થઈ ગયો હતો અને મારે ફરીથી વડોદો જવાનું હતું, પણ પરિસ્થિતિ એવી હતી કે તે મને મૂકે જ નહીં. મોડું પણ ઘણું થતું હતું છતાં તેમનો જે ઉદ્વેગ હતો એ ખરેખર મનમાં લાગણી જન્માવે એવો હતો. મેં એ યંગસ્ટરની વાત ધ્યાનથી સાંભળી અને મને લાગ્યું પણ ખરું કે આવું બહુ બધા લોકો સાથે બનતું હશે અને બને પણ શા માટે નહીં, જયારે સ્‍ટ‌ીવન સ્પીલબર્ગને ‘જુરાસિક પાર્ક’ બનાવવી હતી ત્યારે એનો પ્રોજેક્ટ સાંભળીને લોકો તેને પણ ગાંડો જ ગણતા હતા. લોકોને ખરેખર એમ જ હતું કે આવું કંઈ બની શકે નહીં, આવું તો માત્ર કાગળ પર અને એના પર લખાયેલી વાર્તામાં જ બને. આવું ઊભું કરવું અઘરું છે, અશક્ય છે. એટલું જ નહીં, સાથોસાથ એવી પણ વાતો કરતા કે આ તો ગાંડો છે, આવું બનાવવાનું વિચારવું એ પણ ગાંડપણની ચરમસીમા સમાન છે.

પણ પછી થયું શું?

‘જુરાસિક પાર્ક’ બની અને આજની તારીખે પણ એ ફિલ્મની સીક્વલ બને છે, કરોડોનો ધંધો કરે છે, પણ વિચારો કે જયારે સ્‍ટ‌ીવન સ્પીલબર્ગે પહેલી વાર આ વાત કરી હશે ત્યારે તેને કેટલી ખરાબ રીતે ઉતારી પાડ્યો હશે. સ્ટીવન સ્પીલબર્ગ જ આ સ્વીકારી ચૂક્યો છે કે તેની બધા મશ્કરીઓ કરતા હતા, પણ જો એ મશ્કરી પછી સ્ટીવન સ્પીલબર્ગ એ મશ્કરીને બાંધીને બેસી રહે અને વિચારી લે કે બીજા જે કહે છે એ સાચું છે, આવી ફિલ્મ તો બની જ ન શકે તો શું આજે આપણે આટલી અદ્ભુત ફિલ્મ જોઈ શક્યા હોત ખરા? જે ડાયનોસૉરની વાતો આપણે માત્ર કાગળ પર વાંચી હતી એ ડાયનાસૉરને આંખ સામે આ રીતે જોઈ શક્યા હોત ખરા? ડાયનાસૉરની તાકાતનો અંદાજ પણ બાંધી શક્યા હોત આપણે? લોકો જ્યારે તેને ઉતારી પાડતા હતા ત્યારે પણ સ્પીલબર્ગના મનમાં વાત તો નક્કી જ હતી કે હું આ ફિલ્મ બનાવીશ. સ્પીલબર્ગે જ્યારે ૯૦ના દસકામાં ‘જુરાસિક પાર્ક’ બનાવવાનું નક્કી કર્યું એ પહેલાં પણ તેમણે ‘જોઝ’ અને ‘ઇન્ડિયાના જોન્સ’ જેવી ધરખમ ફિલ્મો બનાવી જ હતી, છતાં લોકોને લાગતું હતું કે આવી ફિલ્મ ન બની શકે અને ફિલ્મ બની, એટલું જ નહીં, સ્પીલબર્ગ સતત આવી ફિલ્મો બનાવતા રહ્યા.

વાત અહીં દેખાડી દેવાની નહોતી એ સૌથી પહેલાં સમજી લેવાની જરૂર છે અને સાથોસાથ એ પણ સમજી લેવાની જરૂર છે કે જો આ સ્તરની વ્યક્તિને પણ આ રીતે નાસીપાસ કરનારાઓ મળતા હોય, તેની હિંમત તોડનારાઓ પણ આ પૃથ્વી પર હોય અને તેને પણ હસી કાઢનારાઓ હોય તો આપણે સ્પીલબર્ગ સામે ચણામમરા છીએ. બીજી વાત, હંમેશાં યાદ રાખજો કે તમે જે કરો છો કે કરવા માગો છો એ પૂરી મહેનત, સંપૂર્ણ ધગશથી તમારે કરવાનું છે. ડગલે ને પગલે તમને ઉતારી પાડનારા કે હાંસી ઉડાડનાર મળવાના જ છે અને એનું કારણ પણ છે. ઉતારી પાડનારાઓ જે વિચારી નથી શકતા એ તમે વિઝ્‍યુઅલ કરવાની ક્ષમતા સુધી પહોંચી ગયા છો એટલે તમે એનાથી આગળ છો અને વાતો હંમેશાં તેની જ થાય જે આગળ હોય. જીવનમાં કામ એવું કરવાનું જે ક્ષમતાથી વધારે આગળ હોય અને સપનાંઓ એવા જોવાનાં જે દુનિયાને દિવાસ્વપ્ન લાગતાં હોય. આ બન્ને બાબતો એવી છે જે બીજાઓ સહન નહીં કરી શકે કે બીજાઓ પચાવી નહીં શકે. એ તમને તોડી પાડવાની, ઉતારી પાડવાની કે પછી તમારી હાંસી ઉડાડવાની પ્રક્રિયા કરશે જ કરશે. તેને તમારે રોકવાના નથી, પણ તેની આ પ્રવૃ‌ત્ત‌િથી તમારે વધારે દૃઢ બનવાનું છે. જો તમે એવું ન કરી શક્યા અને તમે તમારી દિશા છોડી દીધી તો તમે ક્યારેય આગળ નહીં આવી શકો.

