સારા કે ખરાબ સમયના મોહમાં પડ્યા વિના સમયની કિંમત સમજો

22 June, 2019 10:14 AM IST  |  મુંબઈ | સંજય રાવલ - સંજય દૃષ્ટિ

સારા કે ખરાબ સમયના મોહમાં પડ્યા વિના સમયની કિંમત સમજો

પ્રતીકાત્મક તસવીર

સંજય દૃષ્ટિ

સમયની કિંમત કેટલી? બધા બહુ કહે છેને, સમય અમૂલ્ય છે અને સમયની કિંમત ન થઈ શકે. તો કહો જોઈએ, આ સમયની કિંમત કેટલી અને એ કેવી રીતે મૂલવી શકાય? શિંગચણા જેટલી કે પછી ચોવીસ કૅરેટના સોના જેટલી? ફાઇટર પ્લેન જેટલી કે જુનવાણી રેડિયો જેટલો મહામૂલો હતો એટલી? શું કિંમત ગણાય સમયની અને એ કેવી રીતે ગણી શકાય? વેન્ટિલેટર પર રહેલા પેશન્ટના એક શ્વાસ બરાબર સમય ગણાય કે પછી અંતિમ ક્ષણે મોઢામાં લેવામાં આવતા ગંગાજળના એક બુંદ જેટલી કિંમત આલેખવી જોઈએ સમયની? શું છે સમયની કિંમત?

આ સવાલ ખરેખર મહત્ત્વનો છે, એમ જ એના વિશે વાત શરૂ નથી કરી આપણે. કારણ કે કાં તો આપણને આપણા જ સમયનું મૂલ્ય ખબર નથી અને જો ખબર છે તો પછી આપણે એના મૂલ્ય મુજબનું જીવતા નથી. એકેક રૂપિયાનો હિસાબ રાખીશું અને દસ રૂપિયા પણ ખોટા વપરાઈ ન જાય એની ચીવટ રાખીશું. આ ચીવટ પછી પણ જો ક્યાંય ખોટો ખર્ચ થઈ જાય તો આપણો જીવ બળી જાય છે અને આપણને એ દિવસે રોટલી ગળે નથી ઊતરતી. પણ એની સામે સમયનું મૂલ્ય કે સમયની વૅલ્યુ આપણે ક્યારેય સમજતા નથી. એનું કારણ પણ છે. સમયનું મૂલ્ય આપણને સમજાતું નથી, કારણ કે સમય આપણને મફતમાં મળ્યો છે અને એની માટે આપણી પાસેથી કોઈ પૈસા લેવામાં નથી આવતા; પણ મિત્રો યાદ રાખજો, સમય જરા પણ મફતમાં નથી મળ્યો. પણ હા, તમે એને મફતમાં ખર્ચી નાખો છો એ સાચું છે ખરું.

મેં હંમેશાં જોયું છે કે માબાપ પોતાનાં બાળકોને પૈસાના હિસાબો સમજાવતાં હોય છે. આની કિંમત આટલી અને આની કિંમત મોંઘી અને આ સસ્તું છે અને એવું બધું. પણ અફસોસ એ વાતનો છે કે આપણાં બાળકોને સમયના પાઠ કોઈ ભણાવતું નથી. તમને મળેલા ૨૪ કલાકના હિસાબનું શું અને તમને મળતા આ સમયનું શું? તમને જે સમય મળ્યો એનો ઉપયોગ કર્યો કે પછી ગેરઉપયોગ? તમે એ સમયને કમાઈ લીધો કે પછી એને ફાલતુની જેમ ખર્ચી નાખ્યો? આવા સવાલો કોઈ પૂછતું નથી કે પછી નથી કોઈ એ સવાલ પૂછવાની દરકાર પણ કરતું. મિત્રો, સમયની કદર કરવાની છે અને સમયની કદર કરતી રહેવાની છે, કારણ કે સમય એવો છે કે ચાલ્યો ગયો પછી તમને સમજાશે અને એ સમજાશે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હશે. સમયની વૅલ્યુ આપણે કરતા તો નથી જ, પણ સાથે-સાથે સમયની વૅલ્યુ વધે એવાં કામ પણ આપણે નથી કરતા. આખો દિવસ વૃદ્ધાશ્રમમાં વિતાવ્યો હોય તો વેડફાયેલા એ સમયની વૅલ્યુ વધે. પણ જો આખો દિવસ ટીવી સામે બેસીને બૅટબૉલ જોયા હોય કે પછી પાનની દુકાને ઊભા રહીને સિગારેટ ઢીંચી હોય તો એનું કોઈ મૂલ્ય ન થાય.

