Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જવાબદાર ન હોય તેને સપનાં જોવાનો હક નથી

જવાબદાર ન હોય તેને સપનાં જોવાનો હક નથી

15 June, 2019 12:25 PM IST |
સંજય રાવલ - સંજય દૃષ્ટિ

જવાબદાર ન હોય તેને સપનાં જોવાનો હક નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણા દરેકના જીવનમાં કોઈ ને કોઈ મહત્વાકાંક્ષા હોય છે. દરેકનું એક ડ્રીમ છે અને આપણે બધા એ ડ્રીમને પૂરું કરવા માટે સતત પ્રયત્ન કરીએ છીએ, પણ જ્યારે એ ડ્રીમને ફૉલો કરતી વખતે વચ્ચે અડચણ આવે તો કોઈ પ્રૉબ્લેમ આવે તો? ડ્રીમ પૂરું કરવા જતાં વચ્ચે નિષ્ફળતા મળે તો? તમારી સિસ્ટમ ડાઉન થઈ જાય તો મનથી હાર માની લો છો? આંખોમાંથી એ સપનું ઊડી જાય છે ખરું?

ના. દરેક મોટું કે નાનું કામ કરતી વખતે હજારો પ્રકારની અડચણ આવવાની છે અને તમને દરેક પગલે એવું લાગવાનું છે કે કોઈ તમને સમજતું નથી અને કોઈને તમે સમજાવી શકવાના નથી. કોઈ તમારા પગ ખેંચે છે અને એમ છતાં તમારે આગળ તો વધવાનું જ છે. ગમે એટલી મોટી નિષ્ફળતા આવે તો પણ હારવાની વાત નથી કરવાની કે નથી પાછા પાડવાની વાત કરવાની. આગળ વધવાની અને સફળતા મેળવવાની જ વાત કરવાની છે. કીડીને તમે જોઈ છે. કીડી જ્યારે કોઈ જગ્યાએ ચડતી હોય ત્યારે એ એક વાર પડે પણ પછી આગળ વધે, ફરી પાછી પડે અને ફરી એ આગળ વધે. આમ જેટલી વાર પડે જવાનું એ માંડી નથી વાળતી. દરેક વખતે આગળ વધે છે અને પોતાના ગોલ સુધી પહોંચે છે. પાડીને હાર માનવાને બદલે નવેસરથી આગળ વધવાનું નામ જ જીવન છે. જો તમે પડ્યા અને બેસી રહ્યા તો યાદ રાખજો કે કોઈ એક વાર કે બે વાર ઊભું કરવા આવશે, પણ પછી ત્રીજી વારથી તો તમારે જ ઊભું થવાનું છે. આ તમારું ડ્રીમ છે અને એ પૂરું કરવા માટે તમારે જ આગળ વધવાનું છે, ફરીથી ઊભા થવું અને સપનું પૂરું કરવું એ તમારી જવાબદારી છે. જે જવાબદાર ન હોય તેને સપનાં જોવાનો કોઈ હક નથી.



નિષ્ફળતા મળે અને એ દરેકને મળતી જ હોય છે, દરેક કામ કરતી વખતે, એ પહેલી વારમાં થઈ જાય એ જરા પણ જરૂરી નથી અને એ નિષ્ફળતા મળે એ પછી છેલ્લે સુધી એટલે કે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી લડતા રહેવાનું છે એ પણ એટલું જ નક્કી છે. નિષ્ફળતા એનું કામ કરશે, તમારે તમારું કામ કરવાનું છે.


તમને એક કિસ્સો કહું. મારા એક ફ્રેન્ડ છે. એક બહુ જાણીતી અને મોટી કંપનીમાં સીઈઓ છે. તેની કંપનીમાં તેના હાથ નીચે દસેક હજાર લોકો કામ કરતા હશે અને તે ડિરેક્ટલી પણ બહુ મોટી ટીમને હૅન્ડલ કરે છે એવા લોકોનો આંકડો ૧૦૦ જણનો હશે. મારે એક વખતે જ્યારે તેમને મળવાનું થયું ત્યારે મેં મજાકમાં તેમને પૂછ્યું કે જ્યારે તારો ઇન્ટરવ્યુ કંપનીમાં હતો ત્યારે એવો તે તને કયો જવાબ આપ્યો કે આ લોકોને તું સીઈઓની પોઝિશન માટે લાયક લાગ્યો?