પંદર-વીસ વર્ષ પહેલાં કોઈને ખબર નહોતી કે મોબાઇલ-ક્રાન્તિ આવી ઝડપે આગળ વધશે અને મોબાઇલ ઑલમોસ્ટ હરતુંફરતું કમ્પ્યુટર બનીને બધાં કામો કરવા માંડશે. એવાં બધાં કામ જેને માટે પહેલાં તમારે એક કે બે નહીં, પણ પાંચથી છ ગૅજેટ્સ રાખવાં પડતાં હતાં. એ જે ગૅજેટ્સ બનાવનારા હતા તેમને તો એમ જ હતું કે તેમણે જે બનાવ્યું છે એ બેસ્ટ છે,

પણ હકીકત જુદી હતી. મોબાઇલ બનાવનારા એનાથી પણ આગળ જઈને વધારે નવીન અને અલગ કરતા હત ત્યારે જ તો આ મોબાઇલ-ક્રાન્તિ શક્ય બની.

આ જ નહીં, તમે કોઈ પણ ક્રાન્તિ જોશો તો તમને દેખાશે કે એમાં એક પૉઇન્ટ અનિવાર્ય છે, જીદ. જીદ હોવી જોઈએ પોતાના કામ માટેની, જીદ હોવી જોઈએ નવું અને નોખું કરવાની.

જીદ સાથે કામ પર મચી પડશો તો એ જીદ સામે બાકી બધા પાણી ભરશે. એક નાનકડી શરત કે એ જીદ સાચી હોવી જોઈએ. ગાંધીજી પણ જ્યારે હાથમાં લાકડી લઈને નીકળ્યા ત્યારે અંગ્રેજોને એમ જ હતું કે આ દૂબળોપાતળો માણસ અને આપણે આવી મોટી મહાસત્તા, આ શું આપણું બગાડી લેવાનો, પણ એ જ ગાંધીજીએ આપણને આઝાદી અપાવી. કારણ, જીદ હતી તેમનામાં. જો જીદથી આવડી મોટી સફળતા મળે તો વિચારો કે બીજાં બધાં કામ તો કેવાં નાનાં અને ચીંટુકડાં કહેવાય.

તમે જુઓ, જેને લાઇફમાં કંઈક અલગ કરવું છે એ જિદ્દી હશે. પોતાના કામ માટે, પોતે જે કરે છે એના પર તેને વિશ્વાસ છે અને એટલે જ આ જીદ આપોઆપ જન્મી જતી હોય છે. પછી એ ટેસ્લા કંપનીનો મલિક ઇઓન મસ્ક હોય કે પછી સ્નૅપચૅટના સ્થાપકો હોય કે પછી ગૂગલ લઈ આવનારા લેરી પેજ અને સર્જી બ્રિન હોય. આ દરેકમાં જીદ હતી કે કંઈક અલગ કરવું છે અને કંઈક નવું કરવું છે. આ જીદ જ તેમને અહીં સુધી લઈ આવી છે. જો આ જીદ ન હોત તો આજે આપણે ગૂગલ, સ્નૅપચૅટ કે ટેસ્લાનું નામ પણ ક્યારેય સાંભળ્યું ન હોત અને એની જગ્યાએ જે પોતાની મૉનોપોલીથી કામ કરતી હતી એ કંપનીઓનું રાજ અકબંધ હોત, પણ ના એવું થયું નથી. કારણ કે જીદ હતી કે હું જેકાંઈ વિચારીશ, નક્કી કરીશ એ કરીને રહીશ. લોકો કંઈ પણ કરે, કંઈ પણ કહે, હું મારી જાતને જરા પણ અસર નહીં થવા દઉં. જો જીદ સામે ભગવાન પણ હાર માની લેતો હોય તો તમારા સંજોગો તો હાર માની જ લેવાના. જો ભગવાન પણ પોતાના ભક્તની જીદને સ્વીકારીને પ્રગટ થઈને આશીર્વાદ આપતો હોય તો પછી આપણે એ જ રસ્તો અપનાવવાનો અને કામને ભગવાન માનીને એની ભક્તિમાં લીન થઈ જવાનું.

એક બહુ સાદું ઉદારહણ આપું છુ. આ ઉદાહરણ તમને જે લોકો ઉતારી પાડતા હશે કે તમારા પર હસી લેતા હશે એવા લોકોને તમારો જવાબ હશે. આ જવાબ તમારે બોલીને કે પ્રત્યાઘાત દ્વારા નથી આપવાનો. આ જવાબ તમારે મૌન બનીને આપવાનો છે. તમને સમજાવું. આપણે બધા માણસ છીએ. એક માથું, બે હાથ, બે કાન, બે આંખ, એક મોઢું, બે પગ અને એક સરસમજાનું મગજ ભગવાને આપણને આપ્યું છે. આ મગજથી સારું વિચારો અને સારું કાર્ય કરો છો. હવે તમે કહો જોઈએ કે તમારે ક્યાંય પૂંછડી છે? તમે ભસો છો કે પછી ચકલીની જેમ ચીં-ચીં કે ગધેડાની જેમ હોંચી-હોંચી કરો છો?

નહીંને, એનો અર્થ એ કે તમે પ્રાણી કે પશુ કે પક્ષી નથી. જો એવું જ હોય તો જે તમને ઉતારી પાડે છે કે તમારી હાંસી ઉડાડે છે તેને જવાબ આપીને તમારે શા માટે ગધેડામાં ખપી જવું છે. યાદ રાખજો, અમુક સમયે જવાબ ન આપવો પણ એક જવાબ જ છે.

columnists Sanjay Raval