મને કહો જોઈએ કે તમે ક્યારેય તમારા દિવસનું પ્લાનિંગ કર્યું ખરું? આજે હું ક્યાં જઈશ, કોને મળીશ, શું કામ કરીશ અને કેવાં કામોમાં મારો સમય ખર્ચીશ? ક્યારેય આ બાબતમાં વિચાર્યું છે ખરું?

ના. મોટા ભાગે એક જ જવાબ મળે, ક્યારેય નહીં. દિવસ શરૂ થાય એટલે મોબાઇલ, બાઇક કે કાર લઈને નીકળી જવાનું અને પછી દોસ્તો સાથે રખડવાનું કે ભટકવાનું. બસ, દિવસ પૂરો. રાત્રે ઘરે પાછા આવીને જમીને ટીવી ચાલુ કરી દેવાનું કે પછી પાછો મોબાઇલ લઈ લેવાનો. જો આ રીતે તમારો દિવસ પૂરો કરવો હોય તો બહેતર છે કે એના કરતાં ઘોરતા રહો, ઊંઘતા રહો. અરે મારા ભાઈ, ભગવાને જે સમય આપ્યો છે એનો સદુપયોગ કરો અને જો એ ન થઈ શકે તો અૅટ લીસ્ટ એ વાંચવામાં કે પછી એક્સરસાઇઝમાં પૂરો કરો. જેને પોતાનો સમય વેડફાય છે કે નહીં એના વિશે ખબર નથી પડતી તેમને હું સલાહ આપીશ કે ડાયરી લખો અને રોજેરોજના કામનું પ્લાનિંગ કરો. ભલે, શરૂઆતમાં કામ એ પ્રમાણે ન થયાં, પણ એ માટે પ્રયત્નો તો કરવા જ જોઈએ. ઈશ્વરે સમય નામની જે અમૂલ્ય ભેટ આપણને સૌને આપી છે એ ભેટને સસ્તી કરી દેવાનો હક આપણને નથી જ નથી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇને જગતને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો છે. દરેક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિ કરે છે. સમયનું પણ એવું જ છે. જો તમે સમયની કદર કરીને સમયને વેડફશો નહીં તો સમય પણ તમને સાથ આપશે અને તમે ધાર્યાં કામ કરી શકશો.

એક ઉદાહરણ આપું.

તમારે જ્યારે ગમતી વ્યક્તિને મળવાનું હોય ત્યારે શું થાય છે? મળવાનો સમય પાંચ વાગ્યાનો નક્કી થયો હોય તો તમે પોણાપાંચ વાગ્યે ત્યાં પહોંચી જાઓ છો. વહેલા પહોંચી ગયા પછીની આ જે પંદર મિનિટ છે એ તમને ૬ કલાક જેવી લાંબી લાગશે અને એ વ્યક્તિ સાથે વિતાવેલો દરેક કલાક તમારા માટે ૬૦ સેકન્ડ જેવો હશે. તમને થશે કે હજી હમણાં તો મળ્યાં. આ સમય છે અને આ સમયને ઓળખવાની રીત છે. જો ગમતો સમય ટૂંકો અને ન ગમતો સમય લાંબો લાગે તો એનો અર્થ એ થયો કે સમયમાં જીવ છે અને એ પણ તમને કનડી શકે છે.

મિત્રો, સમય કોઈની માટે અટકતો નથી અને અટકવાનો પણ નથી. ડૉક્ટર સ્ટ્રેન્જ નામનું એક કૅરૅક્ટર હૉલીવુડ પાસે છે. ડૉક્ટર સ્ટ્રેન્જની જેમ તમે ટાઇમ ટ્રાવેલ નથી કરી શકવાના એટલે એ વિચારવાનું છે કે સમય કેવી રીતે બચાવવો. જીવનમાં આવતી દરેક ક્ષણ અઢળક સંભાવનાઓ લઈને આવે છે. આ સંભાવનાઓને તમે કેટલી ઍન્કૅશ કરી શકો છો એ મહત્ત્વનું છે. જો તમે એ ન કરી શક્યા, જો તમે સમયની કિંમત ન કરી શક્યા તો લખી રાખજો, એક સમય એવો આવશે કે સમય તમારી કિંમત નહીં કરે અને આ તબક્કા પછીનો એક સમય એવો આવશે જ્યારે તમારી કોઈ કિંમત નહીં રહે. ચોરાયેલી, તૂટેલી કે પછી ખોવાયેલી વસ્તુ પૈસા આપીને પાછી ખરીદી શકાશે, પણ તમારા હાથમાંથી જો સમય સરકી ગયો તો એ ક્યારેય પાછો નહીં આવે. ભૂકંપમાં પડેલું આખું ઘર નવું બનાવી શકાશે, પણ એ ઘર માટે જે પાંચ વર્ષનો સમય તમે ગુમાવ્યો એ પાછો નહીં મેળવી શકાય.

સમયનું મૅનેજમેન્ટ કરો. કોઈને સમય આપો તો એ સમયે ત્યાં હાજર રહો. કોઈને મળવાનું કહો અને ધારો કે ન મળી શકાય તો માફી માગો, કારણ કે તમે તેના સમયને બગાડ્યો છે. આપણે રાહ જોવડાવવાની પ્રક્રિયાને આપણો હક માનીએ છીએ, પણ મિત્રો યાદ રાખજો, તમને રાહ જોવી નથી ગમતું એમ બીજા કોઈને પણ નથી જ ગમતું. જો તમે રાહ નથી જોઈ શકતા તો બીજાને રાહ જોવડાવવાનો હક તમને નથી જ નથી. તમારે સમય સાથે રહેવું હોય તો સૌથી પહેલાં એક આદત કેળવી લો. ક્યારેય ક્યાંય મોડા નહીં પડો. આ એક આદત કેળવી લેશો તો ઑટોમૅટિક તમને સમયની વૅલ્યુ થવા માંડશે. આ ઉપરાંત તમારી પર્સનાલિટી પણ સારી ઊભરશે.

હજી એક વાત મારે કરવી છે. આ વાત છે સારા અને ખરાબ સમયની. બધા એવું કહે છે કે સારો સમય ઝડપથી પસાર થઈ જાય છે અને ખરાબ સમય જતો જ નથી. આ એક સર્વસામાન્ય ફરિયાદ છે. પણ દોસ્તો, એક વાત યાદ રાખજો, સમયનો સ્વભાવ જ વહી જવાનો છે. ખરાબ સમય પણ વહે છે, પણ તમે સતત એના વિશે વિચારતા રહો છો એટલે તમને એ અટકી ગયો હોય એવી લાગણી થાય છે અને વાત રહી ઝડપથી પસાર થતા સારા સમયની, તો એ સમયને તમે માન નથી આપતા એટલે તમને એ ઝડપથી પસાર થઈ ગયાનો અનુભવ કરાવે છે. બાકી સમય તો સમય છે, એ એકધારો છે અને અવિચળ છે. એ સારો છે કે ખરાબ, એ તો તમારે નક્કી કરવાનું છે અને તમારે જ એનો એ આકાર કાયમ માટે બનાવવાનો છે. તમારા હિસ્સામાં તો માત્ર એક જ વાત છે.

આ પણ વાંચો : જવાબદાર ન હોય તેને સપનાં જોવાનો હક નથી

સમયને મહત્ત્વ આપીને એને વેડફવાનો નથી. બસ, માત્ર આટલું કરશો તો પણ સમય તમને સાથ આપશે અને ક્યારેય તમને પાછળ નહીં રહેવા દે એની ગૅરન્ટી મારી.

Sanjay Raval columnists