થોડી વાર તો હસવામાં વાત ઊડી ગઈ, પણ પછી તેણે એ જે જવાબ આપ્યો એ સાંભળીને મને પણ શીખવા અને સમજવા મળ્યું. તેણે મને સ્પષ્ટઝતા સાથે સમજાવ્યું કે આવી મોટી પોઝિશન માટે જ્યારે ઇન્ટરવ્યુ હોય ત્યારે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરથી લઈને અલગ-અલગ ડિપાર્ટમેન્ટના હેડ પણ બેઠા હોય એમ છતાં એ લોકો ક્યારેય પ્રોડક્શન, ટીમ હૅન્ડલિંગ, મૅનેજિંગ વર્ક કે એવાં કોઈ કામ વિશે ક્યારેય પૂછે નહીં. લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છું અને મેં વર્ષોથી કામ કર્યું છે એટલે આ તો મને ખબર જ હતી, પણ એ ખબર નહોતી કે એ લોકો શું પૂછશે અને ક્યાંથી સવાલ કાઢશે? આ ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં નહીં પણ કહેવામાં આવ્યું કે તમારી પાસે અડધો કલાક છે, તમારી લાઇફના સૌથી મોટા ફેલ્યર વિશે અને તમે એ ફેલ્યરને કેવી રીતે હૅન્ડલ કર્યું એ વિશે વાત કરો. મારી પાસે અડધો કલાક હતો અને એ અડધા કલાક દરમ્યાન મારે એ વિશે જ કહેવાનું હતું. મેં જવાબ આપ્યો અને એ જવાબના આધારે મારું સિલેક્શન થયું.


ખૂબ જ સરસ વાત છે આ, જેના આધારે તેમણે આ સિલેક્શન કર્યું એમાં જોવાની વાત એ હતી કે જે માણસ પોતાની લાઇફના કપરા સમયમાં પણ જો જાતને સાચવી લે એ માણસ ભવિષ્યેમાં કંપનીને પ્રૉબ્લેમ આવે ત્યારે પણ એ સાચવી જ લે. આ વાતને જીવનમાં ઉતારવાની જરૂર છે. તમે તમારી જાતને નિષ્ફળતા સમયે કેવી રીતે ટકાવી રાખો છો એ જ મહત્ત્વનું છે. તમારી સામે જે પરિસ્થિતિ આવી છે એની સામે તમે કેવી રીતે ટકો છો, કેવી રીતે ઝઝૂમો છો એ જ મહત્ત્વનું છે. એની સામે હાર માની લો અને હથિયાર નીચે મૂકી દો એનો કોઈ મતલબ નથી. પડ્યા પછી ઊભા થનારાઓને જ દુનિયા યાદ રાખે છે.

૧૯૬૦માં મિલ્ખા સિંહ ઑલિમ્પિક જીતી નહોતા શક્યા, પણ એ હારને લીધે તેમણે રિટારમેન્ટ લેવાની વાત નહોતી કરી. તેમણે ફરી પાછા મેદાનમાં જઈને વધારે મહેનત કરી અને એ પછી જે થયું એ ઇતિહાસ બન્યો. જાતને ફેલ્યરમાંથી કેવી રીતે બહાર લાવો છો, એ ફેલ્યરમાંથી શું શીખો છો અને તમારી જાતને કેવી રીતે આવનારા કામ માટે તૈયાર કરો છો એ અને માત્ર એ જ મહત્ત્વનું છે. કેટલી જલદી એ હારને ભૂલીને આગળ વધવું એ તમારા હાથમાં છે અને જો એ હારના ભારણમાંથી નીકળી શકશો તો જ તમે નવાં સપનાંઓ જોઈ શકશો અને તો જ એ પૂરાં કરવાની હિંમત આવશે. કદી પણ એવું નહીં થાય કે લોકો તમને તમારી હારને કારણે યાદ રાખે અને એવું બને તો એવા સંજોગોમાં જ બનશે જ્યારે તમે ગંજાવર સફળતા મેળવી લીધી હોય અને એ પછી હાર્યા હો. એવું બને ત્યારે લોકો એ હારને પણ ભવ્ય બનાવીને એના દાખલા આપે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક દાખલાઓ છે. રોહિત શેટ્ટી હવે ફ્લૉપ ફિલ્મ આપીને નિષ્ફ ળ જાય તો પણ લોકો એની વાતો કરે અને એના દાખલા આપે.

દરેક વખતે તમારું ધાર્યું ન થાય અને એટલે જ ભગવાનમાં આપણે શ્રદ્ધા ધરાવીએ છીએ અને એટલે જ આપણે દરેક ઇચ્છા ભગવાનની ઇચ્છા માનીને આગળ વધીને દરેક નિષ્ફળતાને જોયા પછી પણ આ હજાર હાથવાળાની ઇચ્છા છે એવું ધારીને નવેસરથી બેઠા થવાના કામે લાગી જઈએ છીએ. આવો જ એક કિસ્સો કહું છુ તમને, જેમાં કદાચ ભગવાનની ઇચ્છા પણ પૂરી ન થઈ હોય એવું તમને દેખાશે.

લંડનમાં એક બહુ મોટા સંપ્રદાયનું મંદિર બનવાનું હતું. ટ્રસ્ટીઓએ સાથે મળીને જગ્યા ખરીદી. ત્યાં કામ કરવાનું શરૂ થયું અને બધી પરમિશન લઈને દિવસરાત ભવ્ય મંદિરના નિમાર્ણનું કાર્ય થવા લાગ્યું. ભારત હોત તો વાત અલગ હતી, પણ આ તો લંડન હતું અને એમાં પણ દિવસરાત મંદિરનું કામ ચાલે. આ થોડું સહન કરવાનું હોય. આજુબાજુના એરિયાના લોકોએ ફરિયાદ કરી કે આ મંદિરનું નિર્માણ દિવસરાત ચાલે છે જેને લીધે અમારા કામમાં અને પર્સનલ લાઇફમાં ખલેલ પડે છે. કામ કરતાં-કરતાં આ લોકો ભજન-ર્કીતન પણ કરે છે, એ પણ અમને ખૂબ ડિસ્ટર્બ કરે છે. કેસ થયો, કોર્ટમાં કેસ ચાલ્યો અને તારીખો પડ્યા કરે. આપણે ત્યાં આવી કોઈ સિસ્ટમને પ્રાધાન્ય નથી પણ ફૉરેનમાં સિગ્નેચર કૅમ્પેનને બહુ મહત્ત્વ મળે છે. લોકો એક થઈને સિગ્નેચર કૅમ્પેન કરીને રજૂઆત કરે તો એનું પરિણામ આવે. આમ પણ વાત લંડનની એટલે આપણા લોકો ઓછા હોય અને બીજી આપણી માનસિકતા. આ બધામાં શું કામ પડવું. સિગ્નેચર કૅમ્પેનમાં આપણે બહુ ઓછા એવા પુરાવા આપી શક્યા કે લોકો ઇચ્છે છે કે અહીં મંદિર બને. સિગ્નેચર કૅમ્પેનમાં આપણે ખાસ કંઈ ઉકાળી શક્યા નહીં એટલે કોર્ટે મંદિર વિરુદ્ધ ચુકાદો આપ્યો કે તમે એ જગ્યાએ મંદિર નહીં બનાવી શકો. ત્યાંના ટ્રસ્ટીઓએ ભારત ફોન કર્યો અને મહંતજીને કહ્યું કે આપણે કેસ હારી ગયા છીએ, હવે એ જગ્યાએ મંદિર નહીં બની શકે.

આ પણ વાંચો : શિકાર બનો, કાં ભૂખ્યા મરો

જો બીજી કોઈ વ્યક્તિ હોત તો આટલા બધા નુકસાન પછી અને આટલી મોટી વાત બન્યા પછી નાસીપાસ થઈ જાય. સ્વામીજીએ શાંતિથી સ્મિત સાથે જવાબ આપ્યો કે જેવી પ્રભુની ઇચ્છા. પ્રભુની ઇચ્છા નહીં હોય એ જગ્યાએ બિરાજવાની. બીજી જગ્યા શોધવાની શરૂઆત કરો, મંદિર તો આપણે બનાવીને જ રહીશું. આને કહેવાય જુસ્સો. જો તમે હારી ગયા, ઊભા ન થયા અને નિર્ણય ન લઈ શક્યા તો તમારા પર નિષ્ફળતા હાવી થઈ જશે, સવાર થઈ જશે અને નિષ્ફળતા જ્યારે પણ સવાર થતી હોય છે ત્યારે ઘોડા બનવાનું આપણાં ભાગમાં આવતું હોય છે. જો આગળ વધતા રહેશો તો જ ધાર્યું થશે. ધાર્યું તો જ થશે જો તમે મચેલા રહેશો.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 12:25 PM IST | | સંજય રાવલ - સંજય દૃષ્ટિ